એક્સપ્લોર ઇન્ડિયા:ચાલો આંદામાન-1: આ ખૂબસૂરત દ્વીપસમૂહની અફાટ કુદરતી સુંદરતા ને દિલધડક અન્ડર વૉટર દુનિયા જોવા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પેસ વિશે કદાચ આપણે એટલું જરૂર જાણતા હોઈશું જેટલું આપણે સમુદ્ર વિશે નથી જાણતા. આપણી ધરણી પર 70% જેટલો ભાગ રોકનાર અફાટ મહાસાગર જેટલો બહાર સુંદર દેખાય છે, એનાથી ક્યાંય વિશેષ સુંદર દુનિયા પોતાની ભીતર સમાવીને બેઠો છે. કેટ કેટલાંયે રહસ્યો દરિયાનાં તળિયે ધરબાયેલાં હશે જેનાથી આપણે અજાણ જ હોઈશું. કુદરતનાં સાંનિધ્યમાં જંગલો, નદીઓ-કોતરો, ઘાસનાં મેદાનો, પહાડો વગેરે ફર્યા પછી કુદરતની પાણી નીચે સમાયેલી સૃષ્ટિને જોવા - જાણવાની જિજ્ઞાસા પ્રવર્તે જ એમાં કોઈ શંકા નથી. કુદરતનાં વૈવિધ્યનાં કેફમાં રહેવાની જિજ્ઞાસા કહો કે સમુદ્રી વિશ્વનું ખેંચાણ મને ભારતનાં ખૂબસૂરત દ્વીપ સમૂહ આંદામાન સુધી ખેંચી લાવ્યું અને અહીંના વિશ્વમાં ડૂબકી લગાવીને પણ હું એટલું ન સમજી શક્યો કે એવું કયું તત્ત્વ સમુદ્ર ધરાવે છે જે દરેક ઉમરનાં જનો અને સચરાચરનાં દરેક જીવોનાં મન પર સતત રાજ કરવાનું સામર્થ્ય ધરાવે છે!

સરસ મજાનાં હિંચકા પાર બેસીને અનિમેષ નજરે સમુદ્રનાં ધવલ મોજાંને મહાકાય શિલાઓ સાથે અથડાઈને પ્રકૃતિનું મધુર ગાન ગાતાં જોઈ શકીએ તો સમય ભાન ભૂલીને તમારી સાથે સમય વીતાવવા બેસી જશે એવું ખરેખર અનુભવી શકાય. શુક્લ પક્ષના પખવાડિયામાં ધીમી ચાલે સૂરજ ઢળતાં ઢળતાં સમુદ્રના પટને સોનેરી ઓપ આપીને વિદાય લે, ડોલ્ફિન્સ મસ્તીના મૂડમાં આવીને સૂરજને દિવસની આખરી વિદાય આપવા ઊછળીને જાણે આકાશ આંબવા પ્રયત્ન કરે કે સૂરજ નજર સામેથી પાણીમાં ઓઝલ થઇ જાય. આકાશ આખું કેસરી ઝાંય રંગોથી રંગાઈ જાય ને સહેજ ઊગમણે નજર ફેરવો કે આછેરા અંધારામાં ઓઝલ થયેલ પાણી પર કેસરી દીવાની જ્યોત સમો ચંદ્ર ક્ષિતિજ પર ધીરેકથી દૃષ્ટિગોચર થાય કે બધી જ કવિ કલ્પનાઓ વામણી લાગે. કિનારે સહેજ ગરમ અને મુલાયમ રેતીમાં ઉઘાડા ડીલે ધરતીભેર પાડીને દરિયાને નિહાળવાની, એની સાથે ગોષ્ઠિ માંડવાની આ જ સાચી રીત છે એવું હું મારા અનુભવ પરથી સ્પષ્ટપણે કહી શકું. આથમતા સૂરજે સતત સંઘર્ષમય જીવનમાં આવતા ઘડીભરના અંધારપટ તો એ કે તરફ ઊગતા ચંદ્રએ કોઈ પણ સમય કાયમી નથી. અંધારપટનો અંત છેલ્લે તો કોઈ ચમકતી રોશનીથી જ છે એવું એક જ સમયે સમજાવી જાય છે. છે ને પ્રકૃતિ એક રસપ્રદ પાઠશાળા? 17મી સદી પહેલાં અહીં રહેતા જનો કદાચ પ્રકૃતિ સાથે તાલમેળ સાધીને આ રીતે જ રહેતા હશે એટલે કદાચ એમને આપણી કે આપણા આધુનિક વિશ્વની જરૂરિયાત નહિ પડી હોય જે આજે પણ અહીંથી નજીક આવેલા નોર્થ સેન્ટિનલ ટાપુના આદિવાસી જનો જીવી જાણે છે અને ક્યારેય માનવવિશ્વને પોતાનાં વિશ્વમાં ડોકિયું નથી કરવા દેતા.

બંગાળની ખાડીમાં આવેલા આંદામાનનાં દ્વીપ સમૂહોમાંના દરેક દ્વીપ સમગ્ર વિશ્વભરમાં એક આગવી ઓળખ ધરાવે છે અને અહીંની નૈસર્ગિક સુંદરતા કોઈ પણને અહીંના જ બનાવવા માટે સમર્થ છે. અહીં આવેલ એક શહીદ દ્વીપ અફાટ સુંદરતાની સાથે વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવે છે. એ વિશ્વને જાણવા માછલીઓ, પરવાળાઓ, કાચબાઓ, કરચલાઓ અને અન્ય જીવો સાથે મિત્રતા કેળવવી પડશે. દરિયાને ખરા અર્થમાં માણવો હોય તો એની ભીતર ઊતરવું પડે એ સિદ્ધાંતને લક્ષ્યમાં લઈને જ્યાં ઓછા લોકો હોય એવા સ્થળ પર પહેલી પસંદગી ઉતારી. અહીં વિમાનમાર્ગે પૉર્ટ બ્લૅર આવી શકાય છે. પૉર્ટ બ્લૅર અહીંનું મુખ્ય મથક છે. અહીંથી અલગ અલગ ટાપુઓ પર ફેરી મારફતે જઈ શકાય છે, તો વળી આંદામાનના જમીની વિસ્તાર સાથે જોડાયેલા વિશ્વમાં આંટો મારવા બસ કે ટેક્સી મારફતે પણ જઈ શકાય.

પૉર્ટ બ્લૅરથી સીધો જ હું શહીદ દ્વીપ જવા નીકળ્યો. જેટી પર જ આવેલા ટિકિટ કાઉન્ટર પરથી શહીદ દ્વીપ જે અંગ્રેજોનાં શાસન સમયે નીલ આઇલેન્ડ તરીકે ઓળખા,તો પણ આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં માન સન્માન અર્થે ભારત સરકારે આ દ્વીપ સમૂહનું નવું નામકરણ કર્યું. શહીદ દ્વીપ માત્ર સાતથી આઠ કિમી વિસ્તારમાં ફેલાયેલો નાનકડો પણ કુદરતના આશીર્વાદથી ઉત્તમ નૈસર્ગિક સંપત્તિથી લદાયેલો દ્વીપ છે, જ્યાં તમે ઈચ્છા પડે એટલો સમય વિતાવી શકો અને આ નૈસર્ગિક આનંદને પોતાનાં બદનની ચાળમાં ભરી શકો. અહીં વિવિધ રંગો અને આકારનાં સમુદ્રી જીવો, વૃક્ષો, ફળફળાદિના બગીચાઓ, સોપારીનાં ગગનચુંબી વૃક્ષો, દિવસે તમરાં ગુંજીને સતત તેમની હાજરી નોંધાવે એવાં મહાકાય વૃક્ષો ધરાવતાં જંગલો, જંગલોમાં માનવકેડીઓ અને કેડીઓ સીધી જ મુલાયમ રેતીવાળા દરિયા કિનારે દોરી જાય જ્યાં ખુલ્લા પગે તમે કલાકો સુધી મહાલી શકો. કિનારે જ ચાર-પાંચ મીટર સુધીની ઊંડાઈ હોવા છતાં તળિયું સ્પષ્ટ રીતે જોઈ શકો એટલું શુદ્ધ પાણી, પોતાનાં બાળકો સાથે ફરી એક વાર બાળક બનીને તમે અહીં રેતીનું ઘર બનાવી જુઓ. બાળકો સાથે દરિયાનાં આવન- જાવન કરતાં મોજાં સાથે પકડદાવ રમી જુઓ. નર્યો આનંદ જ આનંદ માણી શકશો.

શહીદ દ્વીપની ખાસ વાત એ છે કે અહીં ઓછા લોકો હોય છે અને તેથી ખૂબ જ શાંતિનો માહોલ મળી રહે છે. નાનકડાં ગામડા સમો શહીદ દ્વીપ રામાયણનાં પાત્રો સાથે જોડાયેલો હશે એવું અહીંના સ્થળનાં નામોને જોતાં કહી શકાય. પૉર્ટ બ્લૅરથી ફેરી મારફતે શહીદ દ્વીપ પહોંચી શકાય છે. અહીં પહોંચતાં જ ભરતપુર બીચ દૃશ્યમાન થશે. આંખોને ગમે તેવા વાદળી રંગનું સ્વચ્છ પાણી રેતીને ભીંજવતું નજરે ચઢે અને લીલોતરી ધરાવતું મેન્ગ્રુવ્સ તથા આંદામાનનાં ગગનચુંબી વૃક્ષોનું જંગલ આંખોને શાતા આપે. અહીંના દરિયા કિનારાની ખાસ વાત એ જ છે કે અહીંના દરેક બીચ પર ખૂબ જ ગાઢ અને બારેમાસ લીલું રહેતું જંગલ હોય છે, જે અહીંની નૈસર્ગિક સુંદરતામાં વધારો કરે છે. ભરતપુર બીચની આસપાસ નાના બાળકથી લઇને મોટેરા સુધી દરેક વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરી શકે છે. અહીં અલગ અલગ પ્રકારનાં વૉટર સ્પોર્ટ્સ, અલગ અલગ કેફે અને રેસ્ટોરાં, ગ્લાસબોટ જેવી પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. દરિયાને ભીતરથી જાણવો હોય તો એનાં ઊંડાણ સુધી જવું પડે. અહીં વિવિધ ડાઇવ રિસોર્ટ્સ આવેલા છે જ્યાં સ્કૂબા ડાઇવિંગની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. છેક 15 મીટર સુધીની ઊંડાઇએ આવેલ રીફ સુધી મરીનલાઈફને જોવા માટે સ્કૂબા થકી જઈ શકાય. અહીં સ્કૂબા એક્સપર્ટ્સ નાનકડી ટ્રેનિંગ પછી સહેલાઈથી તમને છેક દરિયાનાં તળિયે આવેલી રીફ સુધી લઇ જાય છે, જ્યાં વિવિધ પ્રકારની કોરલ, મરીન ટર્ટલ્સ, રંગબેરંગી માછલીઓનો સમૂહ, સી સ્નેક તો વળી દરિયાઈ જીવસૃષ્ટિની અજાયબ દુનિયામાં જાણે તમે ટહેલવા નીકળ્યા હોય એ રીતે લટાર મારી શકો.

અહીં સામાન્ય રીતે ટાઈમઝોન થાઈલૅન્ડના સમય આસપાસ ચાલે છે એટલે સવારે પાંચ વાગતાં જ સૂર્યોદય થઇ જાય અને ધરણી સંપૂર્ણ રીતે સોનેરી રંગથી રંગાઈ જાય છે. સૂર્યોદય માટે અહીં નજીકમાં જ કાળા પથ્થર બીચ આવેલો છે જ્યાં સમુદ્રમાંથી ક્ષિતિજ પર આવતા સૂરજને નિહાળી શકાય. એ જ રીતે સૂર્યાસ્ત પણ સાંજના 5 વાગતાં જ થઇ જાય છે, એટલે લક્ષ્મણપુર-1 બીચ પર સૂરજને અસ્ત થતો જોવો એક લ્હાવો છે. સફેદ રેતી ધરાવતા દરિયા કિનારે અસંખ્ય શંખલાંઓ ધીમી ચાલે ચાલતા નજરે ચઢશે. અહીં એક તરફ સૂરજ અસ્ત થતો હોય તો બીજી તરફ ચંદ્રોદય માણી શકાય. સૂર્યાસ્ત પહેલાં લક્ષ્મણપુર -2 બીચ પર ટહેલવા માટે જઈ શકાય, જ્યાં વિવિધ પરવાળાઓ, રંગબેરંગી માછલીઓ, કરચલાંઓ વગેરે કિનારા પર જ રહી ગયેલાં પાણીમાં જોવા મળશે. અહીં વિશાળ શિલા છે અને એના પર કુદરતી રીતે વૃક્ષો અને વનરાજી છવાઈને નેચરલ બ્રીજનું નિર્માણ થયેલું છે. આ શિલાને મહાસાગરનાં મોજાંઓ અથડાય ત્યારે અનેરું સંગીત સર્જાય છે જે મહાસાગરની ભીષણતમ પ્રકૃતિનો પરિચય કરાવે છે. અહીં મશરૂમ કોરલ, બ્રેઈન કોરલ, હર્મન ક્રેબ વગેરે સરળતાથી જોવા મળી જાય છે.

લક્ષ્મણપુર સિવાય મને જે બીચ સૌથી વધારે ગમ્યો એ સીતાપુર બીચ છે. ‘લાઈફ ઓફ પાઈ’ ફિલ્મમાં એક આઇલેન્ડ દર્શાવવામાં આવે છે અદ્દલ એ જ પ્રકારનો બીચ એટલે સીતાનગર. જ્યાં પહોંચતાં જ તમને તમે ખરેખર કોઈ ટાપુ પર આવી ગયા છો એવો સ્પષ્ટ અનુભવ થયા વિના ન રહે. વિશાળ ગગનચુંબી વૃક્ષોથી ઘેરાયેલું ગાઢ જંગલ અને એમાં એક માનવકેડી-જેના પર સૂકાં પાંદડાંઓએ પોતાનું આધિપત્ય જમાવેલું હોય-એના પાર ચાલીને અંતે એક નાનકડાં બે વૃક્ષો વચ્ચેના કુદરતી દરવાજાને ઓળંગો કે વિશાળ મહાસાગર દસ્તક દેતો જણાય. જરાક આગળ વધો કે પોસ્ટ કાર્ડ સમો એકદમ વાદળી અને આછેરા લીલા રંગનો મહાસાગર તમારા પગ સુધી આવીને સ્પર્શીને જાય અને ફરી આવે. અહીં કોઈ પણ શિલા પર બેસો કે મહાસાગરને તમે તમારી અંદર ઘૂઘવતો અનુભવી જ શકો!

સીતાપુરમાં વિતાવેલો સમય જો હું કાયમ માટે સાચવી શકું તો હું એ સમય હંમેશાં સાચવીને ફરી ફરીને માણવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ જ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...