તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સના જમાનામાં ‘બિન્જ વૉચ’ (Binge Watch) શબ્દ કડકડતી નોટની જેમ વપરાય છે અને સિનેરસિયાઓના વીકએન્ડનો પર્યાય બની ગયો છે. કોઈ ફિલ્મો કે સિરીઝનું એકધારું સળંગ પાન કરવાની પ્રક્રિયાને બિન્જ વૉચ કહે છે. આપણે દર શનિવારે આ કોલમમાં ફિલ્મો, સિરીઝ અને તેની આસપાસની અનેક બાબતો વિશે નિરાંતે વાતો માંડીશું.
***
આ અઠવાડિયે અમે બેક ટુ બેક ત્રણ ફિલ્મો બિન્જ વૉચ કરી. જાતભાતના ખાદ્યપદાર્થો મોંમાં ઓરતાં ઓરતાં જોવાયેલી આ ફિલ્મોમાંની બે મલયાલમ અને એક અંગ્રેજી છે. જોગાનુજોગ ત્રણેય ફિલ્મોમાં લ.સા.અ. જેવી કોમન વાત એ નીકળી કે ત્રણેયનાં ટાઇટલ (ઇરાદાપૂર્વક) ગેરમાર્ગે દોરનારાં નીકળ્યાં. જાણે ડિરેક્ટરે કટાક્ષમાં પોતાની ફિલ્મોનાં નામ પાડ્યાં હોય. તેમાંથી આ વીકએન્ડ પર અચૂક જોવા જેવી બે ફિલ્મો વિશે વન બાય વન વાત કરીએ. લેકિન તે પહેલાં એક વણમાગી સલાહ.
ઘણા વાચકો મોંએથી ત્રાંસો ‘ડિજિટલ ડચકારો’ બોલાવીને ફરિયાદ કરે છે કે, ‘તમે યાર આવી મલયાલમ ને એવી મોંમાંથી જલેબીનાં ગૂંચળાં વછૂટતાં હોય એવી ભાષાની અજાણી ફિલ્મો વિશે જ વાત કરો છો. વળી, એ ફિલ્મોનું હિન્દી ડબિંગ પણ ઉપલબ્ધ ન હોય. એટલે અમારે તે અંગ્રેજી સબટાઇટલ્સ વાંચવા કે ફિલ્મ જોવી?’ તો જનાબ, એક જવાબ એવો છે કે મલયાલમ સિનેમા અત્યારે દેશની બેસ્ટમ બેસ્ટ ફિલ્મો બનાવે છે. બોક્સ ઓફિસ કલેક્શન કે બિગ સ્ટાર્સ વગેરે કામણમાં ફસાયા વિના તેઓ સિનેમા ને સ્ટોરી ટેલિંગમાં ગજબ એક્સપરિમેન્ટ કરે છે. હવે જ્યારે જાતભાતનાં સ્ટ્રીમિંગ આખા દેશ અને દુનિયાના સિનેમાનો અન્નકૂટ આપણી સમક્ષ ધરી દેતા હોય ત્યારે આપણે શા માટે કૂપમંડુક થઈને અમુક ચોક્કસ કન્ટેન્ટ જ જોવું જોઇએ? રહી વાત સબટાઇટલ્સની, તો ધીમે ધીમે સબટાઇટલ્સ વાંચતાં વાંચતાં ફિલ્મ જોવાની એવી ટેવ પડી જાય છે કે એ જરાય અગવડભર્યું નથી લાગતું. પહલે ઇસ્તેમાલ કરે, ફિર વિશ્વાસ કરેં!
લવઃ પ્રેમના નામે હિંસા ચાલે?
આ અઠવાડિયે જ ‘નેટફ્લિક્સ’ પર અવતરણ પામેલી આ મલયાલમ ફિલ્મનું નામ ‘લવ’ છે, પણ એ બડી ચતુરાઈથી અને સાઇકોલોજિકલ થ્રિલરના વાઘા પહેરીને ડોમેસ્ટિક વાયોલન્સના ગંભીર ઇશ્યૂની વાત કરે છે. માંડ દોઢ કલાકની આ ફિલ્મ શરૂ થાય છે ત્યારે સ્ક્રીન પર એક પ્રેગ્નન્સી કિટ પોઝિટિવ રિઝલ્ટ બતાવે છે. પછીના દૃશ્યમાં એક યુવતી ગાઇનેકોલોજિસ્ટની ક્લિનિકમાં ચેકઅપ કરાવી રહી છે. તેના ઉદરમાં ઊછરી રહેલો બે મહિનાનો ગર્ભ પણ સ્ક્રીન પર દેખાય છે. પરંતુ તેના ચહેરા પર માતૃત્વ ધારણ કરવાનો આનંદ દેખાતો નથી. આ તબક્કે આપણને ખબર નથી કે તે યુવતી કોણ છે. એટલે જ તેના ગાલ પર રહેલો ઉઝરડો પણ આપણે આસાનીથી મિસ કરી દઇએ છીએ. થોડી વારે તે યુવતી ઘરે પહોંચે છે. મારધાડની વીડિયોગેમ રમતો એક દાઢીધારી પુરુષ દરવાજો ખોલે છે. યુવતી જાણે વણજોઇતી ખરીદીનું બિલ પકડાવતી હોય તેમ સોનોગ્રાફીનો રિપોર્ટ તે દાઢીધારીના હાથમાં પકડાવે છે અને કંઇક ઇરિટેશનથી કહે છે, ‘કોંગ્રેચ્યુલેશન.’
રસોડાની સિંકમાં સાફ કર્યા વિના પડેલી એંઠી ડિશોનો ઢગલો જોઇને અચાનક તે યુવતીનો પારો છટકે છે અને તે ડિશનું આવી બને છે. તૂતૂ મૈંમૈંથી શરૂ થયેલો તે ઝઘડો હાથાપાઈ પર પહોંચે છે અને દાઢીધારી તે યુવતીનું માથું જોશભેર દીવાલ પર અફળાવે છે. દીવાલ પર આ બંનેની એકબીજાના ચહેરા પર ચહેરો મૂકેલી રોમેન્ટિક તસવીર લટકે છે. તેના પર જ આ યુવતી અફળાય છે અને લોહીના ડાઘ સાથે કાચ તૂટે છે. યુવતી ફસડાઈ પડે છે. સ્ક્રીન પર ફિલ્મનું નામ દેખાય છે ‘LOVE’.
યસ્સ, આ બંને પતિ-પત્ની છે અને અહીં જે વર્ણવ્યું તે ફિલ્મની પહેલી પાંચેક મિનિટમાં જ અને મિનિમમ ડાયલોગ્સમાં આપણી સામે રજૂ થઈ જાય છે. આ યંગ કપલના ફ્લેટનો ખૂણેખૂણો પ્રેમથી સજાવેલો છે તે દેખાઈ આવે છે. બંનેના લવમેરેજ છે એ પણ ખ્યાલ આવી જાય છે. હવે તો બંનેનો પ્રેમ બેવડાવાનો છે. છતાં એવું તે શું છે કે આ બંને એકબીજાના લોહીનાં તરસ્યાં બની ગયાં છે?
વાર્તાને નવી રીતે ન કહે તો મલયાલમ સિનેમા શાનું? તરત જ વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ સાથે એક થ્રિલિંગ કશમકશ શરૂ થઈ જાય છે. આ જ ઘરની અંદર વણનોતર્યા મહેમાનો પધારીને મુશ્કેલીઓનો ગુણાકાર માંડે છે. તમે એ મહેમાનોની માથાકૂટથી ત્રાસવાની શરૂઆત કરો ત્યાં જ વાર્તાને વધુ એક ટ્વિસ્ટ નામનો વળ ચડે છે ને અત્યાર સુધી જે કંઈ જોયું તેની સામે જ પ્રશ્નાર્થ મૂકી દે છે. ધીમે ધીમે દિમાગની ખોલીમાં અજવાળું થવા માંડે છે, ને અત્યાર સુધી જે ડાયલોગ્સ આપણને ફિઝૂલ લાગતા હતા તેના તાર આપણી મૂળ વાર્તાનાં પાત્રો સાથે જોડાવા લાગે છે. દિમાગમાં પૂરતાં દીવા-બત્તી થઈ જાય ત્યાં વધુ એક ટ્વિસ્ટ સાથે એ સવાલ તરવરતો રહે, લવના નામે હિંસા ચાલે? હિંસાનું મારણ હિંસા હોય?
ઇશ્કઃ મર્દાનગી નામની ગલતફહમી
આ મલયાલમ ફિલ્મ આમ તો છેલ્લા દોઢેક વર્ષથી ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર ઉપલબ્ધ છે, લેકિન ‘લવ’ ફિલ્મની રિલીઝ પછી તે ફરી ચર્ચામાં આવી છે. આ ફિલ્મના કેન્દ્રમાં પણ એક ક્યુટ યંગ પ્રેમીઓની જોડી છે. વિખરાયેલા વાળ, બંને ગાલમાં ડિમ્પલ અને દાંત પર બ્રેસિસવાળો હીરો વધુ ક્યુટ છે કે પારેવા જેવી હિરોઇન, એની મીઠી મૂંઝવણ થાય. બંને એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં છે. બીજા દિવસે યુવતીનો બર્થડે છે એટલે એ દિવસે શું કરીશું એનું ફોન પર પ્લાનિંગ ચાલી રહ્યું છે. બર્થડે પર જ સગાઈની રિંગ પહેરાવવાનું આપણો હીરો નક્કી કરી ચૂક્યો છે. મિત્ર પાસેથી ઉછીની લીધેલી કારમાં બંને આખો દિવસ સાથે ગાળે છે, શોપિંગ કરે છે. રાત્રે પાછા ફરતી વખતે હીરોની ઇચ્છાઓ સળવળી ઊઠે છે. આવા રોમેન્ટિક દિવસનો અંત તો એક અતિરોમેન્ટિક ચુંબનથી જ થવો જોઇએ ને?! ‘કોઈ જોઈ જશે તો?’ એવા ફફડાટમાં કારની પાછલી સીટમાં નિર્દોષ ચુંબનની આપ-લે થાય છે. યુવતી કહે છે, થોડી વાર બાજુમાં બેસ ને... અને ત્યાં જ, મોરાલ પોલીસિંગનો રાક્ષસ આળસ મરડીને બેઠો થાય છે. નીતિમત્તાના બની બેઠેલા ઠેકેદારો મોબાઇલ નામનું હથિયાર લઇને આ પારેવાંની જોડીને વિકૃત રીતે પજવવાનું શરૂ કરે છે. તે એકેએક ક્ષણ એ રીતે ફિલ્માવવામાં આવી છે, જેને જોતી વખતે આપણને પણ તે પ્રેમીયુગલની કફોડી હાલત ફીલ થવા માંડે.
આખરે એક લાંબી કાળરાત્રિને અંતે માંડ બંનેનો છૂટકારો થાય છે. ત્યારે ડિમ્પલવાળો એ યુવાન પોતાની પ્રેમિકાને જે સવાલ પૂછે છે એ જોઇને આપણે પણ હચમચી જઇએ છીએ, કે આ પારેવાની અંદર પુરુષ ક્યાંથી પ્રગટી ગયો? અને માણસની અંદર બેઠો થયેલો એ ‘મર્દ’ એને એવું કામ કરવા માટે મજબૂર કરે છે જે જોઇને આપણને સવાલ થાય કે જો વેર વેરથી ન શમતું હોય, તો ઝેરીલી મર્દાનગીનો જવાબ ઝેરીલી મર્દાનગી હોઈ શકે? આ ફિલ્મ પૂરી થયે રિયલ લાઇફ મોરાલ પોલીસિંગના સમાચારોના સાચુકલાં ક્લિપિંગ્સ આપણી સામે પેશ થાય છે, જે સાબિત કરે છે કે પ્રાચીનકાળથી ‘ઇશ્ક’ને સેલિબ્રેટ કરતો આવેલો આપણો દેશ કેવો દકિયાનુસી નફરતનું પાંજરૂ બની રહ્યો છે.
આ બંને ફિલ્મો ભરપુર થ્રિલ સાથે આપણને એ સવાલ પર પણ વિચારતા કરતી જાય છે કે એક્ઝેક્ટ્લી આપણે કેવો સમાજ બનાવી રહ્યા છીએ? આ બંને ફિલ્મો જુઓ તો આ વિશે વિચારજો, અને કહેજો ખરા કે કેવી લાગી! jayesh.adhyaru@dainikbhaskar.com
(લેખક બે ફિલ્મ-સિરીઝનાં સ્ક્રીનિંગ વચ્ચે જીવતા સિનેમાના આકંઠ રસિયા છે)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.