• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Need Balance In Relationships: Build Office Skills, Home Relationships, Close Relationships, Distant Relationships As Well As The Skills To Handle Them.

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોમાં બેલેન્સ જરૂરીઃ ઓફિસના સંબંધો, ઘરના સંબંધો, નજીકના સંબંધો, દૂરના સબંધો બાંધવાની સાથે તેને નિભાવવાની આવડત પણ કેળવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંબંધ ઘણા પ્રકારના હોય છે. માણસને જીવવા માટે ડગલે અને પગલે માણસોની જરૂર પડે છે. માણસ એકલપટો રહી શકતો નથી. માણસને જેમ પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ ખેંચી રાખે છે, બિલકુલ એ જ રીતે માણસોને માણસનું આકર્ષણ સતત રહે છે. તેની તીવ્રતા જુદા જુદા લોકોમાં જુદી જુદી હોય છે પણ હોય તો છે જ.

કેટલાક સંબંધો લોહીના હોય છે. કેટલાક સંબંધો કુદરતી રીતે જ બંધાઈ જાય છે. એમાં વ્યક્તિની ભૂમિકા સંબંધો બાંધવાની નહીં, નિભાવવાની હોય છે. કેટલાક સંબંધો જુદી જુદી વ્યવસ્થાના ભાગરૂપે બંધાય છે. કેટલાક સંબંધો ઘરના હોય છે. સગાં-વહાલાંનો ઈલાકો એટલે ઘરના સંબંધો. આ સંબંધો નિકટના હોય છે. તેનું સવિશેષ મહત્ત્વ ગણાય છે. સગાં-વહાલાં એ શબ્દ પાછળની ભાવનામાં પડેલી ભાવના પણ આ સંબંધોનો મહિમા વ્યક્ત કરે છે. જે સગાં હોય તે વહાલાં હોય જ. આ શબ્દ આમ તો યુગ્મ છે પણ તેમાં એકતાની વાત પડેલી છે.

જો કે, સમયાંતરે પરિવર્તનો આવતાં જ રહે છે. હવે ઘણા કહે છે કે સગાં હોય છે વહાલાં હોતાં નથી. સગાં સાથે સતત પ્રેમભરેલું બનતું હોય એવું ઘણી જગ્યાએ જોવા મળતું નથી. અનેક પરિવારો સગાંને બદલે અન્ય સંબંધોને વધારે મહત્ત્વ આપે છે. ઘરની બહાર આમ તો અનેક પ્રકારના સંબંધો બંધાય છે પણ તેમાં સૌથી અગત્યના સંબંધો બિઝનેસના, ઓફિસના ગણાય છે. આમ જોવા જઈએ તો નોકરી કરતી કે ધંધો કરતી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર કરતાં જાગૃત અવસ્થામાં તો નોકરી કે ધંધાના સ્થળે જ વધુ રહેતી હોય છે. તેને કારણે ઓફિસ કે ધંધાના સ્થળ પરના સહકર્મીઓ સાથેના સંબંધોનું મહત્ત્વ આપોઆપ વધી જતું હોય છે.

તમે કોઈપણ વ્યક્તિ સાથે સતત ઘણાં વર્ષો સુધી સાથે રહો એટલે પરિચય ગાઢ બને જ. એક ચોક્કસ પ્રકારના સંબંધો પણ બંધાય. આમ તો ઘરના સંબંધો અને નોકરી-ધંધાના સંબંધો જુદો જુદો પ્રદેશ છે પણ તેમાં પ્રેમ, લાગણી કે સંવેદનાનું તત્ત્વ તો કોમન રહેતું જ હોય છે. ભલે કામકાજના સ્થળ પરના સંબંધો લોહીના ન હોય પણ આ સંબંધો ગાઢ તો બનતા જ હોય છે. ઘણા લોકો ઘરના સંબંધો અને ઓફિસના સંબંધોની ભેળસેળ કરતા નથી. એ લોકો આ બાબતમાં ખૂબ સતર્ક હોય છે. ઘર એટલે ઘર અને ઓફિસ એટલે ઓફિસ. બંને વચ્ચે તેઓ સલામત અંતર રાખતા જ હોય છે.

કેટલાક વળી આત્મીયતાથી નોકરી-ધંધો કરવા માગતા હોય છે એટલે તેઓ આવું અંતર રાખવામાં માનતા નથી હોતા. કેટલાક વળી મધ્યમમાર્ગી હોય છે. ઓફિસવાળા સાથે માપમાં સંબંધો રાખે. ઘણી વખત તમે ઓફિસના લોકો સાથે અંગત પ્રકારના સંબંધો રાખો ત્યારે પ્રશ્નો પણ થતા હોય છે. એ પ્રશ્નો પરિવારજનોને પણ અસર કરતા હોય છે. બીજો એક મુદો છેઃ ઓફિસના આંતરિક સંબંધોનો. સહકર્મી સાથે કઈ તીવ્રતા સાથેનો સંબંધ રાખવો એ અનેક લોકો માટે મૂંઝવણ બની રહેતી હોય છે. સંબંધમાં એક હદ સુધી જઈને અટકી જવું જોઈએ એવું માનતા ઘણા લોકો અટકી શકતા નથી અને તેને કારણે કોમ્પ્લિકેશન્સ ઊભાં થતાં હોય છે.

અમદાવાદના એક વિખ્યાત ધારાશાસ્ત્રીએ પોતાની સાથે પ્રેક્ટિસ કરતી યુવતી સાથે ગાઢ સંબંધ કેળવ્યો. એને કારણે તેઓ ખૂબ જ નજીક આવ્યાં. એ યુવતી પરિણિત હતી તો પણ તેમણે પોતાના પતિને છોડીને ધારાશાસ્ત્રી સાથે (અલગ અલગ રહીને) ભેગાં રહેવાનું નક્કી કર્યું. એમના પતિ એકદમ સીધી લીટીના હતા. તેઓ તનથી પોતાની પત્ની સાથે છૂટા રહ્યા પણ મનથી તો સાથે જ રહ્યા. તેઓ પૈસે-ટકે એકદમ સેટ હતા તો પણ તેમણે લગ્ન ન કર્યાં. અરે, પોતાના મૃત્યુ પછી પત્ની માટે ઘણી મોટી રકમ મૂકતા પણ ગયા. જ્યારે પેલાં બહેન સાથે ધારાશાસ્ત્રીએ લગ્ન ન કર્યાં. તેઓ પોતાની પ્રથમ પત્નીને વફાદાર રહ્યા અને આ નવાં બહેનને પણ પત્નીની જેમ સાચવ્યાં.

ઘણી વખત ઓફિસ પોલિટિક્સની વ્યક્તિ પર મોટી અસર પડતી હોય છે. ભાવનગરનો એક બનાવ જોઈએ. ભાવનગરના એક યુવકના જીવનમાં એવું બન્યું કે તે જાણીને આપણને થાય કે કોઈના જીવનમાં આ‌‌વું ન બનવું જોઈએ. તેઓ એમ.કોમ. થઈને એક ખાનગી કંપનીમાં જોડાયા. તેજસ્વી હતા અને નિષ્ઠાવાન પણ હતા. કોઈપણ પ્રકારનું વ્યસન નહોતું. શિક્ષક પિતા પાસેથી તેમને સમયપાલનના સંસ્કાર મળ્યા હતા. આ બધાનો તેમને ફાયદો થયો. 125 વ્યક્તિના સ્ટાફવાળી ઓફિસમાં તેઓ જોતજોતામાં સર્વપ્રિય થઈ ગયા.

જીવનમાં આમેય પાયાના સદગુણો જ વ્યક્તિને આગળ લઈ જતા હોય છે. માત્ર ડિગ્રીથી તેજસ્વિતાથી સફળતા મળતી નથી. સફળ થવા માટે નિષ્ઠા, મૂલ્યનિષ્ઠા, કર્મઠતા, પ્રામાણિકતા, સમયપાલન, વિવેક-વિનય, ઓછી મહત્ત્વાકાંક્ષા અને એકાગ્રતા જેવા ગુણો અનિવાર્ય હોય છે. જે વ્યક્તિમાં આ ગુણો હોય છે તે વ્યક્તિ ચોક્કસ સફળ થતી હોય છે. કોઈ સંજોગોમાં સફળ ન થાય કે ઓછી થાય તો નિષ્ફળ તો નથી જ જતી. આ ભાઈ સફળ થયા. પહેલા જ વર્ષે તેમને કંપનીએ માતબર ઈન્ક્રિમેન્ટ આપ્યું. એ ઓફિસના ઈતિહાસમાં ક્યારેય કોઈને નહોતું મળ્યું એટલું મોટું ઈન્ક્રિમેન્ટ તેમને મળ્યું હતું. સંચાલકોએ વિચાર્યું કે, આ વ્યક્તિથી કંપનીને ખૂબ જ નફો થયો છે. જો આ વ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવશે તો કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરશે. આ વાત ઓફિસના અનેક લોકોને ખૂંચી. 10-15 કે 20 વર્ષથી નોકરી કરતા લોકોના પેટમાં તો રીતસરનું તેલ જ રેડાયું. તેઓ અંદર અંદર આ યુવકની ટીકા કરવા લાગ્યા. આખી ઓફિસને ચર્ચા કરવા માટે, નિંદા કરવા માટે, ખોદણી કરવા માટે એક લીલોછમ વિષય મળી ગયો. જ્યારે જુઓ ત્યારે બધા આ નિષ્ઠાવાન અને સફળ યુવકની જ વાતો કરતા હોય.

એટલું યાદ રાખવું જોઈએ કે જ્યારે સફળતા આવે છે ત્યારે અનેક પડકારો લઈને આવે છે. સફળતા ક્યારેય એકલી આ‌‌વતી જ નથી. સફળતા મેળવ્યા પછી તેને જાળવી રાખવી અને પચાવવી ખૂબ અઘરી હોય છે. આ વિશ્વમાં અનેક લોકો એવા હોય છે કે જે લોકો સારું નથી જોઈ શકતા. આવા લોકોને આપણે 'અદેખા' કહી શકીએ. ગુજરાતી ભાષામાં તેજોદ્વેષ નામનો એક સુંદર શબ્દ છે. કોઈ સફળ વ્યક્તિ માટે નકારાત્મક લાગણી અને તે પણ કોઈપણ કારણ વગર જન્મે તેનું નામ તેજોદ્વેષ. આ એક સ્વાભાવિક વૃત્તિ હોય છે. એ વૃત્તિમાંથી માણસો અનેક નકારાત્મક પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ‌‌વી નકારાત્મક પ્રવૃત્તિઓનું બીજું નામ એટલે ઓફિસ પોલિટિક્સ.

ઓફિસ માત્ર, પોલિટિક્સને પાત્ર. દરેક ઓફિસમાં નાનું મોટું રાજકારણ ચાલતું જ હોય છે. એવું બિલકુલ જરૂરી નથી કે ગાંધીનગર કે દિલ્હીની ઓફિસોમાં જ રાજકારણ ચાલતું હોય. રાજકારણ એ સાર્વત્રિક અને વિશ્વવ્યાપી વિષય છે. એ શક્તિશાળી વિષય છે. એની અવગણના કરવી ખાવાના ખેલ નથી. ઓફિસમાં પગાર હોય છે. પગાર એટલે પૈસા. પગાર એટલે સ્વાર્થ. પગાર એટલે અપેક્ષા. જ્યાં સ્વાર્થ અને અપેક્ષા હોય ત્યાં રાજકારણ હોય જ. આ સાવ સીધી વાત છે. ઓફિસમાં બે જણનો સ્ટાફ હોય કે બે હજારનો સ્ટાફ હોય. પોલિટિક્સનું અસ્તિત્વ હોય જ છે. મોટાં-મોટાં મઠો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં પણ માની ન શકાય એવું પોલિટિક્સ ચાલતું જ હોય છે.

આ બધાથી માણસે જાતે બચવાનું હોય છે. એવું કહેવાય છે કે, માણસના શરીરની ઉપર એક બીજું શરીર હોય છે. એ શરીર સૂક્ષ્મ શરીર હોય છે. એ શરીર એટલે ઓરા. એ શરીર એટલે વલય. જેમ ચંદ્રની આજુબાજુ વલય હોય છે તેમ માણસની આજુબાજુ પણ એક સૂક્ષ્મ શરીર હોય છે. આ શરીર માણસનું રક્ષણ કરતું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના શરીર અને મનની આજુબાજુ એક ઊર્જાનું આ‌‌વરણ કરવું જ પડે છે. એ આવરણ તમને નકારાત્મક બાબતોથી બચાવે છે.

ભાવનગરના એ યુવાન નવા નવા હતા. બિનઅનુભવી હતા. એ ભાઈ સમજ્યા નહીં કે નિષ્ઠાપૂર્વક કામ કરીને તેઓ આખી ઓફિસમાં બીજાથી સાવ જુદા પડી રહ્યા છે. તમે જ્યારે જુદા પડો છો ત્યારે જોખમ લો છો. જો તમે 10 ચોરની ટોળકીમાં કામ કરતા હો અને શાહુકાર હો તો તમારું આવી બન્યું સમજજો. એ 10 ચોર તમને ચોર કરીને જ જંપશે. ક્યાં તમારે શાહુકારી છોડવી પડશે અને ક્યાં તો તમારે નોકરી છોડવી પડશે. બીજો રસ્તો છે એ 10 ચોરને તમારી જેમ શાહુકાર બનાવવા. એ અઘરો રસ્તો છે. ધીરજ માગી લેતો રસ્તો છે. ભાવનગરના આ યુવાનને થયું કે મારો રસ્તો સાચો છે. જેને જે કહેવું હોય તે કહે. હું તો આગળ વધીશ જ. ઓફિસના પહેલી હરોળના કર્મચારીઓએ એ યુવાનને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું. એ બધા ભેગા થઈ ગયા અને સંપી ગયા. રોજેરોજ તેઓ એવું કંઈ કરે કે યુવાનને તકલીફ પડે. તેના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. એક વખત તો એક ફાઈલમાં ચેડાં કરીને એ યુવાને 6 લાખ રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એવું વાતાવરણ ઊભું કર્યું.

તપાસપંચ નીમાયું. એમાં સાબિત થયું કે, યુવાને ભ્રષ્ટાચાર કર્યો છે. એ યુવાન એકાએક સખત ડિપ્રેશનમાં આવી ગયો. જે વ્યક્તિ સપનાંમાં પણ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો વિચાર ન કરે તે વ્યક્તિના નામે અખબારોમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના સમાચાર પ્રકાશિત થયા. કેસ પણ થયો. જો કે, બે વર્ષની ખાતાકીય તપાસ પછી યુવક નિર્દોષ છૂટ્યો. પરંતુ ત્યાં સુધી માનસિક રીતે તે અત્યંત ભાંગી પડ્યો હતો. એ પછી તેણે નોકરી બદલી દીધી. કામ કરવાની શૈલી પણ બદલી. ના, તેણે નિષ્ઠા છોડી નહીં, પ્રામાણિકતા જાળવી રાખી. પરંતુ ભગવાન બુદ્ધને યાદ કરીને તે મધ્યમમાર્ગી બની ગયો. તેને લાગ્યું કે, આપણા કામથી ઓફિસના તમામ લોકો આપણા વિરોધી કે શત્રુ થઈ જાય તે યોગ્ય નથી. આવા વાતાવરણથી બચવું જોઈએ.

ઓફિસ અને સંબંધો એ એક ગંભીર અને રસપ્રદ વિષય છે. ઘરના સંબંધો એ તો લોહીના સંબંધો હોય છે. પરિવાર અને જ્ઞાતિના સંબંધો પણ સગાંના સંબંધો ગણાય. એ સંબંધોની પાટી અને પરિપાટી જુદી હોય. તેની સામે ઓફિસના સંબંધોએ નોકરીના સંબંધો છે. ધંધા, વ્યવસાય કે કામના સંબંધો છે. એ સંબંધોની પાટી, પરિપાટી અને સપાટી જુદી રહેવાની. ઘણા લોકો ખૂબ સ્પષ્ટ હોય છે. તેઓ ઓફિસના સંબંધો માટે એક બાઉન્ડ્રી નક્કી કરી લેતા હોય છે. ત્યાંથી આગળ નહીં વધવાનું. ઘણા લોકો સમજી શકતા નથી કે, ઓફિસના સંબંધો કેવી રીતે સાચવવા અને જાળવવા. તમે આખો દિવસ જે વ્યક્તિઓ સાથે વર્ષો સુધી સતત કામ કરતા હો તેની સાથે તમારું દિલ હળીમળી જાય તે સ્વાભાવિક છે. દિલ હળીમળી જાય ત્યારે જે સંબંધનો છોડ ઊગતો હોય છે તે કુદરતી છોડ હોય છે. એ સંબંધ ઘણીવાર લોહીના સંબંધ કરતા પણ ચડિયાતો હોય છે.

લાગણી, લાગણીવેડા અને સંવેદના. આ ત્રણ સ્તરની આજુબાજુ સંબંધોનું વિશ્વ જીવતું હોય છે. કયા સંબંધો કયા સ્તર પર બાંધવા અને સાચવવા એ વ્યક્તિએ પોતે નક્કી કરવું પડે છે. જેમ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે, દાન સુપાત્રને જ આપવું તેમ સંબંધો પણ સુપાત્ર સાથે જ બાંધવા. આપણા હૃદયની લાગણીઓ કંઈ કોઈ એવી વસ્તુ નથી કે તમે ગમે તેને આપતા ફરો. બહેનોના સ્વભાવની એક નબળાઈ હોય છે કે તેઓ તરત જ પોતાના ઘરની અને હૃદયની બધી બાબતો ગમે તેને કહી દે છે. જે ગમે તેને કહે તેનો વાંધો નહીં પરંતુ કોઈ પણ હોય તેને કહી દે તે યોગ્ય નથી. આવા કિસ્સામાં કામના સ્થળે બહેનોનું શોષણ થવાનું બીજારોપણ થઈ જતું હોય છે.

અનેક પતિ-પત્ની વચ્ચે વૈચારિક સંઘર્ષ થતો હોય છે કે તમે તમારી ઓફિસના સંબંધોની ઘર સાથે ભેળસેળ ના કરો. વર્ષોથી આ ફરિયાદ થતી આવી છે. ઘણી વખત ઓફિસમાં પોતાનો સ્વાર્થ કે હિત સાધવા માટે પણ લોકો પોલિટિક્સ કરતા હોય છે. ઓફિસના મોટાભાગના સંબંધો સ્વાર્થ, અપેક્ષા અને હિત સાધવા માટે જ બંધાતા હોય છે. ઓફિસમાં બોલાતા મીઠા મીઠા શબ્દની પાછળ ચોક્કસ કોઈ પ્રયોજન હોય છે. કોઈ રૂપાળી સેક્રેટરી બોસનાં ખૂબ વખાણ કરતી હોય ત્યારે આખી ઓફિસ જાણતી હોય છે કે, તે શા માટે વખાણ કરે છે. ખુદ બોસને પણ એની ખબર જ હોય છે. ઓફિસના સંબંધો મોટાભાગે ગોઠવાયેલા અને કૃત્રિમ સંબંધો હોય છે. આવા સંબંધોને સાચવવા માટે પ્રેમ અને શ્રદ્ધાની સાથે સાથે બુદ્ધિની પણ જરૂર પડતી જ હોય છે. જો બુદ્ધિ અને તર્ક સાથે ઓફિસમાં કામ કરાય તો ઓફિસનું પોલિટિક્સ ઓછું નુકસાન કરે છે.

જતી વેળાનું સ્મિતઃ
ઘર શાળા જેવું હોય અને શાળા ઘર જેવી બને તે બરાબર,
પણ ઘર ઓફિસ બને અને ઓફિસ ઘર બને તે યોગ્ય કહેવાય?
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...