ટેક્નોહોલિક:ડ્રોન સે પકડના મુશ્કિલ નહીં, આસાન હૈ!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અહીં કેલિફોર્નિયામાં ઉનાળા જેવો માહોલ છે, પણ ભારતમાં ચોમાસું જામ્યું છે. ભારતનું ચોમાસું આમ પણ દુનિયાના બીજા દેશોના ચોમાસા કરતાં અલગ હોય. ભારતના વરસાદમાં ત્યાંની પ્રકૃતિમાં નવો પ્રાણ આવી ગયો હોય એવું લાગે. ભારતનું ચોમાસું યાદ જરૂર આવે પણ સાથે ભારે વરસાદને લીધે આવતા સમાચાર દુઃખ આપે. હમણાં જ ન્યૂઝમાં જોયું કે બિહાર અને ઉત્તરાખંડના પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો. પૂર આવ્યું એટલે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું. હમણાં ‘તાઉતે’ વાવાઝોડાએ ગુજરાત-રાજસ્થાનને ખાસ્સું નુકસાન પહોંચાડેલું. બે વર્ષ પહેલાં ખૂબ વરસાદને કારણે અડધું કેરળ ડૂબી ગયું હતું.

ભારતની વસ્તી વધુ અને એમાં આવી કુદરતી આપત્તિ આવે એટલે બહુ તકલીફ થાય. તંત્ર પહોંચી ન શકે. સૌથી વધુ દુઃખ વ્યક્તિઓના અપમૃત્યુ થાય એનું થાય. કુદરતી આપત્તિ ભારતમાં દર વર્ષે ઘણા લોકોનો જીવ લઇ લે છે. એમાં અહીં કેટલીયે વ્યક્તિઓના જીવ એટલા માટે ગયા હોય છે કે સમયસર તેને મદદ ન મળી શકી હોય. આવા અપમૃત્યુનો આંકડો મોટો છે. આવા ક્રિટિકલ સંજોગોમાં લોકોના જીવ બચાવવા માટે ટેક્નોલોજી ખૂબ કામ આવી શકે જેમ કે, વાવાઝોડા પછી જયારે વીજળી ગુલ થઇ ગઈ હોય અને રેડિયો પ્રસારણ પણ બંધ હોય ત્યારે હેમ રેડિયો દ્વારા કનેક્શન સ્થાપી શકાય છે. એ જ રીતે પૂર કે ભૂકંપ કે આગજનીની દુર્ઘટનાને કારણે ફસાઈ ગયેલા લોકોને તરત બચાવવા માટે ટેક્નોલોજી હેલ્પફુલ થઇ શકે. આવી જ એક મોડર્ન ટેકનોલોજી આવી છે ડ્રોન સ્વરૂપે.

હવે આપણે બધા જાણીએ જ છીએ કે ડ્રોન શું છે? ડ્રોન ફોટોગ્રાફી વિના તો હવે ગુજરાતમાં લગ્ન અધૂરાં કહેવાય. પણ આપણે જે ડ્રોનની વાત કરીએ છીએ એ થોડા સ્પેશિયલ ડ્રોન છે. હવે તમને સવાલ થાય કે એમાં એવું તો શું સ્પેશિયલ છે. તો આ ડ્રોન બુદ્ધિશાળી ડ્રોન છે. એનો અર્થ એ કે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ સામેલ છે. આ આર્ટિફિશિયલ બુદ્ધિ ધરાવતાં ડ્રોન હોય તો મુશ્કેલીના સમયે ફસાયેલા લોકોને તરત બચાવી શકીએ.

આ ડ્રોન કઈ જગ્યાએ ઉપયોગી થાય?
આપણે બધાં છાપાંમાં વાંચતા હોઈએ છીએ કે ચારે બાજુ માથાડૂબ પાણી ભરાઈ જતાં કોઈ ભાઈ એક થાંભલા ઉપર છત્રીસ કલાક સુધી લટકેલા રહ્યા. એવા પણ આપણે સમાચાર સાંભળ્યા છે કે ભૂકંપને કારણે બિલ્ડિંગ પડી ગઈ અને એ બિલ્ડિંગના કાટમાળ નીચે સાત દિવસ સુધી એક બાળક જીવતું દટાયેલું રહ્યું. આપણે તો હજી પણ નસીબદાર છીએ કે આવા સંજોગો આપણે કુદરતી આપત્તિ વખતે જ આવે છે. હમણાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી ઉપર હુમલો કર્યો ત્યારે અરબસ્તાનનાં ઘણાં શહેરોમાં બિલ્ડિંગ પડી ગયાં અને કાટમાળ નીચે લોકો દટાઈ ગયા. આવી સ્થિતિમાં લોકોને બચાવવા કેમ. તો એના માટે મદદે આવી છે જર્મન કંપની ‘ફ્રોનહોફર આઈકેઈ’એ બનાવેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડ્રોન.

તો હવે એ જોઈએ કે આ સ્પેશિયલ ડ્રોન કામ કેવી રીતે કરે છે
આ ડ્રોન સામાન્ય રીતે પોસ્ટ-ડિઝાસ્ટર સર્ચ કે પોસ્ટ-ડિઝાસ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં કામ આવે. કુદરતી દુર્ઘટના ઘટી ગઈ. પછી કેટલીય મિનિટો પછી ફાયરબ્રિગેડના જવાનો પહોંચે. હવે ઘણી વખત એવું પણ થાય કે એ જવાનો જે તે જગ્યાએ પહોંચી પણ ન શકે. પૂરની સ્થિતિમાં પાંચ કિલોમીટર દૂરના ગામડામાં કોઈ બચ્યું છે કે નહીં એ કઈ રીતે જોવું? દરેક જગ્યાએ હેલિકોપ્ટર પોષાય નહીં. પહોંચતા બહુ સમય લાગે. એવા સમયે આ સ્પેશિયલ ડ્રોન કામ આવે.

હવે આ ડ્રોનને પહેલેથી એ રીતે ‘તાલીમ’ આપવામાં આવી હોય જેથી એ લોકોની ચીસો, બચાવો બચાવોની બુમો કે તરફડિયાં મારતા મનુષ્યોના અવાજને ઓળખી લે. એટલે પોલીસ સ્ક્વોડના તાલીમ પામેલા કૂતરાની જેમ ડ્રોન પણ એવી જ જગ્યાએ પહોંચે જ્યાંથી જીવ બચાવવાની પોકાર કરતા માણસ કે માણસો તરફ પહોંચે. ત્યાંથી એ લાઈવ તસવીર પહોંચાડે જેથી બચાવકર્તાને એક્શન પ્લાન ઘડવાની ફરજ પડે.

બિલ્ડિંગ પડી જાય અને કાટમાળનો ઢગલો ઊંચો હોય એવી સ્થિતિમાં પણ આ ડ્રોન કામ આવે છે. આ ડ્રોનના ‘કાન’ એટલે કે સેન્સર્સ બહુ જ સંવેદનશીલ છે. બહુ નીચેથી આવતા સૂક્ષ્મ અવાજને પણ આસાનીથી કેપ્ચર કરીને સિગ્નલ આપે છે કે અંદર કોઈ જીવંત માણસ ફસાયું છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા ડ્રોનના બીજા ઉપયોગ

  • આ ડ્રોન આવી કુદરતી આપત્તિમાં તો કામ આવી જ શકે પણ ધીમે-ધીમે આવા ડ્રોનનો ઉપયોગ પોલીસ તંત્ર પણ કરી શકે. નાઈટ કર્ફ્યુમાં કોઈ બહાર નીકળ્યું છે કે નહીં એ ચેક કરવા માટે પણ તેનો ઉપયોગ થઇ શકે.
  • વધુમાં આતંકવાદીઓના અડ્ડાઓ શોધવા કે દુશ્મનની છાવણી ઉપર જાસુસી કરવા કે જમીન નીચે બનેલા બંકરમાં તપાસ કરવા માટે પણ આ સ્પેશિયલ ડ્રોનનો ઉપયોગ કરી શકાય.

અત્યારે તો આવાં ડ્રોન જર્મની પાસે જ છે. ટૂંક સમયમાં અમેરિકા પણ આવાં ડ્રોન વિકસાવી રહ્યું છે. ભારત પાસે આ ડ્રોન ક્યારે આવશે તે જોવું રહ્યું. ટૂંકમાં, હવે ટેકનોલોજીની મદદથી ગમે તેનો ચોકીપહેરો ભરી શકાશે.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)