ડિજિટલ ડિબેટ:નરેશ પટેલ કૉંગ્રેસમાં: કોનો માસ્ટર સ્ટ્રૉક, કોના માટે પગ પર કુહાડી?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં અગ્રણી બનેલા ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના છે તે વાત તો ઘણા મહિનાઓથી ચર્ચાતી હતી, પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ ન્યૂઝ એપે ૩૦ માર્ચે એક્ઝક્લુઝિવ આપ્યા. દિવ્ય ભાસ્કર ડિજિટલના વિશેષ અહેવાલ અનુસાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ખેલ પાડ્યો છે અને રાહુલ ગાંધીની અનુમતિ સાથે નરેશ પટેલને ગુજરાતમાં કૉંગ્રેસના મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે રજૂ કરવા માટે મનાવી લીધા છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કૉંગ્રેસમાં જોડાય અને ગુજરાતમાં આગામી ચૂંટણીમાં પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. હવે સત્તાવાર રીતે નરેશ પટેલને કૉંગ્રેસનરેશ અથવા તો ગુજરાતનરેશ તરીકે ક્યારે જાહેર કરાય છે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે ગુજરાત રાજકારણના ભાવિનાં એંધાણ આસપાસની ચર્ચા ફરી એક વાર.

જયવંત પંડ્યા (JP): નરેશ પટેલ જો કૉંગ્રેસમાં જોડાય તો કૉંગ્રેસમાં આશાનું નવું કિરણ જાગે જ. કૉંગ્રેસને આવી આશાની જરૂર પણ છે કારણકે છેલ્લાં પાંચેક વર્ષમાં કૉંગ્રેસમાંથી વીસેક મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે. દર વખતે કૉંગ્રેસમાંથી લોકો નીકળ્યા કરે તેની સામે કોઈ મોટું માથું આવે તો તે કૉંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ વધારે જ. એમાં પાછા બહુ ગવાયેલા પ્રશાંત કિશોર પણ જોડાશે એવી વાત છે! નરેશ પટેલ સાથે બીજા પટેલ નેતાઓ પણ આવશે જ. કૉંગ્રેસનું સંગઠન તેનાથી મજબૂત થશે કે કેમ તે પ્રશ્ન છે, પણ કૉંગ્રેસનું સંગઠન વિસ્તરશે અવશ્ય. હવે પ્રશ્ન એ છે કે નરેશ પટેલ નેતા તરીકે કેવા નીવડશે?
દિલીપ ગોહિલ (DG): ગુજરાતની વર્તમાન સ્થિતિમાં નરેશ પટેલ કેવા નેતા નીવડે તે મહત્ત્વનું નથી, કૉંગ્રેસ કોઈ એક નેતાને મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે પ્રમોટ કરીને ભાજપ સામે ટક્કર આપે છે કે કેમ તે અગત્યનું છે. વિપક્ષ જીતવા માટે કોશિશ કરી રહ્યો છે કે નહીં તે બે નિર્ણાયક વર્ગ માટે જાણવું જરૂરી હોય છે - પક્ષના કાર્યકરો અને તટસ્થ મતદારો. આ વખતે પક્ષ જીતવા માટે લડી રહ્યો છે એવું કાર્યકરોને લાગે ત્યારે તેઓ સ્વયંસ્ફૂરણાથી કામે લાગતા હોય છે. ટેકેદાર વર્ગ સાથે હોય જ છે, પરંતુ તટસ્થ મતદાર એ જોતો હોય છે કે કયો પક્ષ શું કરી રહ્યો છે. ઘણા તટસ્થ મતદારો - મનુષ્યની સાધારણ માનસિકતા પ્રમાણે - વિજેતા સાથે અથવા લડવૈયા સાથે ઊભા રહેવા તૈયાર હોય છે. વિપક્ષ કૈંક અનોખું કરી રહ્યો છે એવું લાગે ત્યારે તેને તક આપવાનું વિચારી શકે. એ અર્થમાં નરેશ પટેલ નેતા તરીકે કેવા નીવડશે તે સવાલ કરતાંય કૉંગ્રેસ તેમને સીધા જ CMના ચહેરા તરીકે સ્પષ્ટપણે, દોણી સંતાડ્યા વિના પ્રમોટ કરશે કે તે અગત્યનું સાબિત થશે.

JP: પરંતુ તમે જેને ચહેરો બનાવવાના હો તેમાં નેતૃત્વ ક્ષમતા છે કે કેમ તે પણ જોવાનું હોય છે. નેતામાં પહેલી આવડત સંગઠનની હોવી જોઈએ જે નરેશ પટેલે ખોડલધામને સત્તાનું એક કેન્દ્ર બનાવીને સાબિત કરી દીધી છે. તેઓ એક પાવર સેન્ટર છે જ, ને એટલે જ ભાજપ, કૉંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ તેમને પોતાની સાથે લેવા પ્રયાસો કર્યા. નેતામાં બીજી આવડત સારી વક્તૃત્વ શૈલીની હોવી જોઈએ. નરેશ પટેલે કોઈ સભા સંબોધી હોય તેવું ધ્યાનમાં નથી અને સંબોધી હશે તો તે પટેલ સમાજની સભાને સંબોધી હશે. ગુજરાતની ચૂંટણી સભાઓ ગજવવી એ અલગ વાત છે. સામે પક્ષે નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા અસરકારક વક્તાઓ છે. ત્રીજી તરફ અરવિંદ કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલ ત્રીજા પક્ષ તરીકે કેટલાક લોકોને આકર્ષે ખરા.
DG: સામાજિક સંગઠનનું માળખું અલગ પ્રકારનું હોય છે. રાજકીય સંગઠન વધારે સંકુલ અને વધારે અઘરું હોય છે. અગેઇન, એ વાત અહીં અગત્યની નથી. નરેશ પટેલની સંગઠનાત્મક આવડત તરીકે તેમને પ્રમોટ કરવાની વાત છે નહીં, તેઓ સામાજિક અને ધાર્મિક સંસ્થાના સક્રિય અગ્રણી તરીકે એક ટેકેદાર વર્ગ ધરાવે છે તેમને કૉંગ્રેસ સાથે લઈ આવવાની વાત છે. CM ફેસ તરીકે પ્રમોટ કરવામાં આવે ત્યારે પછી કયો પક્ષ છે, સંગઠનની આવડત છે કે નહીં અને ભાષણ જોરદાર કરી શકશે કે નહીં તે વાત ગૌણ બની જાય છે. 'નરેશભાઈને CM બનાવાતા હોય તો સાથે જવાય હોં' - એટલું જ અગત્યનું બની શકે છે. સામાજિક મંચ પરથી સારું બોલતા તેમને ઘણાએ જોયા-સાંભળ્યા છે. તેની સામે ભાજપે જેમને મુખ્ય પ્રધાન બનાવ્યા છે તેઓ પત્રકારો સામે સુદીર્ઘ સ્ટેટમેન્ટ પણ આપી શકતા નથી. મુખ્ય પ્રધાન સાથે એટલા માટે સરખામણી કરવી પડે, કેમ કે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે યોગી જેવા પ્રખર વક્તાઓ સામે કોઈની સરખામણી કરવી શક્ય નથી. કેજરીવાલ પણ એ જ શ્રેણીમાં આવે છે, પણ આ બધા પક્ષના સર્વોચ્ચ નેતાઓ છે, જ્યારે ગુજરાતમાં ભાવિ 'નરેશ' કોણ તેની વાત આવે ત્યારે સરખામણી આ નેતાઓ સાથે થવાની નથી.

JP: તો પણ, માત્ર મુખ્ય પ્રધાનનો ચહેરો બનવાથી બાજી જીતી નથી જવાતી. આના માટે સંગઠનનું મજબૂત પીઠબળ જોઈએ. કૉંગ્રેસમાં મોટી તકલીફ સંગઠનના પીઠબળની જ છે. વર્ષોથી પેધી ગયેલા જૂથવાદને નાથવો સરળ નથી. વળી, ત્યાં બે મોટા પટેલ નેતાઓ સિદ્ધાર્થ પટેલ અને નવા સવા હાર્દિક પટેલ છે જ. અત્યાર સુધી કૂવામાં દેડકા જેમ એકબીજાને ટાંટિયા ખેંચી કોઈને બહાર ન નીકળવા દે તેમ કૉંગ્રેસના પાંચ-છ નેતાઓની પોતે પણ ન ફાવે અને કોઈને ફાવવા પણ ન દે તેમ અંદરોઅંદર જ ખેંચતાણ ચાલ્યા કરે છે, તે વર્ષોનો અનુભવ છે. શંકરસિંહ વાઘેલા જેવા કુશળ સંગઠક અને રણનીતિકાર એટલે જ કૉંગ્રેસમાં ફાવ્યા નહીં અને ચાલ્યા નહીં. હાર્દિક પટેલની મહત્ત્વાકાંક્ષા કોઈનાથી છૂપી નથી. આટલા ટૂંક સમયમાં તેઓ રાહુલ ગાંધીની સાથે બેસીને જમતા થઈ ગયા છે. એવામાં નરેશ પટેલને પોતાની ઉપર તેઓ સાંખી શકશે કે કેમ તે પ્રશ્ન છે. અલબત્ત, કોઈ ખૂલીને આ બધી વાત નહીં કરે. જાહેરમાં તો બધા એ જ રીતે નરેશ પટેલને આવકારશે જે રીતે તેમણે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને આવકાર્યા હતા.
DG: દિવ્ય ભાસ્કર ડિજિટલના અહેવાલ પ્રમાણે ગેહલોત વચ્ચે હોય અને તેમણે સમગ્ર રૂપરેખાને રાહુલ ગાંધી પાસે મંજૂર કરાવી લીધી હોય તો પછી ગુજરાત કૉંગ્રેસની આંતરિક ખેંચતાણ મર્યાદિત થઈ શકે છે. ભાજપમાં એક વાર મોવડીમંડળનો હુકમ થાય પછી ચૂં કે ચાં ના થાય, તે જ રીતે કૉંગ્રેસ હાઇકમાન્ડ સ્પષ્ટપણે સૂચના આપે પછી આંતરિક ખેંચતાણ મર્યાદિત થઈ જવાની. પ્રશાંત કિશોર પણ જોડાવાના છે તે વાત સાચી પડે તો પ્રચારની બાબતમાં કૉંગ્રેસ નબળી પડે છે તે મર્યાદા પણ દૂર થાય. હાર્દિક અને જિજ્ઞેશના પ્રવેશનો કોઈ હાઇપ ઊભો નહોતો થયો, માત્ર અલ્પેશ ઠાકોરને વિશેષ મંચ આપવામાં આવ્યો હતો. નરેશ પટેલ માટે ઑલરેડી તેનાથી અનેકગણો હાઇપ ઊભો થઈ શકે છે. એટલે અહીં પણ સરખામણી થઈ શકે તેમ નથી. હાર્દિકને માત્ર નામખાતરનો હોદ્દો અપાયો હતો, એટલે તેમણે સાંખવું કે ના સાંખવું તે કોઈ પૂછવાનું નથી. એટલું ખરું કે ચર્ચા જાગી છે તે પ્રમાણે CMનો ફેસ બનાવાય તે અગત્યનું છે. તે પછી બાકીનાં ઇક્વેશન નગણ્ય થઈ જશે. એટલે ઉપરનાં પરિબળો વિશે સત્તાવાર જાહેરાત કેવી રીતે થાય છે તે પછી જ વિચારવાનું રહે છે.

JP: દર વખતે છેલ્લી ઘડી સુધી ટિકિટ વહેંચણીમાં કૉંગ્રેસમાં ગરબડો થાય છે. શું નરેશ પટેલને આવી એકહથ્થુ આપખુદ સત્તા હશે કે તેઓ પોતે જેને ઈચ્છે તેને ટિકિટો આપી શકશે? સમાજનું રાજકારણ અને ચૂંટણીનું રાજકારણ બંને સંપૂર્ણ રીતે જુદી બાબત છે. તેનો અનુભવ નરેશ પટેલને કેટલો? ત્રીજો પ્રશ્ન ખોડલધામમાંથી જ આવશે કે તેમણે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાંથી ત્યાગપત્ર આપવો પડે. જો તેઓ આ બંને જાળવી રાખશે તો શું થશે?
DG: વાત એ સમજવાની જરૂર છે કે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે નરેશ પટેલનું નામ આગળ કરવાની વાત છે. ટિકિટોની વહેંચણીની સત્તા તેમને આપવાની વાત આમાં આવવાની નથી. તેમના કહેવાથી ભૂતકાળમાં એક કે બે ટિકિટો કૉંગ્રેસ આપતી જ રહી છે, પણ જો આ સ્ટ્રેટેજી અમલમાં આવવાની હોય તો ટિકિટ વહેંચણી કદાચ પીકેની ટીમ કરશે. શક્યતા એવી ખરી કે પીકેની ટીમ પ્રમાણે ટિકિટની વહેંચણી પછીય માથાકૂટ થાય, પણ નુકસાન એટલું ના પણ થાય. સ્ટ્રેટેજી વિના ટિકિટો વહેંચાતી અને વેચાતી રહી અને તોડફોડ થતી રહી, તેની સામે સ્ટ્રેટેજી સાથે ટિકિટની વહેંચણીથી વિવાદ થાય, પણ એટલું નુકસાન ના પણ થાય. ભાજપમાં પણ ટિકિટની વહેંચણી પછી વિખવાદો થવાના જ છે, પણ ભાજપની જડબેસલાક વ્યવસ્થાને કારણે જાહેરમાં આવશે નહીં અને ભાજપનું સંગઠન મજબૂત હોવાથી નારાજ નેતાઓ નુકસાન કરી પણ નથી શકતા. સમાજકારણમાં રહીને નરેશ પટેલ રાજકારણની નજીક રહ્યા જ છે. ગત ચૂંટણી વખતે તેમના પુત્ર બે કૉંગ્રેસી ઉમેદવારો માટે પ્રચાર પણ કરતા રહ્યા હતા. બીજું કે સામાજિક નેતાઓ અને રાજકીય નેતાઓની ભેળસેળ બધા જ પક્ષોમાં ઑલરેડી થઈ ચૂકી છે એટલે એવો કોઈ ભેદ આપણી ચર્ચામાં હોય છે, ધરાતળ પર હોતો નથી. રહી વાત ખોડલધામની તો એ ખોડલધામના ટ્રસ્ટીઓએ વિચારવાનું છે. મોટા ભાગના નેતાઓ કોઈ ને કોઈ ટ્રસ્ટમાં હોય જ છે એટલે આમ બહુ ફરક પડતો નથી. અહીં પણ એ જ વાત આવીને ઊભી રહેશે કે ભાજપના નેતાઓ પણ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં હોદ્દા પણ ધરાવે છે અને તેનો ઉપયોગ પણ કરે છે.

JP: અને છેલ્લે, હજુ પણ નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાયા નથી. ભંડોળની વધુ જરૂર ‘આપ’ને છે. પાટીદારોના મતની દૃષ્ટિએ આપમાં પહેલેથી ‘પાસ’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના લોકો છે જ. અરવિંદ કેજરીવાલ સાથે બધું ‘ગણિત’ બેસી જાય તો નરેશ પટેલ માટે આપમાં વધુ ઉજળી તક છે. કૉંગ્રેસની જેમ ત્યાં ટાંટિયાખેંચની શક્યતા ઓછી છે અને કૉંગ્રેસની જેમ પેધી ગયેલા નેતાઓ એટલા આપમાં હજી નથી. સૂત્રો હજુ પણ કહે છે કે નરેશ પટેલ ક્યાં જશે તે કહી શકાય નહીં, ત્યારે જ્યારે રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ પોતે ખોડલધામ આવી નરેશ પટેલનું હારતોરા સાથે પક્ષમાં જોડાણ કરાવે ત્યારે જ વાત સાચી માની શકાય.
DG: આખરે નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે તે જોવાનું બાકી જ છે. પણ આ ચર્ચા જો કૉંગ્રેસમાં જોડાય તો શું તેના આધારે છે. આપમાં જોડાવાની શક્યતા પણ હતી અને તે પ્રકારનાં નિવેદનો પણ તેમણે આપ્યાં હતાં. આપમાં જોડાવાથી પણ તેમને અને આપને બંનેને ફાયદો થઈ શકે છે, પરંતુ તેમને CM તરીકે પ્રમોટ કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે ખરી તે સ્પષ્ટ થતું નથી. મારો મર્યાદિત મુદ્દો એટલો જ છે કે નરેશ પટેલને CM ફેસ તરીકે પ્રમોટ કરવામાં આવે તેના વ્યૂહાત્મક ફાયદા છે. તેઓ માત્ર પક્ષમાં જોડાય તેનાથી થોડો ફરક પડે, વધારે નહીં - અલ્પેશ ઠાકોરના પ્રવેશથી થયો હતો એટલો જ. સમાપનમાં એટલું જ કે સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી રાહ જોવાની છે અને સત્તાવાર જાહેરાત ક્યારે, કેવી રીતે થાય છે તે પછી અલગ અંદાજમાં પણ ચર્ચા થઈ શકે છે.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે)