ઈતિહાસ ગવાહ હૈ:જૂનાગઢના આરઝી હકૂમત દિવસનું રાષ્ટ્રગૌરવ: ‘જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે’...અને ગાંધીજીનું એ સ્વપ્ન સાકાર થયું

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીએ કહ્યું હતું કે 'જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે'
  • જૂનાગઢના દીવાનો હિંદુ અને પટેલ, નાગર કે ભાનુશાળી
  • નેહરુના વિરોધ વચ્ચે સરદારનું સોમનાથ સ્વપ્ન સાકાર થયું

ક્યારેક પાકિસ્તાની નક્શામાં જૂનાગઢને બતાવવાનો અટકચાળો કરાય કે સુરક્ષા પરિષદમાં એને ઉઠાવવાનો પ્રયાસ થાય ત્યારે લગભગ ત્રણેક મહિના પાકિસ્તાનમાં રહેલા અને પ્રજાની લડતના પ્રતાપે ભારતમાં પાછા લવાયેલા જૂનાગઢમાં 'આરઝી હકૂમત દિવસ' કેમ ઉજવાય છે એનું મહાત્મ્ય સમજાવવું સ્વાભાવિક છે. તળ સૌરાષ્ટ્ર અથવા તો કાઠિયાવાડનું જૂનાગઢ રાજ્ય 15 ઓગસ્ટ, 1947ના રોજ ૩૦૦ માઈલ દૂર આવેલા પાકિસ્તાન સાથે જોડાય ત્યારે મૂળ કુતિયાણાના એટલે કે જૂનાગઢ રાજ્યના જ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોકાર પાડે કે ‘જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે.’ સરદાર પટેલ તેમજ પંડિત નેહરુ સહિતના ભારત સરકારના અધિપતિઓ તથા મહાત્માના ભત્રીજા શામળદાસ ગાંધીના વડપણ હેઠળ જૂનાગઢનાં પ્રજાજનોની આરઝી હકૂમતના સંયુક્ત પ્રયાસો થકી 9 નવેમ્બર, 1947ના રોજ ગાંધીજીનું એ સ્વપ્ન સાકાર થયું. દર વર્ષે ભારતની સ્વતંત્રતાના દિવસ તરીકે 15 ઓગસ્ટ મનાવવા ઉપરાંત 9 નવેમ્બરને આરઝી હકૂમત દિવસ તરીકે મનાવાય છે એ પાછળનો ઈતિહાસ પણ સમજવો પડે.

દીવાન ભુટ્ટોના ઈશારે નવાબનો નિર્ણય
જૂનાગઢના નવાબ મહાબતખાન તૃતીય તો બેગમો, સંતાનો અને લાડકા કૂતરા તેમજ ઝવેરાત ભરીને કરાંચી ભણી 1947ના ઓક્ટોબર મહિનામાં જ ઉચાળા ભરી ગયા હતા. એમના મુસ્લિમ લીગી દીવાન સર શાહનવાઝ ભુટ્ટોએ નવાબને પાકિસ્તાન સાથે જોડાણ કરવા પ્રેર્યા હતા. રાજકાજને બદલે પોતાના શ્વાનપ્રેમ, ગૌપ્રેમ અને નાટકપ્રેમમાં રમમાણ રહેતા નવાબ જૂનાગઢ છોડી કરાંચી (એ વખતની પાકિસ્તાનની રાજધાની)ગયાં તો ખરા પણ ઝાઝું ગોઠ્યું નહીં. માત્ર 85 દિવસમાં જ જૂનાગઢની પ્રજા થકી પાકિસ્તાની શાસનને ઉચાળા ભરાવે એનાં એંધાણ મળતાં જ 8 નવેમ્બર, 1947ના રોજ નાયબ દીવાન કેપ્ટન હાર્વે જ્હોન્સને રિજિયોનલ કમિશનર અને ICS અધિકારી નીલમ બુચને નામે પત્ર લખીને જૂનાગઢ રાજ્યનો અખત્યાર ભારત સરકાર વતી સંભાળી લેવાનો પત્ર પહોંચાડવા આપ્યો અને કરાંચીની વાટ પકડી.

જનમત સ્પષ્ટપણે ભારતની તરફેણમાં
ગાંધીજીના શબ્દો સાચા પડ્યા. જૂનાગઢમાંથી પાકિસ્તાન ગયું. 20 ફેબ્રુઆરી, 1948ના રોજ નોંધાયેલા 2,01,457 મતદારોમાંથી મતદાન કરનાર 1,09,870 મતદારોમાંથી માત્ર 91 જણે પાકિસ્તાનમાં જોડાવાની તરફેણ કરી. લંડનના પ્રતિષ્ઠિત અખબારો ‘સન્ડે ટાઈમ્સ’ અને ‘ડેઈલી ટેલિગ્રાફ’ના જૂનાગઢમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ પણ મતદાનની તટસ્થતાની ગવાહી પૂરતા અહેવાલો આપ્યા. જો કે, જૂનાગઢના નવાબના પાકિસ્તાનનિવાસી વંશજોએ એ વિશે હજી સંયુક્ત રાષ્ટ્ર સમક્ષની ફરિયાદને તાજી કરીને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો લેખાવવાનું ચાલુ રાખ્યું છે. ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીના વડપણ હેઠળની આરઝી હકૂમત થકી જૂનાગઢ સ્ટેટ ભારતમાં ભળ્યું. વિભાજનના એ દિવસોમાં તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન અને સરદાર પટેલ તેમજ પંડિત નેહરુએ ખૂબ કાળજી રાખીને ભારતીય લશ્કરી દળોને જૂનાગઢ રાજ્યની આસપાસ ગોઠવ્યાં હતાં પણ જૂનાગઢ રાજ્યની હદમાં નહીં પ્રવેશવાની તાકીદ કરી હતી. એનું કારણ એ હતું કે જૂનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે જોડાયું હતું. એ બાબત નવા ગૂંચવાડા સર્જાય નહીં એવું તેઓ અપેક્ષિત માનતા હતા.

રજવાડાને સ્વીકારતું ઝીણાનું જાહેરનામું
સ્વાભાવિક રીતે ભારત સાથે જ જોડાવાનું હોવાના સંકેત આપતા રહેલા જૂનાગઢે ભારત સરકારને અંધારામાં રાખીને 15 ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી દીધી હતી. 13 સપ્ટેમ્બરે પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાએ જૂનાગઢને પોતાના પ્રદેશ તરીકે સ્વીકારતાં સંમતિના હસ્તાક્ષર કર્યાં. જૂનાગઢમાં એનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડી ચૂક્યું હતું. રાજ્યની 80 ટકા કરતાં વધુ વસ્તી હિંદુ હોવા છતાં નવાબને સમજાવી-પટાવીને સર ભુટ્ટોએ પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી હતી. પ્રજા ભડકી એટલે છેવટે 7 નવેમ્બરે સર ભુટ્ટોએ શામળદાસ સાથે મંત્રણા આદરી અને બીજા દિવસે તેઓ પણ કરાંચી ભાગી ગયા. જતાં જતાં જૂનાગઢનો કબજો સંભાળી લેવા ભારત સરકારને પત્ર લખતા ગયા હતા.

પત્રકારત્વ અને રાજકારણમાં નિષ્ફળ
જે શામળદાસ ગાંધીના વડપણ હેઠળ આરઝી હકૂમત થકી જૂનાગઢ ભારતમાં ભળ્યું એ શામળદાસ ધારાસભાની પહેલી ચૂંટણી હારી ગયા હતા. ગાંધીજીના ભત્રીજા હોવાનો લાભ ચૂંટણીમાં એમને નહોતો મળ્યો. શામળદાસ ધારાસભાની 1951ની પહેલી ચૂંટણી જૂનાગઢ અને પોરબંદર તાલુકા બેઠક પરથી લડ્યા અને બંને બેઠક પર ભૂંડા હાલે હારી ગયા હતા! બંને બેઠકો પર આચાર્ય કૃપલાનીની કિસાન મજદૂર પ્રજા પાર્ટીના ઉમેદવાર તરીકે કોંગ્રેસ સામે તેઓ લડ્યા હતા. જૂનાગઢની બેઠક પર શામળદાસ 251 મતથી ચિત્તરંજન રાજા સામે હાર્યા પણ પોરબંદર તાલુકા બેઠક તો માલદેવજી ઓડેદરા સામે 13,037 મતથી હાર્યા હતા. શામળદાસનો સ્વભાવ તેમણે નડ્યો એટલે જ એમણે અગાઉ ઢેબર સરકારમાંથી રાજીનામું આપ્યું હતું એ પોતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જ માનતા હતા. પત્રકારત્વ અને રાજકારણ બંનેમાં નિષ્ફળ રહેલા શામળદાસનું 1953માં મૃત્યુ થયું હતું.

સરદાર પટેલનું જૂનાગઢમાં આગમન
જૂનાગઢ ભારતનું અંગ બન્યા પછી 13 નવેમ્બર, 1947ના રોજ નાયબ વડાપ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ જૂનાગઢ આવ્યા. બહાઉદ્દદીન કોલેજના પ્રાંગણમાં દસ હજાર કરતાં વધુ લોકોની વિશાળ સભામાં સરદારનું ભાષણ થયું. એ પછી એમનો કાફલો સોમનાથ મંદિરના ભગ્ન અવશેષો નિહાળવા પ્રભાસ પાટણ ગયો. નેહરુ સરકારમાં સરદારનિષ્ઠ પ્રધાન અને ‘જય સોમનાથ’ના રચયિતા ક. મા. મુનશી ‘કુલપતિના પત્રો’માં નોંધે છેઃ સરદારે જાહેરસભામાં કહ્યું: 'નવા વર્ષના આ પવિત્ર દિવસે આપણે નિર્ધાર કરીએ કે સોમનાથનો જીર્ણોદ્ધાર થાય. તમારે સૌરાષ્ટ્રવાસીઓએ આ માટે બનતું બધું જ કરવું જોઈએ. આ એક પવિત્ર કાર્ય છે, એમાં તમારે સૌએ ભાગ લેવો જોઈએ.' પ્રારંભમાં ભારત સરકાર જીર્ણોદ્ધારનો તમામ ખર્ચ ભોગવશે એ માટે નેહરુ પણ સંમત હતા પણ ગાંધીજીએ સરદારને કહ્યું કે, જીર્ણોદ્ધાર પ્રજાનાં નાણાં તથા સહયોગથી થવો જોઈએ. શાસ્ત્રાજ્ઞા પ્રમાણે, જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠા કરવા માટે જગતની બધી જ નદીઓનાં જળ, મૃત્તિકા અને કાષ્ઠ લાવવાં જરૂરી હતા. એટલે વિદેશ ખાતા દ્વારા તમામ ભારતીય એલચી ખાતાને આ મોકલવા વિનંતી કરાઈ. ચીનમાં ભારતીય રાજદૂત સરકાર પણિક્કરે જળ અને કાષ્ઠ મોકલ્યાં તો ખરાં પણ પંડિતજી પર લખ્યું, ‘જો ભારતમાં આવું થતું રહેશે તો ચીનના લોકો આપણા માટે શું વિચારશે?’ આ વાતે નેહરુને સોમનાથના જીર્ણોદ્ધાર અંગે પુનર્વિચાર કરવા પ્રેર્યા અને એમણે એની નારાજગી મુનશી સમક્ષ રજૂ કરી હતી. કમનસીબે સરદારનું 15 ડિસેમ્બર, 1950ના રોજ મૃત્યુ થયું હતું. મુનશી, જામ સાહેબ અને કાકાસાહેબ ગાડગીળ જેવા સરદારપ્રેમીઓએ નેહરુના વિરોધ વચ્ચે પણ સરદારનું સ્વપ્ન સાકાર કરવાનો ખંત દાખવ્યો. સોમનાથની પ્રાણપ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર બાબુને હસ્તે સંપન્ન થઈ હતી.

રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક સોમનાથ
ભારત વર્ષમાં આવેલાં બાર જ્યોર્તિલિંગમાં આદિ જ્યોર્તિલિંગ તરીકે શ્રી સોમનાથનું સ્થાન છે. ભારતીય આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મંદિર લગભગ 18 વખત લૂંટાયું, તોડાયું અને નવસર્જિત થયું. મુનશીએ કહ્યું છે કે, ‘જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.’ 11 મે, 1951ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને હસ્તે પ્રતિષ્ઠાવિધિ થઈ. 108 તીર્થસ્થાનોનાં અને સાત સાગરનાં જળથી અભિષેક કરીને તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી જેવી નાસ્તિક લેખાતી મહાન હસ્તીએ પ્રાણપ્રતિષ્ઠા કરાવી. 101 તોપોના ગગનભેદી નાદના માન સાથે મંદિરમાં ઘંટનાદ થયો. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદને મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ શોભાવ્યું. પ્રથમ તબક્કામાં ગર્ભગૃહ અને બીજા તબક્કામાં સભા મંડપ અને શિખરનું કામ તેમજ ત્રીજા તબક્કામાં નૃત્યમંડપનું કામ પૂરું થયું. 1 ડિસેમ્બર, 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાળ શર્માના વરદ હસ્તે નૃત્યમંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા સાથે સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. વિધર્મીઓના આક્રમણ અને શાસનનો ભોગ બનેલા આ પ્રાચીન તીર્થને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સ્વપ્નને સાકાર કરતાં અત્યારે ભવ્યતા પુનઃ પ્રાપ્ત થઈ છે.

ગાયનાં નિત્ય દર્શન કરતા નવાબ
આદિકવિ નરસિંહ મહેતાની ભૂમિ એટલે જૂનાગઢ. ભવ્ય ગિનાર જ નહીં, ગુજરાત દેશનું ક્યારેક રાજધાની રહેલું નગર એટલે જૂનાગઢ. ઈ.સ. 1472-73 સુધી જૂનાગઢ પર હિંદુ ચુડાસમા રાજવીઓની આણ હતી. અમદાવાદના સુલતાન મુહમ્મદ બેગડાએ જૂનાગઢના રાજવી રા’માંડલિક સાથે અંચાઈ કરીને એને પરાજિત કર્યો અને ઈસ્લામ કબૂલ કરાવ્યો ત્યારથી જૂનાગઢ મુસ્લિમ શાસન હેઠળ આવ્યું હતું. અગાઉ મૌર્ય અને સોલંકી અને પછી ચુડાસમા શાસકોના જૂનાગઢની અવદશા મુસ્લિમ શાસકોએ કરી મૂકી. 1747માં અહીં શેરખાન બાબી નામના સૈનિકો બાબી વંશ સ્થાપીને પોતાનું રાજ શરૂ કર્યું હતું. ઓક્ટોબર 1947માં પાકિસ્તાની ભાગી છૂટેલા નવાબ મહાબત ખાનજી ત્રીજાથી બાબી વંશનો અંત આવ્યો. મહાબતખાનજી કૂતરાંપ્રેમી તરીકે ચર્ચાસ્પદ રહ્યા છે. કૂતરાં-કૂતરીનાં લગ્ન કરાવવા માટે કે પોતાના લાડકા કૂતરાના અવસાન વખતે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરાવનાર મહાબતખાનજી ગાયપ્રેમી હતા અને રોજ દરબારમાં જતાં પહેલાં ગાયના દર્શન કરતા તેમજ ગોહત્યા પર બંદી ફરમાવનાર હતા એ વાત જાણી જોઈને પ્રકાશમાં નથી લવાતી.

નવાબ પાકિસ્તાન જઈને પસ્તાયા
જૂનાગઢના બાબીવંશની સ્થાપનાથી એમના દીવાનો મહદ્અંશે હિંદુ અને પટેલ, નાગર કે ભાનુશાળી રહ્યા છે. પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા પણ જૂનાગઢના દીવાન રહ્યા છે. નવાબ મહાબતખાન રાજકાજમાં ઝાઝો રસ લેતા નહોતા એટલે જ ભારત સાથે જોડાણના આગ્રહી દીવાન અબ્દુલ કાદર તબીબી સારવાર માટે અમેરિકા જતાં જ મુસ્લિમ લીગી સર ભુટ્ટોએ ખેલ પાડી દીધો હતો. જો કે, પાકિસ્તાન ગયા પછી નવાબ ખૂબ પસ્તાયા હતા. એમણે ભારત પાછા ફરવાની અને ભારતમાં જૂનાગઢના વિલયને લખી આપવાની વાત પાકિસ્તાનમાં પ્રથમ ભારતીય હાઈકમિશનર શ્રીપ્રકાશને કરી હતી પણ ભારતે નવેમ્બર 1947માં જૂનાગઢ મેળવી જ લીધું હતું એટલે નવાબના પાછા ફરવા અને એમનો ઉપકાર વહોરવાનો નેહરુ સરકારને કોઈ ખપ નહોતો. એટલે તો હજી આજ દિવસ સુધી ઇસ્લામાબાદના ઈશારે સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં જૂનાગઢનો વિવાદ પણ પડ્યો જ છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ ક્યારેક પોતાનાં રાજકીય લાભ માટે પોતાના દેશના નકશામાં જૂનાગઢને બતાવવાનું પસંદ કરે છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...