તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:હવે ધોરણ 12ની પરીક્ષા રદઃ મામલો ઊલટાનો વધુ ગૂંચવાયો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીજી લહેર માંડ શાંત થવા લાગી છે ત્યારે ધોરણ 12ની પરીક્ષાઓ યોજવાનું જોખમ લેવાના બદલે તેને રદ કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ નિર્ણય લાંબો વિચાર કર્યા વિના અને એવી રીતે લેવાયેલો લાગે છે કે એક સમસ્યા ઉકેલવા જતા બીજી બે ઊભી થાય.

કાર્તિકેય ભટ્ટ (KB): પરીક્ષા દસમાની હોય કે બારમાની સામુહિક આરોગ્યની પ્રવર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં લેવી કેવી રીતે? આ જ મૂળ પ્રશ્ન છે. માટે હાલ તો બારમાની પરીક્ષા પણ રદ થઈ તે જ યોગ્ય છે. ઘણા દલીલ કરે છે કે બાદમાં પણ લઈ શકાય. પરંતુ પછી એટલે ક્યારે? અને પરીક્ષાની ચિંતા કરનારા લોકોએ શિક્ષણની તો ચિંતા કરી જ નથી! આપણે બાળકોને ખરેખર ભણાવ્યા હતા ક્યારે?
દિલીપ ગોહિલ (DG): મૂળ પ્રશ્ન શું છે તે મુખ્ય સવાલ થઈ ગયો છે. સરકારને પ્રશ્ન શું અને સમસ્યા શું તેની જ જાણે સમજ ના હોય અને અધ્ધરતાલ નિર્ણયો લેતી હોય તેવી છાપ ફરી વાર પડી છે. વિદ્યાર્થીઓનું શું થશે, એડમિશનનું શું થશે, શિક્ષણનું શું થશે તેની ચિંતા કરવામાં આવી નથી. ચિંતા એટલી જ છે કે પરીક્ષાઓ પતી અને ત્રીજી લહેર શરૂ થઈ અને તેમાં યુવાનોને વધારે ચેપ દેખાયો તો દોષનો ટોપલો માથે આવશે. તેથી, હાઉ કરો, પરીક્ષા રદ કરો. હા, પરીક્ષાની ચિંતા કરનારાએ શિક્ષણની ચિંતા કરી ખરી? એવો પ્રશ્ન સૌથી અગત્યનો છે એ વાત સાથે સહમતી.

KB: કેન્દ્રિત ઔપચારિક શિક્ષક પદ્ધતિની આ મર્યાદા છે. આપણે એક સાથે સાત લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની હતી. તેઓના વાલી સહિત ચૌદથી પંદર લાખ લોકોએ એક સાથે ઘરની બહાર નીકળવાનું થાય. તેમનું ટ્રાન્સપોર્ટેશન અને બીજી જરૂરિયાતોનો વિચાર કરો તો મોટી ઉપાધિ થાય તેમ હતી. એટલે કે, નજીકના આગામી સમયમાં પરીક્ષા લઈ શકાય તેવી સ્થિતિની શક્યતા ઓછી. હા, વર્ષની શરૂઆતમાં જ આ શૈક્ષણિક વર્ષને ઝીરો યર જાહેર કરી દેવાની જરૂર હતી. પરંતુ એવું થઈ શક્યું નથી.
DG: ઝીરો યર જાહેર કરી દેવાની વાત વધારે લોજિકલ લાગે છે. વેક્સિનેશન મોટા પ્રમાણમાં ન થાય (જલદી થાય તેવું લાગતું નથી) ત્યાં સુધી રોગચાળાનો ભય રહેવાનો છે. આટલી સમજ સરકારમાં હોત તો આ વર્ષે શૈક્ષણિક વર્ષનું શું કરીશું તે વિચારી લેવાનું કામ શિક્ષણશાસ્ત્રીઓને સોંપી દેવાની જરૂર હતી. તે થઈ શક્યું નથી એટલે હવે સરકાર ફાંફા મારે છે કારણ કે, લાખો વિદ્યાર્થીને બહાર કાઢવાની વાત તકલાદી બહાનુ છે. ધોરણ 10ની પરીક્ષા સવા આઠ લાખ વિદ્યાર્થીઓની રદ કરી, પણ રિપિટર અને એક્સટર્નલ એવા પોણા ચાર લાખની પરીક્ષા તો લઈશું જ એવું નક્કી થયેલું છે. (નિર્ણયમાં યુ ટર્ન આવે તો નવાઈ નહીં લાગે). એટલે સવાલ સંખ્યાનો જ હોય એવું લાગે. 8 લાખની પરીક્ષા ના લઈ શકાય પણ 4 લાખની લઈ શકાય! લોકોને કહેવાનું કે એકઠા ન થાઓ અને ચૂંટણીસભામાં લાખોનાં ટોળાં એકઠાં કરવાના. નીતિના બે રંગ નહીં, અનેક રંગ કોરોના સંકટે દેખાડ્યા છે.

KB: એ રીતે વિચારો તો વાલીઓ અને સંચાલકોમાં પણ દોરંગી નીતિ દેખાય છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય, પ્રવેશનું ધોરણ... આવા મુદ્દાઓ આગળ કરીને ઘણા પરીક્ષા લેવાની વાતો કરે છે. તેના મૂળમાં આ સાત લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી. આ તો મેડિકલ, એન્જિનિયરિંગમાં સંતાનોને પ્રવેશ અપાવી દેવા માગનારા લોકોની માગ છે. ઘરે બેસીને પણ જે વિદ્યાર્થીઓને શિક્ષણ મળી ગયું છે તેવા સંપન્ન પરિવારોની આ ચિંતા છે. આ ચિંતા માત્ર દસ પંદર હજાર વિદ્યાર્થીઓ માટેની જ છે. મેરિટના નામે લાખો રૂપિયાની કમાણી કરી લેવા માટેનું બજાર ચલાવતા શૈક્ષણિક સંસ્થાના સંચાલકોની આ ચિંતા છે. બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એટલે બધા જ પ્રવેશ માટેના દાવેદાર થઈ જાય. પ્રવેશ નીતિ સરકાર નક્કી કરે તેવો પણ ભય સંચાલકોને લાગ્યો હશે.
DG: યથા નેતા, તથા પ્રજા. નેતાઓ ટોળાં કરે, તે જોઈને લોકો પણ બેફામ ફરે છે. પરંતુ તમે આગળ જે સવાલ કર્યો હતો તે વધારે અગત્યનો હતો કે શિક્ષણની કોને ચિંતા છે? ધનિક વાલીઓ પૈસા ખર્ચીને પણ પોતાના સંતાનને એડમિશન અપાવી દેવા માગે છે. કોલેજ સંચાલકો કમાણી કરી લેવા માગે છે. પરંતુ આ પાપી પ્રવૃત્તિ રાબેતા મુજબની સ્થિતિમાં પણ સરકાર ચાલવા દે છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ નેતાઓની છે એટલે શિક્ષણની તો ઘોર ખોદી નાખી છે. પરંતુ આ સંકટ સમયે તો અલગ રીતે વિચારવાની જરૂર હતી. અલગ નહીં વહેલા વિચારવાની જરૂર હતી અને શિક્ષણ ક્ષેત્રના ‘અસલી’ વિદ્વાનોને સાથે બેસાડવાની જરૂર હતી.

KB: આદિવાસી વિસ્તારના, આર્થિક રીતે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પછાત રહી ગયેલા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી ગયા છે. તેમના શિક્ષણની ચિંતા કોઈએ કરી નથી. ધોરણ બાર સાયન્સમાં પ્રેક્ટિકલ ઘણા અગત્યનાં ગણાય છે. તેની ચિંતા કોઈએ કરી, કોણે પ્રેક્ટિકલ કરાવવા માટેની માગણી કરી?
DG: ડ્રાઇવ-થ્રુ મોંઘી રસીની વ્યવસ્થા કરનારી સરકાર પાસેથી આદિવાસી, પછાતોનાં બાળકોને શિક્ષણ મળે, એડમિશન મળે, તક મળે તેવી આશા રાખવી જ વધારે પડતી છે અને અગેઈન પ્રેક્ટિકલ થયા કે નહીં, ઓનલાઇન શિક્ષણમાં શું ભાવી શકાયું, બાળકોને ઘરે રાખીને કેવી રીતે તેમને જાતે જાણકારીની આંતરિક યાત્રાએ નીકળવા પ્રેર્યા એવી બધી વાતો કરીને શું ફાયદો?

KB: સરકાર નિર્ણય કરે ત્યારે તેમાં રાજકારણ પણ હોય જ. પણ આ રાજકારણ વિદ્યાર્થીઓને ઉપયોગી છે. ત્રીજી લહેરમાં બાળકો અને કિશોરો સંક્રમિત થવાનો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કદાચ તેથી સરકાર વધારે જોખમ લેવા માગતી નહોતી. બીજું કે મોટાભાગના પ્રોફેશનલ કોર્સિસની પ્રવેશ પરીક્ષા હોય છે. તેમાં દસમા કે બારમાની માર્કશીટના આધારે સીધો પ્રવેશ નથી. માત્ર દસમા અને બારમાની પરીક્ષા રદ થઈ તેની જ ચિંતા કેમ? પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે એન્ટ્રન્સ પરીક્ષાઓ લઈને એડમિશન આપી જ શકાય.
DG: પરંતુ આ બધા મુદ્દાની વિચારણા નિર્ણય લેતાં પહેલાં કરવી જોઈએ. લાંબું વિચાર્યા વિના જ કેન્દ્ર સરકારે કામ કર્યું એવી છાપ પડી છે. ગુજરાત સરકારે તૈયારીઓ કરી લીધી હતી. એટલે ગુજરાત સરકારને ત્યારે કોઈ વિચાર આવ્યો નહોતો ઇતિ સિદ્ધમ્. હવે પણ વિચાર્યા વિના કેન્દ્ર સરકારે નિર્ણય લીધો એટલે અનુકરણ કરી નાખ્યું. દસમા ધોરણમાં કેવી રીતે માર્કશીટ તૈયાર કરવી તેમાં ગોથાં ખાતી સરકાર બારમા પછી શું? એ પ્રશ્નને ઉકેલવાને બદલે ગૂંચવી માર્યો છે.

KB: ઘણા લોકો અસલ પરીક્ષા નહીં પણ પરીક્ષા લેવાનું નાટક કરી નાખવા માગે છે. આ લોકો IMP શોધવી, પેપર ફોડવા અને મેળવવા, કોપી કરાવવી, પેપર ચકાસનારા સુધી પહોંચવું અને કૃપાગુણ અપાવીને પાલ્યને પાસ કરાવવા માટે દોડાદોડ કરનારા લોકો છે. આમની તો એક જ વાત - બસ પરીક્ષા થઈ જાય! આપણે ખરેખર શિક્ષણની ચિંતા કરવાની જરૂર છે. શિક્ષણ હોય તો પરીક્ષા હોય! આવનારા સમયમાં શિક્ષણ કેવી રીતે ચલાવીશું. એની ચિંતા વધારે કરવાની જરૂર છે. પરીક્ષા તો જિંદગી લેવાની જ છે!
DG: શિક્ષણની જ ચિંતા નથી તે ચિંતા છે. આરોગ્યની ચિંતા નથી થતી તે જ ચિંતા છે. રસીકરણ ઝડપથી કરવું પડશે તેની ચિંતા નથી દેખાતી તે જ ચિંતા છે. જિંદગી તો જિંદગીભર પરીક્ષા લેતી જ રહે છે પણ અત્યારે સરકાર નાગરિકોની કસોટી કરી રહી છે!
(કાર્તિકેય ભટ્ટ પ્રોફેસર અને દિલીપ ગોહિલ સિનિયર પત્રકાર તથા રાજકીય વિશ્લેષક છે)