મારી વાર્તા:‘હવે તો છોડ એ ડોસીનો હાથ...! ક્યાં સુધી પકડી રાખીશ, બાયલા?’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘તમે એમ્બ્યુલન્સ માટે જલ્દી ફોન કરો... કાઢો આ ડોસીને, લઈ જાઓ અહીંથી...! આમ આડાંઅવળાં ફાંફાં શું માર્યા કરો છો ક્યારના?’ રસોડામાંથી મીના તાડૂકી.

‘હા... એ જ કરું છું. તું શાંતિ રાખ.’

એણે એમ્બ્યુલન્સ માટે ફોન જોડ્યો. બાની ઢળેલી આંખો થોડી થોડી ફરકતી હતી. છાતી ધમણની જેમ જોરજોરથી ધબકતી હતી. શ્વાસ ફૂલતો જતો હતો.

બાના સુક્કા ચહેરાને એ એકીટશે તાકી રહ્યો. આખી જિંદગી ખલાસ કરી નાખી આમ ને આમ, અમને બેઉ ભાઈ-બહેનને ઉછેરવામાં! જીવનભર કેટલું વેઠ્યું પોતાનાં સંતાનોનાં સુખ ખાતર! દુનિયાને આવી થોડી ખબર હોય છે!

બાને ‘કોરોના’ તો નહીં થયો હોય ને? અચાનક ક્યાંકથી ધસી આવેલા ભયંકર વિચારે એના મગજ ઉપર કબજો જમાવી દીધો. એ આખ્ખો ધ્રૂજી ઊઠ્યો. બાને એની દયા આવતી, અને એને બાની. પણ શું થાય, મીના પાસે કોઈનું તલભારેય ક્યાં ઊપજતું! થોડી વારે એમ્બ્યુલન્સ આવી. એસ. વી. હૉસ્પિટલના કર્મચારીઓ સ્ટ્રેચર લઈને એના ઘર તરફ આવી રહ્યા હતા.

‘અતુલભાઈ અમીન... લક્ષ્મીબેન..?’

‘હા, આ જ ઘર.’

‘તમે ઘરની મુખ્ય બે-ત્રણ વ્યક્તિઓ હૉસ્પિટલે પહોંચો, ત્યાં ગેટ પર અંદર ઊભા રે'જો.’ ગાડી સ્ટાર્ટ કરતી વખતે ડ્રાઇવરે એને સૂચના આપી. કારમાં બહેન-બનેવી સાથે એ હૉસ્પિટલે પહોંચ્યો.

ત્યાં જઈને જોયું તો હૉસ્પિટલની આગળની ખુલ્લી જગ્યામાં, બરોબર વચ્ચે, બાનું સ્ટ્રેચર એકલું પડ્યું હતું. સ્ટ્રેચર પાસે કોઈ નહોતું. ‘દર્દીનાં સગાંવહાલાંઓએ દર્દી પાસે ઊભા ન રહેવું.’ એવી સૂચનાનું બોર્ડ એણે હૉસ્પિટલના મુખ્ય દરવાજા પર વાંચ્યું હતું.

એને થયું, માણસની જિંદગીનો આવો પણ એક કરુણ અંજામ હોઈ શકે. એને સ્વાતિ યાદ આવી ગઈ. એમ.જી.સાયન્સ કૉલેજમાં બંને સાથે હતાં. સ્વાતિ એક સાવ સામાન્ય ઘરની પણ સંસ્કારી છોકરી હતી. અત્યંત સૌમ્ય, ગૌરવર્ણો ચમકતો ચહેરો અને સરળ સ્વભાવ. બી.એસસી. કર્યા પછી તરત જ, પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે, સ્વાતિએ એસ. વી. હૉસ્પિટલમાં નોકરી સ્વીકારી લીધી હતી. ત્યાર બાદ સ્વાતિ સાથે એને કોઈ સંપર્ક રહ્યો નહોતો.

‘તું તદ્દન કાયર છે. આટલો બધો માવડિયો હોઈશ એવી જો મને પહેલેથી થોડીઘણીય ગંધ આવી ગઈ હોત તો....’ વાક્ય પૂરું કરે તે પહેલાં જ સ્વાતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. એકાએક ઊભી થયેલી નાજુક પરિસ્થિતિના કારણે એ ક્ષોભવશ, અંદરથી સમસમી ગયો હતો. જાણે પગ તળેથી જમીન સરકી રહી હતી!

સ્વાતિ સાથે એની એ છેલ્લી મુલાકાત હતી. એક સંબંધ હજુ હમણાં જ પાંગર્યો હતો, અને એ જ સંબંધ તરત જ કરમાઈ પણ ગયો, કેમ? એ ઊંડા અફસોસમાં ડૂબી જતો.

બાની જીદના કારણે એ પૂરી બાજી હારી ચૂક્યો હતો. સ્વાતિના પિતાની સામાન્ય આર્થિક સ્થિતિ બાને હરગિઝ મંજૂર નહોતી. પૈસા વિના આ દુનિયામાં બધું નકામું છે. બાને મનાવવાનું અતિ દુષ્કર હતું. બહેને પણ બાનો જ પક્ષ લીધો હતો અને ઘસીને ના પાડી દીધી હતી, ખાલી રૂપને શું ધોઈ પીવું છે....અને આ બધી સંસ્કારની વાતો ઠીક છે મારા ભાઈ, છેલ્લે તો હરીફરીને બધા પૈસા અને સંપત્તિની મુખ્ય વાત પર જ આવી જતાં હોય છે!

એક બાજુ પ્રેમ હતો, બીજી બાજુ માની મમતા, અને વચ્ચે ડગુમગુ એક મન. એ વિચારતો રહેતો, શું કરવું હવે? બાની વાત્સલ્ય અને મમત્વથી છલોછલ વૈચારિકતાના વહેણમાં તણાવા સિવાય આખરે બીજો કોઈ રસ્તો પણ નહોતો!

ક્યારેક એ ઊંડાં વિચારોમાં સરી પડતો- બાનું એ પગલું વાજબી હતું કે નહીં? એકવાર આવેલી તક સમયના વહેણમાં વહી જાય છે, પછી પાછળ બાકી વધે છે કેવળ વસવસો અને વ્યથા.

‘કદાચ બાને પણ...’ફરી પેલા ભયાનક વિચારે એના સમગ્ર અસ્તિત્વને ઘેરી લીધું. એને આંખે અંધારાં આવવા માંડ્યાં. નીચે જમીન પર ફસડાઈને એ બેસી પડ્યો.

‘શું થાય છે?’ બનેવીએ પૂછ્યું.

‘છાતી પર દબાણ થાય છે, અંદર દુ:ખાવો ઉપાડ્યો છે... કોઈ ડૉક્ટરને જલ્દી બોલાવો...’

‘મિસ્ટર અતુલ, આજે તમને ડિસ્ચાર્જ કરવાના છે, નાઉ યુ આર ઓલરાઈટ.’ ડૉક્ટર મહેતાએ હળવા સ્મિત સાથે કહ્યું.

‘થેન્ક યુ વેરી મચ, સર.’

આખા મોઢે માસ્ક અને PPE સૂટ પહેરેલી એક આધેડ વયની નર્સ દૂરથી ક્યારની એને ડૉક્ટર મહેતા સાથે વાતો કરતો જોઈ રહી હતી. હળવે હળવે તે એના બેડ તરફ આવતી દેખાઈ. એની આંખો ચમકી. કદાચ સ્વાતિ જ હોવી જોઈએ. એના ઉદાસ ચહેરા પર ખુશીની એક આછી લહેર પથરાવા લાગી. ચાલ તો સ્વાતિ જેવી જ છે, યસ! એના હોઠ જરા હલ્યા.

નર્સે ચહેરા પરનો માસ્ક ધીરેથી થોડો હટાવ્યો. પછી એની પાસે આવીને ઊભી રહી. એ એકદમ ચોંકી ગયો. એના અચંબાનો પાર ન રહ્યો. કેટલાં વર્ષો પછી એ સુંદર ચહેરો આજે આંખો સમક્ષ ઓચિંતો પ્રગટ થયો હતો.

‘ઓહ...સ્વાતિ...? તું?....ઓહ...મને હતું જ કે....’

‘મિસ્ટર અતુલ, હવે હું તમારા માટે એ વ્યક્તિ નથી રહી કે તમે મને ‘તું’ કહીને સંબોધી શકો! બાય ધ વે, હું મિસિસ શ્વેતા મહેતા, એટલે કે ડૉક્ટર તુષાર મહેતાની વાઈફ. મેં આ હૉસ્પિટલ જોઈન કરી તે પછીના જ વર્ષમાં અમારાં મેરેજ થયાં હતાં. ડૉક્ટર તુષાર મહેતા ઈઝ માય હસબન્ડ. આ ‘શ્વેતા’ નામ ડૉક્ટર મહેતાએ મને આપેલી અમૂલ્ય ભેટ છે. પાંચ દિવસ પહેલાં ‘રિસેપ્શન કાઉન્ટર’ પર તમારો કૉલ મેં જ રિસીવ કર્યો હતો. તમારો અવાજ સાંભળીને મેં જ એ ફોન તરત બીજી નર્સને આપી દીધો હતો. અલબત્ત, મારે જ વાત કરવી નહોતી. તમારાં મધરની ટ્રીટમેન્ટ પણ ડૉ. મહેતાએ જ કરી હતી, અને એમને તે દિવસે સાંજે જ ડિસ્ચાર્જ કરી દીધાં હતાં. તમને માઈલ્ડ સ્ટ્રોક હતો, તેથી ત્રણ દિવસ ICUમાં રખાયાં હતાં. જો કે તમારે હવે તમારી ખુદની કેર લેવાની ખાસ જરૂર છે.’

‘પણ... સ્વાતિ... આઈ મીન મિસિસ શ્વેતા મહેતા... બે મિનિટ તો..’

‘ના, જરાય નહીં, મારી પાસે સહેજેય સમય નથી... તમારા જેવા કેટલાય દર્દીઓ હજુ મારે ચેક કરવાના છે...! મેં મારા કદરુપા અતીતને સમયની કઠ્ઠણ જમીનમાં ક્યારનોય દફનાવી દીધો છે. હું ઈચ્છું કે, તમે પણ એ અતીતના ટુકડાને દૂર ફેંકી દો. જાવ, ઝડપથી તૈયાર થઈ જાવ અને ઘરે પહોંચો! મોડું ન કરો, ઘરે તમારાં વહાલાં મધર અને વાઈફ તમારી રાહ જોઈને બેઠાં છે! હરી અપ, ઑલ ધ બેસ્ટ!’

ભારે હૃદયે સ્વાતિને જતી એ જોઈ રહ્યો. સામેની ભીંત પર ટીંગાડેલ પતિ-પત્ની અને બે બાળકોના ‘સુખી કુટુંબ’ ના ચિત્ર પર એની શુષ્ક નજર ક્યાંયવાર સુધી ચોંટી રહી. ફરી ક્ષુબ્ધ આંખોમાં જૂનાં સ્મરણો, ઘાટી નીંદરમાંથી આળસ મરડીને, એકાએક જાગી ગયાં. વ્હીલચેર લઈને પાછળ ઊભેલાં એક ભાઈએ મોટા અવાજે કહ્યું, ચાલો તૈયાર થઈ ગયાં ને...?

કાર ઘર આગળ આવીને થોભી. બનેવીનો હાથ પકડીને એ કારમાંથી નીચે ઊતર્યો.

‘આવી ગયો બેટા...? સારું છે ને...? આવ..!’ ઝાંપે ઊભેલી બાએ એનો હાથ તુરંત પકડી લીધો.

‘સારું ત્યારે, ધ્યાન રાખજો’ - કહીને બનેવી ઝાંપેથી જ એમના ઘરે જવા નીકળી ગયાં.

એ સોફામાં બેઠો, અને એ ધારી ધારીને બાને જોવા લાગ્યો. બાના હાથની પકડ હવે થોડી થોડી ઢીલી પડવા લાગી હતી. એમના હાથમાંથી પોતાનો હાથ છોડાવવાનો હજુ એ પ્રયાસ કરતો હતો ત્યાં તો બીજા રૂમમાંથી મીનાએ મોટો ઘાંટો પાડ્યો, ‘હવે તો છોડ એ ડોસીનો હાથ...! ક્યાં સુધી પકડી રાખીશ, બાયલા? જિંદગી આખી બરબાદ કરી નાખી... મારી મમ્મી તો પહેલેથી જ કે'તીતી, આ છોકરામાં છાંટોય નૂર નથી, પણ એ એકલી વિધવા બિચારીનું માને પણ કોણ...? ભોગ મારાં કે......’

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)