એક્સપ્લોર ઇન્ડિયા:વિશ્વનાં પુરાતત્ત્વીય બંદરોમાં સૌથી પ્રાચીન અને સિંધુ સંસ્કૃતિના મળી આવેલાં મોટાં નગરો પૈકીનું એક નગર એટલે 'લોથલ'

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી પ્રજાનાં વ્યાપરી અને ઉદ્યોગલક્ષી અભિગમનાં મૂળ તપાસવા બેસીએ તો એ તમને સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વીય વારસા સુધી અવશ્ય લઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સભ્યતાના લોકોની ભેટ જ જાણે જોઈ લો. પુરાતત્ત્વીય નકશા પર વિશ્વમાં મહત્ત્વનું સ્થાન પામનાર લોથલ ઉદ્યોગ અને વ્યાપારિક પ્રવૃત્તિઓનો ઉત્કૃષ્ટ સમન્વય ગણી શકાય. લોથલ વિશ્વનાં પુરાતત્ત્વીય બંદરોમાં સૌથી પ્રાચીન સ્થાન ધરાવે છે. આજે આપણે અમદાવાદ જિલ્લામાં આવેલી આ સિંધુ સભ્યતાના મહત્ત્વપૂર્ણ સ્થળ લોથલની મુલાકાતે નીકળીએ. શાળાજીવનમાં ઘણાને ક્યારેક કાંટાળાજનક લાગ્યો હોય એવા ઇતિહાસ વિષયને જો આવાં સ્થળોની મુલાકાતના માધ્યમથી ભણવામાં આવે તો ચોક્કસથી દરેક માટે ઇતિહાસ ખૂબ જ રસપ્રદ બનાવી શકાય. લોથલ એક સમયે જીવંતતાથી ભરપૂર હશે એની સાક્ષીમાં આ ભગ્ન અવશેષો ઊભા છે. જાણે દરેક પથ્થર સદીઓથી તેમને આ સ્વરૂપ આપનાર તેમના સર્જકોની હયાતીના પુરાવા આપવા જ ઊભા હતા એવું લાગે. ખંભાતના અખાત નજીક આવેલું આ સૌથી પ્રાચીન બંદર આપણા માટે ગૌરવની વાત છે. ભારતમાં સિંધુ સંસ્કૃતિના મળી આવેલાં મોટા નગરો પૈકીનું એક નગર એટલે લોથલ.

આઝાદીના સમયે મોહેં-જો-દડો અને હડપ્પા જેવાં સ્થળો પાકિસ્તાનના હિસ્સામાં જતા રહ્યા. તેથી ભારતમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળ જુદાં-જુદાં સ્થળોએ સંશોધનો શરૂ થયાં અને તેના પરિણામ સ્વરૂપ આપણને આજે આ ભવ્ય વારસો પ્રાપ્ત થયો. ડૉ. એસ. આર. રાવની આગેવાની હેઠળ અહીં સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ આજે સૌની સમક્ષ છે. લોથલ ભોગાવો અને સાબરમતી નદીના વહેણની મધ્યમાં સ્થિત હતું એવું કહેવામાં આવે છે. ઈસવીસન 1954માં ડો. શિકારીપૂરા રંગનાથ રાવ દ્વારા ઉત્ખનનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. લોથલને જેમ જેમ જાણીશું તેમ તેમ આશ્ચર્ય થશે, તે લોકોનું સુઝબુઝ, જીવનશૈલી, ઉદ્યોગો, રહેણાંક વગેરે ખૂબ જ આયોજનબદ્ધ કહી શકાય એવાં. લોથલનાં મોટાભાગનાં બાંધકામ પાકી ઈંટોમાંથી કરવામાં આવેલાં છે. આજથી લગભગ 4500 વર્ષો પહેલાં આટલાં સુવ્યવસ્થિત બાંધકામો જરૂરથી અચરજ પમાડે છે.

લોથલમાં બધાં જ મકાનો, ફેક્ટરીઓ, ગોદામો વગેરે ઊંચા ઓટલા જેવા બાંધકામ પર બનાવવામાં આવતા. જેથી, પૂર જેવી પરિસ્થિતિમાં રક્ષણ મેળવી શકાય
લોથલમાં બધાં જ મકાનો, ફેક્ટરીઓ, ગોદામો વગેરે ઊંચા ઓટલા જેવા બાંધકામ પર બનાવવામાં આવતા. જેથી, પૂર જેવી પરિસ્થિતિમાં રક્ષણ મેળવી શકાય

લોથલને મુખ્યત્ત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ઉપલું નગર કે જ્યાં મોટાભાગની ફેક્ટરીઝ અને ગોદામો આવેલાં છે અને બીજું નીચેનું નગર જ્યાં નાનાં રહેણાંકનાં ઘરો આવેલાં છે. મોટાભાગનાં સિંધુ સંસ્કૃતિનાં સ્થળોનાં મકાનોનાં બારણાં મુખ્ય માર્ગ પર ખૂલવાને બદલે શેરીઓમાં પડે છે, જ્યારે લોથલમાં ઘરના દરવાજાઓ મુખ્ય માર્ગ પર જ સીધા પડે છે. અહીંની બીજી એક વિશેષતા એ છે કે અહીંનો વિસ્તાર દરિયાથી નજીક હોવાના કારણે કદાચ વારંવાર પુરનો ભોગ બનતા હશે. તેથી બધાં જ મકાનો, ફેક્ટરીઓ, ગોદામો વગેરે ઊંચા ઓટલા જેવા બાંધકામ પર બનાવવામાં આવતા. જેથી, પૂર જેવી પરિસ્થિતિમાં રક્ષણ મેળવી શકાય. અહીંનાં દરેક મકાન પાકી ઈંટોમાંથી બાંધવામાં આવેલાં છે.

લોથલને અન્ય હડપ્પીય સ્થળોમાં અલગ સ્થાન અપાવનાર અહીંનો જહાજો લાંગરવાનો બંદરનો ધક્કો કહી શકાય. જે પાકી ઈંટો વડે બાંધવામાં આવેલો છે. આ ડૉકયાર્ડને કારણે જ લોથલનો વ્યાપાર સમકાલીન વિશ્વના લોકો સાથે થતો હતો. આ ડૉકયાર્ડમાં પાણીનો સંગ્રહ અને નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તળિયા પર સેલખડીથી પાણી લીક ના થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવેલી. તેમજ, તળિયા પર મોટાં કાણાંવાળા પથ્થરો મળી આવ્યા છે કે કદાચ વાહણોને લાંગરવાના ઉપયોગમાં લેવામાં આવતા હતા. લોથલ સાઈટ પરના એક બેનર મુજબ 60 ટનની ક્ષમતા ધરાવતાં ત્રીસ જેટલાં શિપ માટે આ ડૉકયાર્ડ સક્ષમ હતું, જે આજના વિશાખાપટ્ટનમ બંદર જેટલી જ ક્ષમતા ધરાવતું હતું. કેટલી આશ્ચર્યજનક બાબત! તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા લોથલમાં મેરિટાઈમ હેરિટેજ મ્યૂઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. આ ડૉકયાર્ડ પાસે જ મોટી ફેક્ટરી તેમજ ગોદામ જેવાં બાંધકામ મળી આવ્યાં છે. જેમાં મોટા પાયા પર મણકાઓનું ઉત્પાદન થતું હશે એવું અનુમાન લગાવવામાં આવે છે. અહીંથી જ મેસોપોટેમિયા, ઇજિપ્ત તેમજ પર્શિયા વગેરે સાથે વ્યાપાર કરવામાં આવતો હશે, જે અહીંથી મળેલી મુદ્રાઓ પરથી કહેવામાં આવે છે. તેથી કહી શકાય કે લોથલ મહત્ત્વપૂર્ણ વ્યાપારી નગર હતું.

લોથલમાં રહેણાંકના મકાનો ઉપરાંત સ્મશાનના પણ પુરાવા મળ્યા છે. અહીં એકવીસ જેટલાં હાડપિંજર મળી આવ્યાં છે, જેમાં એક સ્ત્રી પુરુષના મૃતદેહનું જોડકું મળી આવ્યું છે, જેની પાસેથી અમુક ચીજવસ્તુઓ પણ મળી આવી છે. આ બધું કોઈને પણ વિચાર કરવા મજબુર કરી દે. શું એ કોઈ સતીપ્રથા જેવો રિવાજ હતો? કે પછી આપણી કેટલીક અમર પ્રેમકથાઓ જેવી કોઈ પ્રેમી બેલડી હશે? કદાચ એનું રહસ્ય પણ કાળક્રમે દટાઈ ગયું હશે. અહીંના એક અન્ય શબની ખોપરીમાં કાણું મળી આવ્યું છે તે પરથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે એ સમયે મગજની શસ્ત્રક્રિયા શરીરના અન્ય ભાગો જેમ થતી હશે. આ શબ લોથલના મ્યૂઝિયમમાં પ્રતિકૃતિ સ્વરૂપે રાખવામાં આવ્યાં છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે પરીક્ષણ બાદ આ સાઈટનો સમયગાળો ઇ.સ. પૂર્વે 2450થી 1900 સુધીનો ગણવામાં આવે છે. આટલાં વર્ષો અગાઉ આવું સુવ્યવસ્થિત આયોજન ત્યારનાં લોકોની સુઝબુઝ દર્શાવે છે. મકાનોમાં સ્નાનગૃહ, રસોડું અને ગંદા પાણીના નિકાલ માટે ગટરોની નિકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીંની ગટર વ્યવસ્થા તે લોકોના સ્વચ્છતા પ્રત્યેના સભાનપણાનો પુરાવો આપે છે. ગટરોની સાફસફાઈ કરવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી.

મોટાભાગનાં સિંધુ સંસ્કૃતિનાં સ્થળોનાં મકાનોનાં બારણાં મુખ્ય માર્ગ પર ખૂલવાને બદલે શેરીઓમાં પડે છે, જ્યારે લોથલમાં ઘરના દરવાજાઓ મુખ્ય માર્ગ પર જ સીધા પડે છે
મોટાભાગનાં સિંધુ સંસ્કૃતિનાં સ્થળોનાં મકાનોનાં બારણાં મુખ્ય માર્ગ પર ખૂલવાને બદલે શેરીઓમાં પડે છે, જ્યારે લોથલમાં ઘરના દરવાજાઓ મુખ્ય માર્ગ પર જ સીધા પડે છે

લોથલના મ્યૂઝિયમમાં સાઈટ પરથી મળી આવેલી વસ્તુઓ સંરક્ષિત રાખવામાં આવેલી છે. સૌથી વધુ અહીં વિવિધ પ્રકારના મણકાઓ અને તેનાથી બનાવેલા દાગીનાઓ જોવા મળે છે. વિવિધ પ્રકારની માળાઓ પરથી તે સમયની મહિલાઓની ફેશન વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારના શંખ, પથ્થરો, અકીક, સોના, ચાંદી જેવી ધાતુઓ ઉપરાંત માટીનાં પણ ઘરેણાં મળી આવ્યાં છે. એક માળાના મોતી કે મણકા એટલા ઝીણા છે કે બિલોરી કાચથી જોવા પડે છે. ગળામાં પહેરવાની અનેક માળાઓ, વીંટીઓ, બંગડી જેવા ઓર્નામેન્ટ્સના પુરાવા મળે છે. તેમજ, વિવિધ મુદ્રાઓ અને એક શીંગી ગેંડાનું મુદ્રાંકન મળી આવ્યું છે. હથોડી, ગોફણ, તીર, ભાલા,તીક્ષ્ણ પથ્થરોની છરી જેવા હથિયારો પરથી એવો અંદાજ લગાવી શકાય કે આ બધાં હથિયારો મોટાભાગે ઉદ્યોગો અને રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવે એવાં હતાં. માટીનાં વિવિધ પ્રકારના મૃતભાંડો પણ મળી આવ્યાં છે, જે અલગ અલગ પ્રકારનાં છે, જેમાં એક પર કાળા રંગનું ચિત્રાંકન પણ થયેલું છે. તેમજ બાળકોના મનોરંજનનો પણ એ સમયે ખ્યાલ રાખવામાં આવતો હતો. બાળકો માટે અલગ અલગ રમકડાં જેવાં કે બળદગાડું તેમજ પશુપક્ષીના આકારનાં રામકડાંઓ વગેરે.

લોથલમાં લટાર મારતાં આપણે એ વાત સમજ્યા કે અહીંના લોકો સુવિધાજનક છતાં સાદગીપૂર્ણ જિંદગી જીવતા હતા. લોથલના અંત વિશે એવું કહેવાય છે કે આ નગરનો નાશ પુરના કારણે થયેલો છે. આદિથી આજ સુધી એ તો પુરવાર થાય જ છે કે માનવી ગમે તેટલો આધુનિક બને આવિષ્કારો કરે. પરંતુ કુદરત પાસે તો પાંગળો જ રહેશે. માટે કુદરતને અનુકૂળ રહેવામાં જ આપણી ખુશી અને ભલાઈ છે. સમયનું ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે. હજારો વર્ષો પૂર્વે અહીં એક ખૂબ જ આધુનિક સભ્યતા વસવાટ કરતી હતી એની આગવી વાર્તાઓ હશે જે હજુ સુધી કોઈ ઊકેલી શક્યું નથી તો ધરતી બહાર કોઈ જીવનાં અસ્તિત્વ સુધી પહોંચવું એ કલ્પના જેવું જ કહી શકાય.

લોથલના અંત વિશે એવું કહેવાય છે કે આ નગરનો નાશ પુરના કારણે થયેલો છે. આદિથી આજ સુધી એ તો પુરવાર થાય જ છે કે માનવી ગમે તેટલો આધુનિક બને આવિષ્કારો કરે. પરંતુ કુદરત પાસે તો પાંગળો જ રહેશે
લોથલના અંત વિશે એવું કહેવાય છે કે આ નગરનો નાશ પુરના કારણે થયેલો છે. આદિથી આજ સુધી એ તો પુરવાર થાય જ છે કે માનવી ગમે તેટલો આધુનિક બને આવિષ્કારો કરે. પરંતુ કુદરત પાસે તો પાંગળો જ રહેશે

આ નગરની ગલીઓમાં એક આંટો મારી જુઓ તો સમજાય કે આ નગર હજુ પણ ધબકતું નગર છે. ઊંડી સમજથી રચાયેલું આ નગર આજનાં આર્કિટેક્ટની સુઝબુઝ કરતા તો ક્યાંય આગળ પડતું છે. અહીંની દીવાલ પર બે ઘડી બેસીને એક સભ્ય અને સંસ્કૃત નગરમાં કોઈ સંસ્કૃત વ્યક્તિના ઘરે બેસીને આવ્યા એવું અનુભવાશે. ઉમદા સંસ્કૃતિ એક સંસ્કૃત સમાજથી બને છે અને સંસ્કૃત સમાજ એવા લોકોથી બને છે જે દરેક જીવમાત્ર માટે સંવેદના ધરાવતા હોય. બાકી આજના સમાજથી ફરી કોઈ સંસ્કૃતિ બનશે એવું હું નથી માનતો.

આ ધબકતા નગરની મુલાકાત લઈને આપણા પૂર્વજોની, આપણા સમાજની અને આપણી સંસ્કૃતિની ઓળખ નાના બાળકોને પણ આપીએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)