ઇટ્સ કોમ્પ્લિકેટેડ:દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરોં ને લાખોં કો લૂટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં એક છેલબટાઉ યુવાન રહે છે. આમ તો પરણેલો છે અને બે બાળકનો પિતા પણ છે. જો કે, તેને યુવતીઓને ફસાવવાનો શોખ છે. માત્ર શોખ છે એવું નથી, તેમાં તેની ફાવટ પણ આવી ગઈ છે. એ વાતવાતમાં કોઈપણ યુવતીને પોતાના પ્રભાવમાં લઈ લે છે. દેખાવડો છે. નિયમિત માથાની વિગ પણ બદલતો રહે છે. વિગ બદલે તેની સાથે-સાથે છોકરીઓ પણ બદલતો રહે છે.

એ યુવતીઓને શા માટે ફસાવે છે? પૈસા માટે. એ પૈસાનો ભૂખ્યો છે. સાધારણ રીતે તો છોકરી કે યુવતીને પટાવવા માટે છોકરાએ પૈસા ખર્ચવા પડે છે. અનેક છોકરાઓ પૈસા ખર્ચી-ખર્ચીને થાકી જતા હોય છે. ખાલી થઈ જતા હોય છે. ઘણીવાર ગજવાથી અને ઘણીવાર હૃદયથી પણ ખાલી થઈ જતા હોય છે. અહીંયા એકદમ ઊલટી ગંગા વહે છે. પ્રેમમાં પડ્યા પછી છોકરીઓ ઉદારતાથી પૈસા ખર્ચતી થઈ ગઈ છે. ઘણીવાર એ છોકરી નોકરી કરતી હોય તો તેના પોતાના પૈસા હોય અને ઘણીવાર ઘરમાંથી લીધેલા પૈસા હોય. કેટલાક કિસ્સાઓમાં તો પ્રેમમાં ગળાડૂબ ખાબકી ગયેલી છોકરીઓ પ્રેમીજન માટે પૈસાની ચોરી પણ કરતી હોય છે. એ લોકો એવું માને છે કે પ્રેમમાં તો ગમે તે કરવું પડે. આમેય એવું કહેવાય જ છે ને કે, પ્રેમ આંધળો હોય છે.

આ યુવક ચબરાક છે. તેણે છોકરીઓને પટાવીને, પ્રેમજાળ કે મોહજાળમાં ફસાવીને પૈસા બનાવવાનો જાણે કે ધંધો જ શરૂ કરી દીધો છે. એની જ્ઞાતિ આપણે નથી લખતા. પરંતુ વેપાર અને ધંધો તેના લોહીમાં છે. એને મજા આવી રહી છે. કોઈ એક યુવતીને નિશાન બનાવે, તેની સાથે ઘરોબો કેળવે, હોટેલમાં લઈ જાય, ક્યાંક ફરવા જાય અને પછી એ પોતે નક્કી કરી લે કે આ યુવતી પાસેથી કેટલા પૈસા પડાવવાના છે. યુવતીની પૈસાની ક્ષમતા પ્રમાણે એ જુદાં-જુદાં બહાને પૈસા કઢાવે. પૈસા આવી જાય પછી હું કોણ ને તું કોણ? તેની આવી હરકતને કારણે ઘણી છોકરીઓ ડિપ્રેશનમાં આવી ગઈ છે અને ઘણી છોકરીઓની કારકિર્દી પણ બગડી છે.

એક યુવતીને તેણે ફસાવી. એ યુવતીનો પિતરાઈ ભાઈ આ વાત જાણી ગયો. એણે સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે ક્રોસ ચેકિંગ કર્યું. આ યુવકના જે મિત્રો હતા તેમાંનો એક મિત્ર ઓળખીતો નીકળ્યો. તેને વિશ્વાસમાં લઈને બધી વાત જાણી ત્યારે ખબર પડી કે આ છેલબટાઉ યુવક તો છોકરીઓને ફસાવવાનો કારોબાર ચલાવી રહ્યો છે. એ યુવતીના પિતરાઈ ભાઈએ પોતાની બહેનને સમજાવી. તેને હકીકત જણાવી. જોવા જેવી વાત હવે આવે છે કે એ યુવતી માની જ નહીં. એ પેલા યુવકના એટલા બધા પ્રેમમાં પડી ગઈ હતી કે તેને તેમાંથી કાઢવી ખૂબ અઘરી હતી. એ દલીલ કરતી હતી કે આ બધી વાતો ઊપજાવી કાઢેલી છે.

જો કે, આ યુવકનો ભોગ બનેલી એક યુવતીએ સામેથી તેનો સંપર્ક કરીને જ્યારે જણાવ્યું કે આનાથી બચવા જેવું છે. હું એનો ભોગ બની છું. આ તો એનો શોખ છે ત્યારે પેલી યુવતીની આંખ ખૂલી અને તેણે અંતર કર્યું. હજી સુધી અન્ય છેતરાયેલી કોઈ યુવતીએ તેની સામે ફરિયાદ નથી કરી એટલે એ ભાઈ બિનધાસ્ત પોતાનો ધંધો ચલાવી રહ્યા છે.

સંબંધ અને દેખાવ.

સંબંધ અને પૈસા.

આ બે ખૂબ મહત્ત્વના મુદ્દાઓ છે. આપણી યુવતીઓને ઘણા લાંબા સમય પછી વ્યાજબી રીતે સ્વતંત્રતા મળી છે. દરેકનો હવે સ્વતંત્ર મોબાઈલ ફોન હોય છે. એમાં કંઈ જ ખોટું નથી. દરેક યુવતીને સ્વતંત્રતા મળવી જ જોઈએ. દુનિયાની કોઈપણ સ્વતંત્રતા જવાબદારી વિનાની હોતી નથી, જ્યારે તમે જવાબદાર ન હો અને સ્વતંત્રતા ભોગવવાનો પ્રયત્ન કરો ત્યારે ફાયદો થવાને બદલે નુકસાન થતું હોય છે. સ્વતંત્રતા માટે લાયકાત જરૂરી છે. દરેક સ્વતંત્રતા યોગ્યતા ઈચ્છે છે. ભારત દેશ સ્વતંત્રતા માટેની યોગ્યતામાં કાચો હતો અને તેને સ્વતંત્રતા મળી ગઈ એટલે અનેક પ્રશ્નોનોનો આઝાદીના અમૃત મહોત્સવે પણ આપણે સામનો કરી રહ્યા છીએ. આવું જ છોકરીઓની બાબતમાં થયું છે. છોકરીઓને સ્વતંત્રતા મળી ગઈ છે. પરંતુ હજી યોગ્યતા અને જવાબદારીના સ્તર સુધી છોકરીઓ પહોંચી નથી એટલે છોકરીઓ આ રીતે ફસાઈ રહી છે. એને કારણે છોકરીઓ વેડફાઈ રહી છે. આ સામાજિક સત્ય છે.

છોકરીઓએ જ્યારે રિલેશનશિપ બાંધવી હોય ત્યારે બહુ વિચાર કરવો જોઈએ. માત્ર દેખાવ અને પૈસાને જોઈને મોહમાં પડી જતી કે આકર્ષણમાં આવી જતી છોકરીઓ પેટ ભરીને પસ્તાય છે. સંબંધ એ સરળ વાત નથી. સંબંધ એ ગંભીર અને મહત્ત્વની વાત છે. નવી પેઢી સંબંધની દુનિયાને ખૂબ જ હળવાશથી લે છે. આ તેમની ગંભીર અને મોટી ભૂલ છે. આ ભૂલનાં પરિણામો પણ ગંભીર આવતાં હોય છે. ડગલે ને પગલે યુવતીઓ છેતરાય છે. ક્યારેક તે ઈમોશનલ બ્લેક મેઈલિંગનો ભોગ બને છે. ક્યારેક તેનું શારીરિક શોષણ થાય છે. ક્યારેક તેને સતત છેતરવામાં આવે છે. ક્યારેક તેના એવા વીડિયો બનાવી લેવામાં આવે છે કે આખી જિંદગી તેને હેરાન થવું પડે છે.

પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી સહેલી નથી હોતી. આ લેખમાં જે યુવકની વાત લખી છે તે યુવકે અત્યાર સુધી 20થી વધારે યુવતીઓને ફસાવી હોય એવો અંદાજ છે. હજી સુધી કોઈ યુવતી પોલીસ ફરિયાદ કરવા આગળ આવી નથી. હજી પણ આપણા સમાજમાં પોલીસ ફરિયાદ કરવા સામે પડકારો છે. પોલીસ ફરિયાદ કરનાર યુવતીની બદનામી થાય છે. તેના પરિવારને પણ ઘણું સહન કરવું પડે છે.

આવી સ્થિતિમાં મનગમતો અને નવો સંબંધ બાંધતી વખતે યુવતીઓએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

  • તમે જ્યારે વિજાતીય ફ્રેન્ડશિપ કરો, બોયફ્રેન્ડની પસંદગી કરો ત્યારે ખૂબ કાળજી રાખો. મિત્રતામાં ચોક્કસ એક લક્ષ્મણ રેખા રાખો. જસ્ટ મિત્રો અને ક્લોઝ ફ્રેન્ડમાં ભેળસેળ ન કરો. આ વાત નાજૂક છે અને તેને સમજવી જરૂરી છે.
  • મોટાભાગે યુવતીઓ દેખાડામાં આવી જતી હોય છે. કોઈ યુવકનું થોડું રૂપ જોયું નથી કે મનની ચંચળતાએ પોતાનું કામ કર્યું નથી. એ ક્યારેય ન ભૂલશો કે બાહ્ય દેખાવ કરતાં હૃદયનું સ્વરૂપ જ સૌથી ચડિયાતું છે. મહેરબાની કરીને માત્ર બાહ્ય દેખાવની પાછળ પાછળ ચાલશો નહીં. 100માંથી 90 છોકરીઓ આ ભૂલ કરે છે. દેખાવ એ વિજાતીય મૈત્રી કે પછી લગ્ન માટેની પસંદગીનું એક પરિબળ હોઈ શકે. એ પરિબળ મુખ્ય ન હોઈ શકે. એ ક્યારેય ન ભૂલશો. માત્ર રૂપના રવાડે ચડીને ગહનમૈત્રી કે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરેલી અનેક યુવતીઓ પેટ ભરીને પસ્તાઈ છે.
  • મૈત્રી કે લગ્ન કે પછી રિલેશનશિપ આ બધામાં સૌથી મહત્ત્વના વિચારો છે. તનોજગત નહીં, મનોજગત મહત્ત્વનું છે. માત્ર દેહને ન જોશો, દિલને પણ જુઓ. દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરોં ને લાખોં કો લૂટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા... આ વાત ક્યારેય ભૂલશો નહીં.
  • જ્યારે તમે મિત્રતાની હદ પસાર કરીને આગળ વધવાનો પ્રયત્ન કરતા હો ત્યારે ખૂબ સાવધ રહો. માતા-પિતાને વાત કરો, કરો અને કરો જ. એ વાત સાવ સાચી છે કે, આ વિશ્વમાં માતા-પિતાથી વધુ તમારું કોઈ શુભેચ્છક કે હિતેચ્છક નથી. માતા-પિતાને કારણે તમે આ પૃથ્વી પર આવ્યાં છો. તમે તેમનું લોહી છો. તમે તેમનાં શરીરનું અંગ છો. શારીરિક અને માનસિક રીતે તમારું જે બંધારણ ઘડાયું છે તેમાં તમારાં માતા-પિતાનું જ પ્રદાન છે. માતા-પિતાનો વિશ્વાસ ક્યારેય તોડશો નહીં. માતા-પિતાને બેધડક બધી વાત કરો. માતાને તો બધું કહી શકાય. માતાને બહેનપણી માનો અને દિલ ઠાલવી દો. એને પૂછો કે મારે શું કરવું જોઈએ.
  • નજીકના મિત્રોને પોતાના ઘરે જરૂર લાવો. હોટેલ, રેસ્ટોરાં કે બહારની જગ્યાઓ એ બધું છેવટે તો બહારનું જ છે. એક નવો રિવાજ અમલમાં આવ્યો છે. આપણે ઘરને ભૂલી ગયા છીએ. કોઈને જમાડવાના હોય તોય આપણે રેસ્ટોરાં જ પસંદ કરીએ છીએ. આ કુરિવાજ છે. એમાંથી બહાર આવી જવાની જરૂર છે. ઘર એક મહત્ત્વનું અંગ છે. ચિંતક એરિસ્ટોટલે તો કુટુંબને સદગુણોનું ધરોવાડિયું કહ્યું છે. કોઈપણ પ્રકારના સંબંધમાં ઘર અને કુટુંબને બાદ ન કરશો. તેની ઉપેક્ષા ન કરશો. તેને હાંસિયામાં ન મૂકશો. તેને કેન્દ્રમાં રાખશો તો ક્યારેય દુઃખી નહીં થાઓ. જેવું પણ છે એવું તમારું ઘર છે. જેવા પણ છે એવા તમારા કુટુંબીજનો છે. કોઈપણ પ્રકારની ગ્રંથિથી પીડાશો નહીં. ઘર ગમે તેવું છે તોય તમારું છે. એ તમારા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો મોટો હિસ્સો છે. તમારા મિત્રોને ઘરે લાવો. અવારનવાર ઘરે બોલાવો. ઘરે જમાડો. એને કારણે તમારાથી કોઈ ભૂલ થતી હશે તો પણ એ ભૂલ સુધરી જશે.
  • નિખાલસતાથી બધું પૂછી લો. પૃથ્વી ગોળ છે એ બરાબર છે. પરંતુ સંબંધોમાં બધું ગોળ ગોળ ન ચાલે. સંબંધો તો નિખાલસતાની ધરી પર જ ચાલવા જોઈએ. છોકરીઓ શરમાતી હોય છે, છોકરીઓ ઘણીવાર આવું બધું ન પૂછાય એવું માનતી હોય છે. ના ચાલે. જો તમે સંબંધમાં આગળ વધવાના હો તો આંખમાં આંખ નાખીને બધું પૂછી લો. પોતાનું બધું કહી દીધા પછી પૂછી લેવાનું.
  • તમને જેવી માહિતી આપવામાં આવે એ આંખ બંધ કરીને સાચી ન માની લેશો. ક્રોસ ચેકિંગ કરો. ક્રોસનું પણ ક્રોસ ચેકિંગ કરો. જમાનો છેતરપિંડીનો છે. સૌથી વધારે છેતરપિંડી શ્રદ્ધામાં થતી હોય છે. સૌથી વધારે અંચઈ અને લુચ્ચાઈ પ્રેમના પ્રદેશમાં થતી હોય છે. જ્યાં પ્રેમ અને શ્રદ્ધા હોય ત્યાં સાવચેતી ઓછી હોય છે. તેનો દુરુપયોગ થતો હોય છે. એને કારણે જ છોકરીઓ છેતરાતી હોય છે. એટલે તમારો ગમે તેટલો નજીકનો ક્લોઝથી પણ ક્લોઝ ફ્રેન્ડ હોય તો પણ મહેરબાની કરીને તપાસ કરો. સંબંધમાં આગળ વધો ત્યારે તો ખાસ તપાસ કરો.
  • છોકરીઓનો જન્મ છેતરાવા માટે નથી થયો. પહેલાં છોકરીઓનું શોષણ થતું હતું. તેની પાસે ભારે કામ કરાવવામાં આવતું હતું. જાણે કે, તેનો જન્મ ગધ્ધાવૈતરું કરવા થયો હોય એવી સ્થિતિ હતી. સારું છે કે હવે તેમાં સુધારો થયો છે. તો વળી, એક નવો બગાડ આવી ગયો છે. હવે છોકરીઓ છેતરાઈ રહી છે. હવે છોકરીઓ વેડફાઈ રહી છે, માટે સાવધાન. એક વસ્તુ યાદ રાખો કે તમારે ક્યારેય છેતરાવાનું નથી. છેતરાશો તો પેટ ભરીને પસ્તાશો.
  • મનને ખુલ્લું રાખો છો એટલી જ આંખોને પણ ખુલ્લી રાખો.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)