એક્સપ્લોર ઇન્ડિયા:ચાલો આંદામાન-2: આંદામાનનો સ્વરાજ દ્વીપ એટલે જાગતા જ જોવાયેલું અને જિવાયેલું એક સ્વપ્ન!

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મી ગીતોની સારી કડીઓ, સારી ફિલ્મોનાં વિશાળ કુદરતી કેન્વાસ ધરાવતાં દૃશ્યો વગેરે વિશાળ ભૂરા અને નીલા રંગના સમુદ્ર આસપાસ જ આકાર લે છે એનું એક જ સરળ કારણ છે કે સમુદ્રને જોઈને જ મન એક ગજ્જબની શાતા અનુભવે છે અને નાનકડાં બાળકથી લઈને મોટેરાંઓ સુધી સમુદ્ર સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે. જળતત્ત્વ સુંદરતાની સાથે સાથે અનેક રહસ્યોથી ધરબાયેલું છે અને એ રહસ્યો લગી પહોંચવા માટે જિજ્ઞાસાવૃત્તિ કેળવીને જળ સાથે દોસ્તીનો હાથ લંબાવીને જ પહોંચી શકાય છે. આપણો દેશ અધધધ કહી શકાય એટલો 7,516 કિમી. જેટલો સમુદ્રી વિસ્તાર ધરાવે છે જેમાં નાના મોટા અનેક ટાપુઓનો સમાવેશ થાય છે. આ ટાપુઓ પર દાદીમાની વાર્તા સમાન અચંબિત થઇ જવાય તેવી દરિયાઈ સૃષ્ટિ, ગાઢ જંગલો, વરસાદી જંગલો આવેલાં છે. રામાયણકાળ સાથે જોડાયેલ આંદામાનના દ્વીપ સમૂહો પર એક સમયે માત્ર છૂટી છવાઈ આદિવાસી જનજાતિ જ વસવાટ કરતી હતી અને નૈસર્ગિક સંપદા પર રહીને જ જીવન નિર્વાહ કરતી હતી. છેક 11મી સદીથી વિશ્વભરમાંથી વિવિધ દરિયાખેડૂઓ અને સાહસિકોએ આ ટાપુઓની મુલાકાત લીધી હતી અને આ ટાપુઓને અલગ અલગ નામે ઓળખ આપી હતી. આશરે 17મી સદીમાં અહીં અંગ્રેજોએ આધુનિક માનવવસ્તી સ્થાપવાની કોશિશ પણ કરી હતી જે નિષ્ફળ નીવડી હતી અને ત્યાર બાદ અઢારમી સદી પછી છેક અહીં આધુનિક લોકજીવનની શરૂઆત થઇ અને આંદામાન ભારત દેશનું અભિન્ન અંગ બન્યું. અહીંના દરેક સ્થળનાં નામ તો અંગ્રેજોએ આપેલાં છે, પણ સમયાંતરે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓનાં માન સન્માનને ધ્યાને લઈને દરેક દ્વીપનાં નામ ભારત સરકારે ફેરબદલ કર્યાં છે. અહીંના દરેક ટાપુ પર બીચનાં કે નાના વિસ્તારોનાં નામ રામાયણનાં પાત્રોને લઈને આપવામાં આવ્યાં છે.

આજે બંગાળની ખાડીમાં આવેલા આંદામાનના ટાપુ ‘સ્વરાજ દ્વીપ’ પર આંટો મારીશું. અહીંના દરિયાનાં તળિયાને સ્પર્શીશું અને અહીંનાં કુદરતી વિશ્વને ‘હાઈ હેલો’ કહીશું. બ્રિટિશ જનરલનાં નામ પરથી ‘હેવલોક’ નામ આપવામાં આવેલું, જે હવે સ્વરાજ દ્વીપ તરીકે ઓળખાય છે. અહીં પહોંચવા માટે પૉર્ટ બ્લેરથી સરકારી અથવા તો પ્રાઇવેટ એમ બે ફૅરીની સુવિધા છે, જેમાં બે કલાકની દરિયાઈ સફર કરીને અહીં પહોંચી શકાય છે. સ્વરાજ દ્વીપ એટલે એક સરસ મજાનું ગામડું જ જોઈ લો. અહીં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી અને કુદરત સાથેનો સંસર્ગ વધુ છે. એટલે જે લોકો મટિરિયલિસ્ટિક વિશ્વને થોડા સમય માટે અલવિદા કહીને એક નવા જ વિશ્વમાં પોતાની જાતને ટ્રીટ આપવા માગતા હોય એવા જનો માટે આ જગ્યા સ્વર્ગ સમી છે. અહીં વિવિધ પ્રકારના બીચ, વિવિધ પ્રકારનાં વોટર સ્પોર્ટ્સ, વિવિધ પ્રકારનાં જંગલો, કોરલ રીફ વગેરે ઉપલબ્ધ છે. જિજ્ઞાસા વૃત્તિ વધતી જ જાય એવા સમુદ્રી જીવો અને એની કરતબો અહીં દરેક દરિયા કિનારે બેસીને જ નિહાળી શકાય છે, તો દરિયામાં ડૂબકી લગાવતા તો કલ્પના વિશ્વમાં જ વિહાર કરી રહ્યા છો એવું જ માનવું રહ્યું.

સ્વરાજ દ્વીપ પર ઊતરતાં જ એકદમ લીલું એવું વિશાળ કેનોપી અને ગગનચુંબી ઊંચાઈ ધરાવતું આંદામાન પડૌકનાં વૃક્ષોનું વિશાળ જંગલ જોવા મળે કે એ જંગલની માનવકેડી પર દોડી જવાનું મન થાય. સમુદ્ર વારંવાર નાનકડું બાળક જેમ દાદા સાથે મસ્તી કરતું હોય એમ જંગલ સાથે પકડદાવ રમ્યા કરે એવું દૃશ્ય જોયા જ કરીએ એવું સોહામણું દીસે. અહીં આવેલા લગભગ તમામ રિસોર્ટ્સ ડાઇવ રિસોર્ટ્સ તરીકે ઓળખાય છે. એટલે અહીં મરજીવાઓ, સમુદ્રી જીવન પર રિસર્ચ કરનારા જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુ લોકો અહીં મહિનાઓ સુધી સમુદ્રમાં ડૂબકીઓ લગાવવા માટે આવે છે. આ ટાપુ પર મુખ્ય ત્રણ બીચ છે જે ત્રણેય બીચ એની આગવી સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સ્વરાજ દ્વીપ પરથી જ એક્ટિવા ભાડે મળી રહે છે. એક્ટિવા લઈને ધીમી ગતિએ સોપારીનાં ગગનચુંબી વૃક્ષો, નાળિયેરીઓ, અસંખ્ય લટકતાં ફળો સાથેના આંબાઓ, કેળાનાં વૃક્ષો, વિવિધ ફૂલોનાં છોડવાઓની કંપની માણતાં માણતાં આશરે 15-17 કિમી દૂર આવેલા રાધાનગર બીચ પર પહોંચી શકાય છે, જે ‘ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લેગ’ બીચ તરીકે ઓળખાય છે અને વિદેશીઓમાં ગજ્જબનું આકર્ષણ ધરાવે છે. અહીંની સફેદ રેતી અહીંની મુખ્ય વિશેષતા છે. પચીસેક વર્ષની યુવતી પણ બાળમાનસ ધરાવતી થઇ જાય છે અને દરિયાનાં આવન-જાવન કરતાં મોજાં સાથે ગમ્મત કરવા લાગે છે. વળી બીચ પર બેસીને સુંવાળી રેતીને જાણે પોતાની પર્સનલ ડાયરી હોય એમ આંગળીઓથી કશુંક લખવા માંડે છે. જરાક વારમાં વળી શું મન થાય કે દરિયા સાથે માંડીને વાતો કરવા લાગે તો વળી થોડી વારમાં પોતાનાં મનમાં રહેલું સપનાંનાં ઘરનું સર્જન પણ કરી લે… ધીરે ધીરે દરિયાનાં આછેરા ભૂરા તો વળી ક્યારેક એકદમ આછેરા લીલાશ પડતાં મોજાંઓ એની સાથે ફ્લર્ટ કરતાં કરતાં એને છેક અંદર સુધી ભીંજવી જતા નજરે પડે. રાધાનગરનો બીચ વિશાળ વોકવે જેવો વળાંક ધરાવે છે અને ખૂબ જ પહોળો બીચ છે જેથી ગમે તેટલા લોકો હોવા છતાં કોઈ પણ વ્યક્તિ પોતાની અલાયદી જગ્યા સરળતાથી શોધી લે છે. બીચના બંને છેડે વિશાળ ઘટાદાર જંગલ છે, જે આ બીચને ખાસ બનાવે છે. વિશાળ મેન્ગ્રુવ્સ અને આંદામાન પડૌકનાં સદાબહાર લીલાં રહી શકે એવા જંગલો મનને અહીં જ રહી જવા માટે લલચાવે છે, તો વળી સાગરનાં મોજાં આ જંગલો પાસે રચાયેલી કુદરતી શિલા સાથે અથડાય ત્યારે સર્જાતા સંગીત થકી કુદરતની દરેક ક્ષેત્રમાં રહેલી અનૂઠી સર્જનાત્મકતાનો પરિચય કરાવે છે.

અહીં સૂર્યાસ્ત મન ભરીને, એમ કહું કે ઘૂંટડા ભરીને પી શકાય છે તો વળી કોઈ ગમતી નવલકથાની જેમ વાંચી શકાય છે. ધરણીને સમર્પણ કરતાં પહેલાં સૂરજ અહીં વાદળો સાથે રંગોળીની રમત આદરે છે. ધીરે ધીરે દરિયા કિનારાને સોનેરી ઓપ આપે છે એમ દરિયાનાં મોજાંઓ ભૂરામાં સહેજ લીલો રંગ ઉમેર્યો હોય એમ લીલાશ પકડે છે, તો વળી ધીરે ધીરે એમાં સોનેરી રંગ ઘૂંટાતો હોય એમ સપાટી સોનેરી ઓપ ધારણ કરે છે. દરિયાની સફેદ રેતી જાણે મખમલી બિસ્તર હોય એમાં પાર ખુલ્લા ડીલે સૂવાથી જાણે કુદરતની વ્હાલપનો હૂંફાળો અનુભવ થાય છે. આ સઘળી ઘટનાઓને હું કેમેરામાં કંડારી શકું એવી મારી ક્ષમતા નથી અને કોઈની હોઈ જ ન શકે કેમ કે કુદરતનું વાત્સલ્ય એ દરેકે માણવું જ રહ્યું. ધીરેકથી બાળક જેમ માના સાડલાના પાલવમાં લપાઈ જાય છે, એમ સૂરજ એક કોર સમુદ્રની સપાટી પર અને જરા તરા ઘટાટોપ જંગલોમાં ઓઝલ થતો જોવા મળે અને કુદરતના છેલ્લા રંગોની રંગોળીથી આખુંયે આકાશ રંગાઈ જાય, જેનો પડછાયો વળી ભીનાશવાળા કિનારા પર એક નવી જ રંગોળી તૈયાર કરે. છેલ્લી આછેરી લાઇટમાં શંખલાંઓ ધીમી ગતિએ સમુદ્ર તરફ જતા જોવા મળે જેમ સાંજ ઢળ્યે આપણને ઘર સાંભરે અદ્દલ એમ જ, એ રીતે નાનકડા કરચલાઓ પણ સમુદ્રનાં મોજાં તરફ દોટ લગાવે તો વળી એથી ઊલટું ધીરે ધીરે સમુદ્ર આખાયે કિનારાને પોતામાં સમાવી લેવા માગતો હોય એમ કિનારા પર ફળી વળે. દરેક આગલું મોજું એક એક પગલું આગળ ધપતું જણાય. મન ભરીને સૂર્યાસ્ત માણી લો કે સ્વચ્છ આકાશમાં તારોડિયાઓ ટમટમવા શરૂ થાય. રાધાનગર બીચ અમસ્તો જ વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બીચમાંનો એક નથી કહેવાતો.

રાધાનગર બીચ પહેલા જ નજીકમાં એલિફન્ટ બીચ છે, જ્યાં પહોંચવા માટે આશરે કલાકેકનું જંગલ ટ્રેકિંગ અથવા તો ફાઈબર બોટનાં માધ્યમથી જઈ શકાય છે. અહીં વિવિધ વૉટર સ્પોર્ટ્સ, સ્નોર્કલિંગ જેવી પ્રવૃત્તિઓ, સી-વૉક કે જેમાં એક ખાસ પ્રકારનું હેલ્મેટ પહેરીને આશરે એક થી દોઢ મીટરનાં છીછરા દરિયામાં આવેલી કોરલ અને માછલીઓનાં વિશ્વમાં ડોકિયું કરી શકાય છે પણ અહીં પહોંચવા માટે છેલ્લાંમાં છેલ્લું બપોરે 1 વાગે પહોંચી જવું પડે છે એ પછી પરમિશન મળતી નથી. સામાન્ય રીતે અહીં સૂર્યાસ્ત આશરે પાંચ વાગતાં સુધીમાં થઇ જાય છે એટલે પ્લાનિંગ પણ એ રીતે જ કરવું જરૂરી છે.

રાધાનગર જોયું એટલે જાણે પોતીકો સમુદ્ર જોયો, સમુદ્ર આસપાસ વણાયેલી અને કલ્પેલી પોતાનાં જ દુનિયા જોઈ, બાળપણમાં સાંભળેલી વાર્તાઓ નજરો નજર જોઈ તો વળી કોઈ ફિલ્મમાં દર્શાવેલો વિશાળ દરિયાકિનારો એ રીતે જોયો જાણે આ સૃષ્ટિ જ ફિલ્મનો પરદો બની ગઈ! આંદામાન સ્વરાજ દ્વીપ એટલે જાગતા જ જોવાયેલું અને જિવાયેલું એક સ્વપ્ન!

creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)