તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી વાર્તા:નંદુ રોજની જેમ આજે પણ કામ પર આવી હતી ત્યાં જ તો ટીવી પર વડાપ્રધાને બે હાથ જોડી કહ્યું લોકડાઉન...અને નંદુને પરસેવો છુટી ગયો!!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચરો વાળતાં વાળતાં એની નજર છાપાં પડી. મોટા અક્ષરે લખ્યું હતું, 'ઘરમાં રહો, સુરક્ષિત રહો' એણે છાપાંના એ પાનાંનો ડુચ્ચો કરી નાંખ્યો. પાછો ડુચ્ચો ખોલીને કટકા કર્યાં ઝીણાં ઝીણાં અને કચરાની સૂપડીમાં નાંખ્યા. એની આ વિચિત્ર હરકતને રમાબેન જોઈ રહ્યાં હતાં.

'કેમ નંદુ? છાપું કેમ ફાડ્યું? પસ્તીમાં આપીએ તો બે પૈસા આવેને!!' 'હા બુન પણ...' 'કંઈ વાંધો નહીં. બગડેલું હશે, હેં ને??' 'હા, ચાના કપની છાપ પડી હતી.' નંદુના અવાજમાં છુટકારો હતો.

10 ધોરણ ભણેલી નંદુ રમાબેનને ત્યાં એક વર્ષથી કામ કરતી. દેખાવડી કહી શકાય એવી નંદુ કામમાં ખૂબ ચીવટવાળી અને ડાહી હતી. કોઈની સાથે ખાસ કામ વગર વાતો ન કરતી નંદુ રમાબેનની સોસાયટી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી. પરણીને આવી ત્યારે શહેરમાં રહેવાની મજાના સપનાં ઠાંસોઠાંસ ભર્યાં હતાં કરિયાવરની બેગમાં. ગામડાંના લોકો તો શહેરનાં સપનાં પર જીવતા હોય છે. પણ... દારૂડિયો સસરો અને ઝઘડાળુ સાસુની વચ્ચે પિસાતું એનું પરણ્યા પછીનું જીવન તૂટી ફૂટી ઝૂંપડીના અંધારા ખૂણા જેટલું જ કાળું હતું. રમણ એનો વર ડ્રાઇવરની નોકરી કરતો. બે-ચાર દાડે કે અઠવાડિયે ઘરે આવતો અને આવતો ત્યારે એની ભૂખ, અધધધ ભૂખ સંતોષવામાં નંદુ નીચોવાઈ જતી. સોસાયટીમાં જ બે-ત્રણ ઘરના કચરા-પોતા કરી એ ઘરના લોકોને પૈસાથી મદદ કરતી અને બદલામાં થોડું જીવીય લેતી!

પતિના ગુજરી ગયા પછી રમાબેન દીકરા મનન અને વહુ રીયા સાથે રહેતાં. એ બંને નોકરી કરતાં એટલે ઘરમાં મોટભાગે રમાબેન એકલાં જ રહેતાં. કામ કરતાં કરતાં નંદુ રમાબેન સાથે નવી નવી વાતો કરતી. પણ ખાલી એમની જ સાથે, બીજા બધાં એને મૂંગી જ સમજતાં.

ચીનના વુહાન શહેરમાંથી પ્રગટ થયેલા કોરોના વાઇરસે આખી દુનિયાને બાનમાં લીધી હતી. એવાં સમાચારોએ ટી.વી., રેડિયો, છાપાં બધી જગ્યાએ બીજા સમાચારોને હરાવીને મુખ્ય સ્થાન લઈ લીધું હતું. શહેરમાં પણ એનું સંક્રમણ વધવા માંડ્યું હતું. સરકાર એને રોકવાના શક્ય બધા જ પ્રયત્નો કરતી હતી. એ કાળમુખા દિવસે નંદુ રોજની જેમ કામ પર આવી હતી ત્યાં જ....

'નંદુ, આ સમાચાર જો.'

ટીવી પર વડાપ્રધાન બે હાથ જોડી લોકડાઉન, જનતા કર્ફ્યુની અપીલ કરતાં હતાં. વાસણ લુછવાનું કપડું લઈને રસોડાના બારણામાં ઊભેલી નંદુને બહુ સમજાયું નહીં. એણે રમાબેનની સામે જોયું. 'નંદુ, કામ મૂક ને ઘેર જા! હવે કામ પર આવતી નહીં. વડાપ્રધાને બધાને પોતાના ઘરમાં જ રહેવાનું કહ્યું છે. 14 દિવસ સુધી. આ રોગનો ફેલાવો રોકવા.'

'પણ કેમ?? મને તો બહુ ગમે છે, કામ કરવું. તમારા ઘરે આવવાનું. હું ઘરે ન જાઉં તો??'

'નંદુ, જવું પડે બેટા, સરકાર કહે, એમ કરવું પડે. કામ મૂકીને ઘર ભેગી થા અને હા, હમણાં ઘરમાં જ રહેજે.'

'પણ બુન, મારો ઘરવાળો તો ઘેર નથી! રાજસ્થાન ગયો છે, ગાડી લઈને, ત્રણ દાડાથી. એ કંયે આવશે??'

'એ હમણાં ચૌદ દિવસ સુધી તો નહીં આવી શકે. પણ તું તો એકલી ક્યાં છો! તારા સસરા.. સાસુ..'

નંદુની આગળ સસરાનો ગુસ્સામાં ગાળો બોલતો લાલચોળ ચહેરો આવી ગયો! અને સાસુ, ચાલી શકતા નહીં પણ ખાટલામાં પડ્યાં પડ્યાં એને દોડાવ્યા કરતાં! ગાળો બોલવામાં તો જાણે સાસુ અને સસરા વચ્ચે હોડ લાગતી!! દિવસ-રાત બસ આમની સાથે?? નંદુ સ્તબ્ધ થઈ ગઈ... 'પણ બુન..મારે રૂપિયા જોશેને! વર નથી પણ પેટ તો ભાડું માગશે! એનો બાપ મજૂરીમાંથી કંઈ ખાસ કમાતો નથી. ને કમાય એનાથી બમણું પી નાખે છે.' નંદુએ છેલ્લો પ્રયત્ન કર્યો. રમાબેન તિજોરીમાંથી પગારના રૂપિયા લઈને આવ્યા.

'લે, આ મહિનાનો પગાર. બસ! ખુશ હવે?! જા, હમણાં મનન અને રીયા આવશે તો પાછા મને લડશે. કહેશે, નંદુને ઘેર કેમ ના મોકલી??'

લથડતા પગે, હાથમાં પૈસા લઈ નંદુ ઘેર પહોંચી હતી.

14 દિવસ પછી લોકડાઉન હળવું થવામાં હતું એટલે ખૂબ વહેલી સવારે હજુ ભળભાંખળું થયું હતું, લાઈટો પણ ચાલુ હતી ત્યારે લગભગ દોડતી નંદુ રમાબેનના ઘેર આવી ગઈ! ઘર ઝાપટીનેને એણે સાવરણી હાથમાં લીધી. રમાબેન કરતાં પણ એને આ ઘર જાણે હજાર ગણું વ્હાલું હોય એવું એના ચહેરા પર લીંપેલુ હતું, ત્યાં જ...પેલું છાપું...એના પર લખેલા શબ્દો...નંદુના માથા પર પથ્થરની જેમ ઝીંકાયા!! રમાબહેનનીની સામે જ છાપાં પર એનો ગુસ્સો નીકળ્યો...

કચરો વાળીને ચોકડીમાં એ પોતાની ડોલ લેવા ગઈ. ડોલ ભરતાં ભરતાં એને પેલી આંખો યાદ આવી ગઈ જે આખો દિવસ રાત એનો પીછો કરતી!! નંદુ બેસી પડી માથે હાથ દઇને! આંખો ધીરે-ધીરે ગરોળી બની ગઈ. નાનકડું ફુદ્દુ ઉડાઉડ કરતું' તું, ટ્યુબલાઈટની પાસે.ગરોળી એને પકડી લેવા છટપટાતી હતી! ફુદ્દુ બચવા માટે મરણિયા પ્રયત્નો કરતું હતું. હમણાં ગરોળીનો કોળિયો બની જશે!! નંદુ કંપી ગઈ!!

'અરે! આ નંદુ કેમ આવી સવાર સવારમાં?? એને એના ઘરે મોકલી દો. સમાચાર નથી સાંભળ્યા? વડાપ્રધાને 21 દિવસ માટે લોકડાઉન લંબાવી દીધું!' મનનને ઊંચા સાથે બોલતો સાંભળી રમાબહેન દોડી આવ્યાં.

' બેટા, હું આ કામ કરી કરીને થાકી છું! તમે બંને તો હોસ્પિટલમાં જાઓ છો, પણ..' રમાબેન હવે થાક્યાં હતાં.

'બા,તમને ખબર નથી, આ કેટલો ડેડલી વાઇરસ છે! થાકી જાઓ તો કામ ન કરતાં. પણ નંદુને એના ઘેર મોકલી દો. સરકાર ગાઈ વગાડીને કહે છે stay home, stay safe. ઘરમાં રહો, સુરક્ષિત રહો.'

લગ્ન થયા ત્યારે જેટલું નહોતી રડી એટલું રડવું આવતું હતું નંદુને! અને ફુદ્દુ ફરી ફરીને ડરી ડરીને પણ ટ્યુબલાઇટ પાસે જ ઉડતું'તું!

નંદુને ઘરે પહોંચતા સુધીમાં વીતેલા 14 દિવસો યાદ આવી ગયાં! ફરજિયાત ઘરમાં રહેલી નંદુની ભૂખ તરસ તો મરી જ ગયાં હતાં! સસરાનો ચહેરો કોરોના વાઇરસ કરતાં વધારે ભયાવહ હતો! એમની આંખોમાં આગ હતી! બહાર ક્યાંય ન જઈ શકતા સસરાની આંખો નંદુ પર જ રહેતી. લોકડાઉનમાં રાજસ્થાનમાં ફસાયેલો નંદુનો વર રોજ પાના ટીચી દારૂ પીતો અને પોતે ખૂબ મજામાં છે એવો ફોન કરી દેતો. જેમ તેમ કરીને, શૂપર્ણખા જેવી પણ અપંગ સાસુની આગળ પાછળ રહીને નંદુ પોતાની જાતને બચાવતી રહી હતી. 14 દિવસમાં ચૌદ હજાર વાર એણે ભગવાનનું શરણ લેવું પડ્યું હતું! માંડ માંડ એ વીત્યાં, ત્યાં.. ત્યાં જ... હવે? હવે એ શું કરશે? કેવી રીતે બચશે?? આ લોકડાઉનમાં તો ક્યાંય ભાગી જવાય એવુંય નહોતું!! પોલીસ ચોરે ને ચૌટે ઊભેલી. અને લોકોને ઘરમાં ધકેલતી. હવે? એ કેવી રીતે દિવસ પસાર કરશે?? ઘરે... ઘરે તો..જાનવર જેવો...

સસલી પણ એની સામે હિંમતવાળી લાગે એવી થઈ ગઈ નંદુ!! ઘરમાં પગ મૂકતાં જ એનું શરીર ધ્રુજવા લાગ્યું!!

'ક્યાં ગઇ'તી કરમચંડાળ?? કામ વગરની રહી ગઈ'તી? ત્યાં ત્યાં કોઈ રાખ્યો છે યાર તારો??' ત્યાર પછી તો ઘણી બધી ગંદી ગાળો અને છેલ્લે પોક મૂક્યા પછીના અવાજમાં સંભળાયું, 'તારા સસરાને લઈ ગ્યા, પેલાં કોરોનાનાં દવાખાના વાળા, કોકે ફોન કરી ને કીધું કે બાપા આખો દાડો ઉધરહ ખાય સે. હવે એનું શું થાહે રે... હવે એને ત્યાં જ રાખહે... ચૌદ દાડા...ઓ માડી રે....'

માથે હાથ મૂકીને રડતાં સાસુને જોઈ નંદુને નાચવાનું મન થઇ ગયું!!
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો