તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:માલતીની મૂંઝવણઃ રિલેશનશિપમાં હોઈએ ત્યારે પોતાના પરિવારની કેટલી વાતો શેર કરવી?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માલતી અને હર્ષદ એક વર્ષથી રિલેશનશિપમાં હતાં. તેઓ એકબીજાને પરસ્પરની મર્યાદાઓ સાથે પસંદ કરતાં હતાં. તેમનો પ્રેમ માત્ર વિજાતીય કે શારીરિક આકર્ષણનો પ્રેમ નહોતો. તેમનો પ્રેમ અંતરનો અને અંદરનો પ્રેમ હતો. તેઓ સાથે ભણતાં હતાં એ વાત તો સાચી હતી જ પણ તેનાથી પણ વધારે સાચી વાત એ હતી કે તેઓ સાથે વિકસતાં પણ હતાં.

કોઈકે કહ્યું છે કે સ્ત્રી-પુરુષ સાથે રહે અને સાથે ઘરડાં થાય તેની પણ મજા છે. સાથે ઘરડાં થવું એ જિંદગીનું પ્રયોજન હોઈ શકે, પ્રેમની પારાશીશી હોઈ શકે પણ સાથે ઘરડાં થવાની ભાવના-વિભાવનામાં નકારાત્મકતાનો અણસાર દેખાય છે. ઘરડું થવાની વાતને સકારાત્મક કે પોઝિટિવ રીતે જોવાતી નથી. સાથે વિકસવું એ ભાવ વધારે સાચો છે કારણ કે, તેમાં હકારાત્મકતા છે.

માલતી ઘણીવાર હર્ષદને કહેતી કે પ્રગતિશીલ વ્યક્તિ એને જ કહેવાય જે રોજેરોજ વિકસે અને સાચી રિલેશનશિપ એને જ કહેવાય જે પોતાના સાથીદાર રોજેરોજ વિકસવામાં મદદ કરે. માલતી એમ પણ માનતી હતી કે કોઈ વ્યક્તિના વિચારો કેટલા બદલાય છે તેના પર તેની પ્રગતિનો આધાર છે.

માલતી અને હર્ષદની મૈત્રી બરાબરની જામી હતી. તેમની રિલેશનશિપ અનેક લોકોની પ્રેરણાનો તો કેટલાક લોકોની ઈર્ષાનો પણ વિષય બની હતી. એક વખત એવું બન્યું કે આ રિલેશનશિપમાં પહેલાં નાનકડી તિરાડ પડી અને પછી ધીમે-ધીમે એ તિરાડ મોટી થવા લાગી. થયું એવું કે માલતીએ પોતાના પરિવારની બધી વાતો હર્ષદ સાથે શેર કરી. એમાં માલતીથી એક એવી વાત કહેવાઈ ગઈ જે ખરેખર તેને કહેવા જેવી નહોતી. ધારો કે, કહી તો કહી પણ હર્ષદે એ વાતને પ્રોપર સેન્સમાં લેવાને બદલે નકારાત્મક રીતે લીધી અને તેમની રિલેશનશિપ તૂટવા તરફ ગઈ.

માલતીની મોટી બહેનને લગતી વાત હતી. તેની બહેન મુક્ત રીતે જીવન જીવવામાં માનતી હતી. તે આધુનિક મિજાજની વ્યક્તિ હતી. માલતીએ બધી વાતો શેર કરી તેમાં આ વાત પણ કહી. માલતીની બહેનના સંબંધોની વાત હતી. આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની રીતે અને પોતાની પ્રીતે જીવન જીવવાનો અધિકાર છે. હર્ષદ આમ તો સ્વતંત્ર મિજાજનો, નવી પેઢીનો યુવક હતો પણ એને કોણ જાણે કેમ આ વાત ખૂંચી. તેને માલતીના વ્યક્તિત્વ સામે પણ પ્રશ્નો થયા. એમાંય એ જ વખતે એવું બન્યું કે માલતીએ એક સ્વતંત્ર વ્યકિત તરીકે કોઈ બાબત પર પોતાના વિચારો મક્કમ રીતે રજૂ કર્યા.

હર્ષદને લાગી આવ્યું. તેને દહેશત પણ થઈ કે માલતી પણ પોતાની બહેનની જેમ બોલ્ડ રીતે જીવન જીવશે તો...? આ એક કલ્પના જ હતી. આ એક માન્યતા જ હતી. હકીકત સાથે તેને કોઈ જ લેવા દેવા નહોતા. આ બાબતમાં હર્ષદ સતત વિચારોમાં રહેવા લાગ્યો. ખરેખર તો તેણે માલતી સાથે મુક્તમને ચર્ચા કરી લેવાની જરૂર હતી. એના બદલે તે પહેલાં તો અંદર અંદર મૂંઝાયો, એ પછી તેણે પોતાના એક નજીકના મિત્ર સાથે આખી વાતની વ્હોટ્સએપ પર ચર્ચા કરી. એ પોતાના મિત્રનું માર્ગદર્શન લેવા માગતો હતો.

થયું એવું કે હર્ષદના મિત્રે પોતે અથવા કોઈ અન્યએ એ આખી ચર્ચાને ફોરવર્ડ કરી. પછી તો જંગલમાં આગ લાગે તે રીતે એ અંગત ચર્ચા સાર્વજનિક થઈ ગઈ. ના થવાનું થયું. હર્ષદને પોતાને નવાઈ લાગી, આંચકો લાગ્યો પણ પછી તો મોડું થઈ ગયું હતું. માલતીએ તેને કહ્યું કે, જો તમને મારા પરિવારના સંદર્ભમાં કોઈ સમસ્યા હતી તો તમારે સીધી મારી સાથે વાત કરવી જોઈતી હતી. તમે શા માટે ટેક્નોલોજીની મદદથી આ રીતે મારા પરિવારની વાતને બહાર પાડી. હર્ષદ પાસે તેનો કોઈ જવાબ નહોતો.

માલતીની બહેને માલતીને પૂછ્યું કે, મારા વિશેની, મારા જીવન વિશેની, મારા વિચારો અંગેની વિગતવાર વાત આ રીતે ત્રાહિત વ્યક્તિને કહેવાનો તને કોણે અધિકાર આપ્યો હતો? માલતી પાસે તેનો કોઈ જવાબ નહોતો. માલતીને થયું કે મારે મારી બહેનની પર્સનલ વાતો આ રીતે હર્ષદ સાથે શેર કરવા જેવી નહોતી.

જો કે, માલતીએ પરિપક્વ વલણ દાખવીને એ ગૂંચવણ ઉકેલી. આગળ જતાં માલતી અને હર્ષદ પ્રેમપૂર્વક સમયસર છૂટાં પડ્યાં અને પોતપોતાની રીતે યોગ્ય પાત્રો સાથે ગોઠવાયાં એ વાત જુદી છે. મુખ્ય વાત છે રિલેશનશિપમાં પોતાની કે પોતાના પરિવારની કેટલી બાબત શેર કરવાની હોય તેની.

એ કાયમ યાદ રાખવું જોઈએ કે ક્યારેય પોતાના પરિવારની અંગત વાતો કહેવામાં ઉતાવળ ન કરવી. તમારી પોતાની અંગત અને વ્યક્તિગત વાતો પણ શેર કરતી વખતે ધ્યાન રાખવું. ખરેખર તો સંબંધોમાં વિશ્વાસનું સવિશેષ મહત્ત્વ હોય છે. જો વિશ્વાસ જાણે અજાણે તૂટે તો આખા પરિવારને નુકસાન થઈ શકે છે. નિખાલસતા અને પારદર્શકતા ખૂબ જ સારી બાબત છે પણ દર વખતે તે સદગુણ નથી બનતો. ક્યારેક બહારનું વાતાવરણ જ એવું અસ્પષ્ટ, પ્રવાહી અને ન કળાય એવું હોય છે કે તમારી નિખાલસતા નુકસાન કરાવી શકે.

રિલેશનશિપમાં વ્યક્તિગત વાતો કેટલા હદે શેર કરવી એનો કોઈ નિયમ ન હોઈ શકે. એ વ્યક્તિએ વ્યક્તિએ જુદી બાબત હોઈ શકે. દરેક વ્યક્તિએ એ અંગે જાતે જ નિર્ણય કરવો જોઈએ. ખાસ કરીને યુવતીઓ ઉત્સાહમાં આવીને બધી જ વાતો શેર કરી દેતી હોય છે. એ જોખમી છે. એનો અર્થ એ નથી કે પોતાના મિત્ર કે સાથીદારથી કંઇક છુપાવવું. ના, યોગ્ય સમયે યોગ્ય વાત કરવી પડે તેમ હોય તો કરવી જ. પણ જો એ વાત સમગ્ર પરિવારને સ્પર્શતી હોય તો જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈને જ એ વાત કરવી.

ખરેખર તો સંબંધોમાં ખાનગી કે સેમી ખાનગી કે સાર્વજનિક વાત કરતાં વધારે મહત્ત્વ હોય છે પ્રેમનું, વિશ્વાસનું, એકબીજા પર મૂકેલા ભરોસાનું. એનું જતન અને સંગોપન કરવું જોઈએ. એના પર જ ધ્યાન આપવું જોઈએ. આ વાત અને પેલી વાત.. એ બધી ગૌણ વાતો છે.

રિલેશનશિપમાં જે એકબીજાને પરસ્પર અતૂટ અને અપાર પ્રેમ હોય તો આ બધી વાતો પહેલા નહીં પણ છેક દસમા નંબરે આવે છે. રિલેશનશિપમાં કંઈ છૂપું ન રાખવું પણ જે કહેવાની કોઈ આવશ્યકતા જ ન હોય તેને છતું પણ ના કરવું. દરેક સંબંધનું પોતાનું એક ગૌરવ હોય છે, આવી નાની પણ દૂષિત બાબતોથી તેના ગૌરવને ઓછું ના કરવું.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)