સુખનું સરનામું:મન કે જીતે જીત હૈ, ઔર મન કે હારે હાર

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક ભાઇને ઘણા સમયથી ગળાના ભાગમાં દુ:ખાવો રહેતો હતો અને ધીમે ધીમે દુ:ખાવો વધતો જતો હતો. એક દિવસ એ ગળાના ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટરે બધી જ તપાસ કરી અને જરૂરી રિપોર્ટ્સ કરાવવાની સૂચના આપી. થોડા દિવસમાં સૂચના મુજબના તમામ રિપોર્ટ્સ થઇ ગયા એટલે એ ભાઇ રિપોર્ટ્સ લઇને ડોક્ટરને મળવા ગયા. ડોક્ટરે બહુ ધ્યાનપૂર્વક બધા જ રિપોર્ટ્સ જોયા અને કહ્યું, 'ભાઇ, મને કહેતાં દુ:ખ થાય છે, પણ તમને ગળાનું કેન્સર છે.' જવાબ સાંભળીને દર્દીના હોશકોશ ઊડી ગયા. એણે ડોક્ટરને કહ્યું, 'સાહેબ, આનો ઇલાજ શું?' ડોક્ટરે કહ્યું, 'લાસ્ટ સ્ટેજ છે એટલે હવે સારવારનું કોઇ નક્કર પરિણામ મળી શકે તેમ નથી. આપણે હાલ પૂરતી તમને દુ:ખાવો ઓછો થાય એવી દવાઓ કરીએ.' દર્દીએ વિદાય લીધી એટલે ડોક્ટરે એના આસિસ્ટન્ટને કહ્યું, 'આ ભાઇના રિપોર્ટ જોતા મને એમ લાગે છે કે આ ભાઇ હવે થોડા મહિનાના મહેમાન છે.'

થોડાં વર્ષો પછી શહેરના આ સૌથી નામાંકિત ડોક્ટર એમના એક અંગત મિત્રને મળવા માટે ગયા. ઉદ્યોગપતિ મિત્રની ઓફિસમાં બેસીને બંને વાતો કરતા હતા ત્યારે એક ભાઇ ત્યાં કોઇ કામ માટે આવ્યા. ઉદ્યોગપતિએ ડોક્ટર મિત્ર સાથે એમની ઓળખાણ કરાવી કે આ મારા બિઝનેસ પાર્ટનર છે. થોડી વાતચીત પછી ઉદ્યોગપતિના પાર્ટનરે ડોક્ટરને કહ્યું, 'સર, મેં તમારા વિશે મારા મિત્ર પાસેથી અને બીજા કેટલાય લોકો પાસેથી ઘણું સાંભળ્યું છે. તમારા જેવા નિષ્ણાત ડોક્ટર આપણા શહેરનું ગૌરવ છે. સર, મને થોડા દિવસથી ગળામાં દુ:ખે છે. તમે મને અપોઇન્ટમેન્ટ આપો તો હું તમારી હોસ્પિટલ આવીને બતાવી જઉં.'

ડોક્ટરે કહ્યું, 'આપ મારા મિત્રના પાર્ટનર છો. તમારે મારી હોસ્પિટલ સુધી આવવાની કોઇ જ જરૂર નથી. લાવો હું અત્યારે જ તમને ચેક કરી આપું.' ડોક્ટરે પોતાની પાસે રહેલી નાની લાઇટથી ગળામાં તપાસ કરી અને કહ્યું, 'ભાઇ તમને કોઇ જ વાંધો નથી.' પેલા ભાઇએ કહ્યું, 'પણ સાહેબ અહિંયા તમારી પાસે આ સામાન્ય બેટરી સિવાય બીજાં કોઇ સાધનો નથી એટલે નિદાન તો બરાબર છે ને?' ડોક્ટરે કહ્યું, 'ભાઇ, મેં મારું જીવન જ આમાં કાઢ્યું છે. મારે કોઇ વધુ સાધનોની જરૂર જ નથી. હું માત્ર નજર નાખીને નિદાન કરી શકું. તમારું ગળું બિલકુલ બરાબર છે અને ગળામાં બીજી કોઇ જ તકલીફ નથી.' ઉદ્યોગપતિના એ બિઝનેસ પાર્ટનરે ડોક્ટરની સામે મધુર સ્મિત આપીને કહ્યું, 'ડોક્ટર સાહેબ, ઓળખાણ પડે છે? થોડાં વર્ષો પહેલાં તમે મને તપાસીને લાસ્ટ સ્ટેજના કેન્સરનું નિદાન કરેલું અને હવે ઇલાજ શક્ય જ નથી એમ કહેલું?' ડોકટરની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. એણે કહ્યું, 'આવું કેવી રીતે બની શકે? હું મારા નિદાનમાં ખોટો પડું જ નહીં.'

'સાહેબ, તમારું નિદાન બિલકુલ સાચું જ હતું. મેં બીજા ડોક્ટરની મુલાકાત લીધી ત્યારે એમણે પણ મને કેન્સર હોવાનું જ કહ્યું, પણ એમણે મને સાથે સાથે એ પણ કહ્યું કે બીજી કોઇ ચિંતા ન કરો. આપણે પ્રયાસ કરીએ. ભગવાન પર ભરોસો રાખો ચોક્કસ મટી જશે. ડોક્ટરની આ સાંત્વનાથી મને બહુ સારું લાગ્યું અને પછી એમની વારંવારની મુલાકાત અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમની અસર મારા કેન્સર પર થઇ. આજે તમે એનું પરિણામ જોઇ રહ્યા છો. ડોક્ટર સાહેબ, તમને એક નાની વિનંતી કરવી છે. મહેરબાની કરીને કોઇને ક્યારેય એવી વાત ન કરતા કે આ દર્દનો કોઇ ઇલાજ જ નથી.' લોકો જ્યારે પોતાનાં દુ:ખ દર્દ લઇને તમારી પાસે આવે ત્યારે એનું દુ:ખ દર્દ ઓછું ન કરી શકો તો કોઇ વાંધો નહીં, પરંતુ નકારાત્મક વાતો દ્વારા એના દર્દમાં વધારો કરવાનું કામ તો ન જ કરવું. મોટાભાગના ડોક્ટર મિત્રો દર્દીને હકારાત્મક વાતો સાથે સાંત્વના આપવાનું કામ કરતા હોય છે, પણ કેટલાક અપવાદરૂપ મિત્રો આવું નથી કરી શકતા. આવા મિત્રો જે વાસ્તવિકતા હોય એ છુપાવવામાં માનતા નથી હોતા. હું એમ નથી કહેવા માગતો કે વાસ્તવિકતાથી આપણે આંખમીંચામણાં કરીએ. પરંતુ કમ સે કમ થોડી સારી વાતો દ્વારા એને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ તો ચોક્કસપણે કરી શકાય. દર્દી સાથે જો સારી રીતે વાત કરવામાં આવે તો થોડી પીડા તો આપોઆપ જ જતી રહે કારણ કે, શરીરને મન સાથે સીધો સંબંધ છે.’

એકવખત રાતના લગભગ 12 વાગ્યાની આસપાસ મારા મોબાઇલમાં એક મેસેજ આવ્યો. હું હજી જાગતો હતો એટલે મેં મેસેજ વાંચ્યો. ‘મેં કોઇનું કંઇ જ નથી બગાડ્યું તો પછી ભગવાન મારી સાથે આવું કેમ કરે છે?’ આવો મેસેજ અજાણ્યા નંબર પરથી હતો. મેં નામ પૂછ્યું તો એણે કહ્યુ કે હું એક નાના ગામડાંમાં રહું છું અને તમારી વાર્તા ફેસબુક પર વાંચું છું. મને તમારી સાથે વાત કરવાની ઇચ્છા હતી એટલે મેં ફેસબુક પર જ તમારો નંબર માગેલો અને તમે નંબર આપેલો. મેં કહ્યું, 'ભાઇ, ભગવાન તારી સાથે એવું શું કરી રહ્યો છે કે જે તને પસંદ નથી.' એણે માંડીને વાત કરતાં કહ્યું, 'સાહેબ, મને એક નાની ગાંઠ થઇ હતી એટલે ગળાના ડોક્ટરને બતાવ્યું. એણે તપાસ કરીને મને કહ્યું કે બાપોપ્સી કરવી પડશે. મેં જ્યારે પૂછ્યું કે સાહેબ, કોઇ ચિંતા જેવુ નથી ને? તો એણે કહ્યું કે ચિંતા જેવું જ છે. આ સામાન્ય ગાંઠ નથી. આ વાત સાંભળતાં જ મારા પગ નીચેથી ધરતી સરકી ગઇ. હજી તો મારી ઉંમર 21 વર્ષની છે. મેં દુનિયા પૂરી જોઇ પણ નથી તો પછી ભગવાન મારી જિંદગી સાથે રમત કેમ રમે છે?'

મેં એ છોકરા જોડે મેસેજ દ્વારા મોડી રાત સુધી વાત કરી એને સાંત્વના આપી. થોડા દિવસ પછી રિપોર્ટ ડોક્ટરને બતાવવા જવાના હતા. એ દિવસે સવારે એનો મેસેજ આવ્યો કે સાહેબ રિપોર્ટ નેગેટિવ ન હોય તો સારુ. આ મેસેજ પરથી જ એનો ડર સ્પષ્ટપણે દેખાતો હતો. જ્યારે આ છોકરાના રિપોર્ટ્સ તૈયાર થઇ ગયા ત્યારે એણે એના સગાં-વહાલાંને કહ્યું કે મારે આ રિપોર્ટ્સ કોઇ બીજા ડોક્ટરને બતાવવા છે. મારે હવે કોઇપણ સંજોગોમાં પહેલાં ડોક્ટર પાસે જવું જ નથી. છોકરાની જીદને કારણે એને શહેરના બીજા ડોક્ટર પાસે લઇ ગયા. ડોક્ટરે રિપોર્ટ્સ જોયા અને કહ્યું, 'ચિંતા જેવું કંઇ નથી. ગાંઠના જીવાણુ થોડા અલગ પ્રકારના છે પણ આપણે એની સારવાર કરીશું. હાલ પૂરતું ઓપરેશન કરીને ગાંઠને દૂર કરી દઇએ.' હોસ્પિટલમાં બેઠાં બેઠાં જ એ છોકરાએ મને ફોન કરીને કહ્યું, 'સાહેબ, ચિંતા કરવા જેવું કંઇ જ નથી.’ એના અવાજમાં આનંદના પડઘા પડતા હતા. એ છોકરાના ગળાનાં સમયાંતરે બે ઓપરેશન કરવામાં આવ્યાં. ડોક્ટરના પ્રયાસ અને છોકરાની હકારાત્મકતાનાં લીધે બંને ઓપરેશન સફળ થયાં. છોકરો સાવ હિંમત હારી ગયો હતો, એ આજે સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાજિક તથા રાજકીય ક્ષેત્રે પણ સક્રિય છે.

ઘણી વખત તો માણસને રોગ નહીં પણ એ રોગની બાબતમાં ઊભો કરવામાં આવેલો ભય મારી નાખતો હોય છે. આપણી પાસે પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આવતા માણસને સૌથી વધુ હૈયાધારણાની જરૂર હોય છે. એમનું મનોબળ મજબૂત થવાને બદલે ઊલટાનું તૂટી પડે એવું કોઇ કૃત્ય ક્યારેય ન કરવું.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...