ઘણા લોકોને ટેવ હોય છે નવા-નવા સંબંધો બાંધવાની. તેઓ દરરોજ એક નવો સંબંધ ન બાંધે તો તેમને લાગે છે કે આજનો દિવસ ફોગટ ગયો. અમદાવાદમાં રહેતા અમારા એક મિત્રે આખી જિંદગીમાં પાંચ હજારથી વધારે વિઝિટિંગ કાર્ડ ભેગાં કર્યાં છે. ના, તેમને વિઝિટિંગ કાર્ડ ભેગાં કરવાનો શોખ નથી હોં. તેમને નવા-નવા સંબંધ બાંધવાની ટેવ છે. જાણે કે પૃથ્વી પર તેઓ સંબંધો બાંધવાનો વિશ્વ વિક્રમ કરવા જ આવ્યા છે. કોઈપણ કાર્યક્રમમાં જાય એટલે વહેલા જઈને વિઝિટિંગ કાર્ડ ભેગાં કરવા માંડે. દરેક સાથે વિગતવાર વાત કરે, પોતાનો વિગતવાર પરિચય આપે, વિઝિટિંગ કાર્ડ આપે અને કાર્ડ માગી લે. તેમના જીવનનો ફંડા એવો છે કે સંબંધ જ કામ આવે છે. બાંધેલો સંબંધ સારો. આજે નહીં તો કાલે, ક્યાંક ને ક્યાંક તો કામ આવશે જ.
તેઓ નવા-નવા સંબંધો બાંધવામાં અને પછી એ સંબંધોને વાપરવામાં ('વાપરવાનો પ્રયાસ કરવામાં' એમ વાંચો) એટલા બધા રચ્યા-પચ્યા રહે છે કે જિંદગી જીવી શકતા જ નથી. સંબંધોની સંખ્યા મહત્ત્વની કે સંબંધોનું ઊંડાણ? સંબંધોની સંખ્યા મહત્ત્વની કે સંબંધોની ગુણવત્તા? સંબંધોની સંખ્યા મહત્ત્વની કે સંબંધોનો પ્રેમ અને સંવેદના? એક જાણીતા ધારાશાસ્ત્રી કહે છે કે, મારે સમાજમાં એટલા સંબંધો છે કે લગ્નગાળામાં મને એકસોથી વધુ કંકોતરીઓ મળે છે કે મારે દરરોજ દસ-દસ લગ્ન અટેન્ડ કરવાં પડે છે. બધે દસે-દસ મિનિટ આપીને હું સંબંધો સાચવી લઉં છું. જો કે, એ વાત સાવ જ જુદી છે કે તેમની પત્ની સાથે તેમને ન ફાવ્યું અને મોટી ઉંમરે બંને જુદાં થયાં.
માની ના શકો એવો એક અનુભવ કહું. એક મિત્રના ઘરના વાસ્તુમાં ગયો હતો. ત્યાં એક સાહિત્યકારે મને એક કાકાની ઓળખાણ કરાવી. કાકા જમાનાના ખાધેલા હતા. મને કહે, હું મારો પરિચય તમને આપી દઉં પછી તમે મને કહો કે આપણે બંને એકબીજાને કેવી રીતે વાપરી શકીએ? બોલો, સીધી વાત. મને એ કાકાની નિખાલસતા માટે માન થયું હતું. તેઓ ના કહીને એમ કહેવા માગતા હતા કે અત્યારે દરેક ઓળખાણ કે સંબંધ વાપરવા માટે જ હોય છે. દંભ કરવા કરતાં જાહેર જ કરી દેવું કે આપણે કેવી રીતે એકબીજાને વાપરી શકીએ?
હું અમદાવાદમાં 35 વર્ષથી રહું છું પણ આવી બોલ્ડ વાત કોઈએ પહેલી વાર કરી હતી. એ રીતે મને બદલાતા અમદાવાદ શહેરનો પણ પરિચય થયો હતો. એક વખત બાકરોલ ગામના ખેડૂત પ્રેમજીભાઈએ નવી વાત કરી હતીઃ મારવાડીઓ કોઈ દિવસ બિનજરૂરી સંબંધો ન બાંધે. તેઓ માપના અથવા જરૂરી સંબંધોમાં જ પડે. તેમની સફળતામાં તેમનો આ સ્વભાવ પણ તેમને ઉપયોગી થતો હશે. મૂળ વાત એ છે કે માણસે સ્વસ્થ અને સુંદર જિંદગી જીવવા કેટલા સંબંધો બાંધવા જોઈએ?
દરેક સંબંધ વ્યક્તિને બાંધતો હોય છે એ યાદ રાખીને જો વ્યક્તિ નવા નવા સંબંધો બાંધે તો તે વધારે પડતા સંબંધો બાંધવામાંથી બચી શકે. સંબંધોની સંખ્યા કરતાં તેની ગુણવત્તા વધારે મહત્ત્વની હોય છે. વધારે સંબંધો કંઈ સ્વસ્થ, સફળ કે સાર્થક જિંદગીની બાંહેધરી આપતા નથી. સંબંધ માત્ર કામ આવે જ કે આવવો જ જોઈએ એવી માનસિકતા ઘર કરી ગઈ છે તેને બદલવાની આવશ્યકતા છે.
ચિંતક ગુણવંત શાહ કહે છે કે પહેલાં આપણે વ્યક્તિઓને ચાહતા અને વસ્તુઓને વાપરતા. હવે આપણે વસ્તુઓને પ્રેમ કરીએ છીએ અને વ્યક્તિઓને વાપરીએ છીએ. સંબંધ એ કંઈ વાપરવાની બાબત છે? સંબંધ એ કંઈ ઉપયોગમાં લેવાનો વિષય છે? જે સંબંધ ઉપયોગિતાવાદના પાયા ઉપર ઊભેલો હોય એ સંબંધ સાચો સંબંધ નથી.
નિખાલસપણે એ તો કબૂલ કરવું જ જોઈએ કે દરેક સંબંધની પાછળ સ્વાર્થ, અપેક્ષા અને ઉપયોગની ભાવના હોય જ છે. એ સહજ છે. અલબત્ત, એ જેટલું સાચું છે એની સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે દરેક સંબંધમાં પ્રેમ, સંવેદના અને સમર્પિત થવાની ભાવના પણ હોય જ છે. એ પણ સહજ છે. સંબંધનું સૌંદર્ય એ બાબત પર નિર્ભર કરે છે કે આપણે કઈ બાબતોને વધારે મહત્ત્વ આપીએ છીએ. કેટલાક લોકો સંબંધોને પોતાના સ્વાર્થના ગજથી જ સતત માપતા રહે છે. એને કારણે તેઓ સંબંધોના સાચા સૌંદર્યથી વંચિત રહી જાય છે.
સાચા સંબંધનું હૃદય જ પ્રેમ છે. તમે જ્યારે પ્રેમના સ્થાને કામ (બંને અર્થમાં) પ્રસ્થાપિત કરો છો ત્યારે ગંભીર ભૂલ કરો છો. સંબંધમાં જ્યારે પ્રેમ હોય ત્યારે એક ઊર્જાનું નિર્માણ થાય છે. પ્રેમ અને પોઝિટિવિટી એક સિક્કાની બે બાજુઓ છે. જેમ-જેમ સાચો પ્રેમ નીખરતો જાય છે તેમ-તેમ પોઝિટિવિટીનો ભાવ અને પ્રભાવ આપોઆપ વધતો જાય છે. સંબંધને સીમિત કરતાં, સંબંધને દૂષિત કરતાં, સંબંધમાં સતત ખલેલ કરતાં પરિબળો પ્રેમની પોઝિટિવિટીમાં ઓગળી જાય છે. આમ તો પોઝિટિવિટીની ઘણી શક્તિ હોય છે પણ પ્રેમની પોઝિટિવિટીની સૌથી વધુ તાકાત હોય છે.
જ્યારે સંબંધોની સંખ્યા વધારે હોય ત્યારે પ્રેમનું ઊંડાણ ઘટતું જતું હોય છે. એટલે વધારે સંબંધોની લાલચમાં પડવું નહીં. ઘણા તેનું પ્રમાણભાન રાખી શકતા નથી. મોહિની નામની એક યુવતી કેતનને પરણી. કેતનનો સ્વભાવ સંબંધો બાંધવાનો. એટલા બધા સંબંધો બાંધે કે આખો દિવસ મિત્રો અને સ્વજનો સાચવવામાં જ જાય. કેતનને ગૌરવ કે મારું મિત્રવર્તુળ ઘણું બહોળું છે. જો કે, મોહિની તેનો ભોગ બનતી. આખો દિવસ મિત્રોની સરભરા કરવામાં જ મોહની વ્યસ્ત રહે. મોહનીને કેટલી તકલીફ પડે છે તેનો કેતનને ખ્યાલ ન આવે કે તેનો તે ક્યારેય વચાર પણ ન કરે. મોહની ખાનદાન ઘરની દીકરી. મૂંગા મોંએ બધું કર્યાં જ કરે. અલબત્ત, કોઈ એક તબક્કે કેતનને પોતાને જ પ્રતીતિ થઈ કે પોતાના વ્યાપક સંબંધનો સૌથી મોટો બોજ તો મોહિની પર પડે છે. એણે પોતાની ભૂલ સુધારી અને સંબંધોને માપમાં કર્યા.
કોઈપણ સંબંધોમાં જો માપસર રહેવાય તો ક્યારેય તકલીફ ના પડે. સંબંધોની સંખ્યા કે તેની ઉષ્ણતા બંનેમાં માપ જળવાઈ રહે એ જોવું જ જોઈએ.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.