ઇતિહાસ ગવાહ હૈ:પ્રજાવત્સલ મહારાજાઓ સયાજીરાવ અને હરિ સિંહ પણ સેક્સકૌભાંડમાં ફસાયા હતા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ પોતાની ચોથી પત્ની મહારાણી તારા દેવી સાથે - Divya Bhaskar
જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ પોતાની ચોથી પત્ની મહારાણી તારા દેવી સાથે
  • જમ્મૂ-કાશ્મીરના ભાવિ રાજવીને ગોરી મેડમ સાથે પેરિસની રંગીન સૈર ૪૫ લાખમાં પડી હતી
  • લંડનની મુલાકાતમાં ડૉ.મહેતાએ ‘ડોસલાને નાની ઉંમરની કન્યાઓ સાથે મહાલતા જોયા હતા’
  • મહારાજાઓના ટોચના અધિકારીઓ જ નહીં, પ્રપૌત્ર ફત્તેસિંહરાવનાં પુસ્તકોમાંય કિસ્સા નોંધાયા

આજકાલ રાજકારણમાં અમુકતમુક રાજનેતા કે આંદોલનકારીની સેક્સ સી.ડી. બહાર પાડીને એમના મનોબળને તોડવાના કે વશ કરવાના હીન કક્ષાના પ્રયાસો થાય છે. આજકાલ તો આવાં કૌભાંડો માટે હનીટ્રેપ શબ્દપ્રયોગ પણ કરાય છે. ગુજરાતના સાંસદ સહિતનાએ આવા અનુભવો કર્યા છે. જોકે, આવાં કારનામાં અત્યારે જ થાય છે એવું નહીં, આ તો પરંપરા ઘણી જૂની છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે પણ રાજા-મહારાજાઓ કે નવાબોને દબાવવા, વશ કરવા કે તેમની કનેથી નાણાં પડાવવા માટે આવાં સેક્સકૌભાંડોનો સહારો લેવાતો હતો. કાછડીછૂટા રાજા-મહારાજાઓ લંડન જાય ત્યારે ગોરી મેડમો સાથે ફાગ ખેલવા આકર્ષાતા. એમાંથી જન્મતા વિષચક્રમાં એ એવા તે ફસાતા કે બદનામીને ખાળવા માટે એ વેળા લાખો રૂપિયા ઢીલા કરવા પડતા. તેઓએ બ્રિટિશ શાસકોને કરગરીને પોતાની બદનામી થાય નહીં એ માટે મદદ માગવી પડતી અને છતાં ષડ્યંત્રકારો તો મહારાજાઓને એવા ભીંસમાં લેતા કે લંડનની અદાલતના ખટલાઓમાં ભેરવી જ દેતા.

અધિકારી-વંશજની કલમે

ઘરઆંગણે મસમોટાં જનાનખાનાં અને અનેક રાણીઓ ધરાવનારા રાજા-મહારાજા કે નવાબોને લંડનમાં ગોરી મેડમોના બાહુપાશમાં ભીડવવાનાં કાવતરાંમાં ક્યારેક તો એમના જ દરબારીઓ કે સ્ટાફના ગોરા અધિકારીઓ જ ફસાવતા હતા. આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે, પણ એમાંનાં બે ઉદાહરણ ચોંકાવી દે એવાં છે. કારણ કે આ બે મહારાજાના અંતરંગ અધિકારીઓએ જ એમનાં આવાં પ્રકરણોના ઘટનાક્રમ પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યા છે. એટલે એનાં તથ્ય વિશે શંકા કરવાની રહે નહીં. વળી મહારાજાઓ ભણી આ લખનારને ભારોભાર આદર છે. બંને મહારાજાના શાસનને પ્રજાવત્સલ લેખાવી શકાય. એમનું શાસન ખાસ્સું પ્રગતિશીલ હતું. ઈતિહાસના દસ્તાવેજોમાં મઢાઈને પડેલાં આવાં પ્રકરણો જે તે મહારાજાના ઉચ્ચ અધિકારી જ નહીં, એમના જ વંશજ પણ સંબંધિત મહારાજાની જીવનકથાના અંશ તરીકે નોંધવાનું પસંદ કરે ત્યારે એ પ્રજા સમક્ષ લાવવામાં સંકોચ શાને?

મહારાજાની હયાતીમાં પુસ્તક

જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ આદર્શ હિંદુ રાજવી તરીકે સુખ્યાત છે. એમના રજવાડાની બહુમતી પ્રજા મુસ્લિમ હોવા છતાં ન્યાયને જ પોતાનો ધર્મ માનનારા આ મહારાજા ગાદીનશીન થયા એના આગલા વર્ષે એટલે કે ૧૯૨૪માં લંડનમાં એક ગોરી મેડમ સાથે સફર કરવાની મજા એમને એટલી ભારે પડી. પેલી મહિલા અને એના કાવતરાંખોર સાથીઓને રૂપિયા ૪૫ લાખ ખટાવ્યા છતાં મામલો અદાલતે ગયો. એટલું જ નહીં, બ્રિટિશ સરકારે મહારાજાનું નામ બહાર ના આવે એ માટે એમના પર કૃપા કરવાની કોશિશ કર્યાં છતાં એનો ભાંડો ફૂટી જ ગયો કે જાણીજોઈને ફોડવામાં આવ્યો. છેવટે બ્રિટિશ સરકારે જ પેલું ગુપ્ત રખાયેલું મહારાજા હરિ સિંહનું નામ દુનિયાભરમાં ચમકાવી દેતું નિવેદન કર્યું. વર્ષ ૧૯૩૦થી ’૩૫ના ગાળામાં મહારાજા હરિ સિંહના રાજ્યના બંધારણ સલાહકાર રહેલા કે. એમ. પણિક્કરે પોતાની આત્મકથામાં આ ઘટના એકદમ વિગતે નોંધી છે. એમની આત્મકથા ૧૯૫૪માં પહેલી વાર પ્રકાશિત થઈ ત્યારે મહારાજા હરિ સિંહ કાશ્મીરવટે મુંબઈ અને પૂણેમાં વસતા હતા. મહારાજાનું નિધન ૧૯૬૧માં થયું હતું. પણિક્કર ૧૯૨૩માં દિલ્હીના ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી હતા. તેઓ સ્વતંત્ર ભારતના ચીન અને ઈજિપ્તમાં રાજદૂત પણ રહ્યા હતા. મહારાજા કનેથી નાણાં ઓકાવવા માટે હોબ્સ નામના એક ધારાશાસ્ત્રી અને મહારાજાના અંગ્રેજ એડીસીએ મળીને મિસેસ રોબિન્સન નામની મહિલા ભણી મહારાજાને આકર્ષિત કરીને પેરિસની એની સાથે સૈર કરાવી હતી. બ્રિટિશ ઇન્ડિયાના શાસક એવા અંગ્રેજોને નહીં ગાંઠતા મહારાજા હરિસિંહને વશ કરવા માટે કાવતરું ઘડાયાનું પણ મનાય છે.

સયાજીરાવની ઈશ્કેમિજાજી

બરોડા રાજ્યના આદર્શ અને પ્રજાવત્સલ રાજવી તરીકે દુનિયાભરમાં જાણીતા મહારાજા સયાજીરાવ ત્રીજા પણ આવા એક સેક્સકૌભાંડમાં ફસાયા હતા. મહારાણી ચીમનાબાઈ અને ગ્વાલિયરના મહારાજા સિંધિયા સાથે જેની સગાઈ કરાઈ હતી એ સયાજીરાવની રાજકુમારી ઈંદિરા રાજે સાથે તેઓ લંડનમાં હતા. આવા સમયે જ તેઓ એક સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. આ પણ અંગ્રેજ હાકેમોને નહીં ગાંઠતા મહારાજાને વશ કરવાનું કાવતરું હોવાની શંકા ઉપજ્યા વિના રહેતી નથી. જોકે, મહારાજાના અંગત તબીબી અધિકારી ડૉ. સુમંત મહેતા એ વેળા મહારાજાની સાથે યુરોપના પ્રવાસે ગયેલા હતા. પોતાનાં સંસ્મરણોમાં મહારાજાના દીવાન મનુભાઈ મહેતાના જમાઈ ડૉ.મહેતાએ નોંધ્યું છે કે ‘ડોસલાને નાની ઉંમરની કન્યાઓ સાથે મહાલતા જોયા હતા.’ એટલું જ નહીં, સંસ્મરણોના એક પ્રકરણમાં તો ડૉ. મહેતા વર્ણવે છે કે મહારાજા એક મહિલાના પ્રેમીઓમાંના એક તરીકે એના પતિ થકી છૂટાછેડાના ખટલામાં બદનામી થાય એટલી હદે ફસાયા હતા. ડૉ. મહેતાએ આ બાબતો પોતાનાં સંસ્મરણોમાં વિગતે નોંધવા ઉપરાંત મહારાણી સાથેના ઝઘડાની વાત પણ નોંધી છે.

સયાજીરાવે મોટી રકમ ચૂકવી

વાત માત્ર ડૉ.મહેતાએ જ નોંધી છે એવું નથી. મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર અને બરોડાના મહારાજા રહેલા ફત્તેસિંહરાવે સયાજીરાવની અંગ્રેજીમાં લખેલી જીવનકથા “સયાજીરાવ ઓફ બરોડા: ધ પ્રિન્સ એન્ડ ધ મેન”માં પણ આ પ્રસંગની નોંધ કરી છે. મહારાજા ફત્તેસિંહરાવ ગાયકવાડ એમના પિતાશ્રી અને બરોડાના મહારાજા રહેલા પ્રતાપસિંહરાવ ગાયકવાડે સ્થાપેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાન્સેલર ઉપરાંત ગુજરાતના આરોગ્ય મંત્રી અને સાંસદ પણ રહ્યા હતા. એકપત્ની ધારાના ઉલ્લંઘન અને રાજના ખજાનાના ખોટા ખર્ચાઓ સહિતના મુદ્દે વિવાદાસ્પદ બનેલા મહારાજા પ્રતાપસિંહરાવને ભારત સરકારે ગાદીએ ઉઠાડી મૂકીને ફત્તેસિંહરાવને ૧૯૫૧માં “મહારાજા” જાહેર કર્યા હતા. સંયોગ એવો હતો કે ઈંદિરા રાજેએ મહારાજા ગ્વાલિયરનાં બીજા રાણી થવાનો સાફ ઈનકાર દીધો અને પોતે કૂચબિહારના મહારાજાના ભાઈ સાથે (જે પાછળથી મહારાજા બન્યા) ફાગ ખેલતાં હતાં એ જ ગાળામાં બરોડાના મહારાજાનું પેલું ‘સેક્સકાંડ’ બન્યું હતું. બરોડાના મહારાજા ફત્તેસિંહરાવે પણ સયાજીરાવની જીવનકથામાં નોંધ્યું છે કે “સયાજીરાવે બદનામીને ખાળવા માટે ઘણી મોટી રકમ વળતર તરીકે ચૂકવી છતાં એમની બદનામી તો થઈને રહી હતી, કારણ એ પણ મહારાજાને વશ કરવાનું કાવતરું જ હોવું ઘટે.”

દલિત સંવેદનાના રાજવી

મહારાજા હરિ સિંહ અને મહારાજા સયાજીરાવ બંનેએ અંગ્રેજોના સંપૂર્ણ આધિપત્યને કબૂલવામાં ખચકાટ અનુભવ્યો હતો એટલે એમને ફસાવવા માટેનાં કાવતરાં થતાં રહેતાં એટલું જ નહીં, તેમની સતત જાસૂસી પણ થતી હતી. બંને મહારાજાના શાસનને બિરદાવવા જોગ ગણાવી શકાય એટલું જ નહીં, બંને રાજવીઓનો દલિતો પ્રત્યેનો દૃષ્ટિકોણ અન્ય રાજવીઓની તુલનામાં કાયમ માનવીય રહ્યો છે. એ જમાનામાં જ્યારે આભડછેટ રખાતી હતી અને દલિતોને મંદિર પ્રવેશ કરવા દેવાતો નહોતો ત્યારે મહારાજા હરિ સિંહે પોતાના રાજ્યનાં મંદિરો દલિતો માટે ખુલ્લાં મુકાવ્યાં હતાં. મહારાજા સયાજીરાવ ત્રીજે અંત્યજો (દલિતો) માટે અલાયદી શાળાઓ ખોલાવી હતી અને એમને શિક્ષિત કરવાની સુવિધા પૂરી પાડી હતી. કેન્દ્રમાં મંત્રી રહેલા યોગેન્દ્ર મકવાણા ઘણીવાર કહેતા રહ્યા છે કે “મહારાજા સયાજીરાવે અંત્યજ શાળાઓ ના ખોલાવી હોત તો અમે ભણી ના શક્યા હોત અને શું અવસ્થામાં હોત એ વાતે કમકમાં આવે છે.” જોકે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંત્યજ શાળાઓ ખોલાવી અને પોતાની સમગ્ર પ્રજાની સાથે જ અંત્યજોને પણ ભણવાની સુવિધા પૂરી પાડી એટલું જ નહીં, ભારતીય બંધારણના મુખ્ય રચયિતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને વિદેશમાં ભણવામાં સહાય કરી એ બાબાસાહેબને પોતાના મિલિટરી સચિવ જ નહીં ધારાસભાના સભ્ય નિયુક્ત કર્યા એમના વડોદરાનિવાસ માટે સાદા મકાનની વ્યવસ્થા કેમ ના કરી એ મહાપ્રશ્ન તો હજુ ઊભો જ છે.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)