સુખનું સરનામું:22 વર્ષની સખત મહેનતથી પર્વત ફાડીને રસ્તો બનાવનાર 'માંઝી' તો ભગવાનને પણ પ્રિય હશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહારનું એક નાનું એવું ગામ 'ગહલોર' પર્વતીય વિસ્તારમાં આવેલું છે. આ ગામમાં એક મજૂર રહે. એનું નામ દશરથ. દશરથ અને તેનાં પત્ની ફાલ્ગુનીદેવી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતાં હતાં. એક દિવસ ફાલ્ગુનીદેવીને એક અકસ્માત નડ્યો અને તે ગંભીર રીતે ઘવાઈ. ગહલોર ગામમાં કોઇ હોસ્પિટલ કે નાનું દવાખાનું પણ નહોતું. તેથી સારવાર માટે નજીકના મોટા શહેર વઝીરગંજમાં જવું પડતું. પત્નીને સારવાર આપવા માટે દશરથ ઘાયલ પત્નીને લઇને નજીકના શહેર વઝીરગંજ તરફ જવા રવાના થયો.

આમ તો ગહલોર અને વઝીરગંજ વચ્ચે બહુ લાંબું અંતર નહોતું પણ પહાડી વિસ્તારને કારણે આ બંને ગામ વચ્ચે આવેલા એક મોટા પર્વતને પસાર કરવા માટે ફરી-ફરીને જવું પડતું અને એ અંતર 70 કિમી જેટલું થતું. દશરથ પોતાની ઘવાયેલી પત્નીને લઇને આ 70 કિમીનું અંતર કાપે તે પહેલાં જ પત્નીએ આ જગતને અલવિદા કહી દીધું. દશરથના માથે તો જાણે કે આભ તૂટી પડ્યું કારણ કે, જીવનનો એકમાત્ર સહારો અને સાથી જતો રહ્યો.

જીવનસાથીની વિદાયથી દશરથને ખૂબ દુ:ખ થયું પણ હવે દુ:ખી થઇને બેસી રહેવાના બદલે દશરથે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. પોતાના ગામ અને શહેર વચ્ચેના આ મોટા પર્વતને કાપીને તેમાં એક સુરંગ બનાવવામાં આવે તો ગામના લોકોને શહેર પહોંચવામાં ખૂબ જ સરળતા રહે અને ખાસ કરીને બીમારીના કિસ્સામાં સમયસર સારવાર મળી રહે અને પોતે જેમ પત્ની ગુમાવી એમ બીજા કોઇએ પોતાના કોઇ અંગત સ્નેહીને ગુમાવવાની નોબત ન આવે. એમણે પોતાનો આ વિચાર ગામ લોકોને કહ્યો. ગામના લોકો તો એની વાત પર હસવા લાગ્યા. બધા કહેતા, 'બૈરું મરી ગયું એમાં આ દશરથ ગાંડો થઇ ગયો છે.'

દશરથે મનોમન નક્કી કર્યું કે ગામ લોકો સાથ ન આપે તો મારે એકલા એકલા પણ આ પર્વતમાંથી રસ્તો બનાવવો છે. માત્ર નક્કી કર્યું એટલું જ નહીં, બીજા જ દિવસે એ તો હથોડી અને છીણી લઇને પહોંચી ગયો પર્વત પાસે. લોકોએ સ્વીકારી લીધું કે દશરથનું ચસકી ગયું છે. આ નાની છીણીથી આવડા મોટા પર્વતને એ ક્યારે કાપી શકે? લોકો ઘણું ઘણું બોલતા, પણ હારી જાય તો એ દશરથ શાનો? દશરથે પોતાની બકરી અને નાનું મકાન વેચી નાખ્યું અને એમાંથી જે કંઇ રકમ મળી એ રકમમાંથી એણે પર્વતને ખોદવા માટે ઉપયોગી થાય એવી નાની નાની વસ્તુઓ ખરીદી. ગામ લોકો ગાંડો કહીને બોલાવતા. તેથી વારે વારે ગામલોકોની વાતો સાંભળવી ન પડે તે માટે એણે ગામમાં રહેવાનું છોડી દીધું અને પર્વતની તળેટીમાં જ રહેવા માટે આવી ગયો. પર્વતની તળેટીમાં જ એક નાનું ઝુંપડું બનાવીને દશરથ ત્યાં રહેવા લાગ્યો. ગામ લોકોની કચકચથી બચી શકાય અને ગામથી પર્વત સુધી આવવાનો અને ફરીથી ગામ સુધી જવાનો સમય બચાવીને એ સમયનો ઉપયોગ પર્વતને ખોદવામાં કરી શકાય. આખો દિવસ એકલો એકલો ખોદકામ કર્યા કરે. લોકો ખરેખર હવે દશરથ ગાંડો જ છે એમ માનતા હતા પણ આ માણસ બીજા કોઇની વાત સાંભળ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત હતો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયા પણ દશરથના કાર્યને કોઇ ન અટકાવી શક્યું.

વર્ષ 1960માં દશરથ માંઝીએ શરૂ કરેલી પર્વત ખોદવાની યાત્રા 1982માં પૂરી થઇ. 22 વર્ષની સખત મહેનત બાદ એમણે એ દુર્ગમ પર્વતને કાપીને બંને ગામ વચ્ચેનું અંતર માત્ર 10 મિનિટમાં કાપી શકાય એવો 360 ફુટ લાંબો, 25 ફુટ ઉંડો અને 30 ફુટ પહોળો રસ્તો તૈયાર કર્યો. એકલપંડે પત્નીની યાદમાં ગ્રામજનોને એક અદભુત ભેટ આપી. આ ન માની શકાય એવું કામ દશરથ મનજીએ પોતાના મનોબળના સહારે પૂર્ણ કર્યું. સરકારને જ્યારે આ વાતની જાણ થઇ અને સરકારે દશરથને જમીન ભેટ તરીકે આપી તો એ જમીન પોતાના માટે લેવાના બદલે તે જમીન પર એક દવાખાનું બનાવવા માટે એણે સરકારને વિનંતી કરી. જેથી લોકો સમયસર સારવાર લઇ શકે.

શાહજહાંએ પત્નીની યાદમાં લાખોનો ખર્ચ કરીને 22 વર્ષમાં તાજમહેલ બનાવ્યો અને દશરથે પોતાની પત્નીની યાદમાં આટલા જ વર્ષોની મહેનતથી ગામ લોકોની લાચાર અવસ્થાને બદલી નાખી. એક મહારાજા હતા ને બીજો મજૂર હતો. લોકો ભલે મહારાજાને ઓળખતા હોય પણ ભગવાનને તો આ મજૂર જ પ્રિય હશે.

કોઇપણ કાર્ય હાથ પર લઇએ ત્યારે એ કાર્ય ચાહે ગમે એટલું મુશ્કેલ કેમ ન હોય. જો મનોબળ મજબૂત હોય તો કામ સિદ્ધ થયા વગર રહે જ નહીં. આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ પછી બે-ચાર માણસો નિંદા કરે એટલે એ કામને પડતું મૂકીએ છીએ અથવા તો થોડી નિષ્ફળતા મળે તો પણ કામને પડતું મૂકીએ છીએ. હવે જ્યારે કોઇ કાર્યમાં નાની-મોટી નિષ્ફળતા મળે ત્યારે આ ઘટનાને યાદ કરવી. શું દશરથને કોઇ નિષ્ફળતા નહીં મળી હોય? 22 વર્ષ એ શું બહુ ટૂંકો સમયગાળો છે? ધીરજપૂર્વકની અવિરત મહેનત બધી જ મુશ્કેલીઓને ઓળંગી જાય છે. જીવનમાં સફળ થવા માટે દશરથ જેવું જુનૂન જોઇએ. જે દુનિયા એક દિવસ દશરથને ગાંડો કહેતી હતી એ જ દુનિયા આજે એના વખાણ કરતા નથી થાકતી. માટે દુનિયાની વાતો કાને ધર્યા વગર આપણે નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે જાતને સમર્પિત કરવી જોઇએ. આજે જેટલી શોધખોળોના આધારે જીવનને વધુ સુવિધાસભર બનાવી શક્યા છીએ એ બધી જ શોધોનો ઇતિહાસ તપાસવા માટેનો પ્રયાસ કરો તો સમજાશે કે આ એ બધા શોધકો દશરથ માંઝી જેવા ગાંડા જ હતા અને એટલે જ એ શોધ કરી શક્યા.

ઇકબાલનો આ પ્રસિદ્ધ શેર દશરથ સહિતના તમામ મહાપુરુષોને અર્પણ છે, જેમણે જાત ઓગાળીને જગતને કંઇક આપ્યું છે.
મીટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે,
દાના ખાક મેં મીલ કે ગુલે ગુલઝાર હોતા હૈ
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)