• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'Mommy Daddy ... This Is Shriya Raghavan ... We Like Each Other Very Much And Want To Get Married ...' Foreign Girl ...! In Our House How To Accept?

મારી વાર્તા:‘મમ્મી-ડેડી... આ શ્રીયા રાઘવન... અમે એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ અને મેરેજ કરવા માગીએ છીએ...’ પરપ્રાંતીય છોકરી...! આપણા ઘરમાં? કેવી રીતે સ્વીકારી શકાય?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંગલુરુના વૈભવશાળી ફ્લેટની બાલ્કનીમાં એકલી ઊભેલી નિયતિનું મન આ આકાશ જેટલી જ એકલતા અનુભવી રહ્યું હતું. જાણે સમી સાંજનું ઉદાસ આકાશ હંમેશાં એને ઘેરી વળીને પોતાની ગમગીનતાને નિયતિની અંદર ફેલાવતું રહેતું. આ ઉદાસી શેની હતી… કોને ખબર..! ઘડી પહેલાં ચકરાવા લેતાં પંખીઓએ પોતપોતાના માળામાં ઘૂસીને એને ખાલીખમ કરી નાખ્યું હતું એની પીડા કે પછી સૂર્યાસ્તના ઝાંખા પડતા જતા રંગોની ફિક્કી વ્યથા... સાંજની ઉદાસી અને એકલતા એને પોતીકી લાગે એ રીતે ઘેરાતી અને પછી એમાંથી છૂટી જવા માટે એ તીવ્રતાથી પ્રતિક્ષા કરતી કે પતિ નૈતિક અને દીકરો, વહુ બધા જલ્દી ઓફિસથી આવી જાય.

ટ્રાફિકના શોર વગરની શાંતિ મળે એટલે જ સાતમા માળે ફ્લેટ નૈતિકે પસંદ કરેલો. સૌરાષ્ટ્રનું લીમડા, પીપળાવાળું ફળિયું અને બહોળો, સંયુક્ત પરિવાર છોડીને આ આટલા દૂરના મેટ્રો સિટીમાં નિયતિ અડજસ્ટ થઈ જવાના સ્ત્રીસહજ ગુણથી ઘર, વર અને બાળકોમાં ગુંથાઈ ગઈ હતી, પણ હવે દિવસે ને દિવસે નૈતિકનો વિસ્તરતો બિઝનેસ, દીકરા-દીકરીનાં લગ્ન અને ખાસ કોઈ ઘટના, પ્રસંગ, પ્રવૃત્તિ કે અનિશ્ચિતતા વગરના નર્યા એકલતા ભરેલા એકાંતથી કંટાળી જતી. પછી પોતે ઘરના કામકાજ, વાંચન, પેન્ટિંગ અને સ્વજનોને ફોન કોલ્સ વગેરે દ્વારા આ એકલતાને ટાળવાનો પ્રયાસ કરતી, પણ સાંજનું આકાશ એને હમદર્દી જતાવતું ફેલાઈ જતું અને એ કોઈ અપેક્ષા અને પ્રતિક્ષાના આધારે એ સાંજ વિતાવી દેતી.

આવી જ એક સાંજે શિવમ પોતાની સહકર્મચારી દોસ્ત શ્રીયાને ઘરે લાવ્યો હતો અને હળવેથી કહ્યું હતું, 'મમ્મી-ડેડી...આ શ્રીયા રાઘવન, મારી ખાસ દોસ્ત.. અમે સાથે જોબ કરીએ છીએ અને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ અને બંનેનાં પેરેન્ટ્સની પરમિશનથી મેરેજ કરવા માગીએ છીએ.' પોતે નૈતિક સામે સાશ્ચર્ય આઘાતથી જોયેલું… કે પરપ્રાંતીય છોકરી…! આપણા ઘરમાં…? કેવી રીતે સ્વીકારી જ શકાય? પણ નૈતિક તો તદ્દન હળવા મૂડમાં…! નજરથી જ નિયતિને બોલતા રોકીને નિશ્ચલ અને દૃઢ અવાજમાં શિવમને કહી દીધેલું. 'બેટા, લગ્નજીવન પસંદગીની વ્યક્તિ સાથે વીતે એ જ ઈચ્છનીય હોય છે અને તમારી ખુશીમાં જ અમારી રાજીખુશીથી સંમતિ છે.' નિયતિ એ સાંજના અણધાર્યા વળાંક પર અટવાઈ ગઈ હતી જાણે.

શિવમ- શ્રીયાની નવી જોબ અને પૂરતી રજાઓના અભાવે રજિસ્ટર્ડ મેરેજ કરીને એકાદ વીકની હનીમૂન ટૂર પછી આ બે મહિનાથી આ નવયુગલ તો જોબમાં ગળાડૂબ..! પોતે વતન સૌરાષ્ટ્રમાં જઈને પરંપરાગત રીતે અને ધામધૂમથી લગ્ન કરાવવા માગતી હતી. વતનના આટલા બધા પ્રસંગો પોતે માણ્યા હોય ત્યારે દર વખતે આવી જ ધામધૂમથી પોતાના દીકરાને પરણાવવાની હોંશ, સગા-વહાલાને રીતરિવાજ મુજબ આમંત્રીને પ્રસંગને માણવાનો હરખ, લગ્નના ફોટાઓનું દળદાર આલ્બમ બનાવીને પછી વર્ષોનાં વર્ષો સુધી એ ઠાઠમાઠથી ભરેલા એ દિવસને વાગોળવાની એક અદમ્ય ઈચ્છા... આ બધી હોંશ, હરખ, ઈચ્છા એક મા તરીકે નિયતિને હોય જ એ સ્વાભાવિક છે.

આજે સવારે ભત્રીજીનાં લગ્નની વતનથી આવેલી કંકોત્રી હાથમાં આવી કે નિયતિને યાદ આવ્યા પિયરના બહોળા પરિવારમાં ઉજવાતાં લગ્ન પ્રસંગો, ઝાકમઝોળ, ધમાલ-મસ્તી અને સ્વજનોની અવરજવર અને પરસ્પરનાં હેતપ્રીત. એને લાગતું કે કાશ, પોતાની પુત્રવધુ પણ વતનના એવા હૂંફાળા માહોલમાંથી આવેલી કોઈ છોકરી હોત તો પોતાની સંવેદનાઓ સમજી શકત અને આ એકલવાયી સાંજો થોડી બોલકી બની શકી હોત. બાકી પરપ્રાંતીય આ છોકરી હજી ઘરને સમય નથી આપી શકી આ બે મહિનામાં તો જોબના ભારણનું બહાનું કાઢીને વતનમાં આવવા તો તૈયાર થશે કે કેમ..?

ડિનર ટેબલ પર એણે હળવેથી કંકોત્રી બધાની વચ્ચે મૂકી. 'મહિના પછી લગ્ન છે શ્રુતિકાના…હું એકાદ વીક વહેલા જવાનું વિચારું છું. તમે ત્રણેય તમારા વર્કમાંથી ટાઈમ કાઢીને જે રીતે અનુકૂળતા હોય એમ પ્લાનિંગ કરજો…' શિવમ અને શ્રીયાએ કંકોત્રી જોઈને ખુશી વ્યક્ત કરી. નૈતિકે પણ કાલે જ ફ્લાઈટની ટિકિટ એડવાન્સ બુક કરાવી લેવાનું નક્કી કર્યુ.

'જો નિયતિ લગ્નમાં શિવમ શ્રીયા બંને ફુલ ટાઈમ હાજરી આપે એ જરૂરી નથી.' રાત્રે સૂતી વખતે નૈતિકે એ જ ઠંડા, હળવા અંદાજમાં ભારેખમ વાત કરી દીધી...

'પણ..'

'ના, તું ખોટો આગ્રહ રાખતી નહીં. અમે ત્રણેય એક-દોઢ દિવસ માટે આવી જઈશું...એ લોકોનાં બિઝી શિડ્યૂલ ડિસ્ટર્બ ન થાય એ પણ જોવાનું ને અને વળી શ્રીયાને એ માહોલમાં, અજાણ્યા સ્વજનો વચ્ચે ફાવે ન ફાવે. એ પહેલી જ વખત ત્યાં આવતી હોય ત્યારે એનું કમ્ફર્ટ પણ સાચવવું જોઈએ આપણે' અને નિયતિએ એક હળવો નિસાસો નાખીને માત્ર હકારમાં સંમતિ પણ આપી દીધી.

સવારે ઢોકળાની થાળી ઉતારીને પ્લેટફૉર્મ પર રાખી ત્યાં જ,

'મમ્મીજી, યે ઢોકલા કી ખટ્ટી-તીખી ખુશ્બુ હી મુજે ઈસ ગુજરાતી ફેમિલી મેં ખીંચકર લાઈ હૈ... પતા હૈ આપ કો…?' ગાલના ખંજન સાથે ખીલખીલ કરતી શ્રીયાએ લંચબોક્સમાં ઢોકળાની સાથે ચટણીની ડબ્બી ગોઠવતાં ટહુકો કર્યો.

'હા, બેટા.. થોડા જ્યાદા નાસ્તા ભર લેના.. ઓફિસ મેં ભી સબ કો પસંદ આયેગા હમારે ગુજરાત કા યે સ્પેશિયલ નાસ્તા.'

'સો સ્વીટ મોમ.... એક ઔર બાત ભી હૈ...'

'બોલો બેટા..!?'

'આજ સે મૈં અપની જોબ કા ટાઈમ દો ઘંટે જીતના કમ કર રહી હું... મમ્મા... મુજે લગતા હૈ કિ કરિયર કે સાથ સાથ મુજે ઈસ ઘર કો ભી ટાઈમ દેના ચાહિયે. ફૂડ સે લેકર ફેમિલી, શોપિંગ, કેરિંગ... તક આપ સે ભી બહુત કુછ શીખના હૈ... બહુત બાતેં ભી કરની હૈં.… બસ... મુજે અચ્છા લગેગા આપ કે સાથ સમય બીતાના…'

'પર બેટા, તુમ્હારી નયી જોબ...'

'ડોન્ટ વરી મૉમ, જોબ ભી રહેગી... સિર્ફ થોડા ટાઈમ હી કમ કરના હૈ... ઔર હાં મમ્મા.. શ્રુતિકા દીદી કી શાદી મેં મૈં આપ કે સાથ હી આઉંગી.'

'આર યુ શ્યોર..?'

'હાં મોમ.. બચપન સે મેરે મોમ, ડૅડ ઔર મેં.. ઈતના સા હી ફેમિલી દેખા હૈ… બડે ફેમિલી મેં આપસ કા પ્યાર, અપનાપન, શાદી, સેલિબ્રેશન યા ફિર ધમાલ મસ્તી… કુછ એન્જોય નહીં કિયા હૈ. કલ આપને વો કંકોત્રી દિખાઈ ઉસી વક્ત મૈંને આપ હી કે સાથ આના ડિસાઈડ કર લિયા હૈ... ઔર ફિર શિવમને ભી ઈતની સારી બાતેં કહી હૈ અપને બચપન, કઝિન્સ ઔર નૅટિવ કી… બસ... મૈં તો આઉંગી હી… ઔર હાં.. આજ શામ મૈં ઓફિસ સે આ જાઉં તબ મુઝે નયે પુરાને આલ્બમ દિખા કે સબ કા ઈન્ટ્રો યહીં સે કરવા દેના.. તા કિ વહાં પે અજનબી ના લગું કિસી કો...'

આશ્ચર્ય અને આનંદથી ભાવવિભોર બનેલી નિયતિએ હર્ષાશ્રુ લૂછીને શ્રીયાને ગળે વળગાડી દીધી…'આજ સે સહી માયને તુમ ને ઘર મેં ઔર દિલ મેં જગહ બનાના શુરૂ કિયા હૈ… વેલકમ ટુ હોમ એન્ડ ઈન માય હાર્ટ, બેટા...'

નિયતિને લાગ્યું કે સૂર્યોદયના સપ્તરંગી અજવાસ સાથે શ્રીયાના કંકુવરણાં પગલાં ફ્લેટના ખૂણે ખૂણાને અજવાળી રહ્યાં છે અને એમાં રોજિંદી સાંજની પેલી અંધાર ભરેલી, ઉદાસ એકલતા ઓગળી રહી છે.

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...