તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઇ પાર નથી!!

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક 75 વર્ષના વૃધ્ધને છાતીમાં ખૂબ દુ:ખાવો થતો હતો. દિવસે-દિવસે આ દુ:ખાવો વધતો જતો હતો અને હવે તો એ સહન કરવો બહુ મુશ્કેલ હતો. શહેરના હૃદયરોગના સૌથી નામાંકિત ડોકટર પાસે પોતાના હદયનું ચેકઅપ કરાવવાનું એમણે નક્કી કર્યુ. ડોકટરની અપોઇન્ટમેન્ટ લઇને એક દિવસ આ વૃધ્ધ એમની હોસ્પિટલ પર પહોંચ્યા. પૈસે ટકે ખૂબ સમૃધ્ધ હોવાથી બીજી કોઇ ચિંતા નહોતી.

ડોકટરે જાતજાતના ટેસ્ટ કર્યા અને તમામ ટેસ્ટના પરિણામ બાદ ડોકટરે વૃધ્ધને કહ્યું, 'દાદા, તમારા હૃદયની કેટલીક નળીઓ બંધ થઇ ગઇ છે. આ માટે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. હવે વધુ લાંબો સમય રાહ જોઇ શકાય એમ નથી.' દાદાથી તકલીફ સહન થતી નહોતી એટલે દાદા સહિત પરિવારના તમામ સભ્યોએ ઓપરેશન કરવા માટેની પરવાનગી આપી. બીજા જ દિવસે દાદાના હૃદયની બાયપાસ સર્જરી કરવામાં આવી.

હૃદયનું ઓપરેશન સફળ રહ્યું અને દાદાની ઉંમર 75 વર્ષ હોવા છતાં રિકવરી પણ ખૂબ સારી હતી. ઓપરેશનના એક અઠવાડિયાં પછી દાદાને રજા આપવાનું નક્કી થયું. આજે હોસ્પિટલમાં છેલ્લો દિવસ હતો. સવારે હોસ્પિટલ તરફથી દાદાના દિકરાના હાથમાં ઓપરેશન અને દવાઓ તથા હોસ્પિટલ ચાર્જનું બીલ આપવામાં આવ્યું. દાદાએ બીલ જોવાની ઇચ્છા વ્યકત કરી અને દિકરાના હાથમાં રહેલું બીલ માગ્યુ. બીલ હાથમાં લઇને દાદાએ એના પર નજર કરી અને ચૂકવાવાની કૂલ રકમ પર નજર પડતાની સાથે જ દાદા ઉંડા વિચારમાં સરી પડ્યા અને થોડીવાર પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

સાવ અચાનક દાદાને રડતા જોઇને ડોકટર સહિત ત્યાં હાજર બધાને આશ્વર્ય થયું. ડોક્ટરે કહ્યું, 'દાદા તમારા ઓપરેશન પહેલાં જ મેં અંદાજીત ખર્ચ અંગે આપના દિકરાને જાણ કરી હતી અને એની સંમતિ પછી જ તમાનું ઓપરેશન કર્યું છે છતાં પણ જો તમને બીલ વધુ પડતું લાગતું હોય તો હું મારા સંબંધોનો ઉપયોગ કરીને મેનેજમેન્ટને કહીને એમાં 5% જેવી રાહત કરી શકીશ.' દાદાએ આંખમાં આંસુ સાથે કહ્યું, 'ડોકટર સાહેબ, તમારું આ બીલ ભરવાનું છે એટલે નથી રડતો. આ બીલ તો મારો દિકરો ભરી આપશે એટલો સક્ષમ છે પણ મને એટલે રડવું આવી ગયું કે ભગવાને મારું હૃદય 75 વર્ષ સુધી બહુ જ સારી રીતે ચલાવ્યુ, કોઇ જ તકલીફ ક્યારેય ન પડવા દીધી અને એણે ક્યારેય મને એક રૂપિયાનું પણ બીલ મોકલ્યું નથી. મારા પ્રભુની મારા પરની આ કેવી કૃપા!'

કોઇ માણસ નાની એવી મદદ કરે તો પણ આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ છીએ અને એની એ મદદને કાયમ યાદ રાખીએ છીએ. ભગવાનની માણસજાત પરની કૃપાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એમની કરુણા કેવી અપરંપાર છે અને આપણને એ જ નથી ખબર કે પ્રભુ માત્ર આપણા હૃદયને નહીં આખા શરીરને કેટલું સરસ રીતે ચલાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઇ માણસે કરેલી મદદની નોંધ ન લઇએ તો શક્ય છે કે થોડા સમય પછી એ મદદ કરવાનું બંધ પણ કરી દે અને ભગવાનની મળેલી મદદની આપણે નોંધ લઇએ કે ન લઇએ એ કરુણાનો સાગર સતત પોતાની હેતવર્ષા કર્યા જ કરે છે. ભગવાનની આપણા ઉપરની કૃપાને સમજવા માટે માત્ર આપણું શરીર જ કાફી છે.

એક સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રાણુના મિલનથી માનવદેહનું બંધારણ થાય છે. શુક્રાણુના અંડકોષમાં પ્રવેશ થતાની સાથે જ એક સુરક્ષા કવચ રચાઇ જાય છે અને પછી એમાં બીજુ કંઇ પ્રવેશીને આ બીજને વિકસવામાં બાધા ઊભી કરતું નથી.

જરા વિચારો તો ખરા, આપણા રક્ષણની આટલી ચિંતા બીજું કોણ કરે? માતાના ગર્ભમાં ભ્રુણમાંથી પૂર્ણ શરીર સુધીની 9 માસની યાત્રામાં થતું બંધારણ કોઇ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને મળીને સમજીએ તો ખબર પડે કે કેટલી સુરક્ષાની વ્યવસ્થાઓ ભગવાને આપણા માટે માતાના ગર્ભમાં જ કરી આપી છે. આપણી પાસે ગમે તેવા આધુનિક સાધનો હોવા છતાં આપણે બાહ્ય ટેમ્પરેચરને મેન્ટેઇન નથી કરી શકતા અને એ શરીરની અંદર કોઇપણ જાતના સાધન વગર ટેમ્પરેચર મેન્ટેઇન કરે છે. જન્મબાદ પણ આ કાર્ય અદભૂત રીતે ચાલે છે. જ્યારે આપણે ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં પ્રવેશીએ છીએ એ સાથે જ શરીર બ્લડનો ફ્લો ઓછો કરીને આપણા શરીરનું તાપમાન ઘટાડી દે છે અને ગરમ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણમાં પ્રવેશીએ એ સાથે જ બ્લડનો ફ્લો વધી જાય છે. જેથી, શરીરમાં ગરમાવો આવે છે.

આપણા શરીરનો અત્યંત મહત્ત્વનો અને નાજૂક ભાગ છે આપણું મગજ. કરોડોની કિંમતના હીરા-ઝવેરાતની સલામતી માટે આપણે જેટલી તકેદારી લઇએ એના કરતાં વધુ તકેદારી ભગવાને મગજની સલામતી માટે લીધી છે. મગજના રક્ષણ માટે એક નહીં પણ ત્રણ આવરણ બનાવેલા છે. 1. ડયુરા મેટસ 2. પાયા મેટસ અને 3. એરાકનોઇડ મેટસ. આ ત્રણ આવરણોથી પણ સંતોષ ન થતાં જે ખોપડીમાં મગજને રાખવામાં આવ્યું છે એ ખોપડીનું હાડકું પણ અત્યંત મજબૂત બનાવ્યું છે. ખોપડીના આ હાડકાંની ઉપરની ચામડી પણ એવી જ મજબૂત છે. તમારા શરીરની બાકીના ભાગની ચામડી અને માથાના ભાગની ચામડી જોશો તો પણ ખબર પડી જશે કે બધી જ ચામડી કરતાં એ વધુ મજબૂત છે અને સાવ છેલ્લે માથામાં વાળ પણ મૂક્યા. જેથી, સીધી માથાની ચામડીને કોઇ અસર જ ન થાય. કુદરતે એક મગજ માટે કેવું સુરક્ષા કવચ બનાવ્યું છે! મગજની જેમ જ હૃદય અને ફેફસાંને પણ પાંસળી દ્વારા સુરક્ષા પૂરી પાડી છે.

શરીરમાં કોઇ જગ્યાએ વાગે અને પછી લોહી નીકળવાનું બંધ જ ન થાય તો? પણ પ્રભુએ આ બાબતે પણ આપણને મદદ કરી છે. લોહી નીકળવાનું શરૂ થતાંની સાથે જ ‘ડિફેન્સ મિકેનિઝમ’ શરૂ થઇ જાય છે. જુદા જુદા 13 ક્લોટિંગ ફેક્ટર સાથે મળીને જે જગ્યાએથી લોહી વહેતું હોય ત્યાં લોહીને ઘટ કરે છે અને પછી લોહી જમાવી દે છે. જેથી, વધુ પડતું લોહી શરીરની બહાર વહી ન જાય અને આ કામ કરવામાં શરીર માત્ર 4થી 5 મિનિટ જ લે છે.

શરીરની સૌથી અગત્યની બાબત છે આપણા શરીરની વિવિધ હોર્મોન્સ ગ્રંથીઓ એટલે કે લસીકા ગ્રંથીઓ. આ હોર્મોન્સ ગ્રંથીઓ એમને સોંપાયેલી કામગીરી કોઇપણ જાતની રજા રાખ્યા વગર 24 કલાક કર્યા કરે છે, જેને મેડિકલની ભાષામાં ‘સર કાર્ડિયન રીધમ’ તરીકે ઓળખવામાં આવે છે. આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે ઊંઘ કેમ આવી જાય છે એનો વિચાર કર્યો છે ક્યારેય? દિવસ દરમિયાન સતત કામ કરતા મગજને ધીમે-ધીમે શાંત કરવાનું કામ આ હોર્મોન્સ જ કરે છે. જેવી રીતે કોમ્પ્યૂટરને શટ-ડાઉન કરીએ એમ ઊંઘ માટે મગજને પણ શટ-ડાઉન કરવું પડે અને એ કામ હોર્મોન્સ બખૂબીથી નીભાવે છે. આ હોર્મોન્સ મગજની વિચારવાની ક્ષમતાને નબળી પાડીને, મેમરીને પણ ભૂંસીને એને સ્લિપિંગ મોડમાં લઇ જાય છે. આટલું જ નહીં, સવારે ફરીથી મજગને કાર્યરત કરે છે અને બધી જ મેમરી પણ પાછી આવી જાય છે. સવારે ઉઠયા પછી મેમરી રીકવર ન થાય તો શું થાય જરા વિચારો? તમારું મેળવેલું જ્ઞાન, તમારી એક્સપર્ટાઇઝ, તમારી ક્ષમતાઓ, તમારી સંપતિ આ બધાનું શું થાય જો ભગવાન સવારે સ્મૃતિદાન ન કરે તો?

આપણા માટે આટલું બધું કરનાર પરમાત્મા પર પૂરો વિશ્વાસ રાખજો. એ આપણને આ કપરા કાળમાંથી અવશ્ય ઉગારી લેશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો