તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટ્રેટ ડ્રાઇવ:માઇકલ બેવન: ફિનિશર શબ્દ ફેમસ થયો એ પહેલા ફિનિશર કોને કહેવાય એની વ્યાખ્યા આપી ગયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટમાં ફિનિશરની ભૂમિકા સૌથી પડકારજનકમાંથી એક છે. પહેલા બોલેથી જ નિસ્વાર્થ થઈને આડેધડ સ્લોગિંગ કરવું પડે. મહેન્દ્રસિંહ ધોની અને માઇક હસી જેવા અમુક ચેમ્પિયન હોય છે જે દરેક મેડનેસમાં પણ પોતાની મેથડ શોધી લે છે. બહુ જૂજ ખેલાડીઓ માટે જ આવું કહી શકાય. આજે આપણે એવા ફિનિશરની વાત કરીશું જે ફ્લેટ નહીં પણ બોલર્સને મદદગાર પિચ અને જ્યારે 60 મીટરની બચુકડી બાઉન્ડ્રી નહોતી ત્યારે આ ભૂમિકા સહજતા સાથે નિભાવતો હતો માઇકલ બેવન.

બેવન એટલે ઓસ્ટ્રેલિયાનો એ ખેલાડી જે ફિનિશર શબ્દ ફેમસ થયો એ પહેલા ફિનિશર કોને કહેવાય તેની વ્યાખ્યા આપી ગયો હતો. આજના હીરોઝ માફક તેની રમત મસલ પાવર પર નહીં, પરંતુ સંપૂર્ણ રીતે માઇન્ડ પાવર પર જ નિર્ભર હતી. ગેપ કેવી રીતે કાઢવો, સતત સ્કોરબોર્ડ કેવી રીતે ફરતું રાખવું, વિકેટ 8 પડી હોય કે 9, બેવન ક્યારેય પ્રેશરમાં લાગતો જ નહીં. ઇંગ્લિશમાં કહેવાય એમ કામ એન્ડ કમ્પોઝ્ડની છબી એટલે આ ડાબોડી બેટ્સમેન.

ઓરિજિનલ ફિનિશર
પોતાના કરિયરમાં તેણે અનેક માસ્ટરક્લાસ ઇનિંગ્સ રમી. આવી જ એક ઇનિંગ હતી 1996માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે. વેસ્ટ ઇન્ડિઝ સામે 43 ઓવરમાં 173 રનનો પીછો કરતાં હોમ ટીમે 74 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા બેવને એકદમ શાંતિથી અને સહેજ પણ મૂંઝાયા વગર બેટિંગ કરતા મેચને અંતિમ ઓવર સુધી ખેંચી. 1 ઓવરમાં 7 રનની જરૂર, 1 વિકેટ બાકી. ત્યાંથી ઇક્વેશન પહોંચી 1 બોલ બાકી 4 રન ઘટે. આવી પરિસ્થિતિમાં સામાન્યપણે કોઈપણ બેટ્સમેન બોલને લેગ સાઈડ સ્લોગ કરવાનું વિચારે. પણ માસ અને ક્લાસ વચ્ચેનું આ જ અંતર છે.

બેવને ડાઉન ધ ગ્રાઉન્ડ ફોર મારીને કાંગારૂને હારેલી મેચ જિતાડી હતી અને આ તેના કરિયરની પિક નહીં. પરંતુ સફળતાની પ્રથમ સીડી જ હતી. ઉલ્લેખનીય છે કે તે ઇનિંગ્સમાં બેવને 150 મિનિટ બેટિંગ કરતાં 88 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેમાં માત્ર 6 બાઉન્ડ્રી સામેલ હતી. જેની બોલિંગમાં ફોર મારી એ બોલર રોજર હાર્પર હતો.

અન્ય કેટલીક આકર્ષક નોક્સ
બેવનની યાદગાર ઇનિંગ્સમાં સિડનીના લાસ્ટ બોલ ફોરવાળા ચેપ્ટર સિવાય ન્યૂઝીલેન્ડ સામેના એન્કાઉન્ટરને પણ ખાસ યાદ કરવામાં આવે છે. વર્ષ 2002માં મેલબોર્ન ખાતે 246 રનનો પીછો કરતાં ઓઝીના 84માં 6 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ત્યાંથી બેવને 95 બોલમાં 102* રન કરીને યાદગાર રીતે મેચ બનાવી હતી. તો એના 2 વર્ષ પછી ઇંગ્લેન્ડ સામે 204 રન ચેઝ કરતાં 135/8 વિકેટ ગુમાવી દેવા છતાં ઓસ્ટ્રેલિયાને વિશ્વાસ હતો કે મેચ જીતી શકાય છે. ગ્રોઇન ઇન્જરી સાથે ઝઝૂમી રહેલા બેવને વોરિયર માફક ઊભા રહીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.

બેવનની સફળતાનું રહસ્ય
બેવનનો રનચેઝમાં ગુરુમંત્ર હતો કે તે સ્મોલ-સ્મોલ ટાર્ગેટ સેટ કરતો હતો. બિગર પિક્ચર જોઈને પેનિક થવા કરતાં તે નાના-નાના લક્ષ્ય સેટ કરીને મંજિલ સુધી પહોંચવામાં માનતો હતો. આજે વિરાટ કોહલી પણ આ રીતે જ કેલ્ક્યુલેટિવ ક્રિકેટ રમીને ચેઝ માસ્ટર બન્યો છે. બેવનની ઓવર ધ પિરિયડ કનસિસ્ટન્સી તેની સૌથી મોટી સફળતા છે. આજે 51 વર્ષના થયેલા બેવને 232 વનડેની 196 ઇનિંગ્સમાં 53.58ની એવરેજથી 6912 રન કર્યા. આ દરમિયાન 6 સદી અને 46 ફિફ્ટી મારી. રિટાયર્ડ વનડે ક્રિકેટર્સમાં કોઈની પણ એવરેજ બેવનથી વધુ નથી.
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...