પોઝિટિવ પેરેન્ટિંગ:મેમરીઝમાં એનર્જી હોય છે... બાળપણની નાની ઘટના પણ ટ્રોમા પેદા કરી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈએ સાચું કહ્યું છે કે 'તમે બાહ્ય પરિસ્થિતિને બદલી નહીં શકો પણ તમે આ પરિસ્થિતિઓ સામે તમારી પ્રતિક્રિયા ચોક્કસ બદલી શકશો.' આનો મૂળભૂત અર્થ એ છે કે બાહ્ય પરિસ્થિતિ આપણા નિયંત્રણની બહાર છે પણ આપણી પ્રતિક્રિયાને આપણે ચોક્કસ કન્ટ્રોલ કરી શકીએ છીએ! આપણી ઘણી પ્રતિક્રિયાઓ ભાવનાત્મક હોય છે અને આ ભાવનાઓ ભૂતકાળની આપણી કેટલીક યાદો અથવા પ્રસંગો જોડે સંકળાયેલી હોય છે જે કદાચ આપણે ભૂલી પણ ગયા છીએ.

થોડાં અઠવાડિયાં પહેલાં જ પેરિસથી એક બહેને મારો સંપર્ક સાધ્યો હતો. તેમની દીકરીને પેનિક અટેક આવતા હતા, જેના માટે તેઓ મારું માર્ગદર્શન મેળવવા માગતા હતા કારણ કે, તેમનું માનવું એવું હતું કે હું એક એજ્યુકેટર છું એટલે હું તેમની વિદ્યાર્થિની દીકરીને મદદ કરી શકીશ, જે વ્યવસાયિક ક્ષેત્ર માટે પોતાનું કૌશલ્ય વધારી રહી હતી. તે એક ખૂબ જ બ્રાઇટ છોકરી હતી પણ જાહેરમાં જતાં જ તે પેનિક થઇ જતી. જેથી, તે કોઈ પણ જાહેર પ્રસંગમાં ભાગ નહોતી લઇ સકતી, ભલે તે પછી એક કોન્સર્ટ જ કેમ ન હોય. અમારી વાતચીત દરમિયાન એ માતાએ જણાવ્યું કે, નાનપણમાં એમની દીકરીને તેમણે એક ખૂબ જ સ્ટ્રિક્ટ (ચુસ્ત) સ્કુલમાં દાખલ કરી હતી. જ્યારે તે છોકરી લગભગ 7 વર્ષની હતી ત્યારે તેને પોતાના બ્લેડર ઉપર કાબૂ નહોતો અને તે પહેરેલા કપડાંમાં જ બાથરૂમ કરી નાખતી; જેના માટે શિક્ષક તેના ઉપર ગુસ્સે થઇ તેનું અપમાન કરતા હતા. બસ એ સમયથી જ આ નાની છોકરીમાં પેનિક અટેકનાં લક્ષણ વિકસવા લાગ્યાં, જે વધતી વય જોડે વધતા ગયા.

મેં ઓફર કરી કે જો તે પોતે આના માટે તૈયાર હોય તો હું એ છોકરી સાથે વાત કરવા માટે રાજી હતી. મેં એ છોકરીને (આપણે એને એલિસ નામથી સંબોધીએ) સલાહ આપી કે 'આપણે ઝૂમ સેશન થકી મેડિટેશન કરીએ. જેથી જાણી શકીએ કે તમારું સબકોન્શિયસ (અવચેતન) મન તમને શું કહી રહ્યું છે.' એલિસને તે વિચાર ગમ્યો અને પછી મેં એક ખાસ પ્રકારનું સંગીત વગાડ્યું, જે બ્રેઇનને રિલેક્સેશનના ઊંડા સ્ટેટમાં લઇ જાય છે. મેં એને કહ્યું કે તે બધી ઇમેજ, અવાજો, શબ્દો અને ભાવનાઓને આવકારે અને સેશન પતી ગયા પછી અમે તેની મનઃસ્થિતિની ચર્ચા કરી. અમને ખૂબ રોચક વાત જાણવા મળી કે તે એક બ્રિચ-બેબી છે અને કદાચ તેના જન્મ વખતે તેની માતા પણ ખૂબ પેનિક અનુભવતી હશે. પરદેશમાં હોવાના લીધે તેની માતાએ એલિસના જન્મ પહેલાં 2-3 હોસ્પિટલ પણ બદલી. શું એલિસના પેનિક અટેકની જડ તેના પ્રિ-નેટલ (જન્મ પૂર્વની) યાદોમાં હતી? સાચું કહું તો આવા વ્યક્તિલક્ષી અનુભવોમાં આપણે પૂર્ણ ચોક્સાઈથી કોઈ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકીએ. પરંતુ પોતાને મજબૂત કરવાની થોડી માનસિક કસરતો કર્યા પછી એલિસને સારું લાગ્યું અને થોડા દિવસ પછી તે પોતાના મિત્રો સાથે બહાર જવા લાગી અને તે રિલેક્સ પણ ફીલ કરતી હતી. અમારી ચર્ચાઓથી એવું લાગ્યું કે, તેની પ્રતિક્રિયા (પેનિક અટેક)ની જડ બે અનુભવોમાં હતી - પહેલું તે પીડા જે એની માતાએ ત્યારે ભોગવી જ્યારે એલિસ એના ગર્ભમાં હતી અને બીજું સ્કૂલમાં ઘટેલો તે બનાવ.

આ એક સ્વીકારેલું તથ્ય છે કે, પુખ્તવયની બિહેવિયરલ પેટર્નની જડ આપણી ભૂતકાળની મેમરીઝમાં હોય છે. એક સામાન્ય કે નાની ઘટનાની પણ એક ખૂબ જ નકારાત્મક અસર થઈ શકે છે, જે ટ્રોમા પણ પેદા કરી શકે છે. આ ઘટનાઓ આપણી મેમરીમાં બેસી જાય છે અને પછી સમય જતાં તેને આપણે અજાણતા દબાવી દઈએ છીએ. આપણે તેનાથી અનભિજ્ઞ પણ થઇ જઇએ છીએ. એટલે આ મેમરીને અવનવી ટેક્નિકો થકી એક્સેસ કરવાની જરૂર છે.

વાલીઓ પોતે પણ એવી ઘણી બધી દબાવી દીધેલી ઘટનાઓમાંથી પસાર થયા હશે જે ટ્રિગર તરીકે કામ કરે છે. એક વાલી, જેના વાલી ખૂબ ડિમાન્ડિંગ અને નિંદા કરતા હતા તે હંમેશાં પોતાના મિત્ર કે જીવનસાથીથી મળેલી નિંદાથી ભરેલી કોમેન્ટની આક્રોશભરી પ્રતિક્રિયા આપશે કે પછી એવી વ્યક્તિ જેના પોતાના વાલી હંમેશાં ગેરહાજર રહ્યા હોય તેને ત્યજી દીધેલા બાળક જેવો અનુભવ થશે અને એટલે જ જ્યારે એનું બાળક સ્વતંત્ર રીતે રહેવા માગશે ત્યારે તે વાલીની પ્રતિક્રિયા ખૂબ જ આક્રોશથી ભરેલી હશે.

જ્યારે તમારા પોતાનાં બાળકો એક ખાસ પ્રકારે રિએક્ટ કરે ત્યારે ખૂબ જરૂરી છે કે તમે તેમની તે પ્રતિક્રિયાથી તેમને જજ કરવાને બદલે તેમની પ્રતિક્રિયાનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. આ પ્રતિક્રિયાઓ ઘણી વખત વિવેકહીન પણ હોઈ શકે છે દાખલા તરીકે - કજિયો કરવો, ફોબિયા કે એન્ઝાયટી અટેક કે પછી કોઈ વસ્તુને અવોઇડ કરવું વગેરે.

વાલી અને એજ્યુકેટર તરીકે આપણે બાળકોને મદદ કરીએ તે પહેલાં જરૂરી છે કે આપણે આપણી પોતાની પ્રતિક્રિયાઓ વિશે જાગૃત રહીએ: શું તમે ઘણી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓથી ફ્રસ્ટ્રેશન, ગૂંગળામણ, વ્યગ્રતા અથવા લાચારી અનુભવો છો? જો એવું હોય તો તે ભાવનાત્મક સ્થિતિને ઓળખી ભૂતકાળની તે ઘટના સુધી પહોંચવાનો પ્રયત્ન કરો જેના લીધે આવી ભાવનાઓ પેદા થઇ છે.

આ પ્રવૃત્તિ ટ્રાય કરો:

  • એક આરામદાયક પોઝિશન લો અને શીતળ સંગીત સાંભળતાં-સાંભળતાં તમારી આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો
  • મનમાં નક્કી કરો કે તમે તે યાદ કે ઘટના સુધી પહોંચવા માગો છો જેને તમને અત્યારની આ ભાવનાત્મક પરિસ્થિતિમાં મૂક્યા છે
  • તમારા ભૂતકાળમાંથી તસવીરો, અવાજો અને ભાવનાઓને આવવા દો. તે પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન કરો જેના લીધે તમે નારાજ અને અશક્ત અનુભવો છો.
  • હવે પોતાને મનની આંખોથી જોઈ અને તમારી પ્રતિક્રિયાનું નિરીક્ષણ કરો. દરેક પરિસ્થિતિમાં તમારા ભાવનાત્મક વલણને બદલવાનો પ્રયત્ન કરો. એક રીતે તમે તમારા ભૂતકાળને બદલીને તમારા મગજને રિવાઇવ કરી રહ્યા છો. તમે તમારા પાવર (શક્તિ)ને ફરીથી મેળવી રહ્યા છો. દાખલા તરીકે, તમારી ઓફિસમાં કોઈએ તમારું અપમાન કર્યું હતું અને તેના લીધે તમે ખૂબ જ ગુસ્સે કે નારાજ હતા; તો ફરી એ જ પરિસ્થિતિની કલ્પના કરો પણ આ સમય પોતાની જાતને શાંત અને સ્વસ્થ અવતારમાં જુઓ. આ રીતે તમે જે પણ ભાવનાત્મક ઊર્જા ગુમાવી છે તેને તમે પાછી મેળવી શકશો.

પ્રયત્ન કરો અને ભલે તમે શરૂઆતમાં સફળતા ન મેળવો પણ પ્રેક્ટિસથી તમે ચોક્કસ સફળ થશો!

યાદ રાખો કે ભાવનાઓમાં એક એનર્જીની છાપ હોય છે અને એટલે જરૂરી છે કે આપણે ભૂતકાળની ઘટનાઓ જોડે સંકળાયેલી નકારાત્મક ભાવનાઓથી બને તેટલો ઝડપથી પીછો છોડાવી લઇએ.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...