તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:હે સંતાનો! જરા મા-બાપનો પણ વિચાર કરજો... સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે એનું ધ્યાન રાખજો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક યુવક કોલેજમાં અભ્યાસ કરે. દેખાવમાં અત્યંત સુંદર અને એની પર્સનાલિટી પણ ખૂબ સારી. એક દિવસ રીસેસના સમયે બધા મિત્રોએ સાથે બેસીને વાતોની મહેફિલ જમાવી હતી. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતાં કહ્યું, 'યાર, તારી પર્સનાલિટી કેવી જોરદાર છે અને તારું કપડાંનું સિલેક્શન પણ પરફેક્ટ હોય છે. તને જોઇએ એટલે કોઈ મોડલની યાદ આવી જાય. અમને બધા મિત્રોને થાય કે અમે પણ તારા જેવી પર્સનાલિટી ડેવલપ કરી શકીએ તો? ખરેખર યાર તું આપણી કોલેજનો હીરો છે પણ એક વાત મને મગજમાં બેસતી નથી. તારી અને તારા પપ્પાની પર્સનાલિટી વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ગઇકાલે સાંજે હું જ્યારે ખરીદી કરવા માર્કેટમાં ગયો ત્યારે તારા પપ્પા ભેગા થયેલા. એમનો પહેરવેશ જોઇને કોઇ એમ ન કહે કે એ તારા પપ્પા હશે. સામાન્ય મજૂર જેવા લાગતા હતા.' પોતાના પિતાની આવી વાત સાંભળીને યુવાન જરા ક્ષોભીલો પડી ગયો.

કોલેજ પૂરી કરીને ઘરે આવ્યા પછી આ યુવકે પોતાની મમ્મીને આજે કોલેજમાં બનેલી ઘટના વિશે વાત કરતા કહ્યું, 'મમ્મી તું જરા પપ્પાને સમજાવ. એ મારી પર્સનાલિટી પર પાણી ફેરવે છે. જરા કંઇ ઢંગનાં કપડાં પહેરતા હોય તો એમને શું થવાનું? સમાજમાં કેવી રીતે રહેવું અને કેવાં કપડાં પહેરવાં એ જરા શીખે તો મારે મારા મિત્રો સામે શરમથી નીચે જોવાનો વારો ન આવે.' મમ્મીએ બધી જ વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું, 'બેટા, હું પણ તારી વાત સાથે સહમત છું. સાંજે તારા પપ્પાને આ બાબતે વાત કરીશ.'

સાંજે એ યુવકના પપ્પા કામ પરથી થાક્યા પાક્યા ઘરે આવ્યા. જમી લીધા પછી પત્નીએ પોતાના પતિને વાત કરતાં કહ્યું, 'આજે આપણા ચિંટુની કોલેજમાં એના મિત્રો ચિંટુને તમારી વાત કરતા હતા કે તારા પપ્પા એક નંબરના કંજુસ છે. સારાં કપડાં પણ પહેરતા નથી. તમારી રહેણીકરણીને કારણે આપણા ચિંટુની તેના મિત્રો મજાક કરે છે તે મને પણ નથી ગમતું. સાચું કહું, આપણે ક્યાંક બહાર જઇએને ત્યારે મને પણ થાય કે તમારા માટે થોડાં વધુ જોડી કપડાં ખરીદ્યા હોય તો તમે સારાં કપડાં પહેરી શકો.'

પત્નીની વાત શાંતિથી સાંભળ્યા પછી એ ભાઇએ જવાબ આપ્યો, 'તમારી બંનેની વાત સાવ સાચી છે. મારે ખરેખર કોઈ ઢંગનાં કપડાં પહેરવા જોઇએ અને મને એવાં કપડાં પહેરવાની ઇચ્છા પણ થાય છે.' પત્નીએ તુરંત કહ્યું, 'તો પછી તમે કેમ સારાં કપડાં નથી લેતાં?' પતિએ હસતાં હસતાં કહ્યું, 'આપણી પાસે આવકના બીજા કોઇ મોટાં સાધનો નથી. હું નોકરી કરું છું અને તેમાંથી આપણું ઘર ચાલે છે. થોડી ઘણી બચત હોય એ ચિંટુ માટે વપરાઈ જાય છે. હવે જો હું સારાં કપડાં પહેરવામાં પૈસા ખર્ચી નાખું તો પછી આપણા ચિંટુની પર્સનાલિટીને અનુરૂપ કપડાં, બુટ, મોબાઇલ અને બાઇક એને કેવી રીતે લઇ આપું?'

***

પિતાના પૈસાથી મોજમજા કરતા દરેક યુવાનોએ આ વાર્તા પર વિચાર કરવાની જરૂર છે. આપણને ચમકતા રાખવા માટે આપણાં માતા-પિતા ઘસાઇ જતા હોય છે અને ઘણીવાર એ ઘસાયેલાં માતા-પિતાને જોઇને આપણને શરમ આવે છે. હું ગામડાંમાં રહીને મોટો થયો છું અને મેં કેટલાય એવા માતા-પિતાને જોયાં છે જે પોતાના દીકરા-દીકરીને ભણાવવા માટે મોટા શહેરમાં મોકલે છે. અરે, ઘણી વખત તો પોતાની ક્ષમતા બહારનો ખર્ચ કરીને વિદેશમાં પણ મોકલે છે. સંતાનો શહેરમાં મિત્રો જોડે મજા કરતા હોય અને ગામડાંમાં માતા-પિતા દિવસ-રાત મજૂરી કરીને પૈસાની બચત કરતા હોય.

સંતાન તરીકે આપણી ફરજ છે કે આપણાં માતા-પિતાનાં સપનાંઓને પૂરાં કરીએ. કેટલીક વખત અમુક મિત્રોની સોબતને કારણે રસ્તો ભટકી જઇએ છીએ અને આપણા ધ્યેયથી વિચલિત થઇને એવા માર્ગે વળી જઇએ છીએ કે જે આપણને અને આપણા પર અનેક આશાઓ રાખનાર માતા-પિતાને નિરાશ કરીએ છીએ. પિતાએ પાઇ પાઇ બચાવીને મોકલાવેલા પૈસા ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ગિફ્ટ આપવામાં જ ન ખર્ચાઈ જાય એની જરા તકેદારી રાખવી. આ વાત પરથી એવું નહીં માનતા કે હું કોઇ 18મી સદીનો ઓર્થોડોક્સ માણસ છું. હું તો માત્ર એટલું જ કહેવા માગુ છું કે પ્રેમનો દેખાડો કરનાર વ્યક્તિ માટે વાસ્તવિક રીતે પ્રેમ કરનારા ગૌણ ન થઇ જાય એ જોવું.

યાદ છે દોસ્તો, આપણે સાવ નાનાં-નાનાં હતાં ત્યારે મમ્મી કે પપ્પા ખાવાની સારી સારી વસ્તુઓ આપણા માટે સાચવીને રાખતા. મમ્મી વાડીએ ગઇ હોય અને પરત આવતી વખતે રસ્તામાં બોરડીમાં પાકેલા બોર દેખાય તો ઊભી રહીને બોર તોડે. એને ખાવાની ખૂબ ઇચ્છા થતી હશે પણ બધી ઇચ્છાઓને દબાવીને એ બોરને સાડલાના છેડે બાંધીને પોતાના વહાલાં દીકરા-દીકરી માટે ઘરે લાવે અને પપ્પા પણ કંઇક આવું જ કરતા હતા. આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં ઘણીવખત માતા-પિતા એમના મનની ઈચ્છાઓને મારી નાખે છે. આપણી અને એમની બંનેની ઈચ્છાઓ સાથે સંતોષી શકાય તેમ ન હોય ત્યારે હત્યા હંમેશાં એમની ઇચ્છાઓની જ થાય છે અને આપણને એની ખબર પણ પાડવા દેતા નથી.

આપણે સંતાન તરીકે આપણાં માતા-પિતાને શું આપી શકીએ? બસ એક જ બાબત ધ્યાનમાં રાખીએ કે આપણને આપવામાં આવેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે. માત્ર આપણા માટે નહીં, થોડું એમના માટે પણ જીવીએ. કોઇ બે-ચાર મીઠી મીઠી વાતો કરીને માત્ર થોડા દિવસની ઓળખાણ હોવા છતાં જાણે જન્મોજન્મનો સંબંધ હોય એવી ભ્રમણામાં નાખે છે ત્યારે ખરેખર જેની સાથે જન્મોજન્મનો સંબંધ છે એવાં મા-બાપ મીઠી મીઠી વાતો ન કરી શકતા હોવાના કારણે કે એમને એવી વાતો કરતા આવડતું ન હોવાના કારણે તમારાથી દૂર જતા ન રહે એનું ધ્યાન રાખવું. પારકાને પોતાના કરવાની દોડાદોડીમાં પોતાના જ પારકા ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...