તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'No, Madam!' Only Nancy! '... As Soon As She Heard This, The Spring Blossomed And She Started Dreaming Of Spending Her Whole Life With Nancy !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી વાર્તા:‘નો ‘મેડમ!’ ઓનલી નેન્સી!’...સાંભળતા જ વસંત પૂરબહારમાં ખીલી ગઈ અને તે નેન્સી સાથે આખું જીવન પસાર કરવાનું સપનું જોવા લાગ્યો!!

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેન્સીના વિચારો એના મનમાંથી ખસતા નહોતા!. ‘આવું શુ કરે છે બકા....?’ એમ નિર્દોષ હાસ્ય વેરતા બોલતી નેન્સી તેની નજર સામે આવતી રહી!

પોતે નોબેલ ઇન્ડસ્ટ્રી નથી છોડી દેતો એનું કારણ કદાચ નેન્સી હોઇ શકે. એમ એણે ક્યારેય નથી કહ્યું પણ પોતાના નોબેલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવાના આગ્રહને જોઇને પોતાને ત્યાં રહેવા દેવો કે કેમ? એ નક્કી કરવા બોસને મળવા આવેલા અનુમામા માંને કહેતા હતા.!

ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવા છતાં અત્યારે એ ત્રીજા વર્ષે વીસ હજારની સેલેરીએ પહોંચ્યો હતો પણ જોબ જોઇન કરી ત્યારે તો દસ હજારથી જ સેલરી સ્ટાર્ટ થઇ હતી. તેને પોતાને પણ ત્રણ ચાર મહિના પછી થયેલું કે આ સેલેરી ઘણી ઓછી કહેવાય. તેણે બીજી જોબ માટે ટ્રાય કરતા રહેવું જોઇએ ને વળી અટકી ગયેલો. કારણમાંતો....

તે એક્ટિવા લઇને જોબ પર આવતો હતો તો રસ્તામાં તેણે નેન્સી અને મુન્નાને ઊભેલા જોયેલા. તે નજીક ગયો તો નેન્સીનું મોપેડ બગડ્યું હતુ. નેન્સી મુન્નાને કહેતી હતી, ‘ચાલ! આપણે મોપેડ કોઇ ઓટો ગેરેજમાં રિપેરિંગ માટે મૂકી આવીએ ને પછી ઇન્ડસ્ટ્રી પર જઇએ.’ મુન્નો કહેતો હતો, ‘નો નેન્સી! ટાઇમ થઇ ગયો છે. તું અહીં કોઇ શોપ પાસે મોપેડ મૂકી દે ને મારા બાઇક પાછળ બેસી જા. પછી વળતા રિપેર કરવી લે જે!’

નેન્સી કહેતી હતી, ‘એમાં થોડી વારમાં શું લેટ થઇ જવાનું હતું?’

મુન્નો કહેતો હતો, ‘ના, હોં... એક મિનિટ પણ બગાડવી પોસાય તેમ નથી! જલ્દી કર.’

નેન્સી કહેતી હતી, ‘આવું શું કરે છે બકા...?’ અને તે બોલેલો, ‘લો મેડમ! તમે મારું સ્કૂટર લઇને પહોંચી જાઓ. મને મોપેડ આપો. હું રિપેર કરાવીને આવું છું. તમે બોસને ‘મારે જરા લેટ થશે તેમ કહી દેજો!’

નેન્સીએ તેને મોપેડ આપેલું. તેનું સ્કૂટર લઇને તેને સ્મિત આપતી, ‘થેંક્યુ સો મચ!’ કહેતી નેન્સી તેનું સ્કૂટર લઇને ઊપડેલી.

નેન્સી! બોબકટ વાળ, અણીદાર આઇબ્રોવાળી ચમકતી આંખો, મધુર સ્માઇલથી મનને હરી લેતો સોહામણો ચહેરો, એક હાથ પર શોભતી લકી અને જિન્સ પર મુલાયમ ફેશનેબલ ટોપ પહેરેલી આધુનિક યુવતી! પોતે નોબેલ ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે દાખલ થયો ત્યારે સૌથી પહેલા એને નેન્સી જ મળી હતી. હસી હસીને મુક્ત મને વાતો કરતી તેને કંપની વિશે માહિતી આપતી હતી. બહુ ગમતું હતું તેની સાથે ડિસ્કસ કરવું! કામ પર ચડ્યા પછી પણ એક-બે વાર તેને કંઇક પૂછવાને બહાને તેની પાસે જઇ આવેલો. એ જ હસીને ઉત્તર! તેને થયું કે આની કંપની મળી જાય તો શ્વાસ ખીલી જાય! પણ રિસેસ પડેલી ને નેન્સી પાસે એક યુવક આવેલો. નેન્સી તેની સાથે ઉમળકાથી વાતો કરતી ટિફિન શેર કરવા ચાલી ગયેલી. એ યુવક એટલે પેલો મુન્નો ઉર્ફે મોહિત સચદેવ.

એ એક્ટિવા હાંકે છે. તેને બાઇકનો શોખ ખરો પણ પપ્પાની ગેરહાજરી એટલે એવી બધી સુવિધાનો આગ્રહ તો ક્યાંથી રખાય? આમ પણ ધારો કે એની પાસે બાઇક હોત તો? તો પણ મુન્નાની સાઇડ કાપવી મુશ્કેલ હતી. એ ફટાફટ ટ્રાફિક વચ્ચે ગાડી ચલાવતો હોય એમ નેન્સી સાથે ફટાફટ વાતો કરતો ને મશ્કરી મશ્કરીમાં તેને ટપલી મારી લેતો!

તેણે મોડા પડવા બાબતે ઇન્ડસ્ટ્રીના મહિલા કર્મચારી સાથે માનવતાપૂર્ણ વ્યવહારનું કારણ દર્શાવેલું. એ કારણ કંઇક ઠીક લગતા બોસે, ‘વેલ, ફ્રોમ નાઉ ઓન, ડુ નોટ બી લેટ!’ એમ ટકોર કરી વાત પૂરી કરેલી. આ બધું નેન્સીએ સાંભળેલું. જો કે, એણે તો સહજ ભાવે નેન્સીનું કામ કરેલું પણ રિસેસ પડતા બનેલી ઘટનાથી તેનો ઇન્ડસ્ટ્રી છોડવાનો વિચાર મોળો પડી ગયેલો. રિસેસમાં નેન્સી મોહિતને બદલે લંચમાં તેને સાથે લઇ ગયેલી એ પણ સામેની રેસ્ટોરાંમાં! તેણે કહેલું , ‘થેંક્યુ, નેન્સી મેડમ!’

તે બોલેલી, ‘નો ‘મેડમ!’ ઓનલી નેન્સી!’ તેની ભીતરનો છોડવો ફૂલ આપતો થઇ ગયેલો. તે બોલેલો, ‘વેલક્મ નેન્સી!’ પણ કોણ જાણે કેમ ભીતર ઊઠતા શબ્દો મુન્નાની જેમ ફટ દઇને એના હોઠોપર નહોતા આવી શક્તા. રખેને નેન્સીને કશુંક અજુગતું લાગે તો?

નેન્સીએ વેઈટરને વધારાનો ઓર્ડર આપતા કહેલું, ‘બે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ લાવતો!’ વેઇટરે કહેલું, ‘મેડમ! આજે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ ખલાસ છે.’ તે નિર્દોષ હાસ્ય વેરતા બોલેલી, ‘તો બાજુમાંથી મગાવી આપ ને! આવું શું કરે છે બકા...?’

બસ, આમ બોલતાની સાથે જ વેટરે એ આઇસ્ક્રીમ લેવા એક માણસને મોકલી દીધેલો. ઇન્ડસ્ટ્રીમાં કોઇને કોઇ સાથે કામ લેતી વેળા તે સ્નેહથી તકિયા-કલામ જેવું આ વાક્ય તો બોલતી જ ‘આવું શું કરે છે બકા...?’ ને લગભગ તેનું કામ ફટ દઇને થઇ જતું. પોતાને એની આ અદા એટલી બધી તો ગમતી કે તે રાહ જોતો કે નેન્સી ક્યારે કોઇને કહે, ‘આવું શું કરે છે બકા...?’ વસંત પૂરબહારમાં તો નહોતી ખીલી પણ દિવસો બહુ મજાના હતા. માં વારેવારે કહેતી, ‘આટલા પગારમાં ક્યાં સુધી નોકરી કરવાની? તારી સાથે મીના કમાય છે એટલે ઘર બરાબર ચાલે છે. પણ એ તો કાલ સાસરે જતી રહેવાની. વિભા હજુ ભણે છે અને તારા પણ મેરેજ થશે. બાળકો થશે. તારે એકલાએ ઘર ચલાવવું પડશે. એટલે જો કંપની આનાથી પગાર વધારવા માગતી જ ન હોય તો પછી કંપની બદલી નાખ!’

તે એક જ વાત કરતો, ‘મને નોબેલ ઇન્ડસ્ટ્રીમાં ફાવી ગયું છે.’ એને રોજ નેન્સી સાથે કેટલી વાતો કરવાનું મન થતું પણ કોણ જાણે કેમ એ બોલી જ નહોતો શક્તો. કોમ્પ્યૂટર પર વ્યસ્ત યુવક નેન્સીને કાગળ ટાઇપ કરી દેવાની ના કહેતો ને એ વારે વારે એને કહેતી, ‘આવું શું કરે છે, બકા...?’ આવું એકાદવાર એણે પોતાનેય કહ્યું હોત તો? એનું આભ ક્ષિતિજની જેમ પોતના પર ઢળી ગયું તો? પણ ઢળવાનું તો બાજુએ રહ્યું. કોઇને કોઈ વાદળું સબંધના સૂરજ આડે આવી જ જતું હતું!

વચ્ચે તો નેન્સીની સગાઇ તેની જ કાસ્ટના કોઇ છોકરા સાથે થવાની વાતો ચાલતી હતી. જો કે, નેન્સીને પણ ભાઇ જોબ પર ચડે ત્યાં સુધી ઘરની જવાદારીઓ તો હતી જ. પણ સ્વાભાવિક છે કે કોઇ પણ માં પોતાની દીકરીને સારું ઠકાણું મળતું હોય તો થોડું વેઠી પણ લે! તેના મનમાં જાગેલા શરણાઇના સૂર શમી જવાની તૈયારીમાં હતા ને અકાઉટન્ટ અનુરાધા મેડમ વાતમાંથી વાત નીકળતા બોલેલા, ‘આમ તો નક્કી જેવું જ હતું પણ શી ખબર? નેન્સી ના ગમ્યું કે પછી એ લોકોએ ના પાડી. એ વાત અટકી ગઇ!’ પોતે ભલે ફ્રેન્ડશીપની વાત કરતો હોય પણ એના મનના શમિયાણામાં આગ લાગતા અટકી ગયેલી એ વાત તો ચોક્કસ.

પેલા વાદળાઓ તો ચોમાસામાં ચડી આવતા પણ આ નેન્સીગત વાદળાઓ તો ગમે ત્યારે ચડી આવતા! એમાંય છેલ્લે કેટલાંક સમયથી તો સાવ અંધારું થઇ જતું હતું. આ ઓચિંતાનું ચડી આવેલું વાદળું હતું પોતાનો બોસ! એ પોતાને અને નેન્સીને ઇન્ડસ્ટ્રીના વેટિંગ રૂમમાં ફુરસદના સમયમાં ખીલખીલાટ હસતા જોઇ ગયેલો ને કોણ જાણે કેમ? તે દિવસથી એ કાળું વાદળું થઇ ગયેલો.

પોતાનો બોસ નેન્સીને વારંવાર પોતાની કેબિનમાં બોલાવતો. ક્યાંય સુધી વાતો કરતો. તક મળે તો નેન્સીની હાજરીમાં પોતાને આ સંભળાવી લેવાનું ચૂક્તો નહોતો. વચ્ચે તો એવું બનેલું કે પોતે બહારગામ ગયેલો ને સીધો રસ્તામાં આવતી ઇન્ડસ્ટ્રી પાસે ઊતરી ગયેલો ને કોઇ કારણસર નેન્સી પણ મોપેડ લાવી નહોતી. ઇન્ડસ્ટ્રીથી છૂટ્યા પછી બંને પીકઅપ સ્ટેન્ડ પાસે સિટીબસની રાહ જોતા ઊભા હતા. એવામાં બોસની કાર આવીને બરાબર નેન્સીની પાસે ઊભી રહેલી અને તેણે નેન્સીને કહેલું, ‘એમ કર નેન્સી! તું એક કારમાં આવી જા. મારે તારા ઘર બાજુ જ જવું છે. હું તને છોડી દઇશ’ અને નેન્સી બેસી ગયેલી! એ તો ઠીક છે પણ બીજે દિવસે સાથે લંચ લેતા નેન્સીએ પૂછેલું પણ નહીં કે ‘પછી તને ક્યારે વાહન મળેલું?’ બે અઢી વર્ષ થઇ ગયા, બસ આવા જ કારણો સબંધમાં પાછું અંતર પાડી દેતા હતા! એકવાર પોતાને ભથ્થાઓ વગેરે મળીને રૂપિયા પાંચેક હજારનો વધારો આવેલો ને એ સમયે નેન્સીને કંઇક તાત્કાલિક એટલી રકમની જરૂર હતી તે પોતે એને મદદ કરી શકેલો પણ ધારો કે એથી વધુ રકમની જરૂર પડી હોય તો બોસ આપી શકે, પોતે થોડો આપી શકવાનો હતો?

અનુમામા પાંચ-છ મહિને એકાદ વાર માં પાસે પરિવારના ખબર અંતર પૂછવા આવે. હમણાં અનુમામા ઘેર આવ્યા ત્યારે માંએ ફરિયાદ કરેલી કે, ‘નોબેલ કંપનીમાં ત્રણ વર્ષથી જાય છે. કંપની પગારમાં વીસ હજાર રૂપિયા આપે છે. બીજી કંપનીઓ વધુ પગારમાં બોલાવે છે પણ આ છોકરો નોબેલ ઇન્ડસ્ટ્રી છોડતો જ નથી.’

મામાએ રસ્તો કાઢતા કહેલું, ‘કાલે હું તારી સાથે ઇન્ડસ્ટ્રી પર આવું છું અને તારા બોસ સાથે પગારવધારાની વાત કરી જોઉં છું. વધારી આપે તો વેલ એન્ડ ગુડ પણ ન માને તો બેટર છે કે તારે કંપની છોડી દેવી જ જોઇએ.’

અને મામા બીજે દિવસે પોતાની સાથે બોસ પાસે આવેલા અને બોસને ‘આ અમારો ભાણેજ આપને ત્યાં ત્રણ વર્ષ જેટલા સમયથી કામ કરે છે. તેનો પગાર વધારી આપો તો જ એને પોસાય. અન્યથા એને અન્ય વિકલ્પ વિચારવો રહ્યો.’ એમ સ્પષ્ટ કહેલું. બોસ તો તેના માર્ગમાંથી પોતાને ખસેડવા જ માગતો હતો. તેણે રોકડું પરખાવેલું, ‘કંપની બદલવી હોય તો એ બદલી શકે છે પણ પગાર વધારી શય તેમ નથી!’ અને મામા પોતાને એ જ પળે સાથે લઇને ચાલતા થયેલા. ત્યારે પોતે હવે ફરી મળાશે કે કેમ એવી આશંકાથી નેન્સી સાથે જે ઉર્મિસભર વાત કરતો હતો તેના પર બીજા કર્મચારીઓ જોડે વાત કરતા મામાનું આડકતરું ધ્યાન હતું.

નોબેલ ઇન્ડ્રસ્ટ્રી છોડી દીધી પણ નેન્સીના સ્મરણો થોડા છૂટવાના હતા! નોબેલ ઇન્ડ્રસ્ટ્રી પર નેન્સીને મળવા જવું કે કેમ? અને જવું તો શું વાતો કરવી? એની વિમાસણ થતી હતી. જોબ પર જતા રસ્તામાં જે વળાંકે નેન્સી પોતાની સાથે થતી, એ વળાંકે જઇને એ કોઇ ને કોઇ બહાને ઊભો રહેતો. એમ પણ નેન્સીને મળી લેવાય તો! નેન્સી તો ન મળેલી પણ ત્રણ-ચાર દિવસ પછી મુન્નો મળેલો. તેને પોતે બમણા પગારથી એક્યુરેટ કંપનીમાં ગોઠવાઇ ગયો હોવાનું જણાવેલું અને ઇન્ડ્રસ્ટ્રીમાં નેન્સી અને બધાને યાદી પાઠવેલી.

આવતી કાલે એને એક્યુરેટ કંપનીમાં હાજર થવાનું હતું. નેન્સી સાથે આમ તો એવો કોઇ નાતો ન હતો પણ કોણ જાણે કેમ રાત્રે મોડે સુધી એને નેન્સીના વિચારો આવ્યા કરેલા. એમાંય નેન્સીને પોતાના હોદ્દાથી વશ કરી તેની સાથે કુચેષ્ઠાઓ કરતો બોસ તેની આંખ સામે આવી જતા તે વિહવળ થઇ ગયેલો.

એ એક્યુરેટ કંપનીમાં હાજર થયો. અનુભવી હતો એટલે કામ પર ગોઠવાઇ જતા તેને વાર ન લાગી પણ નેન્સીના વિચારો એના મનમાંથી ખસતા નહોતા!. ‘આવું શુ કરે છે બકા....?' એમ નિર્દોષ હાસ્ય વેરતા બોલતી નેન્સી તેની નજર સામે આવતી રહી!

રિસેસ પડી. એ પોતાનું ટિફિન લઇને બહાર નીકળ્યો અને તેની આંખો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ. સામેની લોબીમાંથી પોતાની સામે હાથ હલાવતી ને એ જ સ્માઇલ વેરતી નેન્સી આવતી હતી. નેન્સી મળી અને અગાઉ પહેલીવાર લઇ ગઇ હતી એમ જ તે આજે પોતાને નજીકના રેસ્ટોરાંમાં લંચ માટે લઇ ગઇ. તેણે લંચ લેતા નેન્સીને ‘સોરી’ બોલતા કહ્યું, ‘મારી કૌટુંબિક પરિસ્થિતિ એવી હતી કે વધુ સેલરી માટે મારે આ નવી જોબ સ્વીકારવી પડી પણ બાય ગોડ! નેન્સી! હું તારા માટે થઇને નોબેલ ઇન્ડસ્ટ્રી છોડતો નહોતો!’

ને નેન્સીએ જે જવાબ આપ્યો એ સાંભળીને એ દંગ રહી ગયો. નેન્સી બોલી, ‘તારે તો તારી બહેન મીનાનો સપોર્ટ છે પણ મારે તો એકલીને કુટુંબની જવાબદારી ઉપાડવાની છે. એટલે મારે તો તારા કરતાં પણ જોબ બદલવાની વધારે જરૂર હતી પણ હું પણ તારે કારણે જોબ બદલતી નહોતી. તું તો જાણે છે બોસની કનડગત! એવા સ્થળે એક દિવસ પણ ન રહું પણ એ બધું હું તારે માટે થઇને સહન કરતી હતી.’

વાદળો અદૃશ્ય થઇ ગયા હતા અને જેની પોતે રાહ જોતો હતો એ વસંત હવે પૂરબહારમાં ખીલી હતી. બંને રેસ્ટોરાંની બહાર નીકળ્યા. એના આશ્ચર્ય વચ્ચે નગરનો વિસ્તાર હોવા છતાં રસ્તા પરના કોઇ વૃક્ષ પર કોયલ બોલતી હતી. નેન્સીએ એ વિસ્તારમાં કંપનીથી ઓપોઝીટ બાજુએ આવેલી બિલકુલ સામે દેખાતી મેરેજ રજીસ્ટારની ઓફિસ બતાવીને કહ્યું, 'ચાલ! આપણે મેરેજ રજીસ્ટારની ઓફિસમાંથી મેરેજ રજીસ્ટ્રેશનનું ફોર્મ લેતા જઇએ.’ ડાળો આટલા બધા ફૂલોથી છલકાઇ જશે એવી પોતાને તો કલ્પના પણ નહોતી! એકાએક શું નિર્ણય લેવો તે ન સૂઝતા તે રસ્તો કાઢતા બોલ્યો, ‘રિસેસ હમણાં પૂરી થઇ જશે ને ફોર્મ લેવા જતા કદાચ લેટ થવાય. આમ જોબની શરૂઆતમાં જ લેટ પડીએ એ સારું નહી. પછી વાત.’

નેન્સી ગરમાળા જેવું વરસતા એ જ નિર્દોષ હાસ્ય વેરતા બોલી, ‘હજી તો રિસેસ પૂરી થવાને વીશ મિનિટની વાર છે. નહીં વાર લાગે. ચાલને, આવું શું કરે છે બકા....?!’
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો