મારી વાર્તા:‘મમ્મી હું ભણતી હતી ત્યારે એક અંગ્રેજ હારે મારે મિત્રતા થઈ હતી’, અંગ્રેજનું નામ સાંભળતાં જ દયાબેન તાડૂક્યાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘રીમા આમ આવ તો જરા’

અંબોડો વાળતાં વાળતાં દયાબેન એની બાવીસ વર્ષની દીકરી રીમાને બોલાવી રહ્યાં હતાં.

રીમા બોલી, ‘શું છે મમ્મી? જરાક મારી બહેનપણીને ઓટલે જાઉં એટલે વાહેથી તમારો અવાજ આવે જ.’

દયાબેન કાચમાં મોઢું જોતાં-જોતાં કપાળે નાનો કાળો ચાંદલો લગાડી રહ્યાં હતાં. રીમા મમ્મી દયાબેનને નીરખતી રહી.

વર્ષોથી એક જ પહેરવેશ ખાદીની સાડી, ચાંદલો, માથે અંબોડો, પાટલી વાળેલી ગુજરાતી સાડી, રીમા મનમાં બોલી, ‘મમ્મીની સાડીનો છેડો કોઇ દિવસ આઘોપાછો થયો હોય એવું જોયું નથી. શિક્ષિકાની નોકરી કરે, ઘર સંભાળે, મને સાચવે, સારા સંસ્કારોનું સિંચન કરે. આ એક જ વ્યક્તિ કેટલું બધું કરે છે. મને ભણવા માટે મુંબઈ મોકલી.’

દયાબેન બોલ્યાં, ‘આમ એકધારી મારા સામે શું જોયા કરે છે?’

રીમા દયાબેનના ગળે હાથ પરોવીને બોલી, ‘મારી માના ચહેરામાં એવો જાદુ છે કે નજર હલાવવાનું મન થતું નથી.’

દીકરીના શબ્દો સાંભળીને દયાબેન બોલ્યાં, ‘હાલ હવે કામે લાગ, રસોઈનું મોડું થાય છે. નિશાળે જવાનો વખત થઇ જાશે.’

રીમા બોલી, ‘આજે નિશાળે ન જાવ ને, મારે તમારી હારે વાતો કરવી છે.’

દીકરીનો પ્રેમ દયાબેનને ફોસલાવી ગયો. નિશાળે ફોન કરી દીધો. મા-દીકરી શાંતિથી જમ્યાં. રસોડે આટોપી મા-દીકરી આડે પડખે થયાં.

દયાબેન બોલ્યાં, ‘મને નિશાળે ન જવા દીધી કે મારે વાતો કરવી છે. ને કાંઇ બોલતી તો નથી.’

રીમાને વિચારે ચડેલી જોઇને બોલ્યાં ‘શું વિચારે છે મારી દીકરી?’

‘મમ્મી હું મુંબઈમાં ભણતી હતી ને ત્યારે એક અંગ્રેજની હારે મારે મિત્રતા થઈ હતી.’

અંગ્રેજનું નામ સાંભળતાં જ દયાબેન તાડૂક્યાં, ‘તું અંગ્રેજની હારે મિત્રતા કેવી રીતે કરી શકે? તને ખબર છે તારા બાપુને ગોળીએ વીંધનાર એક અંગ્રેજ હતો. ગાંધીજીની સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં તારા બાપુ ગાંધીજીની હારોહાર મોરચે જતા. એકવાર મોરચામાં અંગ્રેજોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને તારા બાપાની છાતી વીંધી નાખી.’ બોલતાં, બોલતાં દયાબેન રડી પડ્યાં.

રીમા દયાબેનની પીઠ પર હાથ ફેરવતાં બોલી, ‘મમ્મી મને યાદ છે. હું બાલમંદિરમાંથી આવતી હતી ત્યારે બાપુની ડેડબોડી લઇને પોલીસો આવ્યા હતા. ગાંધીજી ત્યારે જેલમાં હતા. હું બાપુને હલાવતી રહી. પછી બધા એમને લઇ ગયા રાષ્ટ્રીય માન-સન્માન સાથે, મને યાદ છે બાપુને મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો.’

દયાબેનની સામે ચિત્ર ખડું થઇ ગયું. મા, દીકરી બેઉ એકબીજાને આશ્વાસન આપતાં રહ્યાં. બીજે દિવસે સવારે દયાબેન ચૂપચાપ નિત્યક્રમ પતાવીને સ્કુલે ચાલ્યાં ગયાં. સાંજે મા-દીકરી ભેગાં થયાં. દીકરી માની મનોદશા સમજીને બોલી, ‘મમ્મી, મેં એક નિર્ણય કર્યો છે કે હું તમે કહેશો ત્યાં જ પરણીશ. એ અંગ્રેજને મેં ફોનમાં બધી વાત કરી દીધી છે અને એ તો પાછો અમેરિકા નીકળી જાય છે. બસ, હવે રાજી મારી મા?!’

દયાબેન દીકરીને પાસે લઇને બોલ્યાં, ‘મને તારા તરફથી આવી જ અપેક્ષા હતી. મારા મનમાં આ સવાલ વારેઘડીએ આવીને ઊભો રહે છે કે તેં આવી ભૂલ કેમ કરી. એક અંગ્રેજ સાથે પ્રેમ કર્યો. કોઇ ભારતનો છોકરો ન મળ્યો?’

રીમા બોલી, ‘બસ હવે મા, મેં મારી ભૂલ સુધારી લીધી છે.’ દયાબેનના જીવને શાંતિ થઈ.

સમય વીતતો ગયો દયાબેનની શાળામાં એક નવયુવાન શિક્ષકની ભરતી થઈ. સ્કૂલમાં ખબર ફેલાઈ. આજ સુધી કોઇ બહારગામના શિક્ષક આ શાળામાં આવ્યા નથી. એટલે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ રાહ જોતા હતા કે કેવા શિક્ષક હશે? દયાબનને વહેલી સવારે શાળાએ જવા તૈયાર થતાં જોઇ રીમા બોલી, ‘કેમ આજે વહેલા નીકળી છો? દયાબેન ચંપલ પહેરતાં બોલ્યાં, ‘અમારી શાળાની પ્રગતિ અને રિઝલ્ટ જોઇને એક બહારગામના શિક્ષક અમારી શાળાએ ભણાવવા આવવાના છે. આજે એમનો પહેલો દિવસ છે.’

દયાબેન શાળાના ગેટ પાસે પહોંચતાં જ રિક્ષામાંથી એક નવયુવાન ઊતર્યો. દયાબેન એને જોતા રહી ગયાં. એ યુવાને ખાદીનાં કપડાં પહેરેલાં હતાં. સૌમ્ય ચહેરો, ઉજળો વાન, ભૂરા વાળ, ગાંધી ટાઇપ ચશ્માં... દયાબેન એની પાસે જઈને બોલ્યાં, ‘તમે પ્રવીણ સર છો?’ એ યુવાને હકારમાં જવાબ આપ્યો. દયાબેન એને આદરથી શાળાએ લઇ ગયાં.

ઓળખાણ વિધિ પત્યા પછી એમને ક્લાસમાં લઇ ગયાં. ઇતિહાસ, ગણિતના માસ્ટર-બ્લાસ્ટર સરને ક્લાસમાં મૂકી દયાબેન સ્ટાફ રૂમમાં આવ્યાં. એમને આશ્ચર્ય થયું આ સમયમાં ગાંધીજીનો પહેરવેશ, ગાંધીજી જેવાં ચશ્માં કોઇ યુવાન પહેરે એ માની જ ન શકાય. દયાબેનને પ્રવીણસર પર માન થયું. ધીરે-ધીરે સમય વીતતો ગયો પ્રવીણ સરને શાળામાં ભણાવતાં છ મહિના થઇ ગયા અને એટલા સમયમાં તો પ્રવીણ સર બાળકોમાં પ્રિય બની ગયા. દયાબેન એમનાં ઘરે જમવા બોલાવતાં. સાદા જમણના આગ્રહી પ્રવીણ સર ખીચડી, કઢી પ્રેમથી ખાતા. દયાબેન ઘણીવાર રીમાને કહેતા આ જો તારી ઉંમરનાં શિક્ષક છે. કેટલું સાદગીભર્યું જીવન છે. ખાણી-પાણી, પહેરવેશ. તને તો તીખો, ચટાકેદાર ન હોય તો ન ભાવે. આ સાંભળી પ્રવીણ સર હસી પડ્યા. એમના ગોરા ગાલ લાલ, લાલ થઈ ગયા.

એમના ગયા પછી દયાબેનનાં મગજમાં ચમકારો થયો. પોતે પણ ગાંધીજીના રંગે રંગાયેલા હતાં. દયાબેને રસોડામાં ઢાકોઢૂંબો કરતાં-કરતાં વાત ઉચ્ચારી, ‘રીમા તને પ્રવીણ સર કેવા લાગે છે?’

‘કેવો લાગે છે એટલે શું?’

‘ઓલા અંગ્રેજનું ભૂત નીકળી ગયું હોય તો વાત કરું.’

રીમા સંકોચાઈ ગઇ. ‘મારી વાત છોડો તમને કેવો લાગે છે?’

‘આવો છોકરો આપણી નાતમાં શોધ્યો ન મળે. આટલો વિવેકી, સત્યનો આગ્રહી, સાદું જીવન.’

‘બસ કરો મમ્મી, તમને ગમે છે ને, તો તમે વાત ચલાવો.’

દયાબેને પ્રવીણસરને ઘરે બોલાવ્યાં. આગ્રહ કરીને જમાડ્યા પછી એમની પૂછપરછ શરુ કરી. ક્યા ગામના છો, મોસાળ ક્યા ગામ. પ્રવીણસર જવાબ આપતાં થોથવાયા. પછી બોલ્યા, ‘અત્યારે મારે ઉતાવળ છે. બાળકો ટ્યુશન માટે આવશે. હું પછી વાત કરું. બે-ત્રણ દિવસ પછી વહેલી સવારે દરવાજાની સાંકળ ખખડી. દયાબેન દરવાજો ખોલવા ગયાં. આ સવારના પહોરમાં કોણ આવ્યું? દરવાજો ખોલતાં જ સામે એક અંગ્રેજ ઊભો હતો. લાંબો ચહેરો, આંખો ભૂરી હતી. દયાબેન જોતાં રહ્યાં. ચહેરો જાણીતો લાગે છે, પણ અંગ્રેજની ઓલાદ!

ગુસ્સામાં આવીને દરવાજો બંધ કરવા જતાં હતાં ત્યાં એ અંગ્રેજ વિવેકથી બોલ્યો, ‘પ્લીઝ, અંદર આવવા દેશો?’ એનો અવાજ સાંભળીને દયાબેન ના ન પાડી શક્યાં. અવાજ પણ જાણીતો લાગ્યો. એમના હાથ આપોઆપ ખસી ગયા. અંદર આવીને દયાબેનને પગે લાગ્યો. દયાબેન કંઇક બોલવા જાય એ પહેલાં એ અંગ્રેજે ખિસ્સામાંથી ચશ્માં કાઢીને પહેર્યાં, બેગમાંથી માથાની વિગ કાઢીને પહેરી. દયાબેન આ બધું ફાટી આંખે જોઇ રહ્યાં. રીમાના આશ્ચર્યનો પાર ન હતો, ‘પ્રવીણસર, તમે અંગ્રેજ? હું માની જ ન શકું.’

પ્રવીણ સર ઉર્ફે જ્હોન બોલ્યો, ‘સાંભળો, હું રીમાના પ્રેમમાં પાગલ બન્યો હતો. અને એ વખતે રીમાનો ફોન આવ્યો કે મમ્મી અંગ્રેજોને સખત નફરત કરે છે. આઇ એમ સોરી, અને મેં બધી યોજના વિચારી.’

‘જ્હોન, તું આટલું સરસ ગુજરાતી કેવી રીતે બોલી શકે છે!’ એકીશ્વાસે રીમા બોલી ગઇ.

જ્હોને રીમાને શાંત પાડી. દયાબેન બેઉની સામે ચકળવકળ નજર ફેરવતાં રહ્યાં.

એ વિચારતાં હતાં કે આ જ્હોન રીમા માટે આટલું પરિવર્તન કરે તો શું હું મારા વિચારો ન બદલી શકું?

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)