વેદવાણી:મહર્ષિ ભરદ્વાજ: મંત્રદૃષ્ટા વૈજ્ઞાનિક અને આધુનિક ભાષાના ટેક્નોક્રેટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેદના અનંત આકાશમાં ઝળહળતું એક નામ છે, મહર્ષિ ભરદ્વાજ! ઋગ્વેદના છઠ્ઠા મંડળના દૃષ્ટા મહર્ષિ ભરદ્વાજ છે, જેમાં 765 જેટલા મંત્રો છે. અથર્વવેદમાં પણ તેમના 23 મંત્રો મળે છે. તેઓ અનેક વેદમંત્રોના દૃષ્ટા તો છે જ પણ ઉપરાંત પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક અને આધુનિક ભાષામાં કહીએ તો તેઓ ટેક્નોક્રેટ હતા.

વેદ અને ઋષિ બે જુદા ન પાડી શકાય એવા બે શબ્દોનું જોડકું છે. વેદ પરંપરામાં અનેક ઋષિઓ થયા. જેમાંના મહાન સાત ઋષિઓને સપ્તર્ષિ કહે છે. તેમાંના મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રની વાત અગાઉ કરી છે. તે પહેલાં મહર્ષિ વેદવ્યાસજીના પાવન જીવનચરિત્રનું રસપાન પણ કર્યું છે. આવો, આજે મહર્ષિ ભરદ્વાજ વિષે જાણીએ.

જીવનચરિત્ર
બૃહસ્પતિ અને મમતાની વાત્સલ્યકુંજમાં ભરદ્વાજનું પ્રાગટ્ય થયું. મહર્ષિ ભરદ્વાજનાં પત્નીનું નામ સુશીલા હતું. ભરદ્વાજના પુત્રો અને શિષ્યો પૈકી દસ ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિઓ હતા. વેદ પરંપરામાં તેમના પુત્રોનાં નામો આ પ્રકારે મળે છે; ઋજિષ્વા, ગર્ગ, નર, પાયુ, વસુ, શાસ, શિરામ્બિષ્ઠ, શુનહોત્ર, સપ્રથ, અને સુહોત્ર. વળી તેમનાં પુત્રી 'રાત્રિ' પણ વેદદૃષ્ટા ઋષિકા હતાં. જેમનું રાત્રિસૂક્ત ખૂબ જાણીતું છે. આ ઉપરાંત, ઋગ્વેદની સર્વાનુક્રમણીમાં તેમનાં પુત્રી 'કશિપા'નો પણ ઉલ્લેખ છે. આમ મહર્ષિ ભરદ્વાજના બાર જેટલાં સંતાનો વેદના ઋષિ તરીકે માનવંતું સ્થાન ધરાવે છે.

મહાભારતની કથા અનુસાર દ્રોણાચાર્ય તેમના પુત્ર હતા. પ્રાચીન બૌદ્ધ ગ્રંથો દીઘા નિકાય અને તેવિજા સુત્તમાં પણ ગૌતમ બુદ્ધ સાથે જે દસ મહાન વૈદિક ઋષિઓએ સંવાદ કર્યો હતો તેમાં ભરદ્વાજનું નામ છે. ભગવાન બુદ્ધ જેમને 'પૂર્વજ ઋષિઓ' અને આર્ય સંસ્કૃતિના નિર્માતા તરીકે સન્માને છે, તેમાં મહર્ષિ ભરદ્વાજનો સમાવેશ થાય છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણ પણ મહર્ષિ ભરદ્વાજના દર્શને પધાર્યાં હતાં. મહર્ષિએ તેમને વનાંચલના જીવનને લગતી ઘણી ઉપયોગી ટિપ્સ પણ આપી હતી. આમ મહર્ષિનો જીવનકાળ વેદયુગથી લઇને રામાયણ અને મહાભારતકાળ સુધી વિસ્તરેલો છે. આજે પણ ભારતની અનેક જાતિઓ ભરદ્વાજના ગોત્રજ તરીકે ગૌરવ અનુભવે છે. જેમાંના એક આપની સાથે આ શ્રેણીના લેખક તરીકે જોડાયા છે.

મહર્ષિ ભરદ્વાજની જ્ઞાનયાત્રા
ઋક્તંત્ર અને ઐતરેય બ્રાહ્મણ (વેદના ભાગ)ના જણાવ્યા અનુસાર, મહર્ષિ ભરદ્વાજે ઇન્દ્ર પાસેથી વ્યાકરણનું શિક્ષણ મેળવ્યું અને પછી તેની વ્યાખ્યા કરી અનેક ઋષિઓને ભણાવ્યું હતું. પ્રાચીન શરીરવિજ્ઞાની ચરક નોંધે છે કે, આયુર્વેદનું સૌપ્રથમ જ્ઞાન મહર્ષિ ભરદ્વાજે ઇન્દ્ર પાસેથી લીધું હતું. જેના આધારે તેમણે 'આયુર્વેદ સંહિતા'ની રચના કરી હતી. મહાભારતમાં ઉલ્લેખ (શાંતિપર્વ, 182/5) છે કે મહર્ષિ ભૃગુ પાસેથી ભરદ્વાજે ધર્મશાસ્ત્રનો ઉપદેશ લઇને 'ભરદ્વાજ સ્મૃતિ'ની રચના કરી હતી. ભક્તિમાર્ગના પાંચરાત્ર સંપ્રદાયની એક સંહિતા 'ભારદ્વાજ સંહિતા' નામે જાણીતી છે. આમ તેમણે ભક્તિમાર્ગનો પણ ગહન અભ્યાસ કર્યાનું જણાય છે.મહાભારતના શાંતિપર્વ (210/21)માં જણાવ્યા અનુસાર, મહર્ષિ ભારદ્વાજે ધનુર્વિદ્યા (શસ્ત્રવિદ્યા) અને રાજ્યશાસ્ત્રનું સર્જન કર્યું હતું. મૌર્યયુગના મહાપંડિત ચાણક્ય પણ મહર્ષિ ભરદ્વાજને અર્થશાસ્ત્રના મૂળ સર્જકોમાં ગણના કરી માન આપે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, મહર્ષિ ભરદ્વાજે 'યંત્ર સર્વસ્વ' નામના મહાગ્રંથની રચના કરી હતી. સ્વામી બ્રહ્મમુનિએ આ ગ્રંથનો એક ભાગ 'વિમાનશાસ્ત્ર' તરીકે પ્રકાશિત કર્યો છે, જેમાં આકાશમાં ખૂબ ઊંચે અને નીચે ઊડતાં વિમાનોનાં નિર્માણ સારુ કયા પ્રકારની ધાતુ વાપરવી તેનું પણ વર્ણન છે. આમ પ્રાચીન સમયમાં ભારતમાં વિમાનવિદ્યાનું જ્ઞાન હતું એ વાતનો સંદર્ભ મળે છે.

મહર્ષિ ભરદ્વાજ: માસ્ટર ઓફ ઓલ!
વેદ, મહાભારત અને ચાણક્યના અર્થશાસ્ત્ર વગેરે ગ્રંથોના સંદર્ભથી જોઇએ તો મહર્ષિ ભરદ્વાજ માનવજીવનને સ્પર્શતાં અનેક પાસાંઓ ઉપર સંશોધન અને અભ્યાસ કર્યો હતો, જેમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે. કલ્પના કરો કે તેમની જ્ઞાનભૂખ કેવી તીવ્ર હશે!

  • ભાષા- વ્યાકરણશાસ્ત્ર Linguistics and Grammar
  • ધર્મશાસ્ત્ર: સંસ્કાર સિંચન Culture and Spirituality
  • શિક્ષણશાસ્ત્ર: અધ્યયન અને અધ્યાપન Education
  • રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર Political Science and Economics
  • ધનુર્વિદ્યા Archery
  • આરોગ્ય: આયુર્વેદ Physiology and Medicines
  • ભૌતિકશાસ્ત્ર: યંત્રવિદ્યા અને વિમાનવિદ્યા Mechanics and Aeronautics

એક અદ્ભુત જીવનપ્રસંગ:
તૈત્તિરીય બ્રાહ્મણ (વેદનો ભાગ)માં મહર્ષિની જ્ઞાનપિપાસાને લગતો અત્યંત રસપ્રદ જીવનપ્રસંગ જડે છે. તેમણે કઠોર તપસ્યા અને દૃઢ ઇચ્છાશક્તિથી દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કર્યા. ઇંદ્રદેવે તેમને વરદાન માગવા કહ્યું. તેમણે વેદના અભ્યાસ માટે સો વર્ષનું આયુષ્ય માગ્યું. દેવેન્દ્રે વરદાન આપ્યું. ભરદ્વાજ સો વર્ષ સુધી લાગલગાટ અભ્યાસ અને સંશોધન કરતા રહ્યા. એ પછી તેમણે ફરી તપ કર્યું. ફરી ઇન્દ્રદેવ પધાર્યા. મહર્ષિએ ફરીથી સો વર્ષ આયખું માગ્યું. એ પણ વેદના અભ્યાસ સારુ. ઇંદ્રદેવે આપ્યું. સો વર્ષ ફરી અભ્યાસ કર્યો. ફરી એકવાર તપ અને વરદાન અને ફરીથી સો વર્ષની જ્ઞાનવિજ્ઞાન યાત્રા. આમ તેમણે ત્રણસો વર્ષ વેદનો ગહન અભ્યાસ કર્યો. આમ છતાં તેમની જ્ઞાનતૃષા વધતી રહી. ઋષિ કોને કહે! તેમણે તપ આદર્યું. ઇંદ્રદેવ કહે કે હવે શું જોઇએ? ભરદ્વાજને જ્ઞાન સિવાય બીજું શું ખપે? તેમણે વેદાભ્યાસ માટે ફરી સો વર્ષનું જીવન માગ્યું. હવે જુઓ ઇન્દ્ર શું કરે છે?

ઇંદ્રદેવે તેમને દૂર રેતીના ત્રણ ઊંચા પહાડ બતાવ્યા. પછી એક મુઠ્ઠી રેતી આપીને કહ્યું કે જુઓ આ પહાડ પૈકી તમારા હાથમાં જે રેતી છે, એટલું જ્ઞાન તમે ત્રણસો વર્ષમાં હાંસલ કરી શક્યા છો! હજુ ઘણું જાણવાનું બાકી છે. આમ છતાં તેમની વધુ ને વધુ જાણવાની ઇચ્છા જોઇ ઇંદ્રદેવ અતિ રાજી થયા. તેમણે મહર્ષિને કહ્યું કે, અગ્નિદેવ બધી વિદ્યાનું રહસ્ય છે. તેને જાણીને તમે બધું જ જાણી લેશો. એ પછી દેવરાજે તેમને સાવિત્રી અગ્નિવિદ્યાની દીક્ષા આપી. ભરદ્વાજે અગ્નિવિદ્યાના માધ્યમથી અમૃતતત્ત્વને પ્રાપ્ત કર્યું અને અમર થઇ ગયા. સ્વર્ગમાં જઇ તેમણે ભગવાન આદિત્યનું સાહચર્ય માણ્યું!

મહર્ષિ ભરદ્વાજનો જીવનબોધ
મહર્ષિની પ્રેરક જીવનકથામાં બે-ત્રણ સરસ બોધ મળે છે. જીવનનો હેતુ શું? જીવનનો હેતુ જ્ઞાન (સત્ય) જાણવાનો છે. જ્ઞાન અનંત છે. જ્ઞાનનો એક પ્યાલો પીઓ એટલે વધુ પીવાની ઇચ્છા થાય! મહાન ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ કહે છે, 'The more you know, the more you realize you don't know!" વળી, તેમણે જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોનું ખેડાણ કર્યું. માનવજીવનને સુખી અને સ્વસ્થ બનાવવા અનેક સંશોધનો કર્યાં. પોતે ખૂબ ભણ્યા અને બીજાને પણ ભણાવ્યું. માણસ ધારે તો કેટલું જાણી શકે અને જીવનમાં કેવી ઊંચાઇ પ્રાપ્ત કરી શકે, તે માટે મહર્ષિ ભરદ્વાજ એક ઉત્તમ ઉદાહરણ છે.

આજનું અમૃતબિંદુ: ઋષિ એટલે વૈજ્ઞાનિક. નવું નવું જાણે અને શીખવે. જીવનને જ્ઞાનયજ્ઞ માને. જ્ઞાન અમૃત છે. જે જ્ઞાનનું અમૃત પીએ તે અમર થાય. એ ન્યાયે મહર્ષિ ભરદ્વાજ અમર છે. તેમનો જીવનબોધ પણ અમર છે. ભરદ્વાજના કંડારેલી જ્ઞાનકેડી પર ચાલો તો તમે પણ ભારદ્વાજ! આવો, આપણે સહુ સાથે મળી ઋષિની પરંપરાને ફરી જાગતી કરીએ. ભારતને ખરા અર્થમાં નોલેજ સોસાયટી બનાવીએ. મા ભારતીને જગદગુરુ બનાવવાનો રાજમાર્ગ આ જ હશે કે?
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)