પોઝિટિવ પેરેન્ટિંગ:ચાલો, આપણાં બાળકોને આત્મનિર્ભર બનાવીએ; તેમને તેમના પગે 'ઊભાં' રહેતાં શીખવીએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક વાલીની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ઇન્ડિપેન્ડન્ટ બને અને પોતાના પગ પર 'ઊભા' રહેતા શીખે. પણ શું માતા-પિતા ખરેખર બાળકોને સ્વાયત્ત બનાવવા માટે પૂરતી તકો ઊભી કરે છે?

ઇન્ડિપેન્ડન્ટ બનવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે?
ખરું કહું તો બાળકની ઇન્ડિપેન્ડન્ટ બનવાની પ્રોસેસના બીજ એજ ક્ષણે રોપાય છે જ્યારે માં અને બાળકની પ્રાથમિક સંભાળ રાખનારાઓ બાળકના સંપર્કમાં આવે છે. એક રેસ્ટોરન્ટમાં હું એક યુવાનમાં અને તેના ત્રણ વર્ષના બાળક વચ્ચેનું ઈન્ટરેક્શન (ક્રિયાપ્રતિક્રિયા) જોઈ રહી હતી. પિતા નાસ્તો કરી રહ્યા હતા, જ્યારે માએ તેનો સંપૂર્ણ સમય તેના પુત્રને ખવડાવવા માટે ફાળવ્યો હતો. તે નાનું બાળક પોતાનું મોં ફેરવીને ખોરાકને ટાળવાનો પ્રયાસ કરીને દૂર જતો; માં ખોરાકથી ભરેલી ચમચી લઈને બાળકની પાછળ પડેલી રહેતી; અને જ્યાં બાળકનું ધ્યાન બીજી કોઈ વસ્તુ કે પ્રવૃત્તિમાં જતું, ત્યાં ઝટ દઈને માં તેના મોંમાં ચમચી નાખી (સાચું કહું તો ઠુંસી) દેતી. આ આખી પ્રક્રિયા દરમિયાન પિતા શાંતિથી જમતા રહ્યા અને છેવટે માએ પોતાની ‘ફરજ’ પૂરી કર્યા બાદ પોતાનું જમવાનું હાથ પર ધર્યું.

ખોરાક એ આનંદ અને પોષણનો પ્રાથમિક સ્રોત છે અને બાળકો આ તથ્યને સારી રીતે સમજે છે. માને એ ચિંતા થઈ શકે છે કે બાળક પોતાની મેળે ખાશે નહીં અને કદાચ ખાશે તો પૂરતું નહિ ખાય; એટલે બાળકને આ બે વસ્તુ શીખવાડવાના બદલે તે પોતે તેના માટે તે વસ્તુ કરે છે. આવી પ્રેમાળ અને લાગણીથી ઓતપ્રોત માની આડ અસર એ છે કે અજાણતાં જ તે બાળકને પ્રતિભાવ આપવાનું અને ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરવાનું શીખવા દેતી નથી. મા સાથે બાળકનો સંબંધ ખોરાક દ્વારા સ્થાપિત થાય છે અને આજીવન ટકી રહે છે; માનો રોલ (ભૂમિકા) આટલાં સુધી સીમિત થઈને રહી જાય છે. પરંતુ આવું કરવાથી બાળકના મનમાં એક સ્ટીરિયોટાઇપ (રૂઢિબદ્ધ ધારણા) બની જાય છે અને બાળકને શિશુ સ્તરે રાખી, તેને એવો સંદેશ આપે છે કે તે હજી સ્વતંત્ર રીતે ખોરાક ગ્રહણ કરવા માટે સક્ષમ નથી.

આ પરિસ્થિતિમાં બાળકની માએ શું કરવું જોઈએ?
આવું કરવાના બદલે મા એમ કરી શકે છે કે તે બાળકને પોતાની સાથે બેસવાનું શીખવાડે અને બાળકને તાલીમ આપે કે તે જે ખાવા માગે છે તે જાતે પસંદ કરે અને તેને આપમેળે ખાય પણ ખરું. આ રીતે તે ચમચીનો વધુ સારી રીતે ઉપયોગ કરવો અને આવા અન્ય જરૂરી સામાજિક કૌશલ્યો પણ શીખી જશે. તે પછી બાળકએ પણ જાણશે કે - ખોરાક લેવો એ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે અને પુખ્ત વયની જેમ ખાવાની રીત શીખવી કેટલી જરૂરી છે. ઘણી માઓની કાયમી ફરિયાદ હોય છે કે તેમનાં બાળકો ખોરાક પ્રત્યે ફસ્સી (Fussy-નખરાળું) છે. પરંતુ તેમના ફસ્સી હોવા પાછળનું મૂળ કારણ એ છે કે મોટાભાગનાં ઘરોમાં ખોરાક તે જાણે બાળક માટે પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરવા માટેનું એક યુદ્ધનું મેદાન ના હોય! વાલી તરીકે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે નાનાં બાળકો માટે પોતાના વિચારો જણાવવાનો એકમાત્ર અવકાશ- ખોરાક, રમકડાં/રમત કે કપડાં જ છે.

અહીં જરૂરી એ છે કે જ્યારે તમારું બાળક આ દુનિયાને ડિસ્કવર કરે ત્યારે તમે ચોક્કસ એને તમારો પૂરેપૂરો સાથ આપો પણ ભૂલથી પણ લાગણીઓમાં વહીને તમે તમારા બાળકના વતી આ ડિસ્કવર કરવાની આખી પ્રક્રિયા ના કરશો જી! એટલે નાનપણથી જ, બાળકોને પ્રોત્સાહન આપો કે તેઓ – રાંધવાની કલા; ઘરની સાફ-સફાઈ, ગોઠવણી, સાજ-સજ્જા વગેરે – શીખે જેથી કરીને તેઓ આગળ જઈને તે બધાં કૌશલ શીખી શકે જે તેમને સમાજમાં ભળી જવામાં મદદરૂપ નીવડે.

જૂના જમાનામાં
પ્રાચીન કાળમાં ભારત સહિત કોઈપણ સમાજમાં, બાળકો પુખ્ત વયના લોકો સાથે કામ કરતાં હતાં અને આ રીતે તેમની જીવનશૈલી પણ શીખતાં હતાં. એટલે, જો માતા-પિતા ખેતી અથવા હસ્તકલાના ક્ષેત્રમાં કામ કરતાં હોય, તો બાળકો તેમને અનુસરી અને તેમની ક્રિયાઓનું અનુકરણ કરતાં. આ રીતે, પુખ્ત વયના લોકોનું નિરીક્ષણ કરીને, તેમની પ્રવૃત્તિનો ભાગ બનીને, બાળકો ફક્ત કોડ, કૌશલ્ય અને મૂલ્યો જ શીખતાં એટલું નહિ; પણ આ થકી તેઓ માનવ પ્રવૃત્તિમાં કઈ રીતે એકીકૃત થવું તે પણ શીખતાં. ઔદ્યોગિકરણ અને નવા વ્યવસાયોના આવતાં, બાળકો પુખ્ત દુનિયાનાં કામ અને પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર થઈ ગયાં છે. આ જ કારણ છે કે ઘણાં બાળકો અને કિશોરોને ખબર જ નથી હોતી કે તેઓ તેમના જીવનમાં શું કરવા માગે છે.

હવે પછીનાં પગલાં
એટલે જરૂરી છે કે વાલી સમય-સમય પર બાળકોને તેમના વ્યાવસાયિક જીવનમાં તેમની સાથે લઇ જવાનું રાખે. કિશોર ઉંમરનાં બાળકો અને યુવાન એડલ્ટ (વયસ્ક) બાળકો માટે, ખૂબ જ મહત્ત્વનું છે કે તેમને કંપની, એનજીઓ અથવા સલામત વ્યાવસાયિક જગ્યાઓમાં ઇન્ટર્ન કરવા માટે પ્રોત્સાહિત કરવામા આવે. વાસ્તવમાં બાળકોને નાની ઉંમરથી સ્વાયત્ત બનવામાં મદદ કરવી તે સશક્તિકરણ જ નહીં પણ વાલિયોની ફરજ પણ છે.

ચાલો, આપણે બધા રિસ્પોન્સિબલ (જવાબદાર) શિક્ષકો અને વાલી તરીકે આપણા વિદ્યાર્થીઓ અને બાળકોને ખરા અર્થમાં ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ.

anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...