ઇતિહાસ ગવાહ હૈ:સર્વાનુમત વડાપ્રધાન નહીં, પણ સાંસદોના મતદાનથી વડાપ્રધાન બનવાની ઐતિહાસિક ઘટના

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંડિત નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી સામે કોઈ ઉમેદવાર નહોતા
  • ઇન્દિરા ગાંધી વિરુદ્ધ મોરારજી દેસાઈ PM પદની ચૂંટણી લડ્યા
  • પ્રધાનમંત્રી થવાની મહેચ્છા સત્તાપિપાસુ નહીં લેખાનારાઓમાં પણ

ભારતીય વડાપ્રધાનપદ માટે સામાન્ય રીતે સામસામે ઉમેદવાર મુકાય અને લોકસભાના સભ્યો મતદાન કરે એવા સંજોગો એકાદ અપવાદને બાદ કરતાં ભાગ્યે જ સર્જાયા છે. વર્ષ 1947થી સતત 17 વર્ષ માટે વડાપ્રધાન રહેલા પંડિત જવાહરલાલ નેહરુ સામે પક્ષનો કોઈ ઉમેદવાર મુકાયો નહોતો. અત્યારે રાજકીય ક્ષેત્રે ચલાવાતા ગપગોળાથી વિપરીત મહાત્મા ગાંધીના અનન્ય સાથી અને પંડિત નેહરુના સખા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેય વડાપ્રધાનપદના ઉમેદવાર નહોતા અને તેમણે એ હોદ્દાની મહેચ્છા પણ રાખી નહોતી. કોંગ્રેસમાં આઝાદી પહેલાં અને પછી પક્ષના અધ્યક્ષપદ માટે પક્ષના જ ટોચના નેતાઓ વચ્ચે રીતસર ચૂંટણી થાય એવી સ્વસ્થ પરંપરા પણ જોવા મળી. એ જ પક્ષના બહુમતી સાંસદો થકી સર્વાનુમતે નેતાપદે ચૂંટાઈને વડાપ્રધાન વરાય એવી પરંપરા પણ મહદઅંશે જળવાય છે. બે મહત્ત્વાકાંક્ષી વ્યક્તિત્વોની વડાપ્રધાન બનવાની મહેચ્છામાંથી સર્વાનુમત વરણીનો પ્રથમ અપવાદ જાન્યુઆરી 1966માં જોવા મળ્યો. વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અણધાર્યું અવસાન થયું અને એમના અનુગામીની વરણીનો પ્રશ્ન નિર્માણ થયો. અગાઉ પંડિત નેહરુનું મે 1964માં મૃત્યુ થયું ત્યારે પણ વડાપ્રધાન કોણ બનશે એ વિશે ગડમથલ તો હતી પણ એ વેળા નેહરુના નિષ્ઠાવંત શાસ્ત્રીનું પલ્લું ભારે હોવાનું જણાતાં નેહરુ સરકારમાં વરિષ્ઠ મંત્રી રહેલા બીજા નેહરુનિષ્ઠ મોરારજી દેસાઈએ હોડમાં કૂદવાનું માંડી વાળ્યું હતું.

મોરારજીની પીછેહઠ
જો કે, નેહરુ-પુત્રી 'ઈન્દિરાબહેન 1962થી મારી સામે પૂર્વગ્રહ રાખતાં હતાં અને મને એમનો દુશ્મન માનતાં હતાં' એવું પોતાની આત્મકથામાં નોંધનાર મોરારજી દેસાઈએ 'શ્રી કામરાજ (કોંગ્રેસ અધ્યક્ષ) 1964થી મારી વિરુદ્ધ હતા' એવું પણ નોંધ્યું છે. નેહરુકાળમાં કામરાજ યોજના હેઠળ સરકારના મંત્રી તરીકે છૂટા કરાયેલા મોરારજીએ જાન્યુઆરી 1966માં ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાનપદ માટે રીતસર ચૂંટણી લડી હતી અને હાર્યા હતા. હાર્યા પછી પણ પાછળથી શ્રીમતી ગાંધીના આગ્રહને કારણે તેઓ નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી બન્યા હતા. શાસ્ત્રીની પણ 'પ્રધાનમંત્રી થવાની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી' હોવાની વાત મોરારજી લખે છે ત્યારે શાસ્ત્રી, ઇન્દિરા અને સ્વયં મોરારજી પણ પ્રધાનમંત્રી થવાની મહેચ્છા ધરાવતા હોવાનું સ્પષ્ટ થાય છે. નેહરુ જીવિત હતા ત્યારે જ 1955થી શ્રીમતી ગાંધી કોંગ્રેસ કારોબારીમાં હતાં. આટલું જ નહીં, 1959માં 42 વર્ષની વયે કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યાં હતાં. બીજા જ વર્ષે એટલે કે વર્ષ 1960માં એમના સાંસદ-પતિ ફિરોઝ ગાંધીનું અવસાન થયું હતું.

લાલબહાદુરની વરણી
જવાહરલાલ પોતે દીકરી ઇન્દિરાને પોતાની અનુગામી જોવા માગતા હોવા છતાં વરિષ્ઠ સાથીઓને એ મંજૂર ન રહે એ જોઇને તેમણે ભુવનેશ્વરના કોંગ્રેસ અધિવેશન વખતે બીમાર પડ્યા પછી પોતાના કહ્યાગરા શાસ્ત્રીને કામ સોંપવા માંડ્યું હતું. બસ, ત્યારથી સંકેત મળતા હતા કે લાલબહાદુર એમના અનુગામી બનશે. પંડિત નેહરુના નિધન પછી અંતિમ સંસ્કાર થયા ત્યારથી મોરારજી અને શાસ્ત્રી બંનેનાં નામ ચર્ચામાં હતાં. થોડા મહિના પહેલાં તિરુપતિમાં કામરાજ, સંજીવ રેડ્ડી, નિજલિંગપ્પા અને શાસ્ત્રી મળ્યા ત્યારે નેહરુ પછી શાસ્ત્રીને વડાપ્રધાન બનાવવાની ગોઠવણ વિચારાઈ હતી. લાલબહાદુર દેખાય એટલા ભોળિયાભટાક નહોતા. કામરાજને મોરારજી ભણી અણગમો હતો. કામરાજ પોતે વડાપ્રધાન બની શક્યા હોત પણ એ ઝાઝું ભણેલા નહોતા અને દક્ષિણના હોવાને કારણે હિંદી પણ બોલી શકતા નહોતા એટલે એમણે શાસ્ત્રીને ઉમેદવાર બનાવવા પર ભાર મૂક્યો. અગાઉ ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતનું નિધન થયું ત્યારે મોરારજીને એમનું ખાતું સોંપાવાની અપેક્ષા હતી. એને બદલે પંડિતજીએ શાસ્ત્રીને ગૃહમંત્રી બનાવ્યા હતા. મોરારજી પોતાની સિનિયોરિટી અંગે ખૂબ સજાગ હતા પણ નેહરુ જીવતા હતા ત્યારે જ એમના કરતાં જુનિયરને આગળના ક્રમે મુકાતા હોવાથી વ્યથિત હોવાનું સ્પષ્ટ થાય છે. નેહરુના નિધન પછી વચગાળાના પ્રધાનમંત્રી તરીકે ગુલઝારીલાલ નંદા આવ્યા તો ખરા પણ એમને કાયમી વડાપ્રધાન બનાવાય એવા સંજોગો નહોતા એટલે એમણે શાસ્ત્રી સામે ઉમેદવારી ના કરી. મોરારજી સમક્ષ શાસ્ત્રીને ચેકમેટ કરવા માટે ઇન્દિરા ગાંધીનું નામ પ્રસ્તાવિત કરવાની દરખાસ્ત આવી પણ એમણે ઇન્દિરા કરતાં શાસ્ત્રી વધુ લાયક હોવાનું જણાવ્યું અને પોતે સ્પર્ધામાંથી ખસી ગયા. શાસ્ત્રી સર્વાનુમતે પ્રધાનમંત્રી બન્યા. અહીં કામરાજ નિર્ણાયક ભૂમિકામાં હતા. બધા સાંસદોનો મત જાણવાની કવાયતમાં તેમને શાસ્ત્રી માટે બહુમત હોવાનું કહ્યું એટલે મોરારજી દેસાઈએ અનિચ્છાએ પણ પીછેહઠ કરવી પડી.

શાસ્ત્રીનું તાશ્કંદમાં મૃત્યુ
લાલબહાદુર શાસ્ત્રીની સાદગી અને 1965નું પાકિસ્તાન સામેનું યુદ્ધ એમના નેતૃત્વમાં વિજયી રીતે લડાતાં એમની પ્રતિષ્ઠા વધી. મોરારજી પોતે શાસ્ત્રીની કેબિનેટમાં જોડાયા નહોતા પણ શ્રીમતી ગાંધી એમાં માહિતી અને પ્રસારણ ખાતાનાં મંત્રી જરૂર બન્યાં હતાં. શાસ્ત્રીના આગ્રહથી મોરારજીભાઈ વહીવટી સુધારા પંચના અધ્યક્ષ બન્યા હતા. પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે મંત્રણા માટે તાશ્કંદ ગયેલા શાસ્ત્રીનું 11 જાન્યુઆરી, 1966ના રોજ ત્યાં જ અવસાન થયું ત્યારે એમની હત્યા અંગે અનેક અટકળો અને અફવાઓ ચાલી. એમાં ઇન્દિરા ગાંધીનો હાથ હોવાના આક્ષેપો પણ રાજકીય વિરોધીઓ કરતા રહ્યા. જો કે, એ વેળા શાસ્ત્રીજીના સ્ટાફના અધિકારી અને પત્રકારશિરોમણિ કુલદીપ નાયર તાશ્કંદમાં હતા. તેમણે પ્રધાનમંત્રીના મૃત્યુમાં હત્યાના કાવતરાની શંકા નિરર્થક હોવાનું જણાવ્યું હતું. મોરારજીભાઈ પણ આત્મકથામાં નોંધે છે: 'અગાઉ પણ એમને (શાસ્ત્રીને) હૃદયરોગના બે હુમલા થયા હતા. એમના મૃત્યુ વિશે ઘણી શંકાકુશંકાઓ અહીં ઉઠાવવામાં આવે છે. પરંતુ બધા સંજોગો જોતાં એ શંકાઓમાં મને ખાસ તથ્ય લાગતું નથી. એમનો સ્વર્ગવાસ કુદરતી રીતે નહોતો થયો. પરંતુ એમનું મરણ નિપજાવવામાં આવ્યું હતું એવી જાતના આક્ષેપોમાં હું માનતો નથી.'

ઇન્દિરા ગાંધી ચૂંટાયાં
કામરાજ અને બીજા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ 'ગૂંગી ગુડિયા' ઇન્દિરા ગાંધીને પોતાના ઈશારે ચલાવી શકાશે અને મોરારજી કહ્યાગરા બનીને નહીં રહે એવું માનીને શાસ્ત્રીનાં અનુગામી તરીકે ઇન્દિરા ગાંધીની તરફેણ કરવા માંડ્યા હતા. બિરલા ઉદ્યોગગૃહ પણ એમના સમર્થનમાં હતું. ફરી એકવાર વચગાળાના પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદાને પણ મહેચ્છા જાગી હતી પણ ઝાઝું સમર્થન નહોતું. મોરારજી દેસાઈને ફરી પ્રધાનમંત્રી બનવાની તક મળતી હોવાનું લાગ્યું. જો કે, એમને હતું કે ઇન્દિરાને એ હરાવી શકાશે. કામરાજ કામે વળ્યા. શરૂઆતમાં મોરારજીને ટેકો આપનારા જગજીવન રામ સહિતના નેતાઓને તેમણે ઇન્દિરા ગાંધીના સમર્થનમાં આણ્યા. મોરારજી અને ઇન્દિરા બંને વચ્ચે ચૂંટણી અનિવાર્ય બની. મતદાન થયું. ઇન્દિરા ગાંધીને મળ્યા 355 સાંસદોના મત અને મોરારજી દેસાઈને માત્ર 129 સાંસદોના મત મળ્યા. નેતાપદે શ્રીમતી ગાંધી ચૂંટાયાં. ઈન્દિરાજી વડાપ્રધાન બન્યાં પછી એ ગૂંગી ગુડિયા નહીં પણ બધાને નર્તન કરાવતાં રહ્યાં.

મોરારજી લખે છે: 'સૌ કોઈએ સ્વીકાર્યું હતું કે આટલા બધા મત મને મળ્યા હતા એ મારી નૈતિક જીત બતાવે છે. હું હાર્યો એનો મને અફસોસ ન હતો કારણ કે, હારવાનો સંભવ પહેલેથી જ પૂરો દેખાતો હતો.' એકાદ વર્ષ પછી એટલે કે માર્ચ 1967માં શ્રીમતી ગાંધીએ મોરારજી દેસાઈને નાયબ વડાપ્રધાન તરીકે પોતાની કેબિનેટમાં સામેલ કર્યાં. 1967ની લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસ વિજયી બની પણ એની સ્થિતિ નબળી સાબિત થઇ. કેટલાક રાજ્યોમાં સત્તા ગુમાવી. લોકસભામાં પણ માત્ર 21ની જ બહુમતી મળી. વર્ 1969માં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને મોરારજીભાઈના રસ્તા ફંટાયા. બેંગલુરુના ગ્લાસ હાઉસ ખાતેની એ ઐતિહાસિક ઘટનાએ કોંગ્રેસમાં બે ફાડિયાં સર્જ્યાં. રાષ્ટ્રપતિપદની ઉમેદવારીના મુદ્દે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડી સામે પોતાના કહ્યાગરા વી.વી.ગિરિને ઊભા કર્યા અને અંતરાત્માના અવાજથી મતદાન કરવાની અપીલ કરીને જીતાડ્યા. આ મુદ્દે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી તગેડવામાં આવ્યાં પણ એમણે પોતાના નેતૃત્વવાળી કોંગ્રેસ કને સત્તા ટકાવી. પ્રધાનમંત્રી બનવાની મોરારજીની મહેચ્છા છેક માર્ચ 1977માં 81 વર્ષની વયે ફળીભૂત થઇ.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)