ડિજિટલ ડિબેટ:મહારાષ્ટ્ર મહાખેલ દ્વિતીયઃ કોકડું ઉકેલાયું કે ગૂંચવાયું? થોડું વિશ્લેષણ, થોડી અટકળો...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકારણમાં નાટકીય વળાંક નવી વાત નથી, પણ મહારાષ્ટ્રમાં મધર ઓફ ઑલ પૉલિટિકલ ડ્રામા ભજવાયો. દેવેન્દ્ર ફડણવીસ એવું માનતા હતા કે પોતે સૂત્રધાર છે, પણ તેમની ચોટલી પાછળથી દિલ્હીમાં બેઠેલા મોવડીમંડળે ખેંચી અને ખેલ બદલવા કહ્યું. તોડફોડ કરીને બનાવેલી નવી સરકારનું સુકાન શિંદે પાસે રહેશે, પણ દોરીસંચાર પોતે કરશે એવું તેમણે કહ્યું. સરકારમાં સામેલ નહીં થાવ, પણ સરકાર સફળ થાય તે માટે (પરદા પાછળથી) સક્રીય રહીશ એવી જાહેરાતના દોઢ જ કલાકમાં દિલ્હીથી જે.પી નડ્ડાનો 'હુકમ' આવ્યો કે તમારે નાયબ મુખ્ય પ્રધાન બનવાનું છે. સીએમ બનવાનું સપનું જોનારા ફડણવીસને બળવાખોર શિંદેના ડેપ્યુટી બનવાનો 'આદેશ' સ્વીકારી લેવો પડ્યો. ગત અઠવાડિયે મહારાષ્ટ્રનું રાજકારણ કેટલું ગૂંચવાયેલું છે તેની ચર્ચા કરેલી, પણ હજીય ઉકેલ આવી ગયો તેમ માની લેવાનું કારણ નથી. કેટલાક કાનૂની મુદ્દા હજીય ઊભા થઈ શકે છે અને ખાસ કરીને રાજકારણની આંટીઘૂંટી તો હજી શરૂ થઈ છે. વધુ એક વાર મહારાષ્ટ્ર રાજકારણની ચર્ચા.

નીલેશ રૂપાપરા (NR): ભાજપે શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને ઉદ્ધવ ઠાકરે સામે ઠંડે કલેજે વેર વાળ્યું છે. મોદી-શાહની આ વઝીર ચાલે ઉદ્ધવને તો ચેક-મેટ કરી જ દીધા છે સાથે-સાથે ત્યાગનો માર્ગ લઈને શિવસેનાના સત્તાધારી જૂથની લગામ પણ કસી નાખી છે. હવે 2024ની ચૂંટણીઓ માટે ભાજપનો રસ્તો એકદમ મોકળો દેખાઈ રહ્યો છે.

દિલીપ ગોહિલ (DG): વેરનાં વળામણાં ખરાં અને ચેક-મેટ કરી દીધા એ પણ ખરું, પણ આમાં નામનોય 'ત્યાગ' નથી - આખી શિવસેના ગળી જવી અને સદાકાળ સત્તા ઓહિયા કરીને ઓડકાર ખાવાની ખંધી ચાલ છે. 2024 લોકસભા અને પછી વિધાનસભામાં ભાજપની આડે કોઈ ના આવે તે માટે રસ્તામાંથી શિવસેનાને સાફ કરી દેવાની ગણતરી છે. આમાં ઉદ્ધવ સેના અને એકનાથ સેના બંનેનો ભૂંહડિયો વળી જવાનો છે. ભાજપ મોવડીમંડળે એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં છે - મૂળ શિવસેનાના પાયામાં લૂણો લગાવી દીધો; એકનાથને આશરો આપ્યો, પણ પોતીકું ઘર છોડાવ્યું, જે ખંઢેર થશે એટલે એકનાથ અનાથ થઈ જશે; ને આ લડાઈમાં વચ્ચે ફડણવીસનો પણ ખો કાઢી નખાયો.

NR: પરંતુ ચોથું પક્ષી પોતાનું ઘાયલ થશે તો? શિવસેનાની સરકારને બહારથી ટેકો આપવાને બદલે સરકારમાં જોડાવાનો અને દેવેન્દ્ર ફડનવીસને નાયબ મુખ્ય પ્રધાનપદે બેસાડવાનો ભાજપનો નિર્ણય થોડો જોખમી લાગે છે. કારણ, એકનાથ શિંદે એક વહીવટકાર તરીકે કેવા સાબિત થશે એ ખાતરીથી કહી શકાય તેમ નથી. બાકીનાં અઢી વર્ષમાં વહીવટકાર તરીકે એમની નબળાઈઓ સામે આવશે તો એમની સાથે ભાજપને પણ આકરી આલોચનાનું ગ્રહણ લાગવાનું જ છે.

DG: એનાથી ઉલટું થઈ શકે છે - દોષનો ટોપલો શિંદે જૂથ પર ઢોળી દેવામાં આવશે. દરમિયાન હજી કાનૂની પેચ ઊભો જ છે. શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં 39 સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે તે હવે અકબંધ રહેશે, પણ 2003માં બંધારણમાં થયેલો સુધારો માત્ર 'મર્જર'ની વાત કરે છે, 'સ્પ્લિટ'ની નહીં. શિંદે આણિ 38 સાથીઓએ ભાજપમાં ભળી જવું પડશે? આમાંના 16ને (એનસીપીના) ડેપ્યુટી સ્પીકરે ગેરલાયક ઠરાવવા કાર્યવાહી કરી તે અંગેની સુનાવણી 11 જુલાઈએ સર્વોચ્ચ અદાલતમાં બાકી જ છે. નવા સ્પીકરની નિમણૂક માટે અત્યાર સુધી (ભાજપના) રાજ્યપાલે કશું ના કર્યું ને હવે નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરી. આને પણ ચેલેન્જ થઈ શકે છે. સ્પીકરની ચૂંટણી વખતે જ શિવસેના બધા '55 શિવસૈનિકો'ને વ્હિપ આપશે ત્યારે શું થશે? 39માંથી માત્ર 3 વ્હિપ સ્વીકારી લેશે (શક્યતા બહુ જ ઓછી છે) તો શું થશે?

NR: કાયદાકીય અને બંધારણીય મુકદ્દમા ચાલતા રહેશે, મીનવ્હાઇલ મહારાષ્ટ્રમાં નવી સરકાર ચાલતી થઈ ગઈ છે. વિપક્ષો માટે છેલ્લાં અઢી વર્ષથી ટીકાસ્ત્રોથી પર રહેલું મહારાષ્ટ્રનું રાજકીય મેદાન હવે હુમલાઓથી ધમધમી ઊઠશે એમાં શંકા નથી. એવા આક્ષેપો ભાજપ-શિવસેનાની હિંદુત્વવાદી સરકાર પર રોજેરોજ મુકાતા રહેશે કે મહારાષ્ટ્રમાં મુસ્લિમો પર અત્યાચાર વધી ગયો છે, લોકતાંત્રિક સંસ્થાઓ ભાજપના બેશરમ નેતાઓનો હાથો બની ગઈ છે, ફાસીસ્ટ રાજકર્તાઓ મીડિયાનો અવાજ દબાવી રહ્યા છે, કોમવાદે માઝા મૂકી છે વગેરે વગેરે. ભાજપ માટે આવા આક્ષેપો નવા નથી, પણ મહારાષ્ટ્રની જનતા માટે આ રાજકીય પરિવર્તન પ્રોગ્રેસિવ સાબિત થશે કે રિગ્રેસિવ? મહા વિકાસ આઘાડી સરકારે તથાકથિત પર્યાવરણપ્રેમી સરકારે મેટ્રોનો કાર શેડ આરે કૉલોનીમાંથી કાંજુરમાર્ગ ખસેડવાનો નિર્ણય લઈને વિકાસના કામને બ્રેક મારી હતી એટલું જ નહીં, એક અંદાજ પ્રમાણે પ્રોજેક્ટનો ખર્ચ પણ 20 હજાર કરોડ જેટલો વધારી દીધો હતો. જોકે ભાજપ-સેના સરકારે સત્તાનાં સૂત્રો સંભાળતાંવેંત મેટ્રોનો કાર શેડ ફરી આરેમાં ખસેડવાનો ત્વરિત નિર્ણય લઈ લીધો છે.

DG: કાર શેડને ફરી આરે કોલોનીમાં કરવાનો પ્રથમ નિર્ણય લઈને આ નવી શિંદે સરકારે પર્યાવરણનો ખો કાઢી નાખનારો, મુંબઈ નગરીનાં ફેફસાંને ઓક્સિજન આપનારા હરિયાળા પટ્ટાને ગળે ટૂંપો દેવાનું કામ કરી 'દુરારંભ' કર્યો છે. આ નિર્ણયથી માત્ર ને માત્ર બિલ્ડર લોબીને ફાયદો થશે. નવી સરકારને પ્રજા હિતની અને પર્યાવરણની કેટલી પરવા હશે તે પ્રથમ ગ્રાસે દેખાડી દીધું છે. ઉદ્ધવ સેનાનું અસ્તિત્વ માત્ર રાજ સેના (મનસે) જેટલું જ રહી જાય તેવા ભાજપના પ્રયાસોને રાજકીય સ્પર્ધા તરીકે ઓળખાવી શકાય, શિંદે જૂથને પણ ધીમે ધીમે સમાપ્ત કરી દેવાશે તેમાં મહારાષ્ટ્રની પ્રજાનું કોઈ અહિત થવાનું નથી. ચિંતા એ છે કે આ તોડફોડને કારણે, ફડણવીસ જૂથની નારાજગીને કારણે, શિંદેના પ્રધાનોના હાથ બંધાયેલા હશે (ઈડીની નોટિસો પણ આવીને પડેલી જ છે) તેને કારણે, રાજ્યપાલ અને સ્પીકરના પદના દુરુપયોગને કારણે, વિધાનસભાનું ગૃહ મળશે ત્યારે (કદાચ) કેવાં વરવાં દૃશ્યો સર્જાશે એ બધાને માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવશે. આ બધી જ ગોબાચારી ઉદ્ધવ સેનાએ કરી હતી - ભાજપ સાથે ચૂંટણી લડ્યા પછી તેને દગો કર્યો, સત્તા ખાતર હિન્દુત્વને છોડીને એનસીપી-કોંગ્રેસનો સાથે લીધો, શરદ પવારની કઠપૂતળી તરીકે સરકાર ચાલવા દીધી. સરવાળે મહારાષ્ટ્રનું કોકડું ઉકેલાયું નથી, ગૂંચવાયું છે. હવે મુંબઈ અને થાણે મહાપાલિકા પર કબજા માટે શું શું ખેલ થશે- જોતા રહો.

NR: રાજકારણમાં 'ખેલ' તો થતા રહેવાના. શિવસેનાએ પહેલાં તો પાંચ વર્ષનો જ આગ્રહ રાખ્યો હતો, અઢી વર્ષનો નહીં; અઢી વર્ષનું સમાધાન સ્વીકારીને તે વખતે જ કેમ શિંદેને સીએમ ના બનવા દીધા? શરદ પવાર શાણા સાબિત થયા અને અજિત પવારને પાછા લાવી શક્યા- ઉદ્ધવ અસંતુષ્ટોને પાછા લાવી શક્યા નહીં એ બધું પણ પણ મહારાષ્ટ્રના નાટકીય ઘટનાક્રમનો હિસ્સો જ છે અને રહેશે. પરંતુ ઠીક છે, લેટ્સ હોપ કે નવી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટાડે. મહારાષ્ટ્રની વિકાસગાડીની ઝડપ વધારે. વળી, શરદ પવાર અને સોનિયા ગાંધીની શેહને કારણે ભૂતપૂર્વ રાજ્યસરકારની ટીકાકારો પ્રત્યેની જે સહિષ્ણુતા ખોવાઈ ગઈ હતી એ નવી રાજ્યસરકારને કારણે પાછી આવે અને કોઈ નેતાની ટીકા બદલ આમઆદમીએ જેલમાં ન જવાની નોબત ન આવે એવી આશા રાખવી અસ્થાને નહીં હોય.

(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો તથા સાંપ્રત પ્રવાહના વિશ્લેષકો છે)