પોઝિટિવ પેરેન્ટિંગ:કોઈ કામ નાનું નથી અને દરેક કામ કરનારને માન આપવું જોઇએ આ વાત તમારાં બાળકોને કઈ રીતે શીખવશો?

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શું તમે તમારા બાળકને શ્રમ અને શ્રમ કરનારનું માન રાખવાનું શીખવાડવા માગો છો? શું તમે ઇચ્છો છો કે તમારું બાળક કોઈ પણ કામ અને તે કામ કરનારને ઊતરતું ના ગણે? તો આ લેખ તમારા માટે છે.

થોડાક સમય પહેલાં પેરેન્ટ્સે ડિગ્નિટી ઓફ લેબરનો મુદ્દો ઉપાડ્યો. એમનું કહેવું એવું હતું કે આજકાલ બાળકો ઘરનાં કામમાં પોતાનો ફાળો નથી આપતાં, કેમ કે તેમનું માનવું એવું છે કે આ કામ આપણે ના કરવાનું હોય. તેના માટે તો નોકર/નોકરાણીની નિમણૂક કરવી જોઈએ!

ચાલો, માલિનીને મળીએ ૧૬-વરસના રિશીની માતા માલિની અપસેટ છે કે તેમનો દીકરો પોતાનો રૂમ ગોઠવવાની ઘસીને ના પાડી દે છે; અને તે ઘરનાં કામમાં પણ કોઈ ફાળો નથી આપતો. જ્યારે માલિની રિશીના કલાસ ટીચરને મળ્યા ત્યારે તે એ જાણીને આશ્ચર્યમાં આવી ગયાં કે સ્કૂલમાં રિશી ખૂબ જ ચોકસાઈ રાખે છે અને વળી તે કલાસને વ્યવસ્થિત રાખવામાં પણ આગળ પડીને ભાગ ભજવે છે!

'તો પછી એને પોતાના રૂમ ને વ્યવસ્થિત કરવામાં શું પ્રોબ્લેમ છે? અમારા બે જણાં વચ્ચે પછી આ બાબતે બોલાચાલી થાય છે અને એ અપસેટ થઈને રૂમનું બારણું બંધ કરી દે છે.' ત્રીજી વ્યક્તિ તરીકે આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે સંદર્ભ (સ્કૂલ અને ઘર) બદલાતાં રિશીનો વ્યવહાર પણ બદલાય છે. સ્કૂલે જ્યારે સ્ટુડન્ટ પાર્ટી યોજાય છે ત્યારે બધાં બાળકોને ખબર હોય છે કે તેઓએ ઓડિટોરિયમને સાફ કરવાનું છે. જે ટીચર-ઇન્ચાર્જ છે તે પોતે પણ આ કામમાં લાગેલા હોય છે; એટલે તેમને સાફ-સફાઈ કરતા જોઈને બીજા સ્ટુડન્ટ્સ પણ તેમની મદદ કરવામાં જોડાઈ જાય છે. આ જોઈને કિશોર વયનો રિશી પણ ઝાડું ઉપાડીને તે જગ્યાને ખૂબ જ સ્વાભાવિક રીતે ચીવટથી વાળવા માંડે છે.

બાળકોમાં ડિગ્નિટી ઓફ લેબર કેળવવા માટે પેરન્ટ્સ શું કરી શકે? કઈ રીતે બાળકમાં ડિગ્નિટી ઓફ લેબર કેળવવી? પેરેન્ટ્સ અને ટીચર્સના આ કાયમી પ્રશ્નના ઘણા બધા ઉકેલો આ બનાવમાંથી મળી શકે છેઃ 1. પેરેન્ટ્સ પોતે તે કામોમાં ઇન્વોલ્વ હોવાં જોઈએ જે કામો તેઓ બાળકની પાસે કરાવવા માગે છે. દાખલા તરીકે જો બાળક પોતાનાં વાલીઓ અને શિક્ષકોને સાફ-સફાઈ જેવાં કામ કરતા જોશે તો તે પણ આવાં કામોને કરવાનું સ્વાભાવિક ગણશે.

2. પેરેન્ટ્સ અને શિક્ષકોએ ખાતરી કરવી જરૂરી છે કે બાળક તેમની અપેક્ષાઓને સમજે.

3. કોઈ પણ ફરજને કામ તરીકે ન ગણો. ઘણી વાર એવું પણ બને છે કે બાળકને ઘરમાં બધા જોડે રહીને કામ કરવામાં મજા આવે છે, પણ જ્યારે તેઓ એકલા હોય છે ત્યારે તે જ કામ તેમના માટે કંટાળાજનક બની જાય છે. તો આવા સંજોગોમાં તમે તેની સાથે જોડાઈ જાઓ; કે પછી તેને છૂટ આપો કે તે પોતાના કોઈ મિત્રને બોલાવીને તેની સાથે તે કામ કરી શકે (અને પછી તમારું બાળક તે મિત્રના ઘરે જઈને તેના રૂમને સાફ કરવામાં તેની મદદ કરી શકે). કલાસરૂમમાં બાળકોને ભેગાં મળીને કામ કરવામાં મજા આવે છે. આ જ ગ્રૂપ ડ્યુટીના કન્સેપ્ટ ને ઘરના કામોમાં અપ્લાય કરી શકાય

4.અહીં સહુથી જરૂરી મુદ્દો છે ટાઈમિંગ. જો પેરન્ટ કે ટીચર બાળક ને કોઈ પણ કામ ને તાત્કાલિક કરવાનું કહેશે તો બાળક ચોક્કસ ચિડાઈ જશે. અલબત્ત, કોઈ પ્રવાહી વસ્તુ કે પેન્ટ ઢોળાઈ ગઈ હોય તો તેને તાત્કાલિક સાફ કરવી જોઈએ; પણ જો વાત રૂમને સાફ કરવાની હોય તો આ કામ બાળક પોતાના સમયની સગવડતા પ્રમાણે કરી શકે છે.

5. જો તમે બાળકને કોઈ પણ વસ્તુ કરવા માટે ફોર્સ કરશો તો તેનામાં તે વસ્તુ માટે અણગમો બેસી જશે.

6. અહીં તમારો ટોન ખૂબ જ મહત્ત્વનો છે. જો તમારો ટોન - ગુસ્સાવાળો, કે નિંદાભર્યો કે ઓથોરિટેરિયન (સરમુખત્યારશાહી) હશે તો બાળક અપસેટ થઇ જશે કે ડરી જશે.

ઉંમર સાથે દૃષ્ટિકોણમાં આવતો ચેન્જ સામાન્ય રીતે બાળકો જ્યારે નાનાં હોય છે ત્યારે તેમને ઘરનાં કામ કરવાં ગમે છે. કેમ કે આ કરવાથી તેમને એવું ફીલ થાય છે કે તેઓ પણ મોટાં છે. પછી કિશોર વયે તેમને આંવા રૂટીન કામ કરવાનો કંટાળો આવે છે. કેમ? કેમ કે આ કામ તેમની ઘર અથવા સ્કૂલની જવાબદારીઓમાં સામેલ ન હોવાથી તે કરવામાં તેમને મજા નથી આવતી! આનો રસ્તો એ છે કે તેમને આ કામ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને છૂટ આપવી જોઈએ કે તેઓ આ કામને રસપ્રદ બનાવી શકે. દાખલા તરીકે, તેઓ પોતાના રૂમને સાફ કરતાં કરતાં મ્યુઝિક સાંભળી શકે છે કે પછી પોતાના ફ્રેન્ડ જોડે ફોન પર વાત પણ કરી શકે છે! આવું કરવાથી તેમને એકલાપણું પણ નહિ લાગે.

જે બોલો તે કરો બાળકોને ઘરનાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સહુથી જરૂરી એ છે કે તમે પોતે જે બોલો છો તે જ કરો છો; અને એવું કલ્ચર ઊભું કરો છો જ્યાં દરેક સભ્યનાં કામને વેલ્યુ આપવામાં આવે છે. છેવટે ખૂબ જ જરૂરી છે કે તમે ઘરના બધા કેરટેકર (ઘરનું ધ્યાન રાખનાર)ની વેલ્યુ કરો. બાળકો જુએ છે કે ઘરના નોકર એવાં કામ કરે છે જેને હલકાં ગણવામાં આવે છે. જો તમે તમારા ઘરના નોકરને માન આપો અને જરૂરિયાત હોય ત્યારે તેમને તેમના કામમાં મદદ પણ કરો, તો તમે ખરા અર્થોમાં તે કામને અને તે વ્યક્તિને વેલ્યુ આપી રહ્યા છો. અને અધૂરામાં પૂરું ઘરના મોટા ભાગનાં કામો સ્ત્રીઓ કરતી હોય છે, એટલે બાળકના મનમાં એક જાતનો જેન્ડર બાયસ (જાતીય પૂર્વગ્રહ) પણ બેસી જાય છે. જેના લીધે ઘણા છોકરાઓ માટે ઘરનાં કામ કરવા તે 'મર્દાના' નથી ગણાતું! એટલે જરૂરી છે કે પુરુષોને પણ વાસણ ઊટકવા અને કપડાં ધોવા જેવા કામોમાં ઇન્વોલ્વ કરવામાં આવે. એ જ રીતે મહિલાઓએ પણ કારનું ટાયર બદલતાં કે ઘરમાં ફ્યુઝ બદલતાં શીખવું જોઈએ.

ડિગ્નિટી ઓફ લેબર તે ફક્ત કામના સંદર્ભમાં જ નથી, તે એ વ્યક્તિના સંદર્ભમાં પણ છે જે તે કામ કરી રહ્યું છે. ડિગ્નિટી ઓફ લેબર માનવીય ગરિમા વિશે છે અને એટલેજ તે બાળકો માટે એક ખૂબ જ જરૂરી પાઠ છે.

ડિગ્નિટી ઓફ લેબરનો આ પાઠ આપણાં બાળકોને સમજાવવા માટનો સૌથી સારો દિવસ તો આજે જ છે!

હેપી લેબર ડે!
anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)