વેદવાણી:મહર્ષિ યાજ્ઞવલ્ક્ય: પ્રખર સૂર્યોપાસક વેદદૃષ્ટા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહર્ષિ યાજ્ઞવલ્ક્ય, વેદના આકાશનો ઝગમગતો ધ્રુવતારક! યોગબળ, જ્ઞાનબળ, તપોબળ અને ચારિત્ર્યબળની સર્વોચ્ચ પરાકાષ્ઠા! ભારતની આધ્યાત્મિકતાનો માત્ર એક મંત્ર દ્વારા પરિચય આપવાનું કહેવામાં આવે તો? જાણકાર માણસ વિના સંકોચ ઈશાવાસ્યોપનિષદનો પહેલો મંત્ર ‘ઈશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ બોલી ઊઠે! જાણો છો, આ મહામંત્ર ક્યાં છે? દેશના કોઇપણ ખૂણે જાઓ શિવજીની પૂજા ‘નમસ્તે રુદ્ર મન્યવ:’ રુદ્રમંત્રોથી થતી જોવા મળે. ષોડશોપચાર પુજામાં બોલાતા પુરુષસૂક્તનો સ્રોત ક્યો છે? આ બધું શુક્લયજુર્વેદમાં છે અને તેના દૃષ્ટા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે. મહર્ષિએ પ્રભાસ (સોમનાથ)માં સરસ્વતીના કિનારે સૂર્યનારાયણની ઉપાસના કરી વેદનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. તપ, જ્ઞાન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વિષે જાણ્યા-માણ્યા વિના વેદવાણી અધૂરી રહે!

જીવનચરિત્ર
યજ્ઞવલ્ક્યના વંશજ હોવાને લીધે તે યાજ્ઞવલ્ક્ય કહેવાયા. બૃહદ્દારણ્યક અનુસાર, તેમને વાજસનિના પુત્ર (વાજસનેય) ગણવામાં આવે છે. અન્ય પુરાણોમાં તેમના નામો બ્રહ્મવાહ (બ્રહ્માના શરીરમાંથી પ્રકટેલા), બ્રહ્મરાતિ (બ્રહ્મરાતના પુત્ર) અથવા દેવરાતિ (દેવરાતના પુત્ર) નામથી ઓળખવામાં આવે છે. જો કે, મહર્ષિના પ્રખર તપસ્વી અને તેજસ્વી ચરિત્ર વિશે પ્રાચીન કે આધુનિક વિદ્વાનોમાં કોઇ બેમત નથી.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યને મૈત્રેયી અને કાત્યાયની નામની બે પત્નીઓ હતી. જે પૈકી મૈત્રેયી આધ્યાત્મિક વૃત્તિ અને કાત્યાયની સાંસારિક વૃત્તિ ધરાવતા હતા. કાત્યાયની દ્વારા મહર્ષિને કાત્યાયન અને પિપ્પલાદ નામના બે મહાન વિદ્વાન ઋષિપુત્ર પ્રાપ્ત થયેલા. જ્યારે મહર્ષિએ સંન્યાસ લીધો ત્યારે બધી ધનસંપદા કાત્યાયનીને સોંપી અને મૈત્રેયીને અધ્યાત્મજ્ઞાનનો ઉત્તમ ઉપદેશ આપ્યો. વનવાસ દરમિયાન પણ મહાવિદુષી મૈત્રેયી તેમની સાથે રહ્યા હતા.

મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને વિદૂષી ગાર્ગી વચ્ચેની વિદ્વત્ચર્ચા ખૂબ જાણીતી છે, જેમાં અંતે મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો વિજય થાય છે. તે સાથે ગાર્ગીની વિદ્વત્તાનો પણ ચોમેર ડંકો વાગી જાય છે. મહર્ષિ અને રાજા જનક વચ્ચે મજાનો સંવાદ છે. બૃહદ્દારણ્યક ઉપનિષદમાં રાજા જનક સાથેના સંવાદમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે મૃત્યુ એટલે શું? અને ત્યારે જીવ કઇ રીતે ગતિ કરે છે? એ અંગે રસપ્રદ સમજ આપી છે. આ ઉપરાંત, મહર્ષિ યાજ્ઞવલ્ક્યે પ્રયાગમાં બેસી મહર્ષિ ભરદ્વાજને રામચરિત સંભળાવ્યું. જે આગળ ચાલી ગૌસ્વામી તુલસીદાસજી મારફતે ‘રામચરિતમાનસ’ તરીકે આપણને મળ્યું છે. નીતિમત્તાના સિદ્ધાંતો અંગેની યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ પ્રખ્યાત છે.

મહર્ષિ વૈશમ્પાયન અને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય
મહર્ષિ વૈશમ્પાયને વેદસંહિતાનું ચાર ભાગોમાં સંકલન કરી પોતાના ચાર શિષ્યોને ભણાવી હતી. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય મહર્ષિ વૈશમ્પાયનના ભત્રીજા (મહાભારત અનુસાર) અને શિષ્ય હતા. એકવાર કોઇ જ્ઞાનચર્ચામાં બંને વચ્ચે કોઇ વિવાદ થયો. ગુરુએ નારાજ થઇને કહ્યું, 'મેં આપેલી વેદમંત્રોની વિદ્યા ઓકી કાઢો (છોડી દો).' સ્વમાની યાજ્ઞવલ્ક્યે યોગબળથી ગુરુએ આપેલી વિદ્યાને સ્થૂળ સ્વરૂપે ઓકી કાઢી. મહર્ષિ વૈશમ્પાયનના અન્ય શિષ્યોએ તેતર પક્ષીનું સ્વરૂપ ધારણ કરી આ વિદ્યાને ચણી લીધી. તેતરના સ્વરૂપે ગ્રહણ થયેલી વેદવિદ્યા તૈત્તિરીય શાખા તરીકે જાણીતી છે.

આ કથાનકમાં મહર્ષિ વૈશમ્પાયનની નૈતિક હિંમત Moral Courage અને બૌદ્ધિક પ્રામાણિકતા-Intellectual Integrity સાબિત થાય છે. જે તમે ખાત્રીપૂર્વક સ્વીકારતા ન હો અથવા જે તમને જાણવાનો અધિકાર ન હોય તેવું જ્ઞાન ભૂલથી મળી જાય તો પણ તેને છોડી દેવું જોઇએ. એવો આ કથાનકનો ભાવાર્થ કરી શકાય, ખરું ને? વળી, એકવાર ભણેલું મનની પાટીએથી ભૂંસી નાખવું (Unlearning) સામાન્ય માણસના ગજા બહારની વાત છે. અહીં તેમની અસાધારણ બૌદ્ધિક અને ચૈતસિક શક્તિ અથવા યોગબળનો પરિચય મળે છે.

સૂર્યોપાસનાથી સિદ્ધિ
હવે યુવા યાજ્ઞવલ્ક્ય શું કરે? પોતે ગુરુએ આપેલી વિદ્યા મૂકી દીધી અને બીજીબાજુ ગુરુદેવ નારાજ હતા! જો કે, તે નિરાશ થતા નથી. પ્રભાસતીર્થ (સોમનાથ)માં આવેલી પૂર્વવાહિની સરસ્વતીના કિનારે સૂર્યનારાયણનું ઉગ્ર તપ કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પૂછ્યું, 'શું જોઇએ છે, તારે વત્સ?' યુવા યાજ્ઞવલ્ક્યને ક્યાં કોઇ સાધનસંપદા જોઇતી હતી? તેને તો ખપતું હતું જ્ઞાન. કેવું જ્ઞાન? જે કોઇની પાસે ન હોય એવું! સૂર્યદેવતાના દિવ્ય જ્ઞાનના પ્રકાશમાં મળેલ હોય તેને શુક્લ યજુર્વેદ કહે છે. અશ્વરૂપ સૂર્યથી મળેલ હોય, વેદની એક શાખાને ‘વાજસનેય’ (વાજી=ઘોડો) શાખા અને દિવસના મધ્યભાગમાં મળેલ હોવાથી ‘માધ્યંદિન’ શાખા કહે છે. બ્રાહ્મણોના ગોત્ર પ્રવરોમાં આજે પણ આ નામો સાંભળવા મળે, તેનું છે આ રસપ્રદ રહસ્ય!

મૂળ વાત એ છે કે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે યજુર્વેદનું શુદ્ધિકરણ કર્યું. યજુર્વેદના બે ભાગ છે; કૃષ્ણયજુર્વેદ અને શુક્લ યજુર્વેદ! અહીં કૃષ્ણ એટલે કાળું અથવા ઝાંખું અને શુક્લ એટલે શુદ્ધ અથવા પ્રકાશિત. કદાચ તેમની આ ક્રાંતિકારી વૃત્તિથી જુની પેઢીના ગુરુજી નારાજ થયા હશે. જો કે, અહીં એ ન ભૂલવું જોઇએ કે ગુરુ-શિષ્ય વચ્ચે ગમે તેટલા મતભેદો થાય, પણ તેમની વચ્ચે વેરની વિષવેલ પાંગરતી નથી. ઊલટું વધુ સારું કરવાની ઝંખના જાગે છે અને આપણને ઈશોપનિષદ જેવું મહાન તત્ત્વજ્ઞાન મળે છે.

શુક્લ યજુર્વેદનો મહિમા
શુક્લ યજુર્વેદ સંહિતામાં ચાળીસ અધ્યાયો છે. આપણે રોજબરોજની પૂજા, સોળ સંસ્કારો અને વૈદિક વિધિઓમાં જે મંત્રોનો ઉપયોગ કરીએ છીએ, તેમાંના મોટાભાગના મહર્ષિ યાજ્ઞવલ્ક્યે આપેલ શુક્લ યજુર્વેદના જ મંત્રો છે. શુક્લ યજુર્વેદનો કર્મકાંડ ભાગ શતપથ બ્રાહ્મણ અને જ્ઞાનભાગ બૃહદ્દારણ્યક ઉપનિષદ ખૂબ જ લોકપ્રિય છે.

ઈશોપનિષદ
શુક્લયજુર્વેદનો આ ચાળીસમો અને અંતિમ અધ્યાય છે. વેદાંતના હિમાલય સરીખા તત્વજ્ઞાનનું તેને સર્વોચ્ચ શિખર એવરેસ્ટ કહી શકાય! તેમાં માત્ર અઢાર મંત્ર છે. વાચક ધારે તો નિત્યપાઠ દ્વારા તેને માત્ર એક અઠવાડિયાંમાં યાદ કરી શકે. તેનો દરેક મંત્ર આજેય કામનો લાગે તેવો સંદેશ લઇને આવે છે. પહેલો મંત્ર જુઓ!

ઈશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ યત્કિંચિત્ જગત્યાંજગત્, તેન ત્યક્તેન ભુંજીથા: મા ગૃધ: કસ્ય સ્વિદ્ધનમ્! (ઈશનું ઘર છે આ જગત સઘળું, વહેંચીને ભોગવી જાણ એને; ચોરાય ના ભાગ કોઇનો, ધન આ બધું કોનું?) આ મંત્રમાં મહર્ષિ કેવી સરળ અને છતાંયે વૈશ્વિક ચેતનાની ઊંડી વાત લઇને આવે છે! જો ઈશાવાસ્યમ્ જગતભરની માનવ સભ્યતાનો મૂળમંત્ર બની જાય તો કેવું સારું? કોઇ ઝઘડા કે ટંટાફસાદ રહે ખરા? ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, શોષણ કે આક્રમણ થાય ખરાં? આજની આપણી તમામ સામાજિક અને નૈતિક સમસ્યાના પાયામાં ભેદદૃષ્ટિ છે. હું મોટો અને તું નાનો! કે હું સાચો ને તું ખોટો! કે વળી હું ઊંચો અને તું નીચો! ઋષિ આ બધી ખટપટનો ‘ઈશાવાસ્યં ઇદં સર્વમ્’ વડે છેદ ઉડાડે છે. વળી આ ત્રણ નાનાં પણ સાચાં મોતી જેવાં નીતિસૂત્રો જુઓ; એકલો નહીં પણ વહેંચીને ખા! કોઇનો ભાગ ચોરી ન લે! ધન કોઇ એકનું નથી, ઈશ્વરનું છે!

આજનું અમૃતબિંદુ: જેમ દરેક રાષ્ટ્રને એક રાષ્ટ્રગીત હોય છે, તેમ જો વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત વિશ્વગીત આપવું હોય તો ‘ઈશાવાસ્યમ્’થી ચઢિયાતો કોઇ મંત્ર ખરો? આ મંત્રને એકાત્મતાનું વિશ્વગીત કહી શકાય. આમ જુઓ તો તે માત્ર બે પગલાંની જાત્રા છે. પહેલું પગલું છે, સ્વયમ્થી વયમ્ અને બીજું પગલું છે, વયમ્થી પરમ્! સ્વયમ્ એટલે હું, વયમ્ એટલે આપણે અને પરમ્ એટલે પરમાત્મા! રંગ, આકાર કે દેખાવની અનેકતાની વચ્ચે રહેલી મૂળભૂત એકતા એટલે ઈશાવાસ્યમ્! આવું મહાન તત્ત્વજ્ઞાન આપનાર મહર્ષિ યાજ્ઞવલ્ક્યના દેશવાસીઓ હોવાનું ગૌરવ લઇએ, સકળ વિશ્વને એકાત્મ કરવા કટિબદ્ધ થઇએ!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે