મારી વાર્તા:‘મારે મન તો મારો અંશ જ ભજન અને અંશ જ કીર્તન... તેનો સારી રીતે ઉછેર કરું ઈ જ ખરો સત્સંગ...’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'પણ, બેટા... નાનાં બાળકોને રાતે ખિચડી જ અપાય...', સરિતાબેને મીરાંને કહ્યું.

'અરે, મમ્મી તમે પ્લીઝ રહેવા દો ને... હવેનાં બાળકો ક્યાં ખિચડી ખાય છે, એ હવે તમને કોણ સમજાવે...?’ ગુસ્સામાં બોલતી બોલતી મીરાંએ ફેરેક્ષ બનાવી હજી ટેબલ પર મૂક્યું ત્યાં તો બેડરૂમમાંથી સોહમનો અવાજ આવ્યો.

'મીરાં...કેટલીવાર છે હવે...? વી આર ગેટિંગ લેટ, બાબા... કમોન...'

'અરે...હા...આવું છું યાર... આ મમ્મી જો ને ફરી આજે ખિચડીની લપ લઈને બેઠાં છે...'

'મમ્મી, યાર તને કેટલીવાર કીધું છે તું આવી બધી લપ રહેવા દે, તને મીરાં ફેરેક્ષ બનાવીને તો આપે છે ને, હા, તો બસ તારે ખડાવવામાં શો વાંધો છે...?' સોહમનાં આ વેણ સાંભળી સરિતાબેન હજી તો કંઈ બોલે એ પહેલાં સોહમ અને મીરાં અંશને તેમના હાથમાં આપી ‘અમારે લેટ થશે હોં’ એમ કહી પાર્ટી માટે જતાં રહ્યાં.

સરિતાબેનની આંખોમાંથી દડદડ આંસુઓ વહેવા લાગ્યાં. મનોમન કહે, ‘બા, જુઓ છો ને તમે...? આ તમારો લાલિયો કેવો બગડી ગયો છે!’ પછી દર વખતની જેમ આજે પણ અંશને ખિચડી લઈ, તેમાં દૂધ નાખીને અંશને ખવડાવી દીધું.

'આ રોજ કંઈ ફેરેક્ષ ખવડાવાતા હશે હેં!', કહીને એમણે ફેરેક્ષ ફેંકી દીધું. *** સવારે સરિતાબેન સોહમ અને મીરાં માટે ટિફિન બનાવતાં હતાં.

‘મમ્મી... સોહમની કોફી બની ગઈ છે...?’

‘હા... બેટા’, કહી સરિતાબેને કોફીનો મગ મીરાંના હાથમાં આપ્યો. ત્યાં તો મીરાં બોલી ઊઠી, 'આ અંશને કાલે ખીચડીના બદલે ફેરેક્ષ ખવડાવ્યું, શું ફેર પડ્યો મમ્મી...?'

સરિતાબેન કંઈ જ બોલ્યાં નહીં.

અંશનો જન્મ થતાં તેની સાર સંભાળ રાખવા સરિતાબેન સોહમ અને મીરાં જોડે રહેવા આવી ગયાં’તાં. આમેય લખનભાઈના અવસાન બાદ તેઓ એકલાં જીવન વિતાવી રહ્યાં હતાં. સોહમ અને મીરાં બંને જણ નોકરી કરતાં હતાં. તેથી અંશની સાર-સંભાળ તેમજ ઘરનું મોટાભાગનું કામ પણ તેઓ જ કરતાં. મીરાં અને સોહમને અવારનવાર ફંક્શનો, મીટિંગો તેમજ પાર્ટીઓમાં જવાનું થતું અને દરવખતે આ ખીચડીની વાત રિપીટ થતી.

ધીરે ધીરે અંશ મોટો થતો ગયો, સ્કૂલે જવા લાગ્યો... તેને ઉઠાડવો, તૈયાર કરવો, સ્કૂલ બસ સુધી મૂકવા જવો, લેવા જવો, લેસન કરાવવું વગેરે જેવી તમામ બાબતોનું ધ્યાન સરિતાબેન જ રાખતાં. પાડોશમાં રહેતી બહેનો તેમને સત્સંગ, ભજન-કીર્તન માટે બોલાવતી તો તેઓ હસતાં હસતાં ના પાડી દેતાં, ‘ના, હોં ભ’ઈ... મારે મન તો મારો અંશ જ ભજન અને અંશ જ કીર્તન... તેનો સારી રીતે ઉછેર કરું ઈ જ ખરો સત્સંગ છે.’

'અંશ હવે ફોર્થમાં આવી ગયો છે છતાં હજી એ મમ્મી પર ડિપેન્ડ છે. મીરાં, તને નથી લાગતું હવે આપણે એના ડેવલપમેન્ટ માટે એને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવો જોઈએ...?'

'યસ, યુ આર રાઇટ.' દીકરા-વહુનો આ સંવાદ સાંભળી સરિતાબેન દંગ રહી ગયાં.

'વર્ષો પછી ફરી જીવન મળ્યું હોય એવું હજી તો લાગ્યું’તું, ત્યાં ફરી એકલવાયું જીવન વિતાવવું પડશે અને આ મારો નાનકડો અંશ કેવી રીતે બધું એકલો સંભાળશે...?’ સરિતાબેનથી બોલી જવાયું.

'શું...? શું કીધું મમ્મી...?'

'કંઈ નહીં બેટા...'

બીજે દિવસે સવારે મીરાંએ અંશને કહ્યું, ‘જો બેટા, હવે તું મોટો થઈ ગયો છે ને... સારા માર્ક્સ અને બહુ બધી ગિફ્ટ્સ જોઈતી હોય ને, તો આપણે બધું કામ જાતે જ કરવું જોઈએ... કોઈના પર ડિપેન્ડ રહેવાનુ નહીં...’

‘ઓકે... મમ્મા...’

‘તો, હવે છે ને ફોર્થથી તારે બોર્ડિંગ સ્કૂલમાં રહેવા જવાનું છે... ઓકે...?’

‘પણ, મમ્મા... બા તો સાથે આવશે ને...?’

અંશના આ પ્રશ્નથી સરિતાબેનની આંખમાં આંસુ આવી ગયાં. ‘પાગલ, બોર્ડિંગ સ્કૂલમાં કોઇની ફેમિલી સાથે ન આવે...એકલું જ જવાનું હોય... માટે હવે પહેલાંની જેમ તારે બાની કોઈ જ હેલ્પ લેવાની નથી.

અંશ નિરાશ થઈને બહાર જતો રહ્યો.

*** અંશ બોર્ડિંગ સ્કૂલ જતો રહેશે એ વિચારોમાં ને વિચારોમાં સરિતાબેનનું ધ્યાન જૂના પુસ્તકો અને પત્રો તરફ પડે છે. જૂના પત્રોમાં એક સફેદ કવર મળે છે, જેના ઉપર લખ્યું હોય છે 'સરલાની ચિઠ્ઠી'... આ વાંચતાં જ સરિતાબેનના ચહેરા પર હળવું સ્મિત રેલાઈ જાય છે. સાડીના છેડા વડે એ કવરને સાફ કરે છે, આંખે અડાડી નમન કરે છે અને ભૂતકાળમાં ખોવાઈ જાય છે અને ચિઠ્ઠી ખોલે છે…આ સરલા એટ્લે બીજું કોઈ નહીં, લખનની મા, પોતાની સાસુ.

‘આમ તો મારે કોઈ દિકરી નહોતી...પણ તું લગ્ન કરીને આવી ત્યારથી એક દિકરીની મા હોવાનું પણ સૌભાગ્ય મને મળી ગયું.’ મારા જીવનના અંતિમ દિવસોમાં આ પત્ર તને લખી રહી છું અને વચન મુજબ તું આ પત્ર લાલિયાની ઘરે બાળક આવી ગયું હશે ત્યારે જ વાંચતી હોઈશ મને ખબર છે...એ સીધી, સરળ, ભોળી, સંવેદનશીલ મારી સરિતા વહુ 'બા” બની ગઈ, હેં...!! લાલિયાના એ નાનકાને મારાં ખૂબ વ્હાલ દેજે હો... અને હા મારો એ લાલિયો એટલે તારો સોહમ તો પહેલેથી જ આખાબોલો છે, એનું કાંઇ મનમાં ન લેતી હોં. જમાનો સતત બદલશે અને સમય સાથે આપણે ય બદલાવવું જ પડશે, માટે તૈયાર રહેજે. દીકરો કે વહુ શું કહે છે, કરે છે કે વિચારે છે એની બહુ વ્યાધિ ન કરજે. તું શું કરી શકે છે, એમને કઈ રીતે છેલ્લા શ્વાસ સુધી ઉપયોગી થઈ શકાય એ ધ્યાન રાખજે. ગમે તેટલું માનસિક તાણ અનુભવે તો ય લાલિયાના એ બાળકને તારી જરૂર છે અને હંમેશાં રહેશે એ ભૂલતી નહીં. પેઢી દર પેઢી વિચારો, વર્તન અને રહેણીકરણી તો બદલતા જ રહેવાના, સરિતા પણ સારા સંસ્કારોનું સિંચન અને યોગ્ય ઉછેર તો માવતર જ કરી શકવાના. તારા બાળકોના સઘળાં ભવિષ્ય માટે સદાય પ્રાર્થના કરતી રહેજે અને કોઈ વાર એ બાળકો દિલ દુખાડે તો ઠપકો ય આપજે... પણ, મા છે ને, આખરે માફ કરી દેજે...તારું ધ્યાન રાખજે, સદાય ખુશ રહેજે...

લી. સરલા તારી 'સાસુ'...

આ ચિઠ્ઠી વાંચી સરિતાબેન એ દિવસ યાદ કરે છે જ્યારે એમના સાસુ સરલાબેને આ ચિઠ્ઠી તેમના હાથમાં આપી કહ્યું’તું, આ લે સરિતા...જ્યારે સોહમના ઘરે બાળક આવી જાય અને તું મૂંઝવણમાં હોય ત્યારે જ આ વાંચજે… એ પહેલા આ ચિઠ્ઠી ન ખોલતી. સરિતાબેનને ઉંધ આવી જાય છે અને ચિઠ્ઠી હાથમાં રહી ગયેલી હોય છે.

સવારે અંશને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા જવાનો હોય છે, માટે મીરાં સરિતાબેનને ઉઠાડવા આવે છે, ત્યારે તેમના હાથમાં રહેલી એ ચિઠ્ઠી તરફ ધ્યાન પડે છે. એ ચિઠ્ઠી લઈ તે સોહમ પાસે આવે છે, બંને જણ ચિઠ્ઠી વાંચે છે અને રડી પડે છે. સરિતાબેન પાસે બંને માફી માંગે માગે છે અને સરિતાબેન બંનેના માથા પર ટપલી મારી બંનેને ગળે લગાવી લે છે...અંશ આ બધું ઊભો ઊભો જોતો રહે છે. અંશ, આવતો રે દીકરા... તારે કાઇ બોર્ડિંગ ફોર્ડિંગ સ્કૂલમાં જવાની જરૂર નથી, બરોબર ને સોહમ અને મીરાં...? 'હા અંશ બા સાચું કહે છે...,” સોહમ અંશને કહે છે અને બસ આમ 'સરલાની ચિઠ્ઠી” જીવનની ખરી ઇનિંગ શરૂ કરી જાય છે.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)