તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદવાણી:મહર્ષિ વિશ્વામિત્ર: તપ અને ઊર્જાનો મહાસંગમ!

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાયત્રી મંત્ર- ભારતનું વિશ્વને અમર વરદાન! ઊર્જા અને સદબુદ્ધિના સંપુટ સમા ઋગ્વેદના ગાયત્રી મહામંત્રના દૃષ્ટા મહર્ષિ વિશ્વામિત્ર છે. તપ અને પરિશ્રમતણા પારસમણિથી રાજર્ષિ પદ પ્રાપ્ત કર્યું. આટલું જ નહીં, ત્યાગ અને સૌમ્યતાના વરદાનથી બ્રહ્મર્ષિ બન્યા. આજે પણ આકાશમાં સપ્તર્ષિ તારગણમાં ઝળહળતા વિશ્વામિત્ર ભારતના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ચરિત્ર છે.

ગતાંકમાં આપણે વેદના મહર્ષિ વશિષ્ઠનું જીવનચરિત્ર માણ્યું. આજે તેમના સમકાલીન અને સ્પર્ધક એવા મહર્ષિ વિશ્વામિત્રનું દર્શન કરીશું. મહર્ષિ વશિષ્ઠના જીવનદર્શનમાં આપણે મહર્ષિ વિશ્વામિત્ર સાથેની ઘટનાઓ જોઇ છે. એટલે અહીં તેનું પુનરાવર્તન નહીં કરીએ. ખાસ કરીને ભગવાન રામના જીવનઘડતરમાં બંને મહર્ષિઓએ આપેલાં યોગદાનને યાદ ચોક્કસ કરીશું.

મહર્ષિ વિશ્વામિત્ર વેદના મૂળ મહર્ષિઓ પૈકીના એક છે. સામાન્ય રીતે વેદના ઋષિઓની જીવનકથા પુરાણો અને રામાયણ કે મહાભારતમાં પ્રાપ્ત થાય છે. મહર્ષિ વિશ્વામિત્રના જીવનચરિત્રની વિગતો મહાભારત અને અન્ય પુરાણોમાં મળી આવે છે.

જીવનકવન
વિશ્વામિત્ર ચંદ્રવંશી કુશિક વંશના મહારાજા ગાધિના પુત્ર છે. એટલે તેમને ગાધેય પણ કહેવામાં આવે છે. તેમના પ્રાગટ્યની કથા ખૂબ રસપ્રદ છે. મહારાજા ગાધિને સત્યવતી નામની ચારિત્ર્યવાન કન્યા હતી. તેમના લગ્ન મહાન તપસ્વી ઋષિ ઋચીક સાથે થયા હતા. સત્યવતીની સેવાથી પ્રસન્ન થયેલા ઋષિ ઋચીકે યજ્ઞના પ્રસાદનો ચરુ પત્નીને આપ્યો. પ્રસાદના ચરુના બે ભાગ હતા. તેમાંથી એક ભાગ મહારાજા ગાધિનાં પત્ની અને સત્યવતીનાં માતાને આપવાનો હતો અને બીજો ભાગ સત્યવતીએ પોતે લેવાનો હતો. પ્રસાદ આપીને ઋચીકે પત્નીને કહ્યું કે, યજ્ઞનારાયણની કૃપાથી તેને એક મહાન તપસ્વી પુત્ર પ્રાપ્ત થશે અને તેની માતાને ક્ષત્રિય ગુણ સંપન્ન વીર પુત્ર પ્રાપ્ત થશે. સત્યવતીને યજ્ઞનો પ્રસાદ આપી ઋષિ વનમાં તપ કરવા ચાલ્યા ગયા.

બીજીબાજુ મહારાજા ગાધિ પોતાની પુત્રીને મળવા ઋચીકના આશ્રમે પધારે છે ત્યારે સત્યવતી ઋષિએ આપેલા પ્રસાદ અંગે વાત કરે છે. જો કે, ભાગ્યવશાત તેણી અને તેણીની માતાના પ્રસાદના ચરુ બદલાઇ જાય છે. જે પ્રસાદ સત્યવતીએ લેવાનો હતો તે માતા ગ્રહણ કરે છે અને માતાએ લેવાનો ભાગ સત્યવતી લઇ લે છે. યજ્ઞના પ્રસાદની કૃપાથી બંને સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. વનમાં તપ કરતા ઋષિને ધ્યાનાવસ્થામાં આ વાતનો ખ્યાલ આવી જાય છે. જો કે, તેઓ સત્યવતીને આશ્વાસન આપે છે. સત્યવતીના ખોળે સંસ્કારી અને સુશીલ બાળકનો જન્મ થાય છે. જેનું નામ જમદગ્નિ રાખવામાં આવે છે. જમદગ્નિના પુત્ર થયા મહાન શક્તિશાળી ભગવાન પરશુરામ. બીજીબાજુ, માતાને અત્યંત તેજસ્વી પુત્ર વિશ્વામિત્ર અવતરે છે. આમ પરશુરામ અને વિશ્વામિત્ર વચ્ચે નાના-દોહિત્રનો સંબંધ છે.

વિશ્વામિત્રની વેદ-સાધના
વેદમાં સૌથી પ્રાચીન છે ઋગ્વેદ અને તેમાં દસ મંડળો છે. તેના ત્રીજા મંડળમાં 62 જેટલાં સૂક્તો (મંત્રસમૂહો) છે. ત્રીજા મંડળના તમામ સૂક્તોના મંત્રદૃષ્ટા ઋષિ મહર્ષિ વિશ્વામિત્ર છે. જેથી, આ ઋગ્વેદના ત્રીજા મંડળને 'વૈશ્વામિત્ર મંડળ' કહેવામાં આવે છે. આ મંડળમાં ઇન્દ્ર, અદિતિ, અગ્નિ, ઉષા, અશ્વિની અને ઋભુ વગેરે દેવતાઓની સ્તુતિઓ છે. ઋગ્વેદના તૃતીય મંડળના 62મા સૂક્તના દસમો મંત્ર 'તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિમહિ ધિયો યોન: પ્રચોદયાત્' ગાયત્રીમંત્ર તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે વેદમંત્રની સાધના પ્રણવ સાથે કરવામાં આવે છે. આ મંત્રને બ્રહ્મગાયત્રી પણ કહેવાય છે. તેને બધા વેદમંત્રોનું મૂળ માનવામાં આવે છે. એટલે ગાયત્રીને વેદમાતા પણ કહેવાય છે. ઉપનયન સંસ્કાર વેળા ગુરુ ગાયત્રીની દીક્ષા આપે છે અને તેનાથી જ દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્ર વિશે એક આખો લેખ વેદવાણીમાં અગાઉ પ્રસિદ્ધ થઇ ગયો છે. એટલે તેની વિશેષ ચર્ચા નહીં કરીએ પણ એટલું કહી શકાય કે ગાયત્રી મંત્ર ભારતીય આધ્યાત્મિકતાનું મેરુશિખર છે.

મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રની સિદ્ધિ હાંસલ કરી હતી. જેને લીધે તેમને અનેક ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થઇ હતી. તેમણે ગાયત્રીની સાધનાનો ઉપદેશ આપ્યો અને જેને લીધે હજારો વર્ષથી ભારતને અનેક શક્તિશાળી સાધકો મળ્યા છે. તેમણે વેદના દર્શન ઉપરાંત વિશ્વામિત્ર સંહિતા, વિશ્વામિત્ર કલ્પ અને વિશ્વામિત્ર સ્મૃતિની રચના કરી છે, જેમાં તપ, સંસ્કાર અને આચારવિચારના નિયમો આપ્યા છે. જો કે, આ બધામાં તેમની મુખ્ય વાત તો ગાયત્રી સાધનાની જ છે.

મહર્ષિ વિશ્વામિત્ર અને મેનકા
મહાભારતમાં વિશ્વામિત્ર અને મેનકાનું રસપ્રદ ઉપાખ્યાન છે. મહર્ષિ વિશ્વામિત્ર મહાન તપસ્વી હતા. તેમની તપસ્યાથી ઇન્દ્રાસન ડોલી ગયું. ઇન્દ્રદેવને ડર લાગ્યો કે તપના બળે ક્યાંક વિશ્વામિત્ર તેનું દેવરાજ પદ ન પડાવી લે! એટલે તેમણે વિશ્વામિત્રનું તપ ભંગ કરવા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા મેનકાને મોકલી. મેનકા અને કામદેવે વનમાં સુંદર પર્યાવરણ સર્જી દીધું. સુંદર મજાનો ઠંડો મીઠો અને સુગંધી પવન વહેવા માંડ્યો. મેનકા ઉત્કૃષ્ઠ નર્તકી હતા. તેમણે મનોહારી ભાવભંગિમા વડે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવા પ્રયાસ કર્યો. શરૂઆતમાં પ્રબળ તપસ્વી વિશ્વામિત્રનું તપ અખંડ રહ્યું. પરંતુ મેનકાના રૂપ અને વનના સુંદર એકાંતમાં વિશ્વામિત્ર મોહિત થાય છે. તેઓ મેનકાને પ્રેમ કરવા લાગે છે. થોડો સમય બંને વનમાં વિહાર કરે છે.

મહર્ષિ વિશ્વામિત્રથી મેનકા એક સુંદર કન્યાને જન્મ આપે છે. જો કે, પોતાના તપ-સ્ખલનથી વ્યથિત થયેલા વિશ્વામિત્ર ફરી તપ સાધનામાં લાગી જાય છે અને અપ્સરા મેનકા સ્વર્ગમાં પાછા ફરે છે. નવજાત બાળકની રક્ષા શકુંત પક્ષીઓ કરે છે. એ દરમિયાન મહર્ષિ કણ્વ ત્યાં આવે છે અને કન્યાનો સુંદર ઉછેર કરે છે. કન્યાનું નામ શકુંત પક્ષીઓ પરથી શકુંતલા રાખવામાં આવે છે. આ કન્યા સાથે મહારાજા દુષ્યંતના લગ્ન થાય છે. શકુંતલા અને દુષ્યંતના પ્રતાપી પુત્ર ભરતના નામ પરથી તેના વંશજો ભરતવંશી તરીકે ઓળખાય છે. આટલું જ નહીં, ભરત પરથી પડેલું નામ સમગ્ર દેશની ઓળખ બની રહી છે. આ ઘટનાને મહાકવિ કાલિદાસે 'અભિજ્ઞાન શાકુંતલ' નામના નાટક દ્વારા અમર બનાવી છે. આમ, વિશ્વામિત્ર અને મેનકાનો પ્રેમપ્રસંગ ભારતના ઇતિહાસનું રમણીય સીમાચિહ્ન બની ગયું!

ત્રિશંકુ અને હરિશ્ચંદ્ર
મહર્ષિ વિશ્વામિત્રના જીવનચરિત્રમાં અનેક રોચક પ્રસંગો છે. રાજા ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં જવાની ઇચ્છા હતી. તેણે મહર્ષિ વિશ્વામિત્રના માર્ગદર્શનમાં યજ્ઞ કર્યો. મહર્ષિની કૃપાથી રાજા સદેહે સ્વર્ગમાં પ્રયાણ કરે છે. બીજીબાજુ, દેવતાઓ અને ઇન્દ્રને નૈસર્ગિક નિયમ ભંગ થવાની ચિંતા થાય છે. એટલે રાજાને અધવચ્ચે જ રોકી દે છે. તે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે લટકી પડે છે. તેના પરથી 'ત્રિશંકુ' શબ્દપ્રયોગ મળ્યો છે. જો કે, પોતાના યોગબળે મહર્ષિ ત્રિશંકુ માટે નવી સ્વર્ગસૃષ્ટિની રચના કરે છે. અહીં મહર્ષિની શરણાગત-વત્સલતાનો પરિચય મળે છે.

આવી જ પ્રેરક કથા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની છે. તેના વંશમાં ભગવાન રામ જન્મ્યા હતા. હરિશ્ચંદ્રના સત્યવ્રતની પરીક્ષા મહર્ષિ વિશ્વામિત્ર કરે છે. રાજા પાસેથી તેનું રાજપાઠ દાનમાં માગી લે છે. ઘણી કઠોર તાવણી પછી પણ જ્યારે હરિશ્ચંદ્ર ડગતા નથી ત્યારે મહર્ષિ પ્રસન્ન થાય છે અને તેને રાજપાઠ પાછું આપે છે અને તેના પુત્ર રોહિતાશ્વને સજીવન કરી પાછો સોંપે છે.

આજનું અમૃતબિંદુ: મહર્ષિ વિશ્વામિત્ર માનવથી મહામાનવ સુધીની સફરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તપ, પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય છે. આવો, મહર્ષિ વિશ્વામિત્રના પાવન સ્મરણ સાથે નિયમિત ગાયત્રી મંત્રની સાધનાનો સંકલ્પ લઇએ અને ઊર્જાવાન અને સમર્થ બનીએ!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

અન્ય સમાચારો પણ છે...