ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતાં આજના કપલ્સ માટે રિલેશનશિપની મોડર્ન ટિપ્સ, જીવન પ્રેમથી અને સુંદર રીતે વીતશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત લેખમાં આપણે મોડર્ન યુવક-યુવતીઓ લગ્ન કરીને પરસ્પર પ્રેમથી કેવી રીતે સુંદર જીવન વિતાવી શકે તેની ચર્ચા કરી. આ લેખમાં એ ચર્ચાને આપણે આગળ વધારીશું. ગયા લેખમાં આપણે આઠ ટિપ્સ જોઈ હતી.

9. એકબીજા પર શંકા કરવાનું ટાળોઃ કોઈપણ સંબંધ શ્રદ્ધાના પાયા પર જ ઊભેલો હોય છે. જો શ્રદ્ધા ગઈ તો સંબંધ ડહોળાયો. લગ્નજીવનમાં તો શ્રદ્ધા અત્યંત વધારે મહત્ત્વની હોય છે. પતિ કે પત્ની જો એકબીજા ઉપર સતત શંકા કરે તો પરિણામો સારાં આવતાં નથી. અમદાવાદમાં રોનક અને રીમાએ પ્રેમ લગ્ન કર્યાં. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ હતી. એકબીજાને પૂરતો પ્રેમ પણ કરતાં હતાં. જો કે, રોનકનો સ્વભાવ અત્યંત શંકાશીલ હતો. તેને સતત થયા કરતું હતું કે, રીમાને બીજા કોઈ જોડે સંબંધ છે. ખરેખર એવું હતું જ નહીં. રોનક વારંવાર રીમાનો ફોન તેને ખબર ન પડે એ રીતે ચેક કરતો હતો. ઘણીવાર તો ઓફિસમાં રજા મૂકીને અચાનક ઘરે આવી જતો હતો. રીમા ક્યાંય ગઈ હોય તો તેનો પીછો પણ કરતો હતો. શંકા ના કરવાનું બધું કરાવે છે. છેવટે રોનકની શંકા એટલી બધી તીવ્ર બની કે તેણે મનોચિકિત્સકની સલાહ લેવી પડી. ભલું થજો મેડિકલ સાયન્સનું કે દવાઓ અને સારવારથી રોનકને સારું થયું અને તેનું દાંપત્ય બચી ગયું.

શંકા સ્ત્રીઓમાં જ હોય છે એવું નથી. પુરુષોમાં પણ શંકાનું પ્રમાણ ઘણું હોય છે. જો કે, હવે પ્રગતિશીલ અને ઉદાર મતવાદી વાતાવરણને કારણે પતિ અને પત્નીઓ એકબીજાને સ્પેસ આપતાં થયાં છે. તેને કારણે શંકા કરવાનું વલણ ઘટયું છે. એકબીજા પર રાખેલો વિશ્વાસ જ દાંપત્ય જીવનને જોડી રાખે છે.

10. એકબીજાને મદદ કરોઃ સ્ત્રી અને પુરુષ બંનેની શક્તિઓ જેમ જુદી-જુદી હોય છે એ જ રીતે બંનેની સજ્જતામાં પણ ફરક હોય છે. આપણા દેશમાં એકબીજા પાસેથી શીખવાનું વલણ ઘણું ઓછું છે. ખરેખર તો શીખવાનું વલણ જ ઘણું ઓછું છે. વિકસિત દેશો આગળ આવ્યા છે તેનું કારણ એ છે કે તે લોકો ગંભીરતાથી શીખે છે. યુવાન પતિ અને પત્નીઓને વિનંતી કે તમે એકબીજામાંથી સતત શીખવાની વૃત્તિ રાખો. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે બંને જુદી-જુદી સજ્જતા કેળવશો અને એકબીજાની નિંદાથી બચી જશો. યાદ રાખો કે આપણી જિંદગી સીમિત છે, લાઈફ લિમિટેડ છે. શીખવાનું અસીમિત કે અનલિમિટેડ છે. જેટલું શીખશો એટલું ઓછું છે. રચનાત્મક કાર્યોમાં જેટલો સમય વ્યસ્ત રહેશો તેટલો સમય તમે ખંડનાત્મક, નકારાત્મક કે નુકસાન કરે એવા વિચારો અને કાર્યોથી દૂર રહેશો. આ વાત ખાસ સમજવા જેવી છે. એટલે જ લગ્ન પછી તરત જ એવું વલણ રાખો કે હું મારા જીવનસાથી પાસેથી શું-શું શીખી શકું?

11. નાની-નાની બાબતોની ટીકા કરવાનું ટાળોઃ સાધનો કે વ્યવસ્થા એ જીવન માટે છે, જીવન તેના માટે નથી એ સતત યાદ રાખવાની જરૂર છે. લગ્નજીવનમાં મોટી એરર આવવાનાં કારણોમાંનું એક સૌથી મહત્ત્વનું કારણ છે નાની-નાની બાબતોમાં કરાતી ટીકા. પતિને કોઈ કામ કેટલીક ચોક્કસ રીતે થાય એવો આગ્રહ હોય છે. પત્નીને તો વળી અમુક કામ નિયત રીતે આમ જ થવું જોઈએ એવો દુરાગ્રહ હોય. આ બધી આમ જોઈએ તો નાની-નાની બાબતો છે. પરંતુ આ બધી બાબતો દાંપત્ય જીવનને દૂષિત અને કલુષિત કરી નાખે છે. તેનાથી બચવાની જરૂર છે. આ નાની-નાની બાબતો તમારા મોટા-મોટા આનંદને છીનવી લે છે. એટલું યાદ રાખવાનું છે કે આપણી જિંદગીની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે. એને વેડફવી ન જોઈએ. એને ઉજવવી જોઈએ.

12. એકબીજાને ગુણવત્તાવાળો સમય આપોઃ સંબંધમાં સૌથી મોટી વાત એ છે કે એકબીજાને પ્રેમ કરો અને એકબીજાને સમય આપો. આજકાલ કમ્યુનિકેશનનાં સાધનો ખૂબ વધ્યાં છે. ગતિ આપતાં સાધનો પણ ખૂબ વધ્યાં છે. આમ છતાં, આધુનિક માણસ વધારે વ્યસ્ત થયો છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે અસ્તવ્યસ્ત થયો છે. આવી સ્થિતિમાં લોકો એકબીજાને સમય આપતા નથી. મોબાઈલ ફોન સૌથી મોટી એરર બની ગઈ છે. પતિ-પત્ની સામસામે બેઠાં હોય તો પણ એકબીજા સાથે વાત કરવાને બદલે મોબાઈલ ફોન પર લાગેલાં હોય છે. એક પતિ અને પત્ની ડાઈનિંગ ટેબલ પર જમતાં હતાં. પત્નીનો મોબાઈલ ફોન રસોડામાં હતો. અચાનક તેમાં નોટિફિકેશન આવ્યું. જમતી-જમતી પત્ની ઊભી થઈને રસોડામાં ગઈ. મેસેજ વાંચ્યો. પતિનો જ હતો. પતિએ લખ્યું હતું કે, શાકમાં મીઠું ઓછું છે. મીઠું લેતી આવ ને. આવી નાજુક સ્થિતિ થઈ ગઈ છે.

આ સ્થિતિ સંબંધોને સૌથી મોટી અસર કરે છે. સંબંધમાં પ્રેમ અને સમય આ બંને પાયાના પથ્થરો છે. પતિ અને પત્નીએ તો એકબીજાને સમય આપવો જ પડે. એ ઘટી રહ્યું છે તેને કારણે છૂટાછેડા વધી રહ્યા છે. સમય આપવાનું ઘટી રહ્યું છે તેને કારણે પતિ-પત્નીઓ વચ્ચે અંતર પણ વધી રહ્યું છે.

હમણાં જ અમદાવાદમાં એક એવી ઘટના બની કે એક સ્ત્રી બીજા કોઈ જોડે ભાગી જવાનો પ્રયત્ન કરતી હતી. અભયમ્ ટીમની મદદ લેવાઈ. સ્ત્રીએ કહ્યું કે મારો પતિ મને બિલકુલ સમય નથી આપતો. તેથી નાછૂટકે હું ભાગી રહી છું. બાકી મારો પતિ મને ખૂબ ગમે છે. અત્યંત વ્યસ્ત રહેતા પતિને પ્રતીતિ થઈ કે, મારી પત્નીની વાત સાચી છે. તેણે ખાતરી આપી કે હવે હું તને પૂરો સમય આપીશ. પત્ની માની ગઈ અને તેણે ભાગવાનું માંડી વાળ્યું. ઘીના ઠામમાં ઘી રહ્યું.

13. એકબીજાની ટીકા ન કરોઃ પતિ અને પત્ની એક રથનાં બે પૈડાં છે. પરસ્પર સમજણ હોય તે ખૂબ જરૂરી છે. મોટાભાગે લગ્નનાં એક-બે વર્ષ સાયુજ્ય સારું રહે છે. પછી બંને વચ્ચે અભાવ ઊભો થાય છે. અત્યાર સુધી બંનેને એકબીજાના ગુણો અને વિશેષતાઓ દેખાઈ હતી, તેને બદલે ધીમે-ધીમે મર્યાદાઓ દેખાવા લાગે છે. બંને એકબીજાનાં ચોકીદાર બની જાય છે. બંને એકબીજાના દુર્ગુણો શોધવા લાગે છે. તમે આમ અને તમે તેમ, તું આવી અને તું તેવી, તને આ આવડતું નથી અને તને પેલું ફાવતું નથી, તું કંઈ યોગ્ય રીતે કરી શકતી જ નથી... આમ એકબીજાના ટીકાખોર બનેલાં પતિ-પત્ની સાચું અને સારું જીવન જીવી શકતા નથી. બીજાના ભાણામાં પડેલો લાડવો મોટો લાગે છે. બીજા સ્ત્રી-પુરુષો સારાં લાગે જ્યારે ઘરની પત્ની કે ઘરનો જ પતિ યોગ્ય ન લાગે. આ મનોચિકિત્સાનો વિષય છે. આ સહજ પણ બને છે. આમાંથી દરેક પતિ-પત્નીએ બહાર આવવું જોઈએ.

14. પાર્ટનર જોડે નિખાલસપણે વાત કરોઃ સેક્સની બાબતમાં સેક્સોલોજિસ્ટો એવું કહેતા હોય છે કે, સેક્સનો મહત્તમ આનંદ મેળવવા માટે તમને જે ગમતું હોય તે તમારા પાત્રને નિખાલસપણે કહો. એ જ રીતે જે ન ગમતું હોય તે પણ કહો. શરમ ન રાખો. સંકોચ ન રાખો. જો કહી દેશો તો તમે વધારે આનંદ માણી શકશો. આ જ બાબત જીવનમાં પણ લાગુ પડે છે. જીવનની દરેક બાબતમાં પતિ-પત્નીએ એકબીજાને નિખાલસતાથી પોતાના હૃદયની વાત કહેવી જોઈએ. એ કબૂલ કે બધી વાતો ન કહી શકાય. જો એવું કરાય તો ભૂકંપ જ આવી જાય. અલબત, મહત્તમ વાતો ચોક્કસ કરી શકાય. કરવી જ જોઈએ. જો તમે મહત્ત્વની વાત મનમાંને મનમાં રાખો તો તે તમને નડે. ક્યારેક માનસિક રોગ થાય તો ક્યારેક શારીરિક રોગ પણ થાય. એમાં વિવેક હોવો જોઈએ, સમજણ હોવી જોઈએ, કહેવાની રીત પણ હોવી જોઈએ. ઘણા લોકો વધારે પડતા નફ્ફટ અને બોલ્ડ થઈને રજૂ થતા હોય છે. એ પણ યોગ્ય નથી.

15. છેલ્લી વાત. ચપટીક સમજણ રાખોઃ આ વિશ્વની દરેક વ્યક્તિ જો જીવન નામના વ્યંજનમાં ચપટીક સમજણ નાખે તો જીવન નામની વાનગી બગડે જ નહીં. માત્ર ચપટીક સમજણનો સવાલ હોય છે. સંબંધોમાં નાની કે મોટી એરર ઊભી થતી હોય છે. તેના કારણોમાં ચપટીક સમજણનો અભાવ હોય છે. અહમ હોય કે ઈર્ષા, શંકા હોય કે ગેરસમજ, અપેક્ષા હોય કે સ્વાર્થ હોય દરેક સ્થિતિનો અક્સીર ઈલાજ સમજણ પાસે હોય છે. સમજણમાં જાદુ હોય છે. સમજણમાં ચમત્કારિક પરિણામો લાવવાની તાકાત હોય છે. જ્યારે સ્થિતિ નાજુક બને ત્યારે પતિ કે પત્નીએ મૌન રહીને ચપટીક સમજણથી કામ લેવું જોઈએ. એક સુંદર સંબંધ માત્ર નાની-નાની બાબતોને કારણે સતત વિક્ષેપમાં રહ્યા કરે, તે સંબંધ પર ધુમ્મસ પ્રસરતું રહે તે ન ચલાવી લેવાય. રોજબરોજ જીવાતા જીવનમાં રૂટિન બાબતોને કારણે મતભેદ થયા કરે એ યોગ્ય નથી. એના માટે કોઈ દવા લેવાની જરૂર નથી. એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની આવશ્યકતા પણ નથી. એના માટે મનોચિકિત્સક પાસે પણ ન જશો. બસ, જીવનમાં સતત રોજેરોજ યાદ રાખીને ચપટીક સમજણ ઉમેરતા રહો. ચપટીક મીઠું જેમ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે બરાબર એ જ કામ ચપટીક સમજણ કરે છે.

આ બધી ટિપ્સ તો સરેરાશ અને કોમન ટિપ્સ છે. દરેક માણસનું પોતાનું આગવું જીવન હોય છે. ભગવાને તન અને મન બંનેથી દરેક વ્યક્તિને એકબીજાથી ભિન્ન બનાવી છે. તેથી તેમના પ્રશ્નો પણ જુદા જુદા રહેવાના. વ્યક્તિગત વિવેક અને સમજણ રાખીને આ પૃથ્વી પર આપણે સુખી કરવા અને સુખી થવા આવ્યા છીએ તે મનોભાવ સતત જાળવીને જીવીએ તો સહેજે ય વાંધો ન આવે.

દરેક મોડર્ન પતિ-પત્નીને ઢગલો શુભકામનાઓ.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)