'હલો...કોણ બોલો છો?' રેખા થોડા ઊંચા અવાજે બોલી.
'મંજરી છે?' સામેથી પ્રતિપ્રશ્ન થયો.
'હા...પણ તમે કોણ બોલો છો?' રેખાએ થોડા ઊંચા અવાજે અને તોછડાઈથી પૂછ્યું.
'હું...મંજરીના ધોરણ આઠના વર્ગશિક્ષક બોલું છું... રસિકભાઈ રાવળ...' સામેથી મૃદુ અવાજમાં જવાબ સાંભળતાં જ રેખાબેન શાંત થઈ ગયાં.
'હા સાહેબ...બોલો...શું કામ છે? એ તો ઘેર નથી...'
'આવે ત્યારે કે’જો કે તેનો પ્રથમ નંબર આવ્યો છે...જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં...' રસિકભાઈએ ભારે ઉત્સાહથી સમાચાર આપ્યા પણ રેખાબેન આ સમાચારથી ખુશ ન થયાં હોય એવું રસિકભાઈને લાગ્યું...તેમણે ફરી દોહરાવ્યું કે મંજરીને બધા ગુરુજીઓ તરફથી ખૂબ અભિનંદન... તેણે હવે રાજયકક્ષાની સ્પર્ધામાં જવાનું થશે.’
'હમમમ... પણ સાહેબ આ ચિત્ર દોરવાથી શું વળે? ઘરકામમાં કંઇક ઉપયોગી થાય એવું આવડે તો સારું... અમારી નાતમાં તો હિસાબ કરતા આવડે એ જ સારું અને સાચું કે’વાય... આખો દિવસ ચિતરડામાં જ તેનું ચિત્ત ભમ્યા કરે છે. એ નહીં આવે હોં હવેથી ક્યાંય....' રેખાબેને થોડી નારાજગી સાથે ફોન કટ કર્યો. ફોન કટ થયો પણ રસિકભાઈ વિચારો આ સાથે કટ ન થયા. તેમણે આ વાત પોતાના સ્ટાફમાં કરી.
બે શિક્ષકોએ મંજરીના ઘરે જઈને તેમને સમજાવવાનું કહ્યું... એક બે અનુભવી શિક્ષકોએ કહ્યું કે આ લોકોને સમજાવવાથી કંઈ ન વળે... છોકરી છે તો મા-બાપ બહુ ન ભણાવે અને આવી પ્રવૃત્તિ તે ન સમજે... આપણી મહેનત એળે જાય... મંજરીની મા તો બહુ આખાબોલી અને જીદ્દી છે...એ ન માને કોઈનું...
આમ ચર્ચાનો દોર ચાલ્યો...અંતે નક્કી થયું કે મંજરીને મળવું અને તેની ઈચ્છા જાણવી... મા-બાપને સમજાવવા માટે અનેક વિચારોનું વલોણું થયું... શાળા માટે પણ આ ગર્વની વાત હતી કે આવી ઈત્તર પ્રવૃત્તિઓમાં બાળકો રસથી ભાગ લે છે એ પણ આ રેખાબેનને સમજાવવા એટલે બિલાડીની કોટે ઘંટ બાંધવા જવું એવું અઘરું હતું...
રસિકભાઈએ મનમાં ગાંઠ બાંધી હતી કે મંજરીને આ સ્પર્ધામાં લઈ જવી...સાથે રેખાબેનને પણ આ વાત ગળે ઊતરાવવી કે તેના સમાજની છોકરીઓને પણ પોતાની આવડતને બહાર લાવવાનો મોકો આપવો જોઈએ. કહેવાય છે ને કે સંકલ્પ થકી સફળતા સુધી પહોંચવાના રસ્તાઓ મળે છે...એવું જ થયું...આ મંજરીના કિસ્સામાં! રસિકભાઈએ રેખાબેનની આ બાબતે શા માટે ના છે?...તેના પર સંશોધન કર્યું... જડમૂળથી વાતને પકડી...તેની જ સાથે તેની જ ભાષામાં વાત કરી...તેનો વિશ્વાસ જીત્યો...છોકરીઓના ભણતર સાથે ગણતરની વાત તેની આવડત એ જ એનું સાચું હથિયાર છે એવા વિચારોનું રોપણ રસિકભાઈએ કર્યું...સમજાવટથી સિદ્ધિ મળ્યાનો આનંદ થયો...મંજરીને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો અને ત્રીજા ક્રમે આવતાં સૌ કોઈ આનંદિત થયા.
રેખાબેનને તેના સમાજે દીકરીઓને બહુ ન ભણાવાય એવા અનેક કપરા વેણ બોલ્યા... સમાજથી દૂર ફેંકાવાની બીક લાગી કારણ એકલા હાથે મંજરીને ઉછેરી હતી. મંજરી 4 વર્ષની હતી ત્યારે જ તેણે તેના પિતા ગુમાવ્યા હતા. એટલે રેખાબેને પણ કુટુંબના દબાણથી કમને મંજરીને નાની ઉંમરે સારું ઠેકાણું જોઈ લગ્ન કરાવી દીધાં. સમય પાણીના રેલાની માફક વહી ગયો. મંજરી પોતાના શોખને જીવતો રાખવા નવરાશના સમયે પોતાની પીંછીથી નાનાં-મોટાં ચિત્રો દોર્યાં કરતી. કોઈ પારખું નજર તેની કલાને દાદ આપે તો એ વધુ વેગવંતી બની જતી અને પોતાના ચિત્રકામના પ્રમાણપત્રને એ જોઇને હરખાતી. મનોમન ગુરુને યાદ કરતી.
વિધાતાની વક્રતા તો જુઓ. લગ્નનાં બે વર્ષ થતાં જ મંજરીના પતિનો અકસ્માતે ભોગ લીધો. અણધારી મુસીબતે મંજરીને પગભર થવું પડ્યું. પોતાનામાં રહેલી કળાને બહાર લાવીને તેણે જીવનને નવો વળાંક આપ્યો. શિક્ષણ ઓછું હતું, પણ કળા જોરદાર હતી. એટલે તેણે પોતાની સુઝબુઝથી પોતાની ચિત્રકળાને વહેતી મૂકવા માટે માટલા પર ચિત્રકામ કરવાનું શરૂ કર્યું. આ કામ લોકો સુધી પહોંચ્યું. સફળતાપૂર્વક મંજરી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા લાગી. કામ કામને શીખવે એ તેણે અનુભવ્યું. માટીકામના વેપારી સાથે મંજરીએ પોતાના કામને જોડ્યું અને અણધારી સફળતા મળી. ઘણો આર્થિક ફાયદો થવા લાગ્યો. તેથી, તેણે ચિત્રકળાના વર્ગો શરૂ કરવાનું વિચાર્યું.
મંજરીએ વિચાર્યું કે મારી આ કળાના પારખુ મારા સાહેબ છે એટલે તેમનો સંપર્ક કરવા મથામણ કરી અને સફળ પણ થઈ. સાહેબ સાથે વાતચીત થવા લાગી અને પોતાની કળાના સાચા પારખુ એવા રસિકભાઈ સાહેબના આશિષ મળતાં વધુ પ્રોત્સાહન અને પ્રેરકબળ મળ્યું. 'સવાર સવારમાં શું મોબાઈલમાં ખૂંપી ગયા છો? નિવૃત્ત થયાં પણ વિદ્યાર્થીઓ સાથે હજુ પણ વાતો કરતા થાકતા નથી!' સાડીના છેડાથી હાથ લુછતા રસિકભાઈનાં પત્ની નીલાબેનની માથાની રેખાઓ પણ સંકોચાતી હતી.
'ગજબ છે આ છોકરી..!!!.' રસિકભાઈ આશ્ચર્યથી બોલી ઊઠ્યા...‘મંજરી આર્ટ ક્લાસીસ.’
શુભ ઉદઘાટન: 05/09/2000
ઉદઘાટક:- શ્રી રસિકભાઈ રાવળ (નિવૃત્ત શિક્ષક)
ચશ્માં ઉતારીને હર્ષાશ્રુ લૂછતાં રસિકભાઈ બોલ્યા, ‘શિક્ષક દિવસના દિવસે અનોખું સન્માન...!’
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.