મારી વાર્તા:માયા, હું તારો જ ઇન્ટરવ્યૂ લઈ લઉં? મૌકા ભી હૈ દસ્તુર ભી હૈ... અને તેઓ બંને સાતમા માળે બુક કરેલા માયાના રૂમમાં પહોંચ્યા!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની ફાઇવસ્ટાર હોટેલમાં જાણીતા બિઝનેસમેન તથા નવા નવા ફિલ્મનિર્માણ ક્ષેત્રે પ્રવેશેલા મિસ્ટર શ્રોફની પચ્ચીસમી લગ્નતિથીની પાર્ટી ચાલી રહી હતી. અહીં શરાબ-શબાબ બધું જ હતું. સાંજ પડતાં જ પાર્ટી એની રંગીનીયત પકડી રહી હતી.

મિસ માયા ઓફશોલ્ડર કટ વનપીસમાં વધુ માદક લાગી રહી હતી. અમેરિકાથી તાજેતરમાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવીને પરત ફરેલી મિસ માયાનાં સ્તનનો ઊભાર કોઈ લોલુપ નજરથી બચી શકે તેમ નહોતો છતાંય ઇન્ડસ્ટ્રીમાં ચાલતાં કાસ્ટિંગ કાઉચ સામે એણે ઉઠાવેલા અવાજ પછી એ લોલુપ નજરો આજે થોડું અંતર જાળવી રહી હતી. જાણીતી ફિલ્મ પત્રકાર શૈલી દાંડેકર પણ કોઈ ગોસિપ મળવાના આશયથી પાર્ટીમાં હાજર હતી. એની નજર ગોસિપ માટે મિસ માયાને શોધી રહી હતી. ત્યાં તો એનો શિકાર એને સામેથી જ ભટકાયો.

'માયા વાઉ યુ આર લુકિંગ સો સેક્સી. આ બધું અચાનક?' શૈલીએ આંખ મિંચકારી પૂછ્યું.

'થેંક્સ ડિયર.' કહીને માયાએ પણ સામે આંખ મિંચકારી.

'શૈલી, આઈ લવ યોર આર્ટિકલ્સ. ફિમેલ એક્ટ્રેસની ફેવરમાં બહુ સરસ અવાજ ઉઠાવી રહી છે તું.'

'હા એક સ્ત્રી થઈને સ્ત્રી વિશે તો વિચારવું જ રહ્યું ને!'

'પણ તારી હિંમત માટે તને અભિનંદન. તારા સ્ટેટમેન્ટની બહુ મોટી અસર મીડિયામાં છે. તારા જેવી હિંમતવાળી છોકરીઓ જો આ ફિલ્મલાઈનમાં હોય ને તો અહીં સ્ત્રીને જે નુમાઈશનું સાધન સમજી ગેરફાયદો ઊઠવાનો પ્રયત્ન કરે છે એ બધાની હાટડીઓ બંધ થઈ જાય.'

થોડું વિચારીને શૈલી એક પાસો ફેંકે છે, 'માયા, શા માટે હું તારો જ ઇન્ટરવ્યૂ ના લઉં? મૌકા ભી હૈ દસ્તુર ભી હૈ.'

'કેમ નહીં...! ચોક્કસ.'

'માયા અહીં બહુ ઘોંઘાટ છે. બહાર લોન્જમાં બેસીએ?'

'એની કંઈ જ જરૂર નથી મારો સ્યુટ અહીં સાતમા માળે બુક છે.'

'ધેટ્સ ગ્રેટ!' શૈલીને તો બગાસું ખાતાં જાણે પતાસું મળી ગયું.

'ન્યૂઝની ટીઆરપી માટે આ એક ઇન્ટરવ્યૂ બસ.....ગ્રાફ સીધો..શૂ....દઈને ઉપર.' શૈલી મનોમન વિચારી રહી. તો માયા વિચારતી હતી મારી ફિલ્મની પબ્લિસિટી માટે શૈલીથી વધુ સારી પત્રકાર કોણ હોઈ શકે?

શૈલી અને માયા સાતમા માળે બુક કરેલા માયાના રૂમમાં પહોંચ્યા. રૂમમાં પહોંચતાં પહેલાં પાર્ટીમાં જ માયાએ ચારથી પાંચ પેગ લગભગ પતાવી જ દીધા હતા. રૂમમાં દાખલ થતાં જ એ લથડાઈને પલંગ પર પડી. 'માયા આ શું ? મારે તારો ઇન્ટરવ્યૂ લેવાનો છે ને તું તો...'

'ચિંતા ન કરીશ મારી વ્હાલી. હું એકદમ નોર્મલ છું. બસ થોડો થાક છે. બોલ, શું પૂછવું છે તારે? પેલા શોધન વિશે?' માયા છઠ્ઠો પેગ ગ્લાસમાં ભરતાં બોલી, 'એ શોધનને તો હું સબક શીખવાડીને જ રહીશ. આ ઇન્ડસ્ટ્રીમાંથી એને બહાર ન ફેંકાવી દઉં તો મારું નામ માયા નહીં.' માયા ગુસ્સામાંને ગુસ્સામાં એક શ્વાસે આખો પેગ ગટગટાવી ગઈ. હવે એ ધીરે ધીરે હોશ ગુમાવવા લાગી પણ અર્ધ બેહોશીની હાલતમાં એની જીભ લથડાતી લથડાતી ઘણું બધું સત્ય ઓકી રહી હતી.

'એ શોધનિયાએ પેલા રાજના કહેવાથી મને એની ફિલ્મમાંથી કાઢી મૂકી, પાછો કહે છે કે મને એક્ટિંગ નથી આવડતી..માય ફૂટ..' એણે જોરથી ટિપોઈને લાત મારી. શૈલીએ સભાનપણે વચ્ચેથી જ રોકી લીધી. 'માય ગોડ માયા શું વાત કરે છે તું? એણે તને ના પાડી? ત્રણ-ત્રણ હિટ ફિલ્મ આપનાર માયા સચદેવને ના પાડી? તારી એ ફિલ્મના નિર્માતા પણ આ મિસ્ટર શ્રોફ હતા ને? તને એ ફિલ્મ કેવી રીતે મળી? આઈ મીન તારા સંઘર્ષ વિશે તારા ફેન્સને નહીં જણાવે?'

'સંઘર્ષ? અરે મારી વ્હાલી અહીં કોઈ સંઘર્ષ નહીં, ખિદમત ચાલે છે. આ શ્રોફ અને એના હીરોને ખુશ કર્યા ત્યારે એ ફિલ્મો મારી ઝોળીમાં આવી છે. આ શ્રોફ નીચે એની પત્ની જોડે પચ્ચીસમી લગ્નતિથીની કેક કાપી રહ્યો છે, એ પહેલાં મારી સાથે...હા હા હા.....બિચારી એની પત્ની...આ પુઅર વાઈફ.'

માયા જોરજોરથી હસવા લાગી. 'બેબ્સ અહીં બહુ બધું પામવા માટે થોડું ખોવું પડે છે.'

'માયા! તેં પોતે તો કાસ્ટિંગ કાઉચ સામે અવાજ ઉઠાવ્યો છે અને તું તો... મતલબ બેવડું ધોરણ? પડદાની આગળ અને પાછળ હકીકત જુદી જ છે? અને આ શરીરના સોદાને તું થોડું કહે છે?'

'શું ફરક પડે છે? બેબ્સ કોઈ એ નથી જોતું કે તમે ઉપર કેવી રીતે પહોંચ્યાં. તમે ઉપર છો એ હકીકત હોવી જોઈએ ને લોકો એને જ સલામ કરે છે. અને તું તો જાણે જ છે આ ઇન્ડસ્ટ્રીમાં સમાચારોમાં રહેવા, લોકોના મન પર છવાયેલા રહેવા, કંઇક તો કરવું જ પડે. એટલે આવા સ્ટેટમેન્ટ તો એનો જ ભાગ છે અને તું તો પત્રકાર છે. શું તું નથી જાણતી? કમ ઓન યાર.'

'તો પછી શોધનની ઓફરમાં તને શું વાંધો પડ્યો?'

'હા..હા..હા...એ પત્નીવ્રતા મહાન પુરુષ. હું તો સામેથી એને મારું સર્વસ્વ આપવા તૈયાર હતી, બેવકૂફ છે. હવે ભોગવે છે. સાંભળ્યું છે મારા સ્ટેટમેન્ટ પછી એની પત્ની એને છોડીને જતી રહી અને પેલા રાજને વળી પાછી એ હિરોઇન શું નામ એનું?’

શૈલી વચ્ચે બોલી, 'મિશોતી.'

'હા, એ જ મિશોતી! ટેલેન્ટેડ, બોર્ન એકટ્રેસ લાગે છે. કાળી છે તોય કહે છે બ્લેક બ્યૂટી છે. મારા જેવું ફિગર છે એની પાસે?' પોતાનાં સ્તનના ઊભારને વધારે પ્રદર્શિત કરતાં માયા બોલી.

'મિસ માયા લેટ મી અલાઉ ટુ ટેલ યુ, જે એની પાસે છે એ તારા પાસે નથી.'

'તું કહેવા શું માગે છે? અને....અને તું એની સાઈડ લે છે? પેલી બ્લેક કેટની સાઈડ?'

'હા માયા સચદેવ. હું માત્ર મિશોતી જ નહીં એના જેવી દરેક છોકરીના પક્ષમાં છું જે ખરેખર પોતાના ટેલેન્ટના જોરે આગળ વધી છે. કોઈ શોર્ટકટ નહીં. તારી જેમ શરીર સાથે આત્મા પણ વેચી દેતી સ્ત્રીઓને શું કહેવું. એક સ્ત્રી થઈને તે બે સ્ત્રીઓની જિંદગીને નુકસાન પહોચાડ્યું. મિશોતીની કરિયર શરૂ થતાં પહેલાં જ દાવ પર લાગી ગઈ તો બીજી તરફ શોધન અને એની પત્નીનું દામ્પત્યજીવન દાવ પર લાગી ગયું. સાચા અર્થમાં ચારિત્ર્યવાન પુરુષના ચરિત્ર સાથે તેં રમત રમી. તારા જેવી સ્ત્રીઓ માટે મને શરમ આવે છે. જે એક ફિલ્મ માટે કે લાઇમલાઈટમાં રહેવા માટે ગમે તે હદ સુધી જતી રહે છે. સમાજમાં શ્રોફ અને રોહન કપૂર જેવા પુરુષો છે એ કડવી હકીકત છે પણ સાથે સાથે શોધન અને રાજ જેવા સંવેદનશીલ પુરુષ પણ આ જ સમાજનું ઊજળું પાસું છે. દરેક પુરુષ ખરાબ નથી હોતો એ વાત આ સમાજે જાણવી અને સ્વીકારવી જ રહી અને એના માટે મારે તારા જેવી સ્ત્રીને ઉઘાડી પાડવી જ રહી.'

'તું એવું નહીં કરી શકે...’ માયાએ જોડે પડેલી ફૂલદાનીનો છુટ્ટો ઘા શૈલી તરફ કર્યો પણ શૈલી આ રીતના હુમલાથી અપેક્ષિત હતી. એટલે સિફતથી પોતાની જાતને બચાવી લીધી. માયા અટ્ટહાસ્ય કરતાં બોલી, 'પણ મારી વ્હાલી શૈલી, આખરે તારી પાસે પ્રુફ શું છે?'

'મિસ માયા એ માટે કાલ સવારના ન્યૂઝ જોઈ લેજે. ગુડ બાય એન્ડ ગુડ લક.' શૈલીએ વીડિયો રેકોર્ડ કરેલી પેન માયાને દૂરથી બતાવીને સ્યૂટનો દરવાજો જોરથી બંધ કરી પોતાની કઝીન અને શોધનની વાઇફ સ્મિતાને ફોન જોડ્યો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)