• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Like White Sugar Poisoning For Children ... More Sugar Intake Means More Chances Of Heart Disease, Type 2 Diabetes And High Blood Pressure

પોઝિટિવ પેરેન્ટિંગ:નવા વર્ષનું રિઝોલ્યુશનઃ બાળકોને સફેદ ખાંડથી બચાવો, નહીંતર હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ BPનું જોખમ વધી જશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્ન અને તહેવારોની સિઝન એટલે કેક, આઈસ્ક્રીમ અને મીઠાઈની સિઝન! જ્યારે તમે ત્રીજા કે ચોથા એવા ચાસણીમાં લથપથ ગુલાબજાંબુ તરફ હાથ લંબાવો ત્યારે નક્કી તમારો ડાયટ પ્લાન ફુસ્સ થઇ જાય છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, 'યુ આર વોટ યુ ઈટ' (તમે જે ખાઓ છો, તમે તે છો). જો આપણે આનો ખરો અર્થ સમજીએ તો આપણને જવાબ મળી જશે કે કેમ અર્બન સિટીનાં વધુ ને વધુ બાળકો શારીરિક અને માનસિક રોગો જેમ કે, ઓબેસિટી, ડાયાબિટીસ, ડિપ્રેશન, ગુસ્સો વગેરેથી પીડિત છે.

ખોટી ફૂડ ચોઈસની અસરો
આપણાં શરીરમાં રહેલાં ગટ બેક્ટેરિયાએ ખરેખર તો આપણને સ્વસ્થ રાખવા જોઈએ પણ આજે આપણી ફૂડની ચોઈસ પ્રાકૃતિક અને તાજા આહારથી હટીને પ્રોસેસ્ડ ખાણી-પીણી તરફ વળી ગઈ છે અને આ બધામાં સૌથી મોટું દોષી છે ખાંડ. રિફાઇન્ડ સફેદ ખાંડ જવાબદાર છે હાઇ બ્લડપ્રેશર, ઈન્ફ્લેમેશન, વજનમાં વધારો, ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદયના રોગો અને અન્ય ઘણી માંદગીઓ માટે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે, વધુ સફેદ ખાંડનું ઇનટેક એટલે વધુ હૃદયરોગ થવાની શક્યતા.

હાલમાં કરેલી એક સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે, આપણી ભાવનાઓ આપણા ગટ બેક્ટેરિયા સાથે જોડાયેલી છે. એટલે પૂરેપૂરી શક્યતા છે કે બાળકોના મૂડ સ્વિંગ તેમના ખાંડના ઇન્ટેકના લીધે હોય. ખરું કહું તો બાળકોનાં ઊર્જાના સ્તરનું તેમના ટિફિનમાં આપવામાં આવી રહેલી વસ્તુ જોડે ખૂબ જ ઊંડું કનેક્શન છે.

ચાલો એક ઉદાહરણ જોઈએ...
એક પ્રાઈમરી સ્કૂલના ટીચરે શૅર કર્યું કે, એમના કલાસમાં એક બાળક એવું હતું જે વધુ પડતું ઉશ્કેરાયેલું અને વિક્ષેપકારક હતું. કાઉન્સેલર અને તે બાળકના વાલીઓ જોડે ઘણી બધી ચર્ચા કર્યા બાદ તેઓ એ નિષ્કર્ષે પહોંચ્યા કે તે બાળક અનહેલ્ધી ખોરાકનું સેવન કરતું હતું. ખાસ કરીને મીઠાઈ અને ચોકલેટો. આ અતિશય મીઠાશના ઇન્ટેકના લીધે તેની ખાંડને લઈને તૃષ્ણા એટલી હદે વધી ગઈ કે તે તેનો વ્યસની થઇ ગયો. આની બીજી અસર એ થઇ કે તે જુદા-જુદા સમયે ઓવર એક્ટિવ અને ઓવર થાકેલો થઇ જતો. કારણ? રિફાઇન્ડ ખાંડને શરીર જલ્દી પ્રોસેસ કરે છે. તેથી, આપણું ઈન્સ્યુલિન લેવલ વધી જાય છે. જેથી આપણામાં ઊર્જા આવી જાય છે અને વળી જેમ-જેમ ઊર્જાનું લેવલ ઊતરે છે તેમ-તેમ આપણામાં ખાંડની તૃષ્ણા પણ વધે છે.

લેબલ વાંચો
આજકાલ બાળકો મીઠાઈ, બિસ્કિટ, સોસ અને કોલ્ડડ્રિંકના માધ્યમ થકી સફેદ ખાંડનું ખૂબ જ મોટા પ્રમાણમાં સેવન કરી રહ્યાં છે. ઘણા પ્રોસેસ્ડ આહારમાં પણ ખાંડની માત્રા હોય છે. આ જ કારણોસર લેબલ વાંચવાં ખૂબ જ જરૂરી છે. દુર્ભાગ્યે ફ્રૂટ જૂસ જે 'હેલ્ધી' ગણવામાં આવી રહ્યા છે તે પણ સફેદ ખાંડથી ભરપૂર હોય છે.

સફેદ ખાંડની નકારાત્મક અસર કઈ રીતે ઘટાડવી?
સફેદ ખાંડના ઇન્ટેક જોડે પ્રોબ્લમ એ છે કે તે ફક્ત વ્યસનકારક જ નથી, પણ તે આપણાં ટેસ્ટ બડ ઉપર પણ સ્વાદનો વધુ પડતો લોડ નાખી દે છે. સાચું કહું તો આર્ટિફિશિયલ એડિટિવ, સ્વીટનર, એડેડ ફ્લેવર વગેરેને લીધે આપણી નાની પેઢીના ટેસ્ટ બડનો સતત નાશ થઇ રહ્યો છે. વાલીઓએ ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ કે તેઓ પોતાના બાળકને આવા અનહેલ્ધી ખોરાકથી દૂર રાખે.

આપણા રોજિંદા ખોરાકમાંથી ખાંડને સાવ કાઢી નાખવી અશક્ય છે પણ આપણે ખાંડનું ઇન્ટેક ચોક્કસ નિયંત્રિત કરી શકીએ છીએ અને આના માટે સૌથી પહેલું પગલું એ છે કે આપણે સફેદ ખાંડની જગ્યાએ પ્રાકૃતિક વિકલ્પો વાપરીએ જેમ કે, ખજૂર કે પછી કાચી અનપ્રોસેસ્ડ ખાંડ અથવા ગોળ. પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોમાં પણ ખાંડ છે પણ તેમાં ફાઈબર હોવાના લીધે તે ખાંડને શરીરમાં અબ્ઝોર્બ થતાં વાર લાગે છે, જેના કારણોસર બાળકોને પેટ ભરેલું હોવાની અનુભૂતિ થાય છે.

વેફર કે બિસ્કિટનું પેકેટ ખરીદીને આપણાં બાળકોનાં ટિફિન ભરવાં સહેલાં છે પણ લાંબા સમયે આપણે આ શોર્ટ કટના બહુ નકારાત્મક પરિણામ ભોગવવા પડે છે. બર્થ ડે પાર્ટીઓ, કુટુંબનાં ફંક્શન અને તહેવારો મીઠાં આહારથી ભરેલાં હોય છે. સમાજમાં રહેતા જાગૃત નાગરિક તરીકે વિચારવાની એ જરૂર છે કે આપણે આપણાં અને આપણાં બાળકોનો ટેસ્ટ બદલીએ. જેથી તે પ્રાકૃતિક ખોરાક અને તેના મૂળ સ્વાદની મજા લઇ શકે.

સ્કૂલ પ્રોજેક્ટની ભૂમિકા
અહીં સ્કૂલો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. કઈ રીતે? પોતાના ભણતર કે પ્રોજેક્ટના માધ્યમથી સારું અને હેલ્ધી ખાવાની ટેવનું પ્રમોશન કરીને. હું મારી સ્કૂલની વાત કરું તો અમે એક એવો પ્રોજેક્ટ રાખ્યો હતો જેમાં બાળકોએ કોલ્ડ્રિંકની જુદી-જુદી બ્રાન્ડ્સનાં રાસાયણિક કમ્પોઝિશનનો અભ્યાસ કરવાનો હતો. બાળકો પોતાનાં એક્સપેરિમેન્ટથી તે જાણીને શોકમાં આવી ગયા કે કોલ્ડ્રિંક કેટલાં ખતરનાક હતાં કારણ કે, તેમને ખબર પડી કે કોલ્ડ્રિંકથી ડાઘ કાઢી શકાય છે અને દાંત પણ ઓગાળી શકાય છે. આ પ્રોજેક્ટ કર્યા પછી મોટાભાગના બાળકોએ ઠંડાં પીણાંનું સેવન બંધ કરી દીધું (કે ઘટાડી દીધું!). આ જ રીતે પ્રોજેક્ટ હેઠળ ખોરાકનું લેબલ વાંચીને તેનું એનાલિસીસ કરવાથી બાળકો તે ટ્રેક કરતા થયા કે તેમના શરીરમાં તેઓ કઈ વસ્તુ નાખી રહ્યા છે, જેના લીધે તેઓ તેમના આહારને લઈને વધુ સચેત થવા માંડ્યા છે.

હવે જ્યારે તમે બીજું ગુલાબજાંબુ ઉપાડવા જાઓ ત્યારે એક ક્ષણનો વિસામો લો અને જો તમે મીઠાઈ ખાવાના શોખીન હો તો આ ટ્રાય કરો. ફટાફટ ખાવાનો બદલે ધીમે-ધીમે ખાઓ અને નાના કોળિયા ભરો. આમ કરવાથી તમે ઓછું ખાશો, ખાધેલું લાંબા સમય સુધી ટકેલું રહેશે અને તેના ટેસ્ટને તમે માણી પણ શકશો!

ટ્રસ્ટ મી, તમને આવું કરતા જોઈને તમારું બાળક પણ આવું કરશે, જેનાથી ક્રોનિક બીમારીઓથી તો બચી જ શકાશે પણ સાથે તેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો પણ આનંદ મળશે. સૌથી સારી વાત એ છે કે તે ખાવાની દરેક વસ્તુને અપ્રિશિયેટ કરતા શીખશે!

તો બોલો બનાવશો ને આને તમારું ન્યૂ યર રિઝોલ્યુશન? ગુડ!

તમને અને તમારા પ્રિયજનોને હેપ્પી 2022!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)