વેદવાણી:મહર્ષિ ગૃત્સમદ - દેવરાજ ઇન્દ્રના મિત્ર!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ‘ગૃત્સમદ’ નામ સાંભળ્યું છે? વેદના જાણકારો તો અજાણ ન હોય પણ સામાન્ય વાચક માટે આ નામ થોડું અજાણ્યું છે. તમે માનશો? મહર્ષિ ગૃત્સમદ અને ઇંદ્ર વચ્ચે ભક્ત -ભગવાનના સંબંધથી ઉપર એક અનન્ય મૈત્રીભાવ હતો. આમ વેદના મહર્ષિઓ પોતાના તપોબળથી દેવોની ભક્તિ નહીં પણ દોસ્તી સુધી પહોંચી શકતા હતા!

વેદના દૃષ્ટા મહર્ષિમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વેદવ્યાસ, મહર્ષિ ભરદ્વાજ અને મહર્ષિ અત્રિનાં અત્યંત રસપ્રદ જીવનચરિત્રો જોયાં. આજે મહર્ષિ ગૃત્સમદનો મહિમા સમજીએ.

વેદના દૃષ્ટા
ઋગ્વેદના બીજા મંડળના દૃષ્ટા મહર્ષિ ગૃત્સમદ છે. જેમાં 43 સૂક્તો છે. તેને ગાર્સ્તમદ મંડળ કહે છે, જેમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્રાવરુણ, વિશ્વેદેવ અને મર્હુત જેવા દેવતાઓની સુંદર સ્તુતિઓ છે. દેવ કોણ? જ્ઞાનનો પ્રકાશ, ઊર્જા અને સમૃદ્ધિ આપે તે દેવ!

આ સૂક્તના 16 મંત્રોમાં ઇન્દ્રની સ્તુતિ અને પરાક્રમનું વર્ણન છે. મંડળના છેલ્લાં બે મંત્રોમાં ઇન્દ્રનું 'કપિંજલ' સ્વરૂપે આખ્યાન છે. ગાર્સ્તમદ મંડળના 32મા મંત્રમાં રાકા અને સિનીવાલી જેવા દેવોની સ્તુતિ છે, જે નામો આપણા માટે અજાણ્યાં છે. મહર્ષિ ગણપતિ સ્તુતિથી શરૂઆત કરે છે, જે ગણેશજીની પૂજામાં આજે પણ ઉપયોગમાં લેવાય છે. ગણપતિજીની બ્રહ્મણસ્પતિ (દેવોનાં વડીલ કે મુખિયા) અને કવિ (જ્ઞાની)ઓમાં શ્રેષ્ઠ દેવતા તરીકે આવકારીને ઋષિ આનંદથી ગાઇ ઉઠે છે. ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિં કવિનામુપશ્રવસ્તમમ્, જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત્ આ ન: શૃણ્વન્નૂતિભિ: સીદ સાદનામ્! (ઋગ્વેદ 2/23/1)

જીવનચરિત્ર
ગૃત્સમદ નામ શાનાથી પડ્યું? આ નામનો આધ્યાત્મિક ભાવાર્થ રસપ્રદ છે. ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન. આમ પ્રાણ અને અપાન (શ્વાસ અને ઉચ્છ્વાસ)નો સમન્વય એટલે ગૃત્સમદ. છે ને મજાનું અર્થપૂર્ણ નામ! શ્વાસ અને ઉચ્છવાસ નામના બે પાટા પર જીવનની ટ્રેન દોડતી રહે છે. જન્મ અને મૃત્યુ નામનાં બે જંક્શન વચ્ચે બાળપણ, શિક્ષણ, કામધંધો, પરિવાર, સેવા અને નિવૃત્તિ જેવાં સ્ટેશનો આવતાં રહે છે!

મહર્ષિના જીવન અંગે ઋગ્વેદ, અથર્વવેદ, ઐતરેય અને શતપથ બ્રાહ્મણ (વેદનો ભાગ), બૃહદ્દેવતા, સર્વાનુક્રમણી (કાત્યાયન), મહાભારત અને ગણેશપુરાણ વગેરે ગ્રંથોમાં રોચક વર્ણન છે. મહર્ષિ ગૃત્સમદ મહર્ષિ અંગિરાના મહાનકુળમાં જન્મ્યા હોવાથી તેમનું ગોત્ર આંગિરસ છે. તેમના પિતા ઋષિ શુનહોત્ર હતા. એટલે તેમનું પૈતૃક નામ શૌનહોત્ર હતું. બાદમાં તેમની ઇન્દ્ર સાથેની મૈત્રીના પરિણામ સ્વરૂપ શક્તિશાળી ભૃગુકુળના શુનક ઋષિએ તેમને દત્તક લીધા. જેને લીધે તેમની ગૃત્સમદ તરિકે પ્રસિદ્ધિ મળી. મહર્ષિ ગૃત્સમદ ભગવાન ગણેશના પરમ ભક્ત હતા. કઠણ તપસ્યા કરીને તેમણે ગણેશજીના સાક્ષાત અર્શન કર્યા હતા. ગણેશની કૃપાથી તેમને અનેક દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી. આમ ગૃત્સમદ વેદના મંત્રદૃષ્ટા ઋષિ હોવા સાથે તપસ્વી સાધક અને દેવસૃષ્ટિના મિત્ર હતા.

મહર્ષિ ગૃત્સમદ કેમ બન્યા દેવરાજ ઇન્દ્રના મિત્ર?
તમે વિચાર કરો કે મહર્ષિ ગૃત્સમદ કેવા મહાન તપસ્વી હશે કે દેવરાજ ઇન્દ્ર તેની સામે દોસ્તીનો હાથ લંબાવે! આ અંગે બૃહદ્દેવતામાં સુંદર કથાનક છે. એકવાર મહર્ષિ ગૃત્સમદ મોટો યજ્ઞ કરી રહ્યા હતા. તેમાં ઋષિ પર કૃપા કરવા યજ્ઞમાં દેવેન્દ્ર પોતે પધાર્યા. અસુરો દેવોના કાયમી વેરી. એટલે ઇન્દ્ર પર ઘા કરવા મોકા શોધતા રહે. ધુનિ અને ચુમુરિ નામના ભયંકર દૈત્યો ગૃત્સમદના યજ્ઞમાં આવી ચઢ્યા. તેમના નિશાન પર દેવરાજ હતા. આ જોઇને ગૃત્સમદે પોતાના યોગબળથી અસલ ઇન્દ્ર જેવું રૂપ ધારણ કરી લીધું. અસુરો પાછળ દોડ્યા તો મહર્ષિ અદૃશ્ય થઇ ગયા. કોઇવાર ધરતી પર દેખાય તો કોઇવાર અંતરિક્ષમાં! મહર્ષિએ તેમને થકવી દીધા. પછી ગૃત્સમદ દેવરાજ ઇન્દ્રના ગુણો અને પરાક્રમની સ્તુતિ કરે છે.

ઋગ્વેદના બીજા મંડળના 12મા સૂક્તને સજનીય સૂક્ત કહે છે, જેમાં દરેક મંત્રના છેડે ‘સ જનાસ ઇંદ્ર:’ આવે છે. દેવરાજના પ્રચંડ પરાક્રમનું વર્ણન કરી છેલ્લે ઋષિ કહે છે, ‘(આવા પરાક્રમી) એ ઇન્દ્ર છે, હું ઇન્દ્ર નથી’! ઋષિના અદ્ભૂત મંત્રોમાં ઇન્દ્રનું સ્વરૂપ સાંભળી અસુરોનું આત્મબળ ખલાસ થઇ જાય છે. હવે ખરા ઇન્દ્ર પ્રકટ થાય છે અને શક્તિહીન થયેલા દૈત્યોને હણી કાઢે છે!

મહર્ષિના દિવ્ય તપોબળ અને યોગશક્તિ તેમજ પોતાના પ્રત્યેના ભક્તિભાવથી દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થાય છે. અખંડ તપનિષ્ઠા, વાણીની સિદ્ધિ, પરાક્રમ, મંત્રસિદ્ધિ અને ભક્તિનું વરદાન આપે છે. મહર્ષિનો હાથ ઝાલી ઇન્દ્રલોકમાં લઇ આવે છે. આદરથી અતિથિપૂજન કરે છે. ગૃત્સમદ શૌનહોત્ર એવું નામ પણ દેવરાજે આપેલું છે.

દેવ અને માનવ જો બને દોસ્ત, તો અસુર થાય જમીનદોસ્ત! ગૃત્સમદ અને ઇન્દ્રની મૈત્રીની કથામાં અમર પ્રેરણાબિંદુ છે. માનવસમાજ સામે બે પરિબળો છે. માણસનું ભલું ચાહતી દેવસૃષ્ટિ અને હાનિકર્તા અસુરસૃષ્ટિ. દેવોમાં જ્ઞાન, સંયમ, તપ, સ્નેહ, સેવા અને પરોપકાર જેવા ગુણો સહજ છે. બીજીબાજુ, અસુરસૃષ્ટિ લોભ, લાલચ, હિંસા અને પરપીડન વૃત્તિથી ખદબદે છે. વેદમાં મોટે ભાગે દેવસૃષ્ટિની ઉપાસના-મંત્રો છે.

ઋષિ સમાજના હિતમાં દેવોને પ્રસન્ન કરે. જેનાથી ખૂબ સારો વરસાદ પડે. નદીઓ શુદ્ધ જળથી ભરપૂર વહેતી રહે. ખેતરો અને વનો અનાજ, ફળફુલથી છલાકાતાં રહે. ગોરસથી તેમનાં તનમન હૃષ્ટપુષ્ટ થાય. આશ્રમોમાં બાળકો સંસ્કાર સાથે શિક્ષણ મેળવે. વિદ્યા અને વિનયનો સંગમ સાધી યુવાઓ સમાજને સમર્થ નેતૃત્વ આપે

આ બધું આમ જ સીધુંસટ અને સરસ ચાલતું રહે તે અસુરોને કેમ પાલવે ભલા? એટલે તે ઋષિઓના યજ્ઞમાં હાડકાં નાંખે. દેવો પોતાના પ્રિય ઋષિઓને બચાવવા દોડી આવે. ગૃત્સમદની કથામાં તો ઋષિએ દેવરાજને અસુરોથી બચાવ્યાની વાત છે. આમ 'પરસ્પરં ભાવયન્ત: શ્રેયમ્ પરં અવાસ્યથ:' ગીતામાં ભગવાન આ જ વાતનો પડઘો પાડતાં કહે છે કે, દેવો અને માનવો એકબીજાનું ભલું કરતા રહો અને કલ્યાણને પામો! દેવ અને માનવ થાઓ એક અને અસુરોને કરો પરાસ્ત!

ગૃત્સમદ અને ઇન્દ્રની કથાનો આધુનિક ભાવાર્થ
આપણે વેદવાણીમાં પૃથ્વીસૂક્ત અગાઉ જોઇ ગયાં, જેમાં ઋષિએ ધરતી અને માણસનો માતા-પુત્ર સંબંધ સુપેરે પીછાણ્યો છે. ઇન્દ્ર વરસાદના દેવતા છે. સૂર્ય પ્રકાશ, આરોગ્ય અને અન્નજળ આપે. સૂર્યથી વાદળો બંધાય. વરસાદથી ખેતી અને પશુપાલન શક્ય બને. વરુણ એટલે જળદેવતા! પીવાના પાણીના સતત ઘટતા જતા પુરવઠાને લઇને વિશ્વ આખું ચિંતિત છે ત્યારે જળને દેવ માનવામાં કોઇને સંકોચ થાય ખરો? અગ્નિ એટલે ઊર્જા. તેના વિના એકપણ મશીન ચાલે ખરું?

પણ આપણે ધરતીપુત્રોએ શું કર્યું? જેણે જીવન આપ્યું એ ધરતીમાતાના પેટને ચીરી આપણે ખનીજતેલ, કોલસો અને એવું બધું કાઢતા રહ્યા, હવામાં આગ ઓકતા રહ્યા. આજે ગ્લોબલ વોર્મિંગ નામનો ધુનિ-ચુમુરિ દૈત્ય આપણી સામે મોઢું ફાડીને ઊભો છે. એ વખતે સૂર્ય, પવન, જળ વગેરેમાં રહેલ નિર્દોષ ઊર્જાનો સદુપયોગ કરી પેલા ભયંકર દૈત્યને હણવાની જરૂર નથી? એ જ રીતે સાંપ્રદાયિક ત્રાસવાદ, મહાસત્તાઓનો લાલચુ વિસ્તારવાદ, ભ્રષ્ટાચાર, જાતિ-પ્રદેશવાદ જેવા અનેક અસુરો માનવસમાજને પીડી રહ્યા છે. તેની સામે લડવા સિવિલ સોસાયટીએ સંગઠ્ઠિત થવું જ રહ્યું!

આજનું અમૃતબિંદુ: ગૃત્સમદ કોઇ કોમિક્સ સ્ટોરીનું પાત્ર નથી. એ તો આપણી અંદર સુષુપ્ત પડેલી સંભાવનાનું બીજ છે. દેવસૃષ્ટિ એટલે સજ્જનો અથવા સદગુણો. અસુરસૃષ્ટિ એટલે દુર્ગુણો અથવા દુર્જનો. દેવસૃષ્ટિ સાથે દોસ્તી કર્યા વિના અસુરસૃષ્ટિને પરાજિત ન કરી શકાય. દેવ-અસુરની લડાઇમાં તટસ્થ ન રહી શકાય કારણ કે, અસુર જીતે તો માણસ ક્યાંથી બચશે? યાદ રહે, માત્ર નેક હોવું પૂરતું નથી. એક પણ થવું રહ્યું...
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)