વેદવાણી:અખંડ ભારતના આર્ષદૃષ્ટા મહર્ષિ અગસ્ત્ય અને લોપામુદ્રા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઋષિ દંપતીઓમાં વશિષ્ઠ-અરુંધતી અને અત્રિ-અનસૂયા જેટલું જ આદરણીય નામ અગસ્ત્ય-લોપામુદ્રાનું છે. અગસ્ત્ય દક્ષિણાવર્તના મહાનતમ ઋષિ છે. માત્ર ભારતના નહીં વિશ્વના પ્રાચીનતમ એવા ઋગ્વેદના દૃષ્ટા મહર્ષિ અગસ્ત્ય અને લોપામુદ્રાનું સ્થાન નક્ષત્રમંડળમાં છે! આર્યો ઉત્તરમાંથી આવ્યા અને તેમણે જે તે સમયના ભારતના મૂળ નિવાસીઓને દક્ષિણમાં હાંકી કાઢ્યા, એવા પશ્ચિમી કે પશ્ચિમમુખી ભારતીય વિદ્વાનોના ગપગોળાને અહીં એક મોટો ઝાટકો મળે છે. ભારતને આર્ય-અનાર્ય ભાગોમાં વહેંચવાની ભાગલાવાદી વૃત્તિને સજ્જડ ઉત્તર એટલે દેવના દૃષ્ટા મહર્ષિ અગસ્ત્યનું જીવનદર્શન!

ઋષિ માત્ર ચિંતકો કે કર્મકાંડી નહોતા. તે વાસ્તવમાં પ્રવાસીઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણ-સંરક્ષકો, સમાજ સુધારકો અને સંશોધકો હતા. ઋષિઓના ગુરુકુળમાં હજારો બાળકો ભણતાં. રાજા અને રંકના દીકરા એક પંગતે જમે અને એક જ ઉપવનમાં રમે! કુમળી વયે પોતાના પરિવારને છોડીને જીવનના દોઢ-બે દાયકા આશ્રમમાં ગાળનાર કિશોર માટે ગુરુ અને ગુરુમાતા જ માતા-પિતા હતાં!

જીવનચરિત્ર
ઋગ્વેદ અનુસાર મિત્ર અને વરુણ નામના દેવતાઓનું અમોઘ તેજ એક યજ્ઞકળશમાં એકત્ર થયું, જેમાંથી મહર્ષિ અગસ્ત્યનું પ્રાકટ્ય થયું. તેમના વિવાહ વિદર્ભ દેશના રાજા નિમિના તેજસ્વી પુત્રી લોપામુદ્રા સાથે થયા હતા. લોપામુદ્રા મહાન પતિવ્રતા સાધ્વી હતા. તેમજ શ્રીવિદ્યાના પ્રાચીનતમ આચાર્યોમાં માતા લોપામુદ્રાનું સ્થાન છે. દુર્વાષ્ટમી જેવા વ્રતોપવાસમાં આ મહાન દૈવી દંપતીની પૂજા કરવામાં આવે છે. તેમના પુત્ર દૃઢચ્યુત અને પૌત્ર ઇધ્મવાહ પણ વેદના દૃષ્ટા ઋષિઓ હતા. સપ્તર્ષિઓ પૈકીના ત્રણ મહર્ષિઓ પુલસ્ત્ય, પુલહ અને ક્રતુને પણ અગસ્ત્ય ગોત્રના માનવામાં આવે છે.

મહર્ષિ અગસ્ત્યને દક્ષિણના સ્વામી કહેવામાં આવે છે. મહાભારત, રામાયણ, મત્સ્યપુરાણ વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં તેમના જીવનને લગતી રસપ્રદ ઘટનાઓ વાંચવા મળે છે. તેમનો આશ્રમ મલય પર્વત (હાલનું કેરળ) પર છે. પાંડ્ય અને મહાનદી પાસેના મહેન્દ્ર પર્વત સાથે પણ મહર્ષિ અગસ્ત્યનો સંદર્ભ જડી આવે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા હતા. રાવણ સામેની લડાઇમાં ઉપયોગી બનેલા ધનુષબાણ મહર્ષિએ રામને આપ્યા હતા. મહર્ષિ અગસ્ત્યની સમૃદ્ધિનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે તેમણે રામને આપેલું ધનુષ્ય હીરાજડિત હતું! જેમાંથી ક્યારેય તીર ન ખૂટે એવું ભાથું, જે ક્યારેય નિશાન ન ચૂકે એવું બાણ (ગાઇડેડ મિસાઇલ જેવું) અને સોનાની તલવાર તેમણે રામને ભેટમાં આપી હતી. મહર્ષિ અગસ્ત્ય વંચિતોના ઉદ્ધારક હતા. એકવાર તેમણે પોતાના માટે મહામહેનતે કાઢેલું કમળકંદ ભૂખથી તડપતા અંત્યજને આપી દીધેલું!

અગસ્ત્ય અને વિંધ્યાચળની પ્રસિદ્ધ ઘટના
અગ એટલે પર્વત. જે પર્વતને સ્થિર કરે એ અગસ્ત્ય! મહર્ષિ અગસ્ત્યનો વિંધ્યાચળ સાથે અતૂટ નાતો છે. વિંધ્યાચળ ભારતના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ કરે છે. કિંવદંતી છે કે એકવાર વિંધ્યાચળ વધવા માંડ્યો. તેનાથી સૂર્યપ્રકાશનો રસ્તો રોકાઇ ગયો. મહર્ષિ વિંધ્યના ગુરુ હતા. તેમને જોઇને વિંધ્યાચળે નમન કર્યું. ગુરુએ કહ્યું કે બસ હવે તમે નમનની મુદ્રામાં જ રહો! એ રીતે સૂર્યનો દક્ષિણ તરફનો માર્ગ અટકતો બચ્યો. આ ઘટનાનું અલંકારિક વર્ણન ગેરસમજ કરે છે. વાસ્તવમાં મહર્ષિ અગસ્ત્યે વિંધ્યાચળમાંથી પસાર થતો ઉત્તરથી દક્ષિણ તરફનો માર્ગ શોધ્યો અથવા વિકસાવ્યો એમ કહેવું વધુ યોગ્ય રહેશે. તેને લીધે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો સાંસ્કૃતિક આદાન પ્રદાનનો સેતુ બંધાયો. જેને આજે આપણે અખંડ ભારત કહીએ છીએ, તેના નિર્માણમાં મહર્ષિ અગસ્ત્યની ભૂમિકા અગત્યની છે. એટલે તેઓ વેદદૃષ્ટા ઋષિ હોવા સાથે રાષ્ટ્રીય ચેતનાના પુરસ્કર્તા પણ છે.

અગસ્ત્ય દ્વારા સમુદ્રને પી જવાની ઘટનાનો ભાવાર્થ
સમુદ્રમાં રહેતા રાક્ષસો દેવતાઓને પરેશાન કરતા હતા. દેવોને મદદ કરવા અગસ્ત્ય સમુદ્ર પી ગયા. એ પછી ખુલ્લા પડી ગયેલા દાનવોનો દેવોએ સંહાર કર્યો એવી કથા છે. આ વાત પણ રૂપકાત્મક છે. સમુદ્રના બેટમાં રહેતા હિંસક લોકો સામેના સંઘર્ષમાં અગસ્ત્યે દેવોની સહાય કરી. અગસ્ત્યનું સમુદ્રને પી જવું એટલે અફાટ સાગરમાં નિર્ભયતાથી પ્રવાસ કરવો. ઇલ્વલ અને વાતાપિ નામના દૈત્યો દ્વારા થતા વનવાસી ઋષિઓના સંહારને પણ અગસ્ત્યે અટકાવ્યો હતો. ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં અગસ્ત્યનું મંદિર છે, એ વાત પરથી તેમની સમુદ્રી યાત્રાની થિયરીને બળ મળે છે. આમ આ ઘટનામાં મહર્ષિ અગસ્ત્યની એક સાહસિક અને લડાયક વીર તરીકેની છબી ઊપસે છે.

મહર્ષિ અગસ્ત્યની વેદયાત્રા
પોતાના યોગબળથી મહર્ષિ અગસ્ત્યે અનેક વેદઋચાઓનું દર્શન કર્યું હતું. ઋગ્વેદના પ્રથમ મંડળના 165થી 191 સુધીના 26 જેટલા સૂક્તો મહર્ષિ અગસ્ત્યનું દર્શન છે. તેમના પુત્ર દૃઢચ્યુત અને પૌત્ર ઇધ્મવાહ ઋગ્વેદના નવમા મંડળના અનુક્રમે 25 અને 26મા સૂક્તના દૃષ્ટા છે. મહર્ષિ અગસ્ત્યના મંત્રો અદ્ભુત છે. તે બધાનું વર્ણન અહીં શક્ય નથી. સિંધુ મહીંથી બિંદુની પેઠે ઋગ્વેદના પહેલા મંડળના 165મા સૂક્તના કેટલાક મંત્રો જોઇએ.

મહર્ષિએ 11થી 15મા મંત્રમાં અદ્ભુત ખગોળદર્શન આપ્યું છે. ઋત (Universal Truth)ના બાર આરા (રાશિઓ)વાળું આ ચક્ર આકાશમાં ફરતું રહે છે. આ ચક્ર ક્યારેય અટકતું નથી કે જીર્ણ થતું નથી. તેના 720 જેટલા અંશો (સૂર્યના પથની 360 અને ચંદ્રના પથની 360 ડિગ્રી) દ્વારા આ ચક્ર ગતિમાન રહે છે. સુંદર રુપકો દ્વારા મહર્ષિએ સંવત્સર, ઉત્તરાયણ-દક્ષિણાયન, ઋતુ, માસ, પખવાડિયું, રાત-દિવસ અને મુહૂર્તનું વૈજ્ઞાનિક દર્શન આપ્યું છે. સૂક્તના 44મા મંત્રમાં સૂર્ય, અગ્નિ અને વાયુનું સુંદર દર્શન છે. મહર્ષિ કહે છે, 'ત્રણ કિરણોવાળો પદાર્થ ઋતુ અનુસાર દર્શન આપે છે, એક (સૂર્ય) સંસ્કારનું સ્થાપન કરે છે, બીજો (અગ્નિ) વિશ્વને પ્રકાશિત કરે છે અને ત્રીજો (વાયુ) પ્રત્યક્ષ રીતે દેખાતો નથી!' આગળ 45મા મંત્રમાં કહે છે, 'વાણીના ચાર રૂપ છે. જેમાંની પહેલી ત્રણ (પરા, પશ્યંતિ અને મધ્યમા) પ્રગટ થતી નથી. માત્ર એક જ (વૈખરી) માણસ દ્વારા બોલી-સમજી શકાય છે. મહર્ષિનાં સૂક્તોમાં ઇન્દ્ર, મિત્ર અને મરુતને લગતાં અદ્ભુત મંત્રો છે.

ઋગ્વેદના પ્રથમ મંડળના 165મા સૂક્તના બે મંત્રો અતિ પ્રખ્યાત છે. 'એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ' (46) તો અનેકતામાં એકતાનો મહામંત્ર છે. એક જ પરમ ચૈતન્યનાં અનેક રૂપો છે, તમે તેને ઇન્દ્ર કહો કે વરુણ, અગ્નિ કહો કે યમ! એ જ રીતે કોઇપણ વેદિક પૂજા કે કર્મકાંડમાં મંત્ર-પુષ્પાંજલિ તરીકે બોલાતો 'યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવાસ્તાનિ પ્રથમાન્યાસન્' (50) પણ ખૂબ જ જાણીતો છે. જેમાં યજ્ઞનો મહિમા છે. આગળના મંત્રમાં મહર્ષિ યજ્ઞચક્રને સમજાવતાં કહે છે 'આ જળ સૂર્યના તાપથી તપીને વરાળ બનીને વાદળ બને છે, જે વરસાદ રૂપે ફરી ધરતી પર પાછું આવે છે. જેનાથી ધરતી તૃપ્ત થાય છે. એ જ રીતે યજ્ઞના અગ્નિથી દેવલોક તૃપ્ત થાય છે.' અહીં યજ્ઞ શબ્દનો પર્યાવરણ સંરક્ષણ જેવો અર્થ લઇએ તો આખુંયે જીવનચક્ર પૂર્ણ બની જાય. ઋષિની દીર્ઘદૃષ્ટિને વંદન!

આ ઉપરાંત મહર્ષિની જ્ઞાનયાત્રામાં વરાહપુરાણના પાશુપતાખ્યાનમાં આવેલી અગસ્ત્યગીતા, પંચરાત્રની અગસ્ત્યસંહિતા, સ્કંદપુરાણની અગસ્ત્યસંહિતા, શિવસંહિતા અને ભાસ્કર સંહિતાના દ્વૈધનિર્ણયતંત્ર પણ સામેલ છે.

આજનું અમૃતબિંદુ: મહર્ષિ અગસ્ત્ય ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતો દિવ્ય જ્ઞાનસેતુ છે. જેમને દેવો મિત્ર માને એટલું જ નહીં જે ઇન્દ્ર અને મરુત જેવા દેવો વચ્ચે મધ્યસ્થી કરી શકે એવા ઋષિનું શું કહેવું! જેમણે પર્વતો વચ્ચે કેડી કંડારી, દેવસમૂહો અને લોકસમૂહો વચાળે એકતા ઊભી કરી, સાગરો ખેડ્યા અને અસુરોને પરાજિત કર્યા એવા મહર્ષિ અગસ્ત્ય અને ઋષિમાતા લોપમુદ્રા ભારતના વેદવારસાનું અમર દંપતી છે.
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)