તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારી વાર્તા:મોહિનદાને એવો ભાસ થયો કે સંમોહિની એમને જોઈ રહી છે... તેની આંખો જોઈને લાગ્યું જાણે વિજુ જ જોઈ લો... હા વિજુ જ!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે રવીન્દ્ર નાટ્ય મંદિરમાં સંગીત કાર્યક્રમમાં જવા તૈયાર થયેલા મોહિનદા વિચારમાં પડી ગયાં કે ઘણા સમય પછી તે આજે બેંગોલી સંગીત સાંભળશે. તેઓ મનોમન ખુશ હતાં. મુંબઈમાં આવ્યે પંદર વર્ષ વીતી ગયાં હતાં. ક્યારેક બેંગોલી સોસાયટીમાં ઊઠક બેઠક હતી. ત્યાં અનુરાધાદેવી, માહેશ્વરીદેવી સુંદર કંઠને લીધે એક-બે મિત્રોનાં આગ્રહને લીધે ગાતા ત્યારે તેને બોન્દુદીદી ને વિશાદીદી યાદ આવી જતાં. કેવું સરસ તાલીમસભર સંગીત હતું તેઓ પાસે.

વર્ષો પછી આજે સંમોહિનીનો કાર્યક્રમ હતો. જેવું સુંદર ગાતી તેવું તેનું રૂપ હતું. કહેવાય છે ને દરેક નરમાં એક રામ, તો એક રાવણ પણ છુપાયેલો હોય છે. એવું જ થયું. મોહિનદા ક્યારેય આડુંઅવળું ન વિચારતા, પણ સૌંદર્ય સામે હારી ગયાં. જો મળાય તો મંચ પાછળ મળી આવીશ. સુભાષદાની ઓળખાણ ક્યારે કામ આવવાની છે! મોંઘું અત્તર અને પેલો કૂરતો પાયજામો કાઢ્યા. ટાપટીપ પૂર્ણ કરી ત્યાં સુભાષદાની મોટરનું ભોંપું વાગી ઊઠ્યું. મોહિનદાને એટલો કર્કશ અવાજ લાગતો, પણ દફ્તરમાં એ એમના બોસ છે એમ માની ચલાવી લેતાં.

હૉલમાં જઈને પોતપોતાની જગ્યા પર બેઠાં. જ્યાં શોની શરૂઆત થવા માટે પરદા ખૂલ્યા અને સામે એક રૂપરૂપના અંબાર સમી તેજ આંખો અને ધારદાર હોઠના ખૂણા, કપાળ પર સરકી આવેલી એ કાળી લટ.. જાણે સુંદરતાને હરાવી દે તેવો સૂર, હાર્મોનિયમ પર થરકતી લાંબી આંગળીઓ અને મધ્યમિકામાં ચમકતો હીરો! મોહિનદાના હાથની મુઠ્ઠી સજ્જડ બંધ થઈ ગઈ. એમને એવો ભાસ થયો કે સંમોહિની એમને જોઈ રહી છે. તેની આંખો જોઈ તેમને લાગ્યું વિજુ જ જોઈ લો. હા વિજુ!

પણ તે તો ગંગા પાર કરતાં તણાઈ ગઈ હતી. કેટલાં વર્ષોના વહાણાં વહી ગયાં. તેમની નજર સામે એ દૃશ્ય તરવા માંડ્યું. આંખો બંધ થઈ ગઈ, એકદમ તાળીઓનાં ગડગડાટથી ઝબકીને ખોલી. કાર્યક્રમ પત્યો કે તે ઊભા થઈ જવાની તૈયારી કરે ત્યાં જ માહેશ્વરીદેવી તેની પાસે આવ્યા અને નમસ્તે કરીને કહ્યું, 'સંમોહિની બોલાવે છે, ચાલો.'

'મને?!' એમને મનોમન આશ્ચર્ય થયું પણ મોહિનદા ખરેખર જ આકર્ષાયા હતાં. એક ચુંબકીય તત્વ ખેંચી ગયું.

મંચ પાછળ પહોંચતાં જ બેંગોલી પાલવ જમીન પર પાથરી સંમોહિનીએ દંડવત કર્યા, બોલી ઊઠી, 'હું વિજુ, દાદા ન ઓળખી?'

આંખમાં આનંદાશ્ચર્ય સહિત હર્ષાશ્રુ આવી ગયાં. બેઉ ખભા પકડી ઊભી કરી તેને જોતાં જ રહ્યાં મોહિનદા. આજ વર્ષો પછી સ્વજન મળ્યું હતું દૂર દેશમાં. તેને ઘરે લઈ જવાનો પ્રસ્તાવ તેના મેનેજર પાસે મૂકી જવાબની રાહ જોતા ઊભા રહ્યા. મેનેજરના હાવભાવ પરથી લાગ્યું કે તેને પસંદ નથી, પણ માહેશ્વરીદેવીએ તેની સાથે વાત કરી. મંજૂરી મળતાં મોહિનદા તો અધીરા જ થઈ ગયા.

બંને ઘરે પહોંચ્યાં કે મોહિનદાએ ઘર ખોલ્યું, વિજુ પ્રવેશતાં જ મોહિનદાના પગમાં ઢળી પડી. બંને કેટલાય કલાકો અંધારામાં આંસુ સારતાં બેસી રહ્યાં. સ્વસ્થ થયાં. પછી લાઈટ ચાલુ કરી. મોહિનદાએ તેને પાણી આપ્યું અને વિજુએ વાત શરૂ કરી.

'મોહિનદા, હોડી ઊંધી પડી તો મારો હાથ માના હાથમાં જ હતો, ક્યાંય સુધી તણાતાં રહ્યાં અમે બંને, બધાં જ વિખરાઇ ગયાં હતાં. આંખ ખૂલી તો હું એક ખાટલામાં પડી હતી, મારી આસપાસ ચાર-પાંચ સ્ત્રીઓનું ટોળું જમા હતું. તેમાં જ આ મેનેજરની માતા પણ હતી. તેણે મારી ખૂબ દેખભાળ રાખી. તમે જાણો છો, મને આપણાં ગામનું નામ જ યાદ હતું તે હું રટ્યા કરતી. ત્યાં આવવા કે મૂકી જવા જીદ કરતી. કોઈ જ સાંભળતું નહીં. મારો પગ જળચર પ્રાણીઓએ ખાઈને ખોખલો કરી દીધો હતો. મા મારી સંભાળ ખૂબ જ કરતાં, જેમ જેમ સાજી થતી ગઈ તેમ તેમ હું વિચારતી ગઈ હવે ગામમાં કોણ હશે? કોઈ નહીં, અહીં આટલો પ્રેમ મળ્યો છે તો હવે રહી જાઉં, મનોમન તમને ચાહતી હતી. તેથી, ઘણીવાર યાદ કરી રડી લેતી, શું તમે મારી શોધ નહોતી કરી?' આટલું બોલી વિજુ જોઈ રહી.

મોહિનદાએ બોલવા માંડ્યું, 'તારી હોડીનાં ડૂબવાનાં સમાચાર આવ્યા તે જ ક્ષણે હું કોલેજથી ભાગ્યો, કિનારે પહોંચ્યા પછી મેં અને મારા મિત્રોએ નદી ખૂંદી નાખી. પોલીસને પણ કેટલીક લાશો મળી, પણ તું કે માસીમા ન મળ્યાં. અમે આશા છોડી દીધી હતી. પછી તો મારું મન ન લાગતું, પણ અભ્યાસ પૂર્ણ કરી હું તને ભૂલવા મુંબઈ તરફ જ આવી ગયો. ફક્ત એક વાર માના મૃત્યુ પર ક્રિયા કરવા ગયો પછી... કલકત્તા જવાનું મન જ ન થયું.'

વિજુ ભાવવિભોર થઈ ગઈ. તે મોહિનદાને હૃદયપૂર્વક ચાહતી હતી. મનોભાવ હોય તો જ વ્યક્તિ ફરી જીવનમાં પાછું આવે એવું તે માનતી. તે બે ક્ષણ માટે મોહિનદાને જોતી રહી, પછી એટલું જ બોલી, 'શું તમે મને અપનાવશો?'

આ વાક્ય સાંભળી મોહિનદાએ તેને નજીક લઈને તેના હોઠ પર મધુર મિલનનું એક નજરાણું ભેટ રૂપે આપ્યું. બંને પછી એકબીજાની બાહોમાં ગાઢ આલિંગન આપી સૂઈ ગયાં. સવાર પડતાં જ મોહિનદા તેને લઈને પેલા મેનેજર પાસે પહોંચ્યા. અંત:કરણથી તેનો આભાર માન્યો અને વિજુ સાથે પોતે લગ્ન કરવા માગે છે તે જણાવ્યું. મેનેજર સોહનલાલ વિફરી પડ્યો, તેની તો ધીકતી કમાણી હતી સંમોહની! તે લાલચુ માણસે પોલીસની ધમકી અને ગુંડાઓ ઊભા કરી દીધાં. માહેશ્વરીદેવી જેમણે આ કાર્યક્રમ ગોઠવ્યો હતો તેમણે અને તેમના પતિદેવે જ્યારે વિગત જાણી ત્યારે મામલો સંભાળ્યો.

એક સવારે મોહિનદાએ તેની સામે સરસ પરબીડિયું મૂક્યું. ખોલતાં જ તે ખુશ થઈ ગઈ. કલકત્તાની બે એર ટિકિટ હતી. તે પ્રેમસભર આંખોએ એટલું જ બોલી શકી, 'આભાર, મારા મનની વાત સમજવા માટે.'

લગ્નને છ મહિના વીતી ગયા હતા. મુંબઈની એ જ બેંગોલી સોસાયટીનો આજે દુર્ગાપૂજાનો કાર્યક્રમ હતો. ત્યાં આજે સંમોહિની દેવીનો સંગીત કાર્યક્રમ હતો. મંચ પર જતાં સંમોહિની દેવીએ મોહિનદા પાસે પાલવ પાથરી નમન કરતાં એક નજરાણું માગ્યું , 'આ મારો અંતિમ કાર્યક્રમ હશે, એવું વચન આપો.'

મોહિનદાએ તેણીની આંખોમાં જોઈ વચન સ્વીકૃત કર્યું, સંમોહિની તે જ ક્ષણે મૃત્યુ પામી અને વિજુનો ફરી જન્મ થયો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)