કર્ણપટલ પર ઘૂઘવતા સાગરનું સુમધુર પણ સતત ધૂનમાં વહેતું સંગીત સાથ આપી રહ્યું છે. મંદ-મંદ વહેતો વાયરો શરીરને સ્પર્શીને જંગલની તાજગીભરી સુવાસ થકી ધરતીની સાચી ફ્લેવરને છેક દિલો-દિમાગ પર પ્રસરાવી રહ્યું છે. હું કુદરતના એક તદ્દન તાજા લાગતા હોય એવા વિસ્તારમાં ધીમી ગતિએ ટૂ-વ્હીલર પર નાનકડી શી વળાંકવાળી સડક પર આસપાસની વનરાજીને આંખો થકી મનમાં ભરતો, ભૂરા અને વિશાળ સમુદ્રનો હાથ થામીને આગળ શું આવશે એવી કશી જ જિજ્ઞાસા વિના બસ આ રસ્તાનો આનંદ લઇ રહ્યો છું. રસ્તો જે હંમેશાં આપણને ક્યાંક ને ક્યાંક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાંક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં જ રહે છે તો એકલા એકલા બોર નથી થતો? રસ્તો જાણે મને જ સંબોધીને કહેતો હોય, ‘ભાઈ હું રોજે નવા નવા મુસાફર જોયા કરું છું. કોઈકને ક્યાંક પહોંચવાની જલ્દી હોય છે તો કોઈકને જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જવાની.’ બધાએ નિર્ધારિત સ્થળ પર પહોંચવની લ્હાયમાં ઘણું ખરું ગુમાવ્યું છે, જે મુસાફરી દરમ્યાન રસ્તામાં જ મળે છે. ક્યાંક પહોંચવા કરતાં જે તે સ્થળ પર લઈ જતો રસ્તો વધારે આનંદ અને સંતોષ આપે છે. ક્યારેક ક્યાંય પણ પહોંચવા માટે નહીં, પણ ખાલી રસ્તાને માણવા કારની બારી ખુલ્લી રાખીને કે પછી કોઈ વાહન વિના મુસાફરી કરી જોજો. આ પ્રકારનો રસ્તાનો આનંદ મેં હંમેશાં અલગ અલગ પ્રકારના રસ્તાઓ પર માણ્યો જ છે, પણ આજનો આનંદ વિશેષ હતો. એનું મુખ્ય કારણ એક અલિપ્ત ટાપુ, દરિયો અને દરિયામાં ફાટફાટ થતું વિશાળ અને ગીચ જંગલ હતું. દરિયા સાથે જંગલ જાણે સતત એક લયમાં પ્રકૃતિનું મધુર ગાન ગાઈ રહ્યું હતું. તમરાઓ જાણે કશી જ પરવા કર્યા વિના પોતાની જ ધૂનમાં સંગીતનાં સૂરો છેડવામાં વ્યસ્ત હતા. સંપૂર્ણ પણે કુદરતનું આધિપત્ય ધરાવતાં સ્થળો પર હોઈએ ત્યારે જાણે-અજાણે આપણે પણ કુદરતને આધીન થઇ જ જતા હોઈએ છીએ. ગમે તેવો આધુનિક જીવનશૈલી જીવતો માણસ પણ અહીંની દરિયાઈ માટી અને જંગલોની સુવાસને શ્વાસમાં ભરીને અમુક ક્ષણો માટે તો ધરણીનો થઇ જ જશે!
પૉર્ટ બ્લેરથી આશરે પચીસેક કિમીની સફર પૂરી કરતાં સમય જાણે ક્યાં વીત્યો એ ન સમજાયું. રસ્તાના અંતે એક વિશાળ જંગલ અને તેમાં આવેલ ઝૂલૉજિક્લ પાર્ક દેખાયો. આ પાર્કમાં અસંખ્ય જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓનો વિશાળ ખજાનો છે. અહીં ક્યારેય ન જોયા હોય એવી પ્રજાતિનાં આંદામાન મકાક - વાંદરાઓ, આંદામાન વાઈલ્ડ બોર વગેરે જોવા મળે છે. મુક્ત મને મહાલતા જીવોને પાંજરાઓમાં જોવા માફક ન આવે, પણ સાવ ખત્મ થવાની કગાર પર આવેલા જીવોને વનવિભાગ અહીં તેમની જીવન સાંકળને સાચવી રાખવાના હેતુસર રાખે છે. અહીંથી આશરે ત્રણેક કિમી ગાઢ જંગલમાં જ ગાડી ચલાવીને અહીં આવેલા બીચ પર પહોંચ્યો અને હું જાણે અભિભૂત થઇ ગયો. અહીંના દરિયા કાંઠાની સુંદરતા એટલે આખાયે આંદામાનનો સહુથી વિશેષતમ સુંદર દરિયા કિનારો જ જોઈ લો. અર્ધ ચંદ્રાકારે વિશાળ જંગલોએ જાણે દરિયા સાથે જંગ માંડી હોય એમ દરિયો અને જંગલ એકમેકમાં સમાયેલાં જોવા મળે. કિનારે સૂકાં જૂનાં વૃક્ષો પર દરિયાનાં મોજાં એ રીતે ફરી વળતાં દેખાય જાણે વૃક્ષો અને દરિયાએ કોઈ સંવાદ માંડ્યો હોય. જંગલમાં વિવિધ જાતની પ્રજાતિનાં પક્ષીઓનું ગાન સતત સંભળાયા જ કરે, જાણે તેમની મોટી માત્રામાં હાજરી ન દર્શાવતું હોય. કિનારે પાણીથી ભીની રેતી પર પગ મૂકીને બેસો કે શંખમાં રહેલા પૉલિપ્સ ધીમી ગતિએ ચાલતા તમારી સમક્ષ આવીને બેસી જાય. અસંખ્ય છીપ અને શંખલાઓ એક મોજા સાથે ધસી આવે અને પાણી પરત ફરે કે અમુક શંખલાઓ અને છીપલાંઓ કિનારે જ રહી જાય, જાણે ભીડના મેળામાં નાનકડાં બાળકની માતાની આંગળી છૂટી જાય કે બાળક બેબાકળો બનીને માતાને શોધવા દોડે એમ જ આ છીપલાંઓ પાણી તરફ દોટ મૂકે. આ પ્રકારની કુદરતી વિરલ ઘટનાઓ મનને અલગ પ્રકારની જ અનૂભૂતિ આપે, જે જીવવા માટે નાનામાં નાના જીવને ધ્યાનથી નિહાળવો પડે, એના માહોલમાં જાતને ઢાળવી પડે અને છેલ્લે આવા જીવો સાથે દોસ્તીનો હાથ સહજતાથી લંબાવવો પડે.
પૉર્ટ બ્લેરથી અહીં પહોંચવા માટે બપોરે બે વાગે નીકળી જવું જ પડે. રસ્તો પસાર કરતાં આશરે એકાદ કલાક વીતી જશે. રસ્તામાં ઠેર ઠેર સોપારીનાં જંગલો, દરિયા કિનારે નારિયેળીઓના વિશાળ બગીચાઓ, ક્યાંક વળી બે ઘડી ઉભા રહીને કૅમેરાની નજરે આ વિશ્વને કેદ કરવાનું મન થાય એવા લોભામણાં દૃશ્યો પણ તમારો સમય માગી લેશે. અહીં પહોંચતાં જ ઝૂલૉજિક્લ પાર્કમાં ચક્કર લગાવશો અને પછી દરિયા કિનારે આવશો ત્યાં સુધીમાં સંધ્યા ટાણું થવા આવશે. અહીં પાંચ વાગે કે ધરણી તમસની આગોશમાં સમાઈ જવા તલપાપડ થઇ જતી હોય છે એટલે યોગ્ય સમયને ધ્યાનમાં લઈને ભૂલથી પણ એકાદી ક્ષણ વેડફાઈ ન જાય એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અહીંની સહુથી મહત્ત્વની ક્ષણ અહીંનો સૂર્યાસ્ત છે. જંગલ, દરિયો, પહાડ, વાદળાઓ, દરિયામાં દૂર દેખાતો ટાપુ, પક્ષીઓ અને નાનકડાં એવાં હોડકાંઓ આ સહુ જાણે સૂર્યને એકી સામટા વળાવવા નીકળતાં હોય એવું અદભુત દૃશ્ય અહીં રોજે ઢળતી સાંજે સર્જાય અને ભલભલા લોકો અહીં ક્ષિતિજ પર આથમતા સૂરજને અનિમેશ નજરે, શાંત ચિત્તે નિહાળ્યા જ કરે. દરિયાનાં મોજાંઓ સોનેરી ઓપ લઈને કિનારાની આવનજાવનમાં મથતાં હોય, સૂરજ ક્ષિતિજ પરથી ધરણીમય થાય કે આખું જ આકાશ જાણે કેસરી રંગે રંગાયું હોય અને ધીરે ધીરે એ કેસરી રંગ લાલાશ પકડે પછી એ લાલાશ પડતો રંગ આછેરો ભૂખરો થઈને અસ્સલ તમસના રંગમાં પરિવર્તિત થઇ જાય કે અંધારાની સુંદરતા સાથે પણ જાણે પ્રેમ થઇ પડે. હળવેકથી તારોડિયા ટમટમવા લાગે, દરિયાનાં મોજાંનો સંગીતમય અવાજ પણ હવે તમે અનુભવેલી શાંતિનો જ એક હિસ્સો છે એવું સતત લાગ્યા કરે.
દરિયા કિનારે આ જ રીતે એક કલકલિયો ડાળી પર બેસીને સૂર્યાસ્તને કે દરિયાને ધ્યાનમગ્ન હોય એમ જ માણતો જોયો. કુદરતના દરેક સર્જનની આગવી ભાષા હશે અને અંદર અંદર વાતો કરવા માટેની આગવી ઢબ તેઓએ કેળવી હશે એટલું તો હું સ્પષ્ટપણે માનું છું. અહીં વસતા દરેક જીવોને મેં દરિયાને આ રીતે માણતા જોયા છે. આવા ગજ્જબ સૂર્યાસ્ત પછી એ પક્ષીનાં નાનકડાં ચહેરા પર મને ગજ્જબની સ્ફૂર્તિ જણાઈ આવી ત્યારે મને સમજાયું કે દોસ્ત, કુદરતનાં દરેક તત્ત્વો એકબીજા સાથે તાલમેલથી જીવે છે!
બસ, માણસ રસ્તો ભટકી ગયો છે. શું કહેવું?
પ્રકૃતિમાં ફરતાં ફરતાં કંઈક ને કંઈક શીખ્યો છું. એકલતાને માણતાં, કુદરતની કંપનીને માણતાં શીખ્યો તો છું જ, ઉપરાંત જીવનના સાચા સૌંદર્યને અઢળક માણ્યું છે. હંમેશાં એવું જ માનું કે વિહરવું તો મુક્ત સાગરની જેમ. જેટલા ઊંડાઇએથી ઉપર આવીએ એટલા જ વધારે ખૂબસુરત લાગીએ. પોતાનો રસ્તો જાતે જ બનાવી લેવો અને ધરતીમાના પાલવમાં મોજથી આળોટવું.
આંદામાનના વિવિધ ટાપુઓ વિવિધ વિશેષતાઓ ધરાવે છે અને દરેક ટાપુ પર વિતાવો એટલો સમય ઓછો છે! બની શકે તો ફુરસદની ક્ષણો લઈને ભારતનાં આ ટાપુઓ પર કોઈ હેતુ વિના બસ દરિયાઈ જીવસૃષ્ટિને જાણવાની જિજ્ઞાસા લઈને નીકળી પડવું. દરિયાનાં કિનારે આવેલાં જંગલોની કેડીએ મહાલવા નીકળી પડવું. સમુદ્રઓ સાચો પરિચય ચોક્કસ કેળવાશે!
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.