સુખનું સરનામું:ચાલો જરા ખુદને પણ તપાસી જોઇએ; આપણા કામનું તટસ્થભાવે નિરીક્ષણ કરીને તેને વધુ ઉત્તમ બનાવીએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસ બીજા બધા સાથે વાતો કરે છે પણ ખુદની સાથે જ વાત કરવાનો સમય નથી

આ એ સમયની વાત છે કે જ્યારે મોબાઈલનો જન્મ નહોતો થયો. એક યુવાન પબ્લિક ટેલિફોન બૂથ પરથી કોઇને ફોન લગાવી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં ફોન લાગતો ન હતો. ટેલિફોન બૂથની બાજુમાં બીજા કેટલાક લોકો પણ પોતાનો વારો આવે એની રાહ જોઇ રહ્યા હતા. કોઇએ તો આ યુવાનને કહ્યું પણ ખરું કે ભાઈ, ફોન ના લાગતો હોય તો પછી પ્રયત્ન કરજો ને પ્લીઝ, અમારો વારો આવવા દો. અમે કેટલા સમયથી રાહ જોઇ રહ્યા છીએ. પેલા યુવાને વિનંતિ સાથે કહ્યું કે એક વાર પ્રયાસ કરી લઉં અને એનો ફોન લાગી ગયો. એના ચહેરા પર આનંદના ભાવ જોઇને આસપાસ ઊભેલા લોકોને પણ ખબર પડી ગઈ કે ફોન જોડવાના પ્રયાસમાં આ છોકરો સફળ થયો છે. સામા છેડે કોઈ મોટા ઘરનાં શેઠાણી હતાં. આ યુવાને પેલાં શેઠાણી સાથે વાત શરુ કરી.

‘નમસ્કાર મેડમ, મને મિસિસ શર્માએ આપનો નંબર આપ્યો છે. મેં સાંભળ્યું છે કે આપનાં બાળકોની સાર-સંભાળ રાખનાર એક અટેન્ડન્ટની આપને જરૂર છે?’ ‘ના ભાઇ, અમારે કોઇ અટેન્ડન્ટની જરુર નથી.’ ‘પણ મિસિસ શર્મા તો કહેતાં હતાં કે આપનાં બાળકો બહુ નાનાં છે અને આપ બહુ મોટો બિઝનેસ સંભાળો છો, તો પછી આપનાં નાનાં બાળકોનું ધ્યાન કોણ રાખે છે? આપ તો આપના બિઝનેસમાં સતત વ્યસ્ત હો છો.’ ‘અરે ભાઈ, તારે એ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મેં આ માટે એક યુવાનને રાખ્યો જ છે એ બહુ સરસ રીતે પોતાની ફરજ નિભાવે છે.’ ‘પણ મેડમ, મને નોકરીની ખૂબ જ જરૂર છે. આપ મારા ઉપર દયા કરીને મને નોકરી આપોને. હું બહુ જ સારી રીતે કામ કરીશ. આપ આપનાં બહેનપણી મિસિસ શર્માને મારા વિશે પૂછી શકો છો. આપ હાલમાં આપને ત્યાં કામ કરનાર વ્યક્તિને જેટલો પગાર આપો છો એના કરતાં ઓછો પગાર આપશો તો પણ ચાલશે.’ ‘અરે ભાઈ, તમે કેમ સમજતા નથી? મારે ત્યાં અત્યારે જે યુવાન કામ કરે છે એ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે છે. એ મારા ઘરનો નોકર નહીં, મારા પરિવારનો સભ્ય જ છે અને મને એના ઉપર વિશ્વાસ છે. મારું આખું ઘર હું એના હવાલે કરીને કોઇપણ જાતની ચિંતા વગર બહાર જઇ શકું છું.’ ‘પણ મેડમ, હું પણ એવી રીતે જ કામ કરીશ. આપ મારા વિશે બીજા કોઇને પણ પૂછી શકો છો અને હું ભણેલો પણ છું, તો આપનાં સંતાનોને થોડું ભણાવીશ પણ ખરો.’ ‘ભાઈ, મારે કોઇને પૂછવું નથી અને મારે કોઇ નોકરની જરૂર નથી મહેરબાની કરીને હવે આ બાબતમાં ફરીથી ફોન ન કરતા નહીંતર હું ફરીયાદ નોંધાવીશ.’

આટલી વાત કહીને સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો. પેલો યુવાન ફોન મૂકીને બહાર આવ્યો. બહાર આ વાત સાંભળી રહેલા લોકોને આ યુવાન પર દયા આવી, પરંતુ પેલા યુવાનનો ચહેરો તો કોઇ અપરિચિત આનંદથી ચમકી રહ્યો હતો. બહાર ઊભેલા લોકોને આશ્ચર્ય થયું એટલે આ યુવાનને પૂછ્યા વગર ન રહી શક્યા.

‘અરે ભાઈ, તારી વાતચીત પરથી જ ખબર પડતી હતી કે તને નોકરીની ખૂબ જરૂર છે. તું જેની સાથે વાત કરતો હતો એણે પણ તને નોકરીની ના પાડી. આમ છતાં તારા ચહેરા પર આટલો બધો આનંદ કેમ દેખાય છે એ નથી સમજાતું!’

પેલા યુવાને તો હસતાં હસતાં કહ્યું, ‘જે બહેન સાથે હું વાત કરતો હતો એ બહેન મારાં શેઠાણી હતાં. એમનો નોકર હું પોતે જ છું. આ તો મારી સેવાથી મારાં શેઠાણી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા માટે જ ફોન કરવા આવ્યો હતો. મને ખાત્રી હતી કે મારી સેવા અને નિષ્ઠાથી મારા શેઠાણી સંતુષ્ટ જ હશે. મને અત્યારે મળે છે એના કરતાં ઓછા પગારમાં કોઇ કામ કરવા તૈયાર થાય અને છતાં મારા શેઠાણી એને નોકરીએ ન રાખે અને મને પરિવારનો જ સભ્ય ગણે તો પછી મારા ચહેરા પર આનંદ જ હોય ને!’

***

આપણે બધા લોકો કંઇક ને કંઇક કાર્ય કરીએ છીએ, પણ આપણા એ કામથી આપણો માલિક સંતુષ્ટ છે કે કેમ તેની તપાસ કરીએ છીએ? ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઑડિટ પોતાની જાતે કર્યુ છે ખરું? મારી સેવાની ગુણવત્તા કેવી છે એની ક્યારેય ચકાસણી કરી છે ખરી?

ભગવાન સ્વામીનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી મૂળઅક્ષર મૂર્તિ ગુણાતિતાનંદ સ્વામી કહે છે કે, ‘નિરંતર પાછું વળીને જોવું કે હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું.’ સ્વામીજીએ આ વાત આધ્યાત્મિક સંદર્ભમાં કરી છે, પરંતુ આ વાત દરેક ક્ષેત્રને સમાનપણે લાગુ પડે છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આપણી જાત સાથે વાત કરવાનું સાવ વિસરી જઇએ છીએ જો કે આપણને જાત સાથે વાત કરવાનું શીખવવામાં જ નથી આવ્યું અને એટલે જાત સાથે વાત કરવામાં તકલીફ પડે છે. દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીના અભ્યાસક્ર્મમાં પણ ‘પોતાની જાતના ઑડિટ’નો મુદ્દો સમાવવામાં આવ્યો નથી.

માણસ શાંત ચિત્તે અંતરદૃષ્ટિ કરે તો પોતાની નબળી અને સબળી બાબતોથી પરિચિત થઈ શકે અને નબળાઈઓને સબળાઈઓમાં પરિવર્તિત કરી શકે. યુધિષ્ઠિરે અંતરદૃષ્ટિ કરી તો એમને ખ્યાલ આવ્યો કે પાસાંની રમત એ એમની કમજોરી છે. પછી એ આ રમત ચિત્રસેન પાસેથી શીખ્યા અને પોતાની નબળી બાજુને મજબૂત બનાવી લીધી, જેથી ભવિષ્યમાં હવે મુશ્કેલી ન આવે. લોકો પચાસ રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયાની ફી ભરીને જાત જાતના સેમિનારમાં જાય છે. કોઇપણ પ્રકારનો સેમિનાર ભલે હોય એનો સારાંશ તમારી જાત સાથે વાત કરવાનો જ હોય છે. માણસ બીજા બધા સાથે વાતો કરે છે પણ ખુદની સાથે જ વાત કરવાનો સમય નથી. તમે તમારા મોબાઈલથી દુનિયાના બધા જ મોબાઈલ નંબર ડાયલ કરી શકો, પણ જો તમારા મોબાઈલ નંબર ડાયલ કરો તો તમને એન્ગેજ ટોન સંભળાય.

જો આપણે આપણા કાર્યનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા શીખી જઇએ તો જે કાર્ય કરીએ છીએ એ વધુ ઉત્તમ રીતે કરી શકીએ. કદાચ આપણને આપણાં કાર્યનું મૂલ્યાંકન કરવામાં તકલીફ પડે તો પેલા યુવાનની જેમ આપણી સેવાનો જેને સીધો લાભ મળતો હોય એમને જ આપણી સેવાઓ વિશે પરોક્ષ રીતે પૂછીએ. તમે કેવું કામ કરો છો એ કોઇને સીધી રીતે પૂછો તો તમારા મોઢા પર જેવું હોય એવું ઝાટકીને કહી દે એવા લોકો તો હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે માટે બીજી કોઇ રીતે, બીજી કોઇ વ્યક્તિ દ્વારા આપણે આપણા કામનું મૂલ્યાંકન કરવું જોઇએ. કામનું મૂલ્યાંકન કરતી વખતે તો કોઇ સકારાત્મક બાબતો ધ્યાનમાં આવે તો તેનું ગૌરવ જરૂર લઇએ, પણ જો કોઇ નકારાત્મક બાબતો ધ્યાનમાં આવે તો ગુસ્સે થવાને બદલે એ બાબતોનો સ્વીકાર કરીને એને દૂર કરવાનો પ્રયાસ કરીએ.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)