તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોહોલિક:આખી દુનિયાના સામુહિક દાદા-નાની નેટફ્લિક્સે પેન્ડેમિકમાં 85 લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહામહિમ ‘ગેમ ઓફ થ્રોન્સ’ સિરીઝનો છેલ્લો એપિસોડ. દર્શકો જેને ઈચ્છતા હતા એને રાજસિંહાસન આપવામાં ન આવ્યું એટલે લાખો દર્શકો નારાજ થયેલા. અમુક હરખુડાઓએ તો પિટિશન ફાઈલ કરી કે ગેમ ઓફ થ્રોન્સનો ફાઈનલ એપિસોડ ફરીથી શૂટ કરવામાં આવે. ખેર, સિરીઝમાં વાસ્તવમાં જેને સાતેય રાજ્યોનું સુકાન સોંપવામાં આવે છે એને સોંપતા પહેલાં આ સિરીઝનું મુખ્ય પાત્ર એટલે બટુકજી ટાયરીન લેનિસ્ટર ઉર્ફે પીટર ડિંકલેજ નાનકડી સ્પીચ આપે છે. એ જે વ્યક્તિને ગેમ ઓફ થ્રોન્સની દુનિયાનું રાજ આપવાની ભલામણ કરે છે તેની કઈ ખૂબી વર્ણવે છે? લેનિસ્ટર કહે છે કે આ દુનિયા શેનાથી ચાલે છે? સોનું? પૈસો? આર્મી? માનવવસ્તી? ના, આ દુનિયા કહાનીઓથી ચાલે છે. પેઢી દર પેઢી વાર્તાઓ ટ્રાન્સફર થાય છે. નવી જન્મનારી પેઢીને એની પાછલી પેઢી પાસેથી સારી વાર્તાની અપેક્ષા હોય છે. વાર્તા વિના દુનિયા શક્ય નથી અને વાર્તા વિના સમૃદ્ધ ભવિષ્ય શક્ય નથી. વાત તો જાણે સાચી પણ વાસ્તવમાં અત્યારે આપણને સૌથી વધુ વાર્તા કોણ કહે છે? આખી દુનિયાને સામુહિક રીતે વાર્તા કહેનારું એક જ મુખ્ય માધ્યમ છે અને તે છે નેટફ્લિક્સ. એક રીતે જોઈએ તો આપણને ગમે એવી વાર્તાઓ કહી કહીને નેટફ્લિક્સે આપણા દાદા કે નાનીનું અમર સ્થાન લઇ લીધું છે. વાર્તા કહેવા માટે દાદા ન હોય તો નેટફ્લિક્સનો પાસવર્ડ છે ને? પુરતું છે.

‘ફ્લિક્સ’ એટલે કે ચાબુક વિંઝવાનો અવાજ. નેટફ્લિક્સ એ અર્થમાં ખરેખર લીડર છે, બધાં જ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મમાં. દુનિયા આખીમાં કપરાં લોકડાઉન દરમિયાન લોકોનો જુસ્સો અને મનોબળ ટકાવી રાખવા એકલપંડે મનોરંજન પૂરું પાડવાનો એમેઝોન પ્રાઈમ, HBO, ડિઝની, હુલુ, સોની લિવ, ઝી5, હોટ સ્ટાર જેવી OTT સર્વિસીસને જાય છે. પણ નેટફ્લિક્સ તો રાજા જ રહે છે. જુઓ ને, પેન્ડેમિક દરમિયાન બીજા 8.5 મિલિયન સબસ્ક્રાઇબર્સ ઉમેરીને મનોરંજનની દુનિયામાં સર્વોપરિતાનો ચાબખો મારી દીધો છે..!

તાજેતરના ભાવવધારા છતાં 203 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે મનોરંજનની દુનિયાનું નેટફ્લિક્સ બેતાજ બાદશાહ છે અને એના પેઈડ સબસ્ક્રાઇબર્સ વધતા જ જાય છે. ગામડાનો માણસ પણ ફેસબુક કે ટ્વિટર વાપરશે. કામદાર વર્ગનો માણસ પણ ઇન્સ્ટામાં સ્ટોરી અપલોડ કરે છે. વિયેતનામનો ખેતમજુર પણ ટિકટોક વિડિયો બનાવે છે. સોશિયલ મીડિયાનો આટલો અધધધ વપરાશ હોવા છતાં, ઝકરબર્ગ આણિ મંડળીએ બધાને સોશિયલ મીડિયાનું અફીણ પીવડાવી દીધું હોવા છતાં વિશ્વનો પંદર ટકા જેટલો ઇન્ટરનેટનો ડેટા એકમાત્ર નેટફ્લિક્સ ભરખી જાય છે. એકસો નેવું જેટલા દેશોમાં નેટફ્લિક્સનું સામ્રાજ્ય પથરાયેલું છે.

ટેલિવિઝન એટલે નેટફ્લિક્સ એવું કહેવું હવે અતિશયોક્તિભર્યું નહિ ગણાય. ચાલીસ બિલિયન ડૉલર્સ કરતાં પણ વધુ રેવન્યુ જનરેટ કરતા નેટફ્લિક્સે તો ટેલિવિઝનની દુનિયા બદલી જ નાખી છે અને આપણી આદતો પણ! નેટફ્લિક્સનું મુખ્ય કામ તો સર્વિસ પ્રોવાઈડ કરવાનું હતું, કન્ટેન્ટ નહિ. આ ઓનલાઈન સ્ટ્રીમિંગ મીડિયા કંપની આપણને દુનિયાની સારામાં સારી ફિલ્મો કે વેબ સિરીઝ કે ડોક્યુમેન્ટરી પીરસતી. ટીવીની ઘણી મર્યાદાઓ હતી. ટીવી ચેનલોમાં વચ્ચે વચ્ચે જાહેરાતો આવે અને સિરિયલનો બીજો એપિસોડ જોવા માટે બહુ રાહ જોવી પડે. નેટફ્લિક્સે આ EMI જેવી સિસ્ટમને તિલાંજલી આપી દીધી અને આખો રસથાળ આપણા ફોન કે ટીવીમાં સાગમટે આપી દીધો. પછી તો નેટફ્લિક્સની ખ્યાતિ વધે જ ને.

હવે જોઈએ નેટફ્લિક્સની રોચક કહાની. 1997માં નેટફ્લિક્સ શરુ થયું. બે અમેરિકનો જેનાં નામ માર્ક રેન્ડોલ્ફ અને રીડ હેસ્ટિંગ્સ છે તેણે અમેરિકાના ટપાલખાતાનો ઉપયોગ કર્યો. આપણા જેવા ફિલ્મો અને કાર્ટૂન ફિલ્મો અને જૂની સિરીયલોના શોખીનને ટપાલ મારફતે ઘરે ઘરે DVD પહોંચાડવાની સર્વિસ ચાલુ થઇ. ભારતમાં પણ એક સમયે CD-DVD ભાડે મળતી. એ જ રીતે આ લોકોએ ભાડું લેવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે તેનું નામ થતું ગયું. લોકો વધુ ને વધુ ભાડેથી CD-DVD મંગાવતા થયા. અમેરિકનો જ નહિ, પણ માણસમાત્ર કહાનીઓનો અને સરવાળે મનોરંજનનો ભૂખ્યો છે એ નેટફ્લિક્સમાં કામ કરતા લોકોને સમજાઈ ગયું. સર્વિસની સાથે સાથી કન્ટેન્ટ બનાવવાનું પણ તેઓએ ચાલુ કર્યું. ત્રણ દાયકાની અંદર નેટફ્લિક્સ, HBO કે ડિઝની જેવાં મોટાં પ્રોડક્શન હાઉસ કે ચેનલને માત આપવા લાગ્યાં. છે ને નેટફ્લિક્સનો જાદુ?

2014 સુધીમાં તો નેટફ્લિક્સના ચાલીસ દેશોમાં સબસ્ક્રાઈબર્સ હતા. યુરોપ, એશિયા ખંડોના દેશોમાં નેટફ્લિક્સની ચર્ચા થવા લાગેલી. 2016માં નેટફ્લિક્સે કોપીરાઈટ અને જરૂરી કાયદાઓની અડચણો દૂર કરીને ગ્રાહકોને ડાઉનલોડ કરવાની સુવિધા આપી જેથી લોકો ઓફલાઈન પણ નેટફ્લિક્સનું કોન્ટેન્ટ જોઈ શકતા થયા. 2020 અને 2021ના કોરોનાકાળમાં તો નેટફ્લિક્સ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયું. કોઈ એક કંપનીને આટલી બધી લોકપ્રિયતા મળી હોય એવા જવલ્લે જ બીજાં ઉદાહરણો મળે.

નેટફ્લિક્સ અનેક રીતે ગેમ ચેન્જર સાબિત થયેલું સાહસ છે. આપણે અમેરિકા કે બ્રિટનમાં ફક્ત નેટફ્લિક્સ માટે બનેલા કોન્ટેન્ટની વાત જવા દઈએ તો ભારતમાં ‘સેક્રેડ ગેમ્સ’ કે ‘લસ્ટ સ્ટોરીઝ’ કે ભારતીય સ્ટેન્ડ અપ કોમેડિયનના વીડિયોઝને કારણે ભારતીય કલાકારો તેની આખી કારકિર્દી દરમિયાન ન કમાયા હોય એટલું નાણું કમાયા છે. નેટફ્લિક્સને કારણે અબજો રૂપિયા એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઠલવાવા લાગ્યા છે.

હવે સવાલ એ થાય છે કે આ એન્ટરટેઇન્મેન્ટ કિંગ કમાણી કેવી રીતે કરે છે? નેટફ્લિક્સને જે રેવન્યુ મળે છે એમાં મોટો ભાગ સબસ્ક્રાઇબર્સના માસિક ભાડાનો જ હોય છે. નેટફ્લિક્સ ક્વોલિટી કોન્ટેન્ટ આપે છે. માટે એવી ગુણવત્તાની કદર કરી શકતા ગ્રાહકો જ તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે. વધુમાં નેટફ્લિક્સ ઓરિજિનલ અને પોતાના પર્સનલ સ્ટુડિયો ચાલુ કરતાં હોલિવૂડનાં ફિલ્મ નિર્માણ કરતાં મસમોટાં પ્રોડક્શન હાઉસ અને નેટફ્લિક્સ વચ્ચે કરોડો રૂપિયાના વહીવટ થાય છે. નેટફ્લિક્સ બધેથી શ્રેષ્ઠ ટેલેન્ટ રોકી લે છે અને પોતાની પાસેથી બ્રેઈન-ડ્રેઈન ન થાય તેના માટે મોટી કંપનીઓ ગમે તે રીતે નેટફ્લિક્સ સાથે જોડાઈ જાય છે. વધુમાં ઇન્ટરનેટ ઉપરનો ડેટાનો બહુ મોટો ટ્રાફિક નેટફ્લિક્સને કારણે વ્યસ્ત રહે છે એ રીતે પણ નેટફ્લિક્સ કંપની કરોડો-અબજો ડોલરનો નફો કરતી રહે છે.

આમ મનોરંજનની વ્યાખ્યા ધરમૂળથી બદલી નાખનાર નેટફ્લિક્સની હેડ ઓફિસ કેલિફોર્નિયાના લેસ ગેટોસમાં આવી છે અને એનું વર્ક કલ્ચર પણ ખૂબ વખણાય છે. ક્રિએટિવ કોન્ટેન્ટ બનાવતું નેટફ્લિક્સ કર્મચારીઓને પણ ખૂબ ક્રિએટિવ મોકળાશ આપે છે કામ કરવાની અને પ્રયોગો કરવાની.

મનોરંજનનું ભવિષ્ય નેટફ્લિક્સ છે. ગુગલ કે બીજી કોઈ જાયન્ટ કંપની તેની બરોબરી કરી શકશે નહિ. ઝકરબર્ગ પણ નેટફ્લિક્સને ખરીદી શકે એમ નથી. ફેસબુક કે વ્હોટ્સએપની લોકપ્રિયતા વધતી-ઓછી થતી રહે છે. નેટફ્લિક્સની લોકપ્રિયતા ચડતા ગ્રાફમાં વધતી જ જાય છે. પહેલાં એવા પાર્ટિશન પડ્યાં હતાં કે નાની સ્ક્રીનના કલાકાર અને મોટી સ્ક્રીનના કલાકાર. ટીવીના કલાકારો સિત્તેર એમએમની સ્ક્રીન ઉપર છવાતા કલાકારો કરતાં નાના ગણાતા. નેટફ્લિક્સે આ કન્સેપ્ટ જ બદલી નાખ્યો છે. ફરીથી નાની અને વધુ નાની સ્ક્રીનના કલાકારોનું વર્ચસ્વ વધ્યું છે.

mindequity@gmail.com

(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો