પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકની સાથે ડીલ કરતી વખતે ક્યારેય પિત્તો ન ગુમાવવો, હંમેશાં એક્ટ કરીએ... રિએક્ટ નહીં

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરેન્ટ અને શિક્ષક જ્યારે બાળક જોડે ડીલ કરતાં હોય છે ત્યારે ઘણી વાર તેઓ એક્ટ કરવાની જગ્યાએ રિએક્ટ કરે છે - આવું કેમ થતું હોય છે તે જાણવા માટે આ લેખ વાંચીએ...

આપણે સહુએ આપણા જીવનમાં એવી ક્ષણો અનુભવી હશે જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિ કે કોઈના શબ્દો સામે ખૂબ જ સ્ટ્રોંગલી રિએક્ટ કર્યું હશે અને પછી આપણને ચોક્કસ તેનો પસ્તાવો પણ થયો હશે. અહીં યાદ રાખવાનો મુદ્દો એ છે કે જ્યારે આ પરિસ્થિતિ બાળકના સંદર્ભમાં હોય ત્યારે આપણાં રિએક્શન તેની પર્સનાલિટીને ઘડવામાં એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

ચાલો, મિનીને મળીએ...
૩૫-વરસની બે બાળકની માતા મિની શૅર કરી રહી હતી કે તે કઈ રીતે પોતાના દીકરા જોડે ગઈ કાલે ગુસ્સે થઇ ગઈ હતી; અને હવે તેની જોડે રાડા-રાડી કર્યા પછી તેને ખૂબ જ પસ્તાવો થઇ રહ્યો હતો. ‘મારો દીકરો મોડી રાત સુધી મોબાઈલ પર હતો અને તેણે મને પ્રોમિસ કર્યું હતું કે તે સવારના સમયસર ઊઠી જશે, પણ એ ઊઠ્યો નહીં. જેના લીધે તે સ્કૂલ બસ ચૂકી ગયો. હું તેના પર ખૂબ જ ખીજાઈ ગઈ. એણે ઘણી વખત ‘સોરી’ કહ્યું, પણ ભગવાન જાણે મને શું થઇ ગયું કે મેં એની એકેય વાત સાંભળી નહીં. હવે મને મારા વર્તન પર પસ્તાવો થઇ રહ્યો છે.’

મેં મિનીને પૂછ્યું કે તે કેમ આટલી બધી ગુસ્સે થઇ ગઈ? તેનો જવાબ હતો કે જ્યારે પણ સમયની કદર ન થાય ત્યારે તે આ જ રીતે અપસેટ થઇ જાય છે. થોડી ઊંડાણમાં ચર્ચા કર્યા પછી જે તથ્ય બહાર નીકળ્યું તે આ હતું - મિનીના પપ્પા એક કડક શિસ્તવાદી હતા, જે સમયની પાબંદી અને દરરોજ સવારે નિયમિત રીતે એક જ સમયે જાગવા પર (ભલે ને પછી તમે રાત્રે ગમે તેટલા વાગ્યે સૂતા હો) જોર આપતા. ચોક્કસ, આ વિચાર ખૂબ જ સરસ છે, પણ જે બળ-જબરાઈથી તેને બેસાડી દેવામાં આવ્યું હતું, તેના લીધે મીનિ પર આની નકારાત્મક અસર થયેલી હતી અને તે ખૂબ જ સ્ટ્રેસ અને ડરમાં જીવતી હતી. કેમ કે નિયમ તોડવા પર તેના પપ્પા ગુસ્સો તો કરતા જ, પણ સાથે-સાથે તેને સજા પણ આપતા. એટલે અજાણતા જ મિનીના દીકરાના આજના વર્તને મિનીના બાળપણની તે કડવી મેમરીને ટ્રિગર કરી, જેથી તે પોતાનું સ્વ-નિયંત્રણ ગુમાવી બેઠી.

ઘણી વાર શિક્ષક પણ એક્ટ કરવાની જગ્યાએ રિએક્ટ કરે છે!
આપણામાંથી ઘણી વ્યક્તિઓ પાસે અનપ્રોસેસ્ડ ભાવનાઓ છે જે આપણા બાળપણની યાદો અથવા પ્રારંભિક પુખ્તાવસ્થાના અનુભવો સાથે સંકળાયેલી છે. આ ભાવનાઓ શબ્દો અથવા વર્તનથી ટ્રિગર થાય છે, જેના લીધે આપણે એક્ટ કરવાના બદલે રિએક્ટ કરીએ છીએ. આ વસ્તુ શિક્ષકો પર પણ લાગુ થાય છે.

વિનિતા એક ૫૮-વરસની સેકન્ડરી સ્કૂલની શિક્ષિકા છે. તે એક બનાવ યાદ કરે છે જ્યારે એક ૧૪-વરસના સ્ટુડન્ટે તેના કલાસરૂમની બહાર ખાવાના આદેશનું પાલન કરવાની ના પાડી. વિનિતાએ આ આદેશ એટલે આપ્યો હતો કારણ કે તે ક્લાસરૂમને ચોખ્ખો રાખવા માગતી હતી. વિદ્યાર્થીનું માનવું એવું હતું કે તે સૂકો નાસ્તો ખાઈ રહ્યો હતો એટલે કશું ગંદું થવાની શક્યતા જ ન હતી. એટલે તે પણ પોતાની જીદ પર અડી ગયો! વિનિતાએ શૅર કર્યું, ‘પછી કોણ જાણે શું થયું, હું પણ મારું નિયંત્રણ ગુમાવી બેઠી અને તેના પર જોર જોરથી બૂમો પાડવા માંડી, જેના લીધે બીજા શિક્ષકો અને સ્ટુડન્ટો પણ ભેગા થઇ ગયા. વળી સામે તે છોકરો પણ અડી ગયો કે તે કંઈ ખોટું નહોતો કરી રહ્યો અને તે વધારે ને વધારે ગુસ્સે થતો ગયો; છેવટે એક બીજા શિક્ષકે વચ્ચે પડવું પડ્યું અને હું ક્લાસ છોડીને જતી રહી.’ મેં વિનિતાને તેના ગુસ્સે થવાનું કારણ પૂછ્યું. તેનો જવાબ હતો કે બાળકે તેના આદે નું પાલન ના કર્યું જેથી તે તેને રિસ્પેક્ટ નહોતો કરી રહ્યો એટલે વિનિતાને ગુસ્સો આવ્યો. તેનું કહેવું એવું હતું કે, ‘હું મારા સ્ટુડન્ટ્સને રિસ્પેક્ટ કરું છું અને એટલે અપેક્ષા રાખું છું કે તેઓ પણ મને સામે રિસ્પેક્ટ કરે.’

આ બાબતે વધુ ચર્ચા કર્યા પછી જે બહાર નીકળ્યું તે આ હતું કે વિનિતાનાં લગ્ન ખૂબ જ નાની વયે થઇ ગયાં હતાં અને તેના સાસરિયાંમાં કોઈ પણ તેને ગણકારતું નહિ. ઘરમાં સહુથી નાની હોવાના લીધે તેની પાસે અપેક્ષા રાખવામાં આવતી કે તે કોઈ પણ દલીલ કર્યા વગર મોટાંને રિસ્પેક્ટ કરે. હવે જેમ-જેમ તેની ઉંમર વધી રહી હતી તેમ-તેમ તે બીજાં પાસેથી તે જ 'રિસ્પેક્ટ' મેળવવાની અપેક્ષા રાખી રહી હતી. કેમ કે આ તેની એક અપૂર્ણ જરૂરિયાત કે ઈચ્છા હતી. આગળ ચર્ચા કરતાં મેં તેને કહ્યું કે કદાચ તે બાળકનો ધ્યેય તેનો અનાદર કરવાનો ન હોય કે પછી કદાચ કલાસમાં બેસી ને ખાવું તે તે બાળકની મજબૂરી પણ હોય.

સામાન્ય રીતે આપણે આપણા ભૂતકાળના અનુભવોના આધારે વ્યક્તિઓ વિશે ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ.

આટલું કરવાનો પ્રયત્ન કરીએ
વાલી તરીકે જરૂરી છે કે તમે બાળકની કઈ વાતથી ટ્રિગર થાઓ છો અને કઈ વસ્તુથી ગુસ્સે થાઓ છો તે વિશે તમે જાગરૂકતા કેળવો. ઘણી વાર એવું પણ બને છે કે તમારી અંગત ધારણાઓના લીધે નજીવી બાબતો પણ ખૂબ જ વિશાળ સ્વરૂપ લઇ લે છે. જ્યારે બાળક કોઈ વસ્તુ માટે ના પાડે છે, દાખલા તરીકે - દૂધ પીવા માટે કે પછી રૂમમાં ફેંકેલાં કપડાંને ઉપાડવા માટે કે પછી હોમવર્ક કરવા માટે - ત્યારે જરૂરી છે કે પેરન્ટ કે શિક્ષક તેની 'ના' પાછળનાં કારણને સમજવાનો પ્રયત્ન કરે. પૉઝ લો... ઊંડો શ્વાસ લો… અને બાળકને શાંતિથી કહો કે - આપણે આની ચર્ચા પછી કરીશું. થોડાક કલાકો માટે પણ વાતને ટાળીને તમે પોતાના રિએક્શન પર કાબુ મેળવી શકશો. પછી તમે બાળકને પ્રોત્સાહન આપો કે તે વિચારણા કરીને પોતાના તે વર્તન માટેનાં કારણો તમારી જોડે શૅર કરે, જેથી તમે આ બાબતે તેની જોડે નિખાલસપણે ચર્ચા કરી શકો.

અંતમાં એટલું જ કહીશ કે જ્યારે તમે રિએક્ટ કરો છે ત્યારે તે આખો બનાવ ફક્ત તમારા અને તમારા જ વિશે બની જાય છે. પણ જો તમે થોડો સમય પસાર થવા દો અને પછી બાળકને એક્ટ કરવા માટે મદદ કરો તો તમે બાળકને એમ્પાવર (સશક્ત) કરી રહ્યા છો અને વળી આ આખો બનાવ બાળક વિશે થઇ જાય છે.

તો ચાલો ત્યારે, આજે સંકલ્પ કરીએ કે આપણે પણ મર્યાદાપુરુષોત્તમ રામની જેમ આપણાં રિએક્શનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરીશું... હેપી રામ નવમી!

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)