કુદરતનો સાહજિક સ્પર્શ પણ નિસર્ગના દરેક જીવને નૃત્ય કરતા કરી દે એવો નશીલો છે. ભારતભરમાં માનવ વિક્ષેપ રહિત એવા કુદરતી સ્થળોને શોધીએ તો અઢળક સ્થળોનું લિસ્ટ નજર સામે હાજર થઈ જાય. દેશનાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય ધરાવતાં સ્થળો જંગલ રૂપે, રણ સ્વરૂપે, પહાડ સ્વરૂપે તો વળી ક્યાંક ઘાસનાં ખુલ્લા મેદાનો સ્વરૂપે વિવિધ જીવસૃષ્ટિને મહાલવા ખુલ્લું વિશ્વ પૂરું પાડે છે અને તેઓ આનંદથી પોતાની પેઢીને વસ્તારી શકે તેવું વાતાવરણ પણ પૂરું પાડે છે. દેશભરનાં વિવિધ જંગલોમાં ફર્યા પછી મને અમુક જંગલો ખૂબ જ આકર્ષે છે અને વારંવાર તે જંગલોની મુલાકાત લેવાનું ચૂકતો નથી.
ચોમાસાની વિદાય સાથે શિયાળાની શરૂઆત થતા ભારતભરનાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો મુલાકાતીઓ માટે ખૂલવા લાગે છે અને જંગલ નવા જ રંગરૂપ સાથે પ્રવાસીઓને આવકારવા થનગની રહ્યું હોય છે. ગુજરાતથી સૌથી નજીકમાં આવું કોઈ સ્થળ હોય તો મહારાષ્ટ્રનાં નાગપુરથી આશરે 150 કિમી દૂર આવેલું અને ચંદ્રપુરથી નજીક 'તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ' જે ભારતનાં રાષ્ટ્રીય પ્રાણી વાઘને જંગલમાં મહાલતો જોવા માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ છે. તાડોબા અંધારી ટાઇગર રિઝર્વની કોઈ પણ ટ્રેલ પર સવારે ધરણીને ચુમતો સૂરજનો સ્પર્શ ધરણીને જીવંત કરતી હોય એવું ભાસે અને એમાં પણ નસીબ જોર કરતું હોય તો એ જ સમયે વાઘ મહાલતો મળી જાય કે પછી હજારો હરણોનું ટોળું મળી જાય એટલે જંગલનો ફેરો સફળ એવું કહી શકાય.
તાડોબા એક સમયે વાઘનાં શિકાર માટેનું ખુલ્લું મેદાન મહારાષ્ટ્રના રાજવીઓ અને અંગ્રેજો માટે સ્વર્ગ સમાન હતું. વર્ષ 1955માં આ વિસ્તારમાં શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો પણ લોકોની અવરજવર એમને એમ જ રહી અને આ વિસ્તારમાંથી વન્યપ્રાણીઓ અને કુદરતી સંપત્તિ લાલચુ માણસોનાં સ્વાર્થ તળે અધોગતિ તરફ ધકેલાતી ગઈ. મોડે મોડે છેક વર્ષ 1986માં આ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું અને 1993માં 506 સ્ક્વેર કિમીના વિસ્તારને વધારીને 622 સ્કવેર કિમીનો રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવ્યો ત્યારે ફરી અહીં વાઘની ત્રાડે સમગ્ર વિસ્તારને ગજવી મૂક્યો.
અહીંની મુલાકાત લઈએ કે માયા, શર્મીલી, બજરંગ, ભીમ, વાઘડો, સોનમ, લારા, છોટી તારા, સિતારા વગેરે વિશે જાણવાની તાલાવેલી ચોક્કસ જાગે. આ બધા એ વાઘ છે જેમણે અહીં વાઘની વસતી વધારીને જંગલને ફરી ખૂંખાર અને જીવંત બનાવ્યું, અદ્દલ એવું જ જેવું જંગલ ખરેખર કુદરતી રીતે હોવું જોઈએ. અહીં ઈરાઈ અને અંધારી નામની બે નદીઓ વહે છે અને સમગ્ર જંગલની જીવસૃષ્ટિ આ બંને નદીઓ પર નભે છે. આ સિવાય, નાનાં-મોટાં અનેક તળાવો પણ આ જંગલમાં આવેલાં છે. પંઢરપોની-1 અને પંઢરપોની-2 નામનાં તળાવ હાલમાં દરેક પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે કારણ કે, આખાય જંગલની સૌથી જાણીતી અને ખુબસુરત વાઘણ માયા અહીં બચ્ચાઓ સાથે રહે છે અને આ વિસ્તારને વર્ષોથી તેણે પોતાનો વિસ્તાર બનાવીને સુરક્ષિત રીતે જાળવી રાખ્યો છે. અહીં વાઘનાં અવનવા કરતબો જોવા મળે છે. વાઘ સિવાય અહીં 100 જેટલી વિવિધ પ્રજાતિઓ વસે છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંના જંગલી કૂતરાઓ છે, જે હંમેશાં સમૂહમાં શિકાર કરતા જોવા મળે છે. આ સિવાય, રીંછ, વરુ, શિયાળ, દીપડાઓ, જંગલી સુવર, સાંભર, ચિતલ, ઇન્ડિયન ગૌર જેવી વિવિધ પ્રજાતિઓ અહીં વિહરતી જોવા મળે છે.
તાડોબા અલગ અલગ ત્રણ રેન્જમાં વહેચાયેલું જંગલ છે, જેના 6 અલગ અલગ ગેટ છે. દરેક રેન્જ એકબીજાથી આશરે 100 કિમી કરતાં પણ વધારે અંતર ધરાવે છે. એટલે ઝોન અને ગેટને ધ્યાનમાં લઈને જ રહેવા માટે રિસોર્ટ્સનું બુકિંગ કરાવી શકાય. તાડોબામાં છ કોર ઝોનનાં ગેટ અને બાર બફર ઝોનના ગેટ છે.
મોહારલી , ખૂંટવાડા, કોલારા, નવેગાંઓ, પગડી અને ઝરી એમ 6 અલગ અલગ કોર ઝોનના ગેટ છે, જ્યાંથી બુકિંગ પ્રમાણે પ્રવેશ લઇ શકાય છે. જંગલનાં અલગ અલગ વિસ્તારો પર અલગ અલગ વાઘ અને વાઘણનું વર્ચસ્વ છે. એટલે જે-તે વાઘણના વિસ્તારને ધ્યાનમાં લઈને જે-તે ઝોનનું બુકિંગ કરી શકાય. જેથી, સરળતાથી વાઘ જોવા મળે. અહીં આશરે 114 જેટલા વાઘ વિહરી રહ્યા છે. આ સિવાય, હાલ અહીં કાળો દીપડો જોવા મળે છે, જેને બ્લેકી તરીકે ઓળખવામાં આવે છે. તે આજકાલ લોકપ્રિય છે.
તાડોબા લેક અને પંઢરપોનીની આસપાસનો વિસ્તાર માયા નામની વાઘણના વર્ચસ્વ તળે છે. એટલે અહીં સફારીનાં સમય દરમિયાન સરળતાથી પહોંચવા માટે મોહારલી ઝોનનાં ખૂંટવાડા ગેટથી પહોંચી શકાય છે. આ જ વિસ્તારમાં બ્લૅકી પણ વિહરતો જોવા મળે છે. જામની લેક વિસ્તારમાં છોટી તારા અને તેનાં બચ્ચાંઓ જોવા મળે છે. રેડિયો કોલરવાળી છોટી તારાને આ વિસ્તારમાં તેનાં ત્રણ નાનકડાં બચ્ચાંઓ સાથે ગેલ કરતી હંમેશાં જોઈ શકાય. જામની લેક પર પહોંચવા માટે મોહારલી ઝોનના ખૂંટવાડા અને કોલારા ગેટથી સરળતાથી પહોંચી શકાય છે. તેલિયા લેક વિસ્તાર પર સોનમ અને તેનાં બચ્ચાંઓનું પ્રભુત્વ છે. તેલિયા લેક એક સમયે ચાર બહેનો માટે જાણીતો વિસ્તાર હતો. જેમણે સાથે રહીને આખાય જંગલને હંફાવ્યું હતું અને પ્રાણીઓમાં એકતાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોનમ, લારા, ગીતા અને મોના નામની ચાર બહેનો પર 'ટાઇગર સિસ્ટર્સ ઓફ તેલિયા' નામની દસ્તાવેજી ફિલ્મ પણ બની ચૂકી છે. તેલિયા લેક પહોંચવા માટે મોહરલી ગેટથી જૂના મેટલ રોડ પરથી જઈ શકાય છે. દિવસ દરમિયાન જંગલ મહાલવું એ એક આનંદમય પ્રવૃત્તિ તો છે જ, પણ રાત્રિના સમયે જંગલમાં એક અલગ જ માહોલ સર્જાય છે. આખું જંગલ રાત્રે જાણે જીવંત થતું હોય એમ એક અલગ જ સંગીત ધારણ કરે છે અને નિશાચર જીવો એક્ટિવ થઇ જાય છે. અહીં કોલારા અને મોહરલી ઝોનનાં બે ગેટમાંથી રાત્રિ સફારી પણ થઇ શકે છે, જેનો અનુભવ કરવાની તક જતી ન કરવી જોઈએ.
તાડોબા પહોંચવા માટે નજીકનું એરપોર્ટ નાગપુર છે, જ્યાં પહોંચવા ગુજરાતનાં મુખ્ય એરપોર્ટ્સથી ડાયેરક્ટ ફલાઇટ છે અને નજીકનું રેલવે સ્ટેશન ચંદ્રપુર છે. રહેવા માટે પરમીટ મુજબ જે તે ગેટની નજીકનાં ગામડાંઓમાં વિવિધ બજેટનાં રિસોર્ટ્સ ઉપલબ્ધ છે. મહારાષ્ટ્ર વનવિભાગની વેબસાઈટ http://www.mahaecotourism.gov.in/ પર ઓનલાઇન સફારી બુકિંગ કર્યાં પછી જ તાડોબાની મુલાકાત લઇ શકાશે. ઓનલાઇન બુકિંગ સિવાય કોઈ વિકલ્પ નથી. અહીં સાદું મહારાષ્ટ્રીયન ભોજન અને પંજાબી લિજ્જતની ખાણી-પીણી સરળતાથી મળી રહે છે. શિયાળામાં અહીંનું વાતાવરણ આહલાદક હોય છે પણ વાઘને ચોક્કસપણે જોવો જ હોય તો માર્ચ-એપ્રિલ દરમિયાન પાર્કની મુલાકાત લઇ શકાય. વર્ષ દરમિયાન જૂન 15થી ઓક્ટોબર 15 સુધી પાર્ક બંધ રહે છે. 15 ઓક્ટોબરથી પાર્ક ફરી પ્રવાસીઓને આવકારવા લીલોતરીથી સજીધજીને તૈયાર થઇ જાય છે.
ચાલો, આ નિસર્ગને જીવીએ અને માણીએ અને વાઘનાં નગરને દસ્તક દઈએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.