તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસ ગવાહ હૈ:માઉન્ટબેટનને અખંડ ભારતને આઝાદી આપવાનો નિર્દેશ હતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગલા માટે માત્ર ઝીણા અને મુસ્લિમ લીગ જ નહીં, હિંદુ પાર્ટી ગણાતી કોંગ્રેસ પણ જવાબદાર
  • મૌલાના આઝાદે વિભાજનનો ઝંડો ઝીણાએ ઊંચક્યા છતાં એના ખરા ઝંડાધારી સરદારને ગણાવ્યા
  • ગાંધી, નેહરુ અને સરદારના પાપે પાકિસ્તાન થયાની ડૉ. રામમનોહર લોહિયાની વાત પણ અર્ધસત્ય
  • લોહિયાએ નોંધ્યું છે કે જનસંઘીના પૂર્વઅવતારવાળાઓ તો બ્રિટન અને મુસ્લિમ લીગના મદદગાર

બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ બ્રિટિશ ઇન્ડિયાના નવા ગવર્નર જનરલ અને વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનને માર્ચ ૧૯૪૭માં દિલ્હી પાઠવ્યા ત્યારે એમને લેખિતમાં જણાવ્યું હતું કે જૂન 1948 સુધીમાં બ્રિટિશ ઇન્ડિયા અને ભારતીય રજવાડાં સહિતના એક સંઘરાજ્ય એટલે કે અખંડ ભારતને આઝાદી આપવાનું કામ તેમણે કરવાનું છે. તેમને સર્વાનુમત સાધવા ઓક્ટોબર 1947 સુધીની મુદત પણ અપાઈ હતી. જો સર્વાનુમત સધાય નહીં તો બીજા વિકલ્પ અંગેનો અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું. 23 માર્ચ 1940થી મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની રટ લઇ બેઠેલા મોહમ્મદઅલી ઝીણા કે અન્ય કોઈ મુસ્લિમ નેતાને સ્વતંત્ર અખંડ ભારત જાળવવા તેના વડાપ્રધાન બનાવવા નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી તૈયાર હતા. ઝીણાએ એ વાત ગંભીરતાથી લીધી નહોતી. નેહરુ-સરદાર સહિતના કોંગ્રેસી નેતાઓને પણ એ ફોર્મ્યૂલા માન્ય નહોતી. અંગ્રેજો જાય એ પછીના શાસન બાબતે ભારતીય નેતાઓ વચ્ચે કોઈ સર્વાનુમત થયો નહીં. મુસ્લિમોને અલગ રાષ્ટ્ર માટેના મુસ્લિમ લીગના આજીવન પ્રમુખ ઝીણા આગ્રહી હતા. ઉપરાંત વચગાળાની સરકારના કટુ અનુભવે લીગનો પીછો છોડાવવા આતુર કોંગ્રેસી સહિતના નેતાઓના પ્રતાપે ભાગલા અનિવાર્ય બન્યા. અખંડ ભારતના આગ્રહી અકાલી દળના નેતા માસ્ટર તારાસિંહનો મત હતો કે જો મુસ્લિમોને પાકિસ્તાન અપાય તો શીખોને પણ અલગ રાષ્ટ્ર મળવું જોઈએ. દક્ષિણમાં પેરિયાર ઈ.વી. રામાસામીને અલગ દ્રવિડનાડુ જોઈતું હતું. સુહરાવર્દી અને સરતચંદ્ર બોઝને અલગ સમાજવાદી બંગાળ દેશ ખપતો હતો. સરદાર પટેલ અને નેહરુને સ્વતંત્ર બંગાળ મંજૂર નહોતું. નેહરુએ 23 મે 1947ના રોજ વાઇસરોયને જણાવ્યું હતું કે અમને અખંડ બંગાળ મંજૂર છે જો તે સંપૂર્ણ ભારતમાં રહેવાનું હોય તો. અડધું બંગાળ અને અડધું પંજાબ પાકિસ્તાનમાં જશે એવું લાગતાં 8 માર્ચ 1947ના રોજ કોંગ્રેસે પંજાબ અને બંગાળના ભાગલાના સમર્થનમાં ઠરાવ કર્યો હતો. જોકે સ્વતંત્ર બંગાળ સામે ગાંધીજીનો વિરોધ નહીં હોવાનું મે-જૂન 1947 દરમિયાન સ્પષ્ટ થતું હતું.

વિકૃતિસભર ઈતિહાસ

આવા સંજોગોમાં કોની શી ભૂમિકા હતી એ વિશે ઘણા વિરોધાભાસો જોવા મળે છે. ઈતિહાસનાં તથ્યો શોધીને નીરક્ષીર કરવા જતાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવે છે. ઈતિહાસનાં તથ્યોને મારીમચડીને પોતાને અનુકૂળ દર્શાવવાનો દરેક યુગના દરબારી ઈતિહાસકારો કે ઐતિહાસિક નવલકથાકારોનો પ્રયાસ ઈતિહાસને વિકૃત કરી મૂકે છે. એનું સૌથી તાજું ઉદાહરણ સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાલિખિત ‘ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ (‘ભારત કે વિભાજન કે ગુનહગાર’)ના અંશોને રજૂ કરવાની મનોરુગ્ણ માનસિકતા છે. મૂળ પુસ્તક વાંચનારા કે મૂળ દસ્તાવેજો જોનારા જૂજ હોય ત્યારે એ પુસ્તકના અનુકૂળ અંશોને રજૂ કરવાનું વાવાઝોડું વહેતું કરાય છે. હકીકતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શિરે ભાગલાનો દોષ ઢોળવા અને એમના હત્યારા નથુરામ ગોડસેના મહિમામંડન માટે યોજનાબદ્ધ રીતે આ વિકૃતિસભર ઈતિહાસ સામાન્ય પ્રજાને પીરસવામાં આવે છે. સમાજવાદી ડૉ. લોહિયા પોતે જે કોંગ્રેસમાં હતા એ જ કોંગ્રેસ તથા તેના નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલને શિરે ભાગલાના દોષનો ટોપલો સેરવીને એમણે જાણે કે મહાન સદકાર્ય કર્યું હોય એવું દર્શાવાય છે.

બ્રિટિશ અને લીગના મિત્રો

વર્ષ 1960માં ડૉ. લોહિયાના અલાહાબાદના કિતાબિસ્તાને પ્રકાશિત કરેલા આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધાયેલા શબ્દો લોકનજરથી ઓઝલ રાખવામાં આવે છે: ‘અખંડ ભારતના ઘાંટા પાડનારા અત્યારના જનસંઘના અને એમના પૂર્વઅવતારના નેતાઓએ વાસ્તવમાં બ્રિટન અને મુસ્લિમ લીગને પાર્ટિશનમાં મદદ કરી છે. તેમણે મુસ્લિમોને એક દેશમાં હિંદુઓ સાથે રાખવાની દિશામાં કશું કર્યું નથી. ભારતમાં જે મુસ્લિમોના વિરોધી એ પાકિસ્તાનના મિત્ર છે. જનસંઘીઓ અને હિંદુ ધોરણે અખંડ ભારતીઓ પાકિસ્તાનના મિત્રો છે.’ કમ્યૂનિસ્ટો પણ ભાગલાના સમર્થક હતા. પોતાને ભાગલાના વિરોધી અને સરદાર પટેલને ભાગલાના ખરા ઝંડાધારી ગણાવવાનું પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં અનુકૂળ રીતે મૂકનારા મૌલાના આઝાદ વાસ્તવમાં સરદાર પટેલ પ્રત્યે દ્વેષભાવ ધરાવતા હતા. એનું એક કારણ નેહરુ કેબિનેટમાં મૌલાનાને લેવા સામે સરદારનો વિરોધ હોવાનું પણ ગણાવી શકાય.. મૌલાનાના આ પુસ્તકના ઉત્તર સ્વરૂપે ડૉ. લોહિયા પોતાનું પુસ્તક ‘ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ લખ્યું. તેમણે આ પુસ્તક 1960માં લખ્યું ત્યારે એ કોંગ્રેસ અને નેહરુના વિરોધી હતા. 1962માં નેહરુ સામે ચૂંટણી લડીને લોહિયા પરાજિત થયા હતા.

કારોબારીમાં ભાગલા સંમત

પોતાને સાચા અખંડ ભારતી ગણાવનારા ડૉ. લોહિયાની જનસંઘ એટલે કે વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પક્ષના પૂર્વાવતારની ભૂમિકાને બદલે ગાંધીજી અને નેહરુને જ ભાગલાના દોષિત ગણાવવાની ગાજવીજ આજકાલ ખૂબ ચાલે છે. વાસ્તવમાં ડૉ. લોહિયા અને જયપ્રકાશ નારાયણને કોંગ્રેસની 2 જૂન 1947ની કારોબારીમાં નિમંત્રવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કર્યો. એ બેઠકમાં જે.પી. કે લોહિયા પણ ભાગલાના વિરોધમાં ઝાઝું અસરકારક બોલ્યા નહીં હોવાનું એ નોંધે છે. વિરોધમાં માત્ર ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન અને એમના મોટાભાઈ ડૉ. ખાન જ બોલ્યાની વાત કહી છે. કોંગ્રેસ અધ્યક્ષ આચાર્ય કૃપાલાની ઘેરાતી આંખે બેસી રહ્યા. મૌલાના આઝાદ ખૂણામાં બેસીને સતત સિગારેટ ફૂંકતા રહ્યાનું લોહિયા નોંધે છે. જોકે પોતાના પુસ્તકમાં મૌલાના પોતે એકલાએ જ પાકિસ્તાનના ઠરાવનો વિરોધ કર્યાનું નોંધ્યું છે. લોહિયા આ દાવાને હાસ્યાસ્પદ ગણાવે છે. મહાત્મા ગાંધી પોતાની લાશ પર દેશના ભાગલા થાય એવા મતના હતા. છતાં પોતાના બંને પટ્ટશિષ્ય એવા કોંગ્રેસી નેતાઓ પંડિત જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈએ ભાગલા માટે જીભ કચરી હોવાથી એને સમર્થન આપવા ગાંધીજીએ આગ્રહ કર્યો હતો. મુસ્લિમ લીગી ઝીણા અંગ્રેજોની રમત રમી રહ્યા હતા. ઝાઝી મહેનત વિના જ પાકિસ્તાન મેળવી શક્યા. અમેરિકાનિવાસી પાકિસ્તાની ઇતિહાસકાર આયેશા જલાલ તો ભાગલાને કોંગ્રેસની યોજના ગણાવે છે.

સરદાર પટેલનું યોગદાન

સરદાર પટેલે બંધારણ સભામાં કહ્યું હતું કે હા, કોંગ્રેસ ભાગલાની જવાબદારી સ્વીકારે છે. જોકે મુસ્લિમ લીગ સાથે સરકારમાં રહેવાના અનુભવે પાકિસ્તાનનો ટૂકડો આપીને પણ માથાનો દુખાવો ખાળવા માટે અમે ભાગલાના વિરોધી હોવા છતાં પાકિસ્તાન આપવા તૈયાર થયા હતા. ભવિષ્યમાં પાકિસ્તાન પાછું ફરવાનું એ નક્કી લાગતું હતું. અત્યારે ગૃહયુદ્ધના સંજોગોને ટાળવા માટે પાકિસ્તાન આપીને પણ 80% ભારતીય પ્રદેશ આપણી પાસે રહેવાનો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભાગલા થયા. ભારત અને પાકિસ્તાન સંઘ અસ્તિત્વમાં આવ્યા. દેશી રજવાડાં અંગ્રેજ અંકુશમાંથી મુક્ત થયાં. સરદાર પટેલ અને એમના રિયાસત ખાતાના સચિવ વી.પી. મેનને 3 જૂન 1947ની વાઇસરોયની ભાગલાની જાહેરાત સાથે જ કામે વળીને 565માંથી 562 દેશી રજવાડાં ભારતમાં જોડાય એવું ગોઠવી લીધું હતું. પાકિસ્તાનમાં 15 ઓગસ્ટ 1947 લગી એકેય રજવાડું જોડાવા તૈયાર નહોતું. રેડક્લિફ પંચે 17 ઓગસ્ટે સરહદો નક્કી કરી. સરહદોની બંને બાજુ સ્થળાંતર અને ખૂનામરકી સર્જાઈ. હવે ભારતીય શાસકો સામે જ નહીં, પાકિસ્તાની શાસકો સામે પણ મોટો પડકાર ડોકાતો હતો.

haridesai@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો