મનન કી બાત:ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગઃ મગજ બધી માહિતીને એક મેપ અથવા એક પેટર્નમાં ગોઠવશે અને બિનજરૂરી વસ્તુઓ ડિલિટ કરી દેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સોશિયલ મીડિયામાં અને છાપાંઓની જાહેરાતોમાં પણ આપણે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગના ટ્રેનર્સની ખૂબ જાહેરાતો જોતા હોઈએ છે. તો ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે? આવો જાણીએ...

રિચર્ડ બેન્ડલાર અને જોન ગ્રાઇન્ડર દ્વારા જ કરવામાં આવેલી સાયકોલોજીની આ પદ્ધતિ માત્ર વર્બલ કોમ્યુનિકેશન નહીં પરંતુ નોન વર્બલ કમ્યુનિકેશન પર પણ એટલો જ ભાર આપે છે. આ પદ્ધતિ કહે છે કે આપણી વાસ્તવિકતા અને સામેવાળાની વાસ્તવિકતામાં બહુ ફરક હોય છે. દુનિયાના દરેક માણસની એક પોતાની વાસ્તવિકતા, એક પોતાનું સત્ય હોય છે. જે રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણી આજુબાજુમાં થતી ઘટનાઓનો મતલબ સમજવા માટે આપણું મગજ એ બધી માહિતીને એક મેપ અથવા એક પેટર્નમાં ગોઠવવાનો પ્રયત્ન કરતું હોય છે. પરંતુ આ મેપ અથવા પેટર્ન વાસ્તવિકતાથી થોડી અલગ હોય છે. વાસ્તવિકતા અને આપણા મગજની આ પેટર્નમાં ત્રણ મુખ્ય ફેરફાર હોય છે:

  1. વસ્તુઓ ડિલિટ થવી: સાચી વાસ્તવિકતા અને આપણી વાસ્તવિકતામાં ઘણી બધી વસ્તુઓ ડિલિટ થઈ જતી હોય છે. જેમ કે, તમે તમારા મિત્રને પૂછો કે શનિ-રવિ માટે શું કર્યું તો એ કહેશે કે એક પિક્ચર જોવા ગયો. ચોક્કસ એ મિત્રે આખા શનિ-રવિમાં માત્ર એક પિક્ચર તો નહીં જ જોયું હોય. એ જ રીતે આપણું મગજ સ્વયં જ નક્કી કરી લેતું હોય છે કે કઈ વસ્તુઓ જરૂરી છે અને કઈ વસ્તુઓ જરૂરી નથી અને એ પ્રમાણે બિનજરૂરી વસ્તુઓને ડિલિટ કરી દે છે.
  2. વસ્તુઓ જનરાલાઈઝ થવી: જ્યારે આપણે કોઈપણ ચિત્ર દોરતા હોઈએ ત્યારે એમાં પાણીનો કલર હંમેશાં બ્લુ જ હોય છે. એ જ રીતે રાતનો કલર હંમેશાં કાળો હોય છે. પરંતુ દરેક પાણીનો કલર પણ અલગ હોય છે અને રાતના પણ કેટલાય શેડ હોય છે. તે રીતે જ્યારે આપણે કોઈપણ વસ્તુ કે ઘટના સમજવાનો પ્રયાસ કરીએ તો એને આપણા મનમાં બેસતો રંગ આપી દેતાં હોઈએ છીએ.
  3. વાસ્તવિકતા બેવડી વળવી: આપણને થયેલી ઘણી ગેરસમજણ વિશે આપણને જ્ઞાન હોય છે. પરંતુ દુનિયાનો કોઈ માણસ એવું ન કહી શકે કે મને ક્યારેય કોઇ ગેરસમજ નથી થઈ. આપણને જ્ઞાત ન થયેલી ગેરસમજણો આપણા મનમાં બનાવેલા આ મેપ ઉપર ખૂબ અસર કરતી હોય છે.

તો આ ત્રણ વસ્તુઓ પ્રમાણે જે સાચી વાસ્તવિકતા છે અને જે એક વ્યક્તિનું સત્ય છે એમાં ફેરફાર થતા હોય છે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એવું કહે છે કે, આપણે આપણો મેપ સતત વિકસતો રાખવો જોઈએ. જો આપણે આપણો મેપ વિકસતો ન રાખીએ તો ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓ સતત આપણી અને આપણી ખુશીની વચ્ચે બંધન બનતી હોય છે.

આ સાથે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એન્કરની પણ વાત કરે છે. આપણા મગજની અંદર બનેલા આ મેપના કારણે કેટલીક વસ્તુઓ આપણે કેટલીક બીજી વસ્તુઓ સાથે જોડી દેતા હોઇએ છીએ. જેમ કે, જે વ્યક્તિ જોડે આપણે સંબંધમાં હતા એનો ફેવરિટ કલર જ્યારે આપણે જોઈએ તો આપણને એ જ વ્યક્તિ યાદ આવતી હોય છે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ નવા એન્કર કઈ રીતે બનાવવા અને પોતાનો મેપ કેવી રીતે અપડેટ કરવો તે શીખવે છે.

કોઈપણ તકલીફ સાથે કામ લેતી વખતે આપણે ઘણીવાર બહુ ભાવુક થઈ જઇએ છીએ. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એવું શીખવે છે કે કોઈપણ તકલીફનો ઉકેલ કાઢતાં ત્રણ પગલાં હોય છે. તકલીફનો ઉકેલ કાઢતી વખતે એ જાણવું ખૂબ જરૂરી છે કે જે તકલીફ છે એના મૂળિયામાં

  • માહોલ
  • વર્તન
  • આવડત
  • વિચારો
  • વર્ચસ્વ

આ 5માંથી કઈ વસ્તુ છુપાયેલી છે? જેમ કે, જો તમારે હોસ્ટેલનો રૂમ બદલવો હોય તો એ માહોલની તકલીફ થઈ કે જેના કારણે તમારે તમારું વર્તન સાફ કરીને પોતાના માટે નવો રૂમ શોધવો પડશે. જ્યારે જો તમે એન્જિનિયર બની ગયા હો અને તમને એ ભાસ થાય કે આ ક્યારેય તમારું સપનું નહોતું તો એ તમારાં વર્ચસ્વની તકલીફ છે અને એનો ઉકેલ તમારે તમારા વિચારો વડે એક નવું વર્ચસ્વ બનાવીને કાઢવો પડશે.

મન: આપણે બધા કોઈપણ વ્યક્તિ જોડે વાત કરતી વખતે આપણા શબ્દોને સૌથી વધારે ભાર આપતા હોઈએ છીએ. પરંતુ વિજ્ઞાન એવું કહે છે કે, કોઈપણ વાર્તાલાપમાં શબ્દોનું મહત્ત્વ માત્ર 7 ટકા, વસ્તુનું મહત્ત્વ 35% અને બાકી બધાંનું મહત્ત્વ નોન વર્બલ કોમ્યુનિકેશનનું છે. તો આપણે આપણું નોન વર્બલ કોમ્યુનિકેશન કેવી રીતે સુધારીશું?
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...