એક્સપ્લોર ઇન્ડિયા:ભારત અને તિબેટ વચ્ચે ઇતિહાસનો ભવ્ય વારસો સાચવીને અડીખમ ઊભેલું કુદરતી વંડર-સ્પિતિ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંખો પર વિશ્વાસ ન બેસે એવા ઉત્તુંગ પહાડો અને ધરતીના કેન્વાસ પર જાણે કોઈ ખૂબ જ ઉમદા કલાકારે આર્ટવર્ક કર્યું હોય એમ એકસાથે અનેક વાંકીચૂકી વહેણોમાં વહેતી સ્પિતિ નદી અને એક તરફ પિન નદી. બહુ જ ધ્યાનથી નાનું બાળક દરિયા કિનારે એના કોમળ હાથથી રેતીનું ઘર બનાવે એ રીતે જ માટીમાંથી સર્જાયેલા ખડકો અને એ બધા જ વચ્ચે આપણા ઝીણકા અમથા અસ્તિત્વનું ભાન થાય એવા સૂક્ષ્મ આપણે કુદરતના વિશાળ સર્જનની વચ્ચે ફરી રહ્યા હોઈએ ત્યારે હિમાલયમાં આવેલી આ 'મિડલ લેન્ડ' સ્પિતિની સુંદરતાનો એહસાસ થાય અને સાથે કુદરતની મહાનતાનો પણ. સ્પિતિ એ માત્ર સ્થળ નહીં પણ એક અહેસાસ છે, એક આધ્યાત્મિક ઊર્જા છે અને જાતને મળવા માટેની એક ક્ષણ છે. શૂન્ય ડિગ્રીથી નીચું તાપમાન હોય છતાં પણ સૂર્યનાં કિરણો દઝાડતાં હોય, પરસેવો ન વળે એ પ્રકારની ગરમી, આંખો પહોંચે ત્યાં સુધી સફેદ વૃક્ષવિહીન ગગનચુંબી માટીનાં ડુંગરાઓ તો વળી ક્યાંક બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડો, દૂર ઊડતી માટીની ડમરીઓ...આ બઘી જ વિષમ પરિસ્થતિઓ વચ્ચે લાલ કપડાં પહેરેલા નિખાલસ હાસ્ય વેરતા નાનકડા લામાઓને જોઈને એક નવી જ ઊર્જાનો સંચાર થાય એવી આ બૌદ્ધ ભૂમિ પર પગ મૂકતાં જ જાણે કોઈ નવા જ ગ્રહ પર આવ્યા હોઈએ એવું અનુભવી શકીએ.

કાઝા ખૂબ જ ભાવુક બૌદ્ધ ધર્મ ધરાવતાં માણસોનું નગર
કાઝા ખૂબ જ ભાવુક બૌદ્ધ ધર્મ ધરાવતાં માણસોનું નગર

અહીંનું નાનકડું નગર કાઝા એ સ્પિતિનું મુખ્ય મથક છે. 4270 મીટરની અધધધ ઊંચાઈએ આવેલું કાઝા ખૂબ જ ભાવુક બૌદ્ધ ધર્મ ધરાવતા માણસોનું નગર છે. સ્પિતિ વેલીમાં કાઝા જ એવું સ્થળ છે જ્યાં પેટ્રોલ, ATM અને જીવન જરૂરિયાતનું માર્કેટ છે. અહીંના માર્કેટમાં આપણે ઘણી બધી લોકલ વસ્તુઓ જેમ કે, પ્રેયર મેટ, માળા, નવ ધાતુઓના બનેલા તિબેટીયન પ્રેયરબાઉલ, રંગબેરંગી પ્રેયર ફ્લેગ્સ વગેરે જેવી ઓથેન્ટિક વસ્તુઓ ખરીદીને સ્થાનિક લોકોને રોજગારી આપી શકીએ. કાઝામાં ઘણા એવા હોમસ્ટે અને એક માત્ર હોસ્ટેલ છે, જ્યાં સસ્તા દરે રહેવાની સુવિધા અને લોકલ તિબેટિયન ફૂડ મળે છે. અહીંના મોટાભાગનાં હોમ સ્ટેની વિશેષતા એ છે કે કોઈપણ રૂમની બારીમાંથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે પહાડોમાં રમાતી કુદરતની સોનેરી ચાદર અને વાદળોમાં રંગોનો મેળાવડો જોઈ શકાય. સાંજ ઢળે કે કાઝામાં આવેલી મોનેસ્ટ્રીમાં ઇવનિંગ પ્રેયરમાં ભાગ લઇ શકાય, જે જીવનમાં મેડિટેશનનો એક આગવો અનુભવ રહેશે. અહીંની રાત ઠંડી પણ ક્યારેય ન વિસરી શકાય એવી હોય છે. ખાસ તો કૃષ્ણ પક્ષ હોય તો જ્યાં નજર કરો ત્યાં સુધી ચમકતા સિતારાઓ તો વળી ક્યાંક ખરતા તારાઓનાં શેરડા, નરી આંખે સ્પષ્ટ રીતે નજર સમક્ષ તરવરતી તેજસ્વી આકાશગંગા, અવનવાં તારામંડળો એ આ નાનકડાં નગરની રાત્રિને દિવસ કરતાં વધુ મહત્ત્વની બનાવે છે.

વિશ્વના સૌથી ઊંચા કિલ્લાઓમાંનો એક કિલ્લો ધનકાર
વિશ્વના સૌથી ઊંચા કિલ્લાઓમાંનો એક કિલ્લો ધનકાર

વહેલા ઊઠીને કાઝાથી સવારે સૂરજની રોશની ધરતીને સ્પર્શે કે કુદરતી નજારાઓને જોવા નીકળી પડવું. સ્પિતિ નદીની આંગળી પકડીને થોડે દૂર સ્પિતિની જાહોજલાલીની ચાડી ખાતી એક ખૂબ જ જૂની અને ભવ્ય સભ્યતા અહીંનાં એક નાનકડા એવા ગામડાં 'ધનકાર'માં વસે છે. અહીં આવેલ ધનકારનો કિલ્લો એ એક એવી ઇમારત એટલે કે ઇમારતનું ખંડેર કહી શકાય. જેનું અસ્તિત્વ એક સમયે એટલું સમૃદ્ધ હતું કે આખાયે સ્પિતિની એ સદીઓ સુધી રાજધાની રહી હતી. ધનકારનો કિલ્લો કોઈ પક્ષીના માળા જેવી રચના ધરાવે છે, જે વિશ્વના સૌથી ઊંચા કિલ્લાઓમાંનો એક કિલ્લો છે. કિલ્લાની સાથે સાથે અહીં જૂની મોનેસ્ટ્રી પણ છે, જે આજે જીર્ણ ખંડેર અવસ્થામાં છે અને આજે 'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં સામેલ થયા બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગની દેખરેખ હેઠળ છે. મધપૂડા માફક વિશાળ પહાડો પર દેખાતો ધનકાર ફોર્ટ એક સમયે સ્પિતિની જાહોજલાલી હતો. આશરે 12774 ફૂટ ઊંચાઈ પર આવેલા સ્પિતિ અને પિન નદીનાં સંગમ સ્થળે હિમાલયનાં પવનો સામે ઝીંક ઝીલીને આજે પણ જીર્ણ અવસ્થામાં ઉભા રહેલા આ અદભૂત સ્થળ સાથે બે ઘડી બેસીને કરેલી ચર્ચાઓમાં એનું અસ્તિત્વ માટીમાં મળી જશે એનું દુઃખ સ્પષ્ટપણે વર્તાઈ આવતું હતું. ધનકાર ફોર્ટ જેટલું અદ્ભુત સ્થળ મેં આખા સ્પિતિમાં ક્યાંય પણ નથી જોયું. ધનકારનો કિલ્લો અને વહેતી સ્પિતિ નદી સાથે ભૂખરા ધૂળિયા પહાડો જોઈને એના અસ્તિત્વ સામે સવાલ થાય કે આવા ધૂળિયા પહાડો અડીખમ કઈ રીતે ઊભા હશે?

ગુફા જેવું કોતરીને બનાવેલો મેડિટેશન રૂમ
ગુફા જેવું કોતરીને બનાવેલો મેડિટેશન રૂમ

ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો સ્પિતિ એક સમયે પશ્ચિમ તિબેટનાં સામ્રાજ્યનો એક હિસ્સો હતું. 11મી સદીના તિબેટના શાસકે એના બે દીકરાઓ માટે ઝંસ્કાર અને સ્પિતિ એમ બે વિસ્તારો સ્થાપ્યા, જેમાં સ્પિતિ એ સમયે 'નોનો' નામથી ઓળખાતું હતું. અજોડ સુરક્ષાના ઘેરા વચ્ચે બનેલો ધનકારનો કિલ્લો તેના સ્થાનના લીધે જ ભેદવો ખૂબ જ મુશ્કેલ હતો. પિન અને સ્પિતિ નદીની સપાટીથી લગભગ 1000 ફુટ ઊંચાઈ પર માટીના પહાડ પર સ્થિત આ કિલ્લો ઊંચી પહાડીઓ અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પોતાનો ભવ્ય વારસો સાચવીને જીર્ણ અવસ્થામાં પણ અડીખમ ઊભેલો છે. કિલ્લા પાસે આવેલી ધનકાર મોનેસ્ટ્રીમાં કંઈક અલગ જ અનુભવ થાય છે. પહાડોમાં નાની ગુફા જેવું કોતરીને મેડિટેશન રૂમ બનાવેલો હોવાથી એ સ્થળ કંઈક અલગ જ વાઈબ્સ આપે છે. મોનેસ્ટ્રીની આસપાસ કમળના આકારના આઠ પહાડો છે, જે માટીથી સર્જાયા છે. એ માટીથી સર્જાયેલા પહાડો જ ધનકાર કિલ્લાનો મુખ્ય સુરક્ષા ઘેરો બની ગયો. ગામમાં જવાનો એક માત્ર રસ્તો એટલે ધનકારનો કિલ્લો. એ સમયે 7500 સ્કવેર કિમીના વગડામાં ફેલાયેલા સામ્રાજ્યને સાચવવા માટે ધનકાર એકમાત્ર સ્થળ રાજા માટે બધી જ રીતે યોગ્ય હતું. વેરાન વગડામાં હોવા છતાં આ સ્થળ હિન્દુસ્તાન અને ઓલ્ડ સિલ્ક રૂટ સાથે જોડાયેલું હતું. પશ્ચિમ તિબેટથી આવતા વેપારીઓ મહિનાઓ સુધી બરફ ઓગળે ત્યાં સુધી પ્રતીક્ષા કરતા. અહીંના લોકો મીઠું તથા કિંમતી રત્નો લઈને યાકનાં દૂધના ચીઝ અને ઊનનો વ્યાપાર કરતા હતા. આશરે 900 વર્ષ પહેલાં અહીં તિબેટના રાજકુમારનું શાસન હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આઠસો વર્ષ જૂનો ધનકારનો કિલ્લો 70ના દાયકામાં આવેલા ભયંકર ભૂકંપ પછી લગભગ પડી ભાંગ્યો અને ઈમારતનો મુખ્ય હિસ્સો જમીનદોસ્ત થઇ ગયો છતાં પણ માટી, પથ્થર અને લાકડીથી બનેલા એ શાનદાર કિલ્લાના ત્રણ માળ ખંડેર અવસ્થામાં આજે પણ યથાવત્ છે. ધ વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા આ સ્થળ વિશ્વનાં 100 સંકટગ્રસ્ત અવસ્થાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કિલ્લાની છત પરથી દૂર દૂર સુધી પિન અને સ્પિતિ નદીના પ્રવાહ અને રસ્તાઓને જોઈ શકાય છે.

કુદરતની કરામત તો જુઓ, હજારો વર્ષો પહેલાં સર્જાયેલા માટીનાં પહાડોને જોઈને કોઈ પણ કહી શકે કે હમણાં કડડભૂસ કરતા આ પહાડો નીચે આવશે પણ વર્ષોથી એ તસુભાર પણ નથી હલ્યાં. અહીં બેસીને સ્પિતિના ઠંડા અને સૂકા પવનોની લહેરખી કાનમાં સ્પિતિની ભવ્યતાનો ભૂતકાળ વર્ણવી જાય છે. અનેક સદીઓ જોઈ ચૂકેલો ધનકારનો કિલ્લો પોતાના પાયામાં સદીઓથી અનેક રહસ્યોને સંગોપીને બેઠો છે. આ કિલ્લાના અંત સમયે આ કિલ્લા પર લૂંટારાઓ અને હુમલાખોરો તૂટી પડ્યા હતા અને બ્રિટિશ અમલદારોએ આ કિલ્લાને સંપૂર્ણ રીતે લૂંટી લીધો હતો. એ પહેલાં પણ એક સમયે લૂંટારાઓ કિલ્લાની તળેટીએ મોકાની રાહમાં ડેરો જમાવ્યો અને સમય પારખીને કિલ્લાના દરવાજા સુધી પહોંચી ગયા. કિલ્લામાં રહેતા લોકોએ આ હુમલાખોરોને પહોંચી વળવા એક અલગ જ વ્યૂહરચના ઘડીને તેમને કિલ્લાની અંદર બોલાવી લીધા અને તેમને ખવડાવ્યું પીવડાવ્યું. મોડી રાત્રે નશામાં ઘેરાતા હુમલાખોરોને કિલ્લાની બહાર નદી તરફ ધકેલી મુખ્ય માર્ગ બંધ કરી દીધો. કડકડતી ઠંડીમાં સ્પિતિ નદીમાં ફેંકાતા જ હુમલાખોરોનો જીવનો અંત આવ્યો. આજે પણ હજારો ફૂટ ઊંચાઈએ ઊભેલા એ ગુમનામ સ્થળને જોતા આપણે સ્પિતિ વિશે કેટલું ઓછું જાણીએ છીએ એવો એહસાસ થયા વિના ન રહે.

કી મોનેસ્ટ્રી સ્પિતિની સૌથી જૂની અને સૌથી મોટા મઠમાંની એક છે
કી મોનેસ્ટ્રી સ્પિતિની સૌથી જૂની અને સૌથી મોટા મઠમાંની એક છે

સામાન્ય રીતે બળદને એમાં પણ હાલ તો આપણે ટ્રેક્ટર જ ખેતરમાં ચાલતા જોયા હશે પણ સ્પિતિમાં આપણને ખેતર ખેડતા યાક જોવા મળશે. ખૂબ જ ઓછા સંસાધનો, પ્રતિકૂળ વાતાવરણમાં પણ અહીંમાં લોકો પર્યાવરણને નુકસાન પહોંચાડયા વગર પોતાનો નિર્વાહ કરી જાણે છે. અહીં લીલા વટાણાની ખેતી ઉનાળુ પાક તરીકે કરવામાં આવે છે. સ્પિતિનું મુખ્ય આકર્ષણ છે અહીંની 'કી મોનેસ્ટ્રી'. ત્યાં પહોંચતા રસ્તાઓના તીવ્ર વળાંકો, પહાડોના બદલાતા જતા રંગો અને વાદળો આપણને એકદમ રોમાંચિત કરી દેશે. કી મોનેસ્ટ્રી સ્પિતિની સૌથી જૂની અને સૌથી મોટા મઠમાંની એક છે. રસ્તામાં દૂરથી જ આપણે 'કી મઠ'ને જોઈ શકીએ એટલી ઊંચાઈ પર સ્થિત છે અને મઠની નીચે જ તીવ્ર વળાંક લેતી સ્પિતિ નદી વહી રહી દેખાય છે. મોનેસ્ટ્રી પરથી પણ સ્પિતિ નદીનો પ્રવાહ અને આસપાસના ગામડાં જોઈ શકાય છે અને એ દૃશ્ય પણ એટલું સુંદર હોય છે કે અહીં મે કલાકોના કલાકો વિતાવ્યા છે. મોનેસ્ટ્રીથી થોડે ઉપર હાઈક કરીને ત્યાં જઈને બેસીને કી મઠ અને તેની પાછળ વહેતી સ્પિતિ નદીનું દૃશ્ય શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું આશ્ચર્યજનક અને અનન્ય છે. સ્પિતિ ઉપરથી વહેતા વાદળો જાણે સાગરને નદીઓના સંદેશાઓ આપવાની ઉતાવળમાં હોઈ એવા દૃશ્યમાન થયા છે.. સ્પિતિ એની ધૂનમાં એકદમ નિર્મળતા સાથે વહેતી જતી હોય એવું દીસે અને આસપાસની ધારાઓ સ્પિતિ સાથે મૂક રીતે ભળી જતી લાગે. એમ લાગે જાણે તે ઉપર ઉડતા મેઘદૂતો મારફતે સાગરને સંદેશો પાઠવતી હોય. સ્પિતિ નદીના કિનારા પર બેસીને સાંભળેલું તેનું સંગીત તમને અભિભૂત કરી દેશે. આપણે મોટા ભાગે શહેરોમાં ફેક્ટરીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા જોતા આવ્યા છીએ. અહીં કોઈ પડાહી પર ઊભા રહીને હાથ લાંબા કરી તો જુઓ વાદળો તમને દોડીને ગળે લગાવી લેશે. સ્પિતિની કોઈ પહાડી પર બેસીને સૂર્યાસ્તના રંગો જોવા એ જીવનભરનું સંભારણું બની જશે. એમાં પણ કોઈ ગમતી કંપની હોય, હાથમાં ગરમ ચાનો કપ હોય, ધીમે-ધીમે પહાડીઓ પાછળ સૂર્ય લપાતો જતો હોય અને તે સમયના રંગો દુનિયાના કોઈ ચિત્રકારની એવી આવડત નહીં હોય કે એ રંગોને હુબહુ કેન્વાસમાં કંડારી શકે એટલા અદભુત, સૂર્યપ્રકાશની લાલિમા વાદળોને વીંધીને પહાડીઓ અને નદી પર પડે ત્યારે તમામ જાણે તેના રંગે રંગાયું હોય એવું દૃશ્ય ઊભું થાય. એ સમયે સાચા અર્થમાં એમ થાય કે આપણે જિંદગીને ચિયર્સ કરી અને કુદરતની કરામતની થોડી ક્ષણો આપણા જ કોઈ કર્મના બદલે બક્ષિસમાં મળી હોય.

જીવનમાં શ્રેષ્ઠ ક્ષણો આપોઆપ આવતી નથી, એને અથાગ પ્રયત્નોથી લાવવી પડે છે અને જાળવવી પણ પડે છે. જેમ છોડને પાણી આપીએ એમ એ ખીલે છે એ જ રીતે જિંદગીને ફુરસદની ક્ષણોમાં એક અલગ માહોલ આપવો પણ જરૂરી છે. દેશનાં એવા સ્થળો જે ઓછા જોવાયાં છે અથવા તો છુટાછવાયા લોકો જ જ્યાં રહે છે તેમને મળવાની ઈચ્છા મને ઘણા સમયથી હતી. મિડલ લેન્ડ તરીકે ઓળખાતા સ્પિતિમાં ફુરસદની ક્ષણો એ રીતે વિતાવવાનું નક્કી કર્યું કે હું ત્યાંનો જ રહેવાસી હોઉં. સ્થળને સ્થળ તરીકે નહીં પણ મારા પોતાનાં ઘર તરીકે અપનાવીને મેં કાઝામાં આવેલી કી મોનેસ્ટ્રીને નજીકનાં પહાડ પર ચઢીને નિહાળી. માટીનાં બનેલા વિશાળકાય પહાડો, આકાશમાં ઉડાઉડ કરતા હિમાલયનાં પંખીઓ, શાંતિ અને સૌમ્યતા ફેલાવતા પ્રેયર ફ્લેગ્સ, એકસાથે અનેક પ્રવાહોમાં વહેતી સ્પિતિ નદી અને દૂર ક્યાંક પહાડોમાંથી ઊડતી ધૂળ આ બધું જ એક સાથે મનમાં એ રીતે વસી ગયું જાણે હું સ્પિતિનો નહીં, સ્પિતિ મારું છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)