• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • On The Bench In The Class And On The Chair In The House ... This Chair Has To Be Removed ... Do You Sit On This Chair All Day Hanging Your Legs ...

મારી વાર્તા:‘ક્લાસમાં બેન્ચ પર ને ઘરમાં ખુરશી પર... આ ખુરશી જ કઢાવી નાખવાની છે...આ શું આખો દિવસ આ ખુરશી પર પગ લટકાવીને બેસી રહે છે તું?’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘરમાં પગ મૂકતાં જ 'મમ્મી... મમ્મી..' રોજની માફક ઘરને પોતાના અવાજથી ભરતાં ચિત્રાએ સોફા તરફ દફ્તર ઉછાળ્યું અને ધબ દઈને ખુરશી પર બેઠી. હાથમાં રહેલી વોટરબોટલમાં રહેલા છેલ્લા બે ઘૂંટડા ભર્યા.

'અરે! ઊઠ જોઉં ખુરશી પરથી... તને કેટલીવાર કહેવાનું કે નથી બેસવાનું તારે આ ખુરશી પર. માણસ ઘરમાં આવીને હાથ પગ ધુએ... કે આમ ધબ દઈને ખુરશી પર બેસી જાય?'

'અરે માય ડિયર મમ્મી!' ચિત્રાએ મારી વાત જ જાણે નહોતી સાંભળી. પોતાની જ આગળ હાંકે રાખી, 'સાંભળ તો ખરી. કાલથી પંદર દિવસ સ્કૂલમાં મજાની લાઇફ છે.'

'કેમ..?'

'સ્પોર્ટ્સ ડે આવે છે ને તો કાલથી જેમણે જેમણે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય એમણે 3 પિરિયડ ભણીને પ્રેકટિસ કરવાની અને બાકી રહેલા વિદ્યાર્થીઓએ ક્લાસમાં બેસી વાંચવાનું.

ખુરશી પર બેઠાં-બેઠાં પગ હલાવતાં-હલાવતાં ચિત્રાએ પોતાની વાત આગળ ચલાવી.. ‘મમ્મી... ક્લાસમાં બેસીને કોણ વાંચવાનું? અમે તો ગપ્પાં મારવાનાં... બહુ બહુ તો હોમવર્ક પૂરું કરીશું.’

‘ચિત્રા આમ પગ લટકાવીને હલાવવા નહીં... કેટલીવાર તને ના પાડી છે...’

પણ મારું બોલવું ક્યાં એને પનારે પડે છે! પરાણે એને ખુરશી પરથી ઊભી કરી બાથરૂમ તરફ દોરતાં મેં કહ્યું, 'તો તું સ્પોર્ટ્સમાં ભાગ નથી લેવાની? આવતી કાલે જ તારે રનિંગમાં તારું નામ લખાવવાનું છે. હું આવીશ તારી જોડે સ્કૂલમાં. આપણે ક્લાસમાં બેસી નથી રહેવાનું. ક્લાસમાં બેન્ચ પર ને ઘરમાં ખુરશી પર... પપ્પાને કહીને આ ખુરશી જ કઢાવી નાખવાની હું એક દિવસ. બસ, આખો દિવસ આ ખુરશી પર પગ લટકાવીને મેડમ બેસી રહે.' બાથરૂમમાં હાથ પગ મોઢું ધોઈ બહાર આવતાં જ ચિત્રા મારી સાડી પકડી મને વીંટળાઈ વળી.

'પણ મમ્મી.. મને દોડવું નથી ગમતું..'

મેં એને બંને હાથેથી ઊંચકતાં કહ્યું... 'એ તો મારી લાડલીને હમણાં એવું લાગે પણ પછી પહેલા નંબરે આવીને ટ્રોફી હાથમાં લેતી વખતે કેવો આનંદ આવે છે... યાદ છે ને તને? ગયા વર્ષે પણ તને દોડવું નહોતું પણ મેં તારું નામ દોડમાં લખાવ્યું હતું અને ઘરે પણ આપણે ખૂબ પ્રેકટિસ કરી હતી અને પછી દોડમાં મારી દીકરી પહેલી આવી હતી ત્યારે કેવો આનંદ થયો હતો. રાત્રે આપણે આઇસ્ક્રીમ પાર્ટી લીધી હતી પપ્પા પાસે ત્યારે આપણને કેવી મજા આવી હતી હં ને...!'

'હા ભલે. હમણાં તો જમવાનું આપ. બહુ ભૂખ લાગી છે.' એમ કહી મારા હાથમાંથી ઊતરી જઈને ચિત્રા ફરી ખુરશી પર બિરાજી.

આ ખુરશી જ જાણે એનું સર્વસ્વ. સવારે ઊઠીને ચા નાસ્તો કરે કે પછી હોમવર્ક હોય કે જમવાનું... રાત્રે પપ્પાને આખા દિવસની વાતો કરે ત્યારે પણ આપણાં મેડમ આ ખુરશી પર જ. મેં એને જમવાનું આપ્યું. અને એણે જમતાં જમતાં સ્કૂલની વાતો કરી. જમીને ચિત્રા મારી જોડે વાતો કરતાં કરતાં ખુરશી પર જ સૂઈ ગઈ. હું એને ઊંચકીને અંદર સૂવાડવા લાગી તો એણે અડધી ઊંઘમાં જ કહ્યું... મમ્મી અહીં જ સૂવા દે. આજે બહુ લેસન આપ્યું છે. હું હમણાં જ જાગવાની છું અને એણે ખુરશી ન જ છોડી.

સાચું કહું તો મને આ ખુરશીની ઇર્ષા થતી. ચિત્રાએ મારો ખોળો છોડીને જ્યારથી ખુરશી પર બેસવા માંડ્યું. મને આ ખુરશી નથી ગમી. કંઈ નહીં કાલથી તો એના સ્પોર્ટ્સની તૈયારી શરૂ થશે એટલે આ ખુરશી પર બેસવાનું પણ ઓછું થઈ જવાનું અને એ દરમિયાન આમને કહીને આ વખતે તો હું આ ખુરશી થોડા વખત માટે ગેરેજમાં જ મુકાવી દઈશ. આ ખુરશીની આદત છોડાવવી જ રહી. મનોમન નક્કી કરી મેં થોડી હાશ અનુભવી અને હું પણ ઢાંકો ઢૂબો કરી ચિત્રાની નજીક જ નીચે આડે પડખે થઈ.

અચાનક જ ધબ અવાજ થતાં હું ઝબકીને જાગી ગઈ. ચિત્રા જમીન પર પડી ગઈ હતી.

'ઓહ ચિત્રા! તું કેમ ખુરશી પરથી ઊતરી... તને મેં કહ્યું છે ને કે તારે ખુરશી પરથી ઊતરવાનું નહીં બેટા.'

'મમ્મી મને પાણી પીવું હતું... પાણીની બોટલ તરફ હાથ લંબાવવા ગઈ તો પડી ગઈ.'

'અરે! પણ મને બૂમ મારવી હતી ને દીકરા... મને જરાક આંખ લાગી ગઈ હતી.’ મેં એને સાચવીને ખુરશી પર બેસાડતાં કહ્યું, ‘ક્યાં વાગ્યું બેટા..?’

'અરે નથી વાગ્યું મને મમ્મી..!'

પાણીનો ગ્લાસ હાથમાં આપતાં કહ્યું, 'ચિત્રા.. તારે ખુરશીથી ઊતરવાની કોશિશ નહીં કરવાની બિટ્ટુ.' મેં એના માથે હાથ ફેરવ્યો એના પગ અને ઘૂંટણ તપાસ્યા.. ઘૂંટણ પર સહેજ છોલાઈ ગયું હતું... પણ ચિત્રાને આની ખબર ક્યાંથી પડે...?

ખુરશી નીચે એના પગ લટકી રહ્યા હતા. ચિત્રાને જન્મથી જ ‘સ્પાઇના-બાયફિડા’ છે. એની કમર નીચેનો ભાગ સંવેદનારહિત છે. મને થોડીવાર પહેલાં આવેલું સપનું યાદ આવ્યું... સપનામાં હું એને દોડવાનું કહી રહી હતી.... ખુરશી છોડવાનું કહી રહી હતી... કોને જઈને પૂછું? કોઈ કહોને મને... ભર બપોરનું સપનું સાચું પડતું હશે?
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)