તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:14 હજાર ફીટની ઊંચાઈ પર આવેલું કુદરતનું ફાઈન આર્ટ - લદાખ, જેના કણ કણમાં કોતરાયેલી છે કુદરતની કવિતા...

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંઈક અલગ જ વિશ્વમાં કોઈ આપણને મૂકી દે જાણે આપણે કોઈ નવા જ ગ્રહ પર આવી ગયા હોઈએ, જ્યાં નજર કરીએ ત્યાં અલગ અલગ રંગે રંગ્યા હોય એવા પહાડો, સફેદ રૂની પૂણી સમાં વાદળો બરફાચ્છાદિત પહાડોની ટોચ સાથે ગોસિપ કરવા બેસી ગયા હોય એવાં દૃશ્યો, બારીકાઇથી કોઈ કુશળ કારીગરે કોતરીને બનાવ્યા હોય એવા આકારની શિલાઓથી બનેલ પહાડોનો સમૂહ, નાના ભૂલકાંઓ ઉત્સાહથી ઉતાવળા પગલે શાળાએ જતા હોય એમ ઠેર ઠેર વહેતી પાણીની સરવાણીઓ અને પથ્થરો સાથે અથડાવાથી રચાતું કર્ણપ્રિય સંગીત, તળિયું દેખાય પણ ત્વરાથી વહેતી યુવા કન્યા જેવી દીસતી વેગવંતી સિંધુ - ખળખળ વહેતી સિંધુનો પ્રવાહ જોઈને મન ટાઈમમશીનની જેમ સિંધુ સભ્યતાની સંસ્કૃતિ સુધી પહોંચી જાય. અસીમ શાંતિનો સંદેશ આપતા અને શાંતિ સાથે લહેરાતા પ્રેયર ફ્લેગ્સ, નિર્દોષ હાસ્ય સાથે મહાલતા નાનકડા બૌદ્ધ લામાજી, પહાડની ટોચે આવેલા બૌદ્ધ મઠ. આ સઘળું ઊસેટીને મુઠ્ઠીમાં લઈને આવવું હોય તો આ ભારતનું આ અલાયદું વિશ્વ તમારી રાહ જોઈ રહ્યું છે.

લદાખ વિસ્તારમાં આવેલું લેહ, લદાખનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી આશરે 12000 ફીટ ઊંચાઈ પર આવેલું આ શહેર નાનકડું છતાં ખુબસુરત છે કે અહીં તમે દિવસોના દિવસો વિતાવી શકો. વિશ્વના સહુથી સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, સૂર્યોદય સમયે વાદળો સાથે રમાતી રંગોની રમત આ બધું જ લેહ શહેરમાં માણી શકાય છે. અહીં કુદરતના દરેક મિજાજને આખા દિવસ દરમ્યાન માણી શકાય છે. ઉનાળામાં ફરવા માટે લદાખથી શ્રેષ્ઠ જગ્યા ભારતમાં બીજી કોઈ જ ન હોઈ શકે. અહીં દરેક પથ્થરમાં શબ્દો રમી રહ્યા હોય એવો અનુભવ થાય. કુદરતે ફાઈન આર્ટમાં, આર્કિટેક્ચરમાં, અપ્લાઇડ આર્ટમાં, સાહિત્યમાં બધે જ પીએચ.ડી. કર્યું હોય એવો ભાસ થાય. લેહ શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ વિશ્વનાં સહુથી ઊંચાઈ પર આવેલા દુર્ગમ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખૂલી જાય છે અને બુલેટના અવાજથી ધમધમી ઊઠે. વિશ્વભરનાં લોકો અહીં જીવનની શ્રેષ્ઠ પળો માણવા માટે આવે છે.

યુગો યુગોથી વિવિધ સંસ્કૃતિઓની સાક્ષી બનીને વહેતી સિંધુ નદી
યુગો યુગોથી વિવિધ સંસ્કૃતિઓની સાક્ષી બનીને વહેતી સિંધુ નદી

લેહ પહોંચવા માટેના બે જ રસ્તા છે, હિમાચલ પ્રદેશના મનાલીથી શરુ કરીને બે દિવસની મુસાફરી પછી તમે લેહ પહોંચી શકો આ ઉપરાંત શ્રીનગરથી આ જ રીતે શરુ કરીને બે દિવસમાં જોઝીલા પાસ થઈને લેહ પહોંચી શકો. આ સિવાયનો સરળ વિકલ્પ દિલ્હીથી લેહની દરરોજે ફલાઇટ પણ ઉપલબ્ધ છે, જો કે સીધું જ આટલી ઊંચાઈ પર ફલાઈટથી પહોંચવા કરતા જમીનમાર્ગ વધારે હિતાવહ છે. ખરો આનંદ એ રસ્તાઓ પરની મુસાફરીનો છે. એકાદ દિવસ મનાલીમાં વિતાવ્યા પછી લેહ જવા માટે વહેલી સવારે શરુ કરીએ તો ઝીસ્પા સુધી પહોંચી શકાય, ઝીસ્પામાં રહેવા માટે ખૂબ જ સસ્તા દરે સ્વિસ ટેન્ટ ઉપલબ્ધ હોય છે. ઝીસ્પાની રાત્રે આકાશદર્શન કરવું એ ક્યારેય ન ચૂકી શકાય એવો લ્હાવો છે. ઝીસ્પાથી ફરી વહેલા શરુ કરીએ તો સાંજ ઢળતા પહેલાં જ નજર સામે સ્તોક રેન્જ પાર સૂર્યની સોનેરી ઝાંય કોઈનું પણ મન મોહી લે. લેહ શહેર આવતાં જ કોઈ અજાણ્યા ગ્રહ પર જીવન ધબકતું જોવા મળે. અહીં બધા જ પ્રકારની હોટેલ, હોમસ્ટે ઉપલબ્ધ છે. લેહ પહોંચ્યા પછી એકાદ દિવસ શાંતિ સ્તૂપ, લેહ મ્યુઝિયમ, લેહ પેલેસ, જૂનું લેહ ગોમ્પા અને જર્મન બેકરી જેવી જગ્યાઓ માણી શકાય. અહીં દિવસભર ફરવા માટે 1000 રૂ. આસપાસ ટેક્સી સરળતાથી મળી રહે છે. અહીં ભાડે બુલેટ, એક્ટિવા બધું જ ખૂબ સરળથી મળી રહે છે. લેહ અહીંના લોકોના સત્કાર અને અહીંની લોક સંસ્કૃતિ માટે વખણાય છે.

આવનારા શુભ સમયની ધરપત આપતી નુબ્રા વેલીમાં આવેલી ભગવાન મૈત્રેય બુદ્ધની વિરાટ પ્રતિમા
આવનારા શુભ સમયની ધરપત આપતી નુબ્રા વેલીમાં આવેલી ભગવાન મૈત્રેય બુદ્ધની વિરાટ પ્રતિમા

લદાખનો મુખ્ય અને વિશ્વનો સહુથી ખુબસુરત વિસ્તાર તરફની મુસાફરી બીજા દિવસે વહેલી સવારથી જ કરી શકાય. ટેક્સી કે બુલેટ મારફ્તે આ સફર કરવા માટે ઇનર લાઈન પરમીટની જરૂર પડશે. આગળની મુસાફરી મોટા ભાગે ઇન્ટરનેશનલ બોર્ડર હોય એવા અંતરિયાળ વિસ્તારમાં છે, અહીંના નાનકડાં શા ગામડાંઓ ખૂબ જ આકર્ષક હોય છે. અહીં આશરે 10થી 12 ખોરડાઓનાં જ ગામડાં છે. સફરના શરૂઆતમાં જ વિશ્વની સહુથી વધુ ઊંચાઈએ આવેલો મોટરેબલ રોડ ‘ખાર દુંગલા’ પાસ આવશે. અહીં વિશ્વનું સહુથી ઊંચાઈ પર આવેલું કેફે છે જ્યાં ચાની ચુસ્કી લઇ શકાય. ખાલસર આવતાં જ ખળખળ વહેતી શ્યોક નદી સફરમાં સાથે જોડાશે. આંખો પર વિશ્વાસ ન આવે એટલા સરસ ભૂરા રંગના વહેણથી ત્વરાથી વહેતી શ્યોક નદી પાકિસ્તાન તરફ ખૂબ જ પહોળા પટમાં વહેતી અહીં જોવા મળશે. રસ્તામાં નદી સાથે સાથે રેતાળ રણપ્રદેશ અવાચક કરી મુકશે. નુબ્રા વેલીમાં ડિસ્કીટ આવતાં જ પહાડોમાં વિશાળ શાંતિમય મુદ્રામાં બુદ્ધ ભગવાન દેખાશે જે મૈત્રેય બુદ્ધ છે. અહીં વર્ષો જુના બૌદ્ધ મઠ છે. ડિસ્કીટમાં રહેવા માટે હોટેલ્સ ઉપલબ્ધ છે, એ સિવાય આગળ જતા હુન્ડેર આવશે જ્યાં અદભુત રેતીનાં ઢૂવાઓનું વિશાળ રણ છે. અહીંની રંગીન મિજબાની એટલે નુબ્રા હિમાલયની ભૂમિ મને એટલી આકર્ષે છે કે હું સમય કે કમ્ફર્ટ જોયા વિના જ નીકળી પડું છું. નુબ્રા વેલીમાં આવેલ રણ અને પર્વતોમાં મને સમુદ્રનો આભાસ મળે છે. રણ અને સમુદ્ર બંને સરખા જ અફાટ અને અમાપ હોય છે એવું જ કંઈક હિમાલયના આ વિસ્તારમાં અનુભવી શકાય છે જો તમે ખરેખર એક મુસાફર તરીકે નુબ્રામાં સમય વિતાવો તો. રોજ ઢળતી સાંજે રેતી સોનેરી આવરણ ધારણ કરીને ધરણીને અદકેરું સૌંદર્ય બક્ષે છે તેના સાક્ષી બની રહ્યા હોઇએ ત્યારે સરકતી દરેક પળ જાણે એક સુંદર કવિતા જ જાણી લો. હિમાલયનો ઇતિહાસ જોઈએ તો હિમાલયના સ્થાન પર પહેલા મહાસાગર હતો. મહાસાગરના અવશેષો સાથે વિશ્વનું સહુથી ઊંચું રણ એટલે કારાકોરમ રેન્જનું નુબ્રા. અહીં બે ખૂંધવાળાં ઊંટ જોવા મળે છે અને એના પર કેમલ સફારી પણ કરી શકાય છે. અહીં પણ રાત્રે આકાશદર્શન કરી શકાય. અહીં રણમાં જ રહેવા માટે ટેન્ટ મળી રહે છે.

બે ખૂંધવાળાં બેક્ટ્રિયન ઊંટ
બે ખૂંધવાળાં બેક્ટ્રિયન ઊંટ

વહેલી સવારે નુબ્રા વેલી છોડીને શ્યોકવેલી થઈને વિશ્વના સહુથી ઊંચા ખારા પાણીના વિશાળ સરોવર પેન્ગોન્ગ લેક જઈ શકાય. આ જગ્યા ભૂરા રંગના દરેક શેડ્સ માટે વિશ્વવિખ્યાત છે. 148 કિમી લાંબું અને પાંચેક કિમી પહોળાઈ ધરાવતા આ સરોવરનો મોટાભાગનો હિસ્સો ચીનમાં આવેલો છે. અહીં સરળતાથી ટેન્ટ અને જમવા માટે પરાઠા તથા સાદું ઉત્તર ભારતીય ભોજન મળી રહે છે. અહીંથી પરત લેહ શહેર અને લેહથી ફરી મનાલી અથવા શ્રીનગર જઈ શકાય. અહીંથી પરત ફરતા રસ્તામાં સ્તકના અને થિક્સે મોનેસ્ટરી આવે છે ત્યાં જવાની તક ચુકાય એમ નથી. સિંધુ નદીના કાંઠે આવેલી બંને મોનેસ્ટરી એના કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે.

લદાખને ખૂંદવા માટે મહિનાઓ પણ ઓછા પડે પણ સરળતાથી લદાખની મુલાકાત લેવી હોય તો આ રીતે ચોક્કસપણે જઈ શકાય છે. અહીં મુસાફરીનો શ્રેષ્ઠ સમય જૂનથી ઓક્ટોબર છે.

creativearyans3@gmail.com

(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો