એક્સપ્લોર ઇન્ડિયા:ચાલો આંદામાન-4: નૉર્થ આંદામાનનાં બારતાંગનાં વિશાળ મેન્ગ્રોવ્ઝનાં જંગલોમાં એક લટાર એટલે નવી જ ઇકો સિસ્ટમનો પરિચય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્પીડ બોટ ગતિ પકડે છે અને સમુદ્રનું પાણી જાણે કે સાવ જ શાંત મુદ્રામાં બેઠું હોય એમ સ્થિર છે. જેમ જેમ બોટ આગળ ધપે છે કે આંખો ફાટેલી રહી જાય અને કુદરતની અનોખી ઇકો સિસ્ટમ જોઈને રીતસરનાં ડઘાઈ જવાય. ચોતરફ વનરાજીની લીલોતરી, વિશાળ સમુદ્ર અને સમુદ્રની સપાટી પર જ જાણે પોતાનું આધિપત્ય જમાવીને બેઠું હોય એવું મેન્ગ્રોવ્ઝનું વિશાળ જંગલ. એ જંગલમાં અલગ અલગ કેડીઓની માફક પાણીની ક્રીક છેક અંદર સુધી દોરી જાય. ક્યાંક ક્યાંક તો સાવ કૅનોપીનાં કવરની જેમ જંગલ આખું જાણે આપણા પર છવાઈ જાય. સ્વાગત છે ભારતનાં સાવ જ અનોખા અને જેને છોડીને કદી ન આવવાનું મન થાય એવા મનોરમ્ય સ્થળ બારતાંગમાં.

અહીંનું વિશ્વ સંપૂર્ણપણે અલગ અને અલિપ્ત છે. આંદામાનનાં એકમાત્ર હાઇવે થકી આ સ્થળે જંગલ અને ઘાટના રસ્તાઓ કાપીને પહોંચી શકાય છે. આ સ્થળ જ નહીં, પણ આ સ્થળની મુસાફરી કાયમી દરેક જનનાં માનસપટ પર હંમેશ માટે કોતરાઈ જશે. બારતાંગ પહોંચવાનો રસ્તો ખૂબ જ ગાઢ અને રહસ્યમય જંગલ વચ્ચેથી પસાર થાય છે. જારવા આરક્ષિત ક્ષેત્ર આવતાં જ બસમાં બેઠેલા સહુ કોઈ સચેત થઇ જાય છે. મનુષ્ય માત્રની આંખો ઠારે એવા ગગનચુંબી ગાઢ વનરાજી ધરાવતાં જંગલોની કોરાણે ભૂરા આકાશ નીચે વિશાળ સમુદ્રી લહેરો હિલ્લોળા લઈને સફેદ રેતી પર મનોરમ્ય દૃશ્યનું સર્જન કરતી હોય અને સતત તમરાંઓના સૂર એકધારા કાને પડતા હોય. સૂર્યપ્રકાશ પણ ધરણી સુધી માંડ સ્પર્શે એવું ગાઢ અને વિશાળ વન. જ્યાં જુઓ ત્યાં તરુ જ તરુ. આવી અદભુત કુદરતી જગ્યા કોને ન ગમે? આવું અદભુત સ્થળ માનવીય હસ્તક્ષેપ વિનાનું હોઈ શકે ખરું? આંદામાન નિકોબારના ટાપુઓ પર જારવા રિઝર્વ નામનું આ સ્થળ ખૂબ જ નહિવત પ્રમાણના માનવીય હસ્તક્ષેપ સાથેનું અને અહીં રહેતા ગણ્યા ગાંઠ્યા જનોને આપણા આધુનિક વિશ્વ સાથે નાહવા નિચોવવાનો યે સંબંધ નથી. જારવા ટ્રાઇબ અહીં આજે પણ સામાન્ય લંગોટીમાં અને સંપૂર્ણ પણે કુદરતી સંપદા પર જ પોતાનું જીવન વ્યતીત કરે છે. બહારનો હસ્તક્ષેપ જરા પણ સહન ન કરનારા આ લોકોની દુનિયામાં પગ મૂકનાર વ્યક્તિ અહીંથી ભાગ્યે જ જીવતી પરત ફરે છે. પરિણામે સરકારે અહીં જવા પર પ્રતિબંધ મૂકેલો છે. જારવા આરક્ષિત ક્ષેત્રમાં થઈને નીકળતો રસ્તો નોર્થ આંદામાન તરફ જાય છે. પ્રતિબંધિત ક્ષેત્રનાં કારણે અહીં ટુ-વ્હીલર લઈને નહિ જઈ શકાય. સરકારી બસના ત્રણેક કાફલાઓ પૉર્ટ બ્લેરથી બારતાંગ સુધી જાય છે. આ સિવાય ટૅક્સી ભાડે કરીને જઈ શકાય છે. આખાયે રસ્તા પર ક્યાંય પણ વાહન ઊભું રાખી ન શકાય અને માત્ર કાફલામાં જ વાહન પસાર થઇ શકે એવી જડબેસલાક સુરક્ષા સાથે અહીંનાં ક્ષેત્રમાંથી વાહન પસાર થાય છે. બારીમાંથી જારવા જનજાતિના લોકોને નિહાળી શકાય છે. તેઓ અહીંનાં જંગલી ભૂંડનો શિકાર કરીને અને ફળો કે ફૂલોથી પોતાનું પેટ ભરે છે. હાથમાં તીરકામઠાં લઈને તેઓને ભય લાગે કે તરત હુમલો કરી બેસે છે. લગભગ લુપ્ત થવાનાં આરે આવીને ઊભેલી આ જનજાતિને સરકારે રક્ષણ આપ્યું છે.

જારવા આરક્ષિત ક્ષેત્ર પૂરું થતાં જ મિડલ સ્ટ્રેટ નામનાં સ્થળેથી ફેરી મારફતે સામે કાંઠે બારતાંગ પહોંચી શકાય છે. અહીંથી ટિકિટ ખરીદીને સ્પીડ બોટ મારફતે મેન્ગ્રોવ્ઝનાં જંગલોની સફર અને કુદરતની કારીગરીનો અદભુત પરિચય આપતી ચૂનાના પથ્થરોથી કુદરતી રીતે જ સર્જાયેલી વિશાળ લાઇમ કેવ્સ જોઈ શકાય છે. અહીં જંગલોની વચ્ચે વન વિભાગ દ્વારા મેન્ગ્રોવ્ઝ ટ્રેઇલ બનાવવામાં આવી છે, જેનાથી મેન્ગ્રૂવ્સ સાથે પરિચય કેળવી શકીએ. આંદામાનમાં આવેલું આ જંગલ ભારતનું સૌથી વિશાળ મેન્ગ્રોવ્ઝ ફોરેસ્ટ છે. અહીં આશરે બે કિમીનો એક ટ્રેક છે. એ ટ્રેક પર ચાલતાં ચાલતાં અવનવાં પતંગિયાંઓ રસ્તા પર જાણે આપણું સ્વાગત કરવા ઊમટી પડે છે. મધદરિયે આટલી વિશાળ વનરાજી, કુદરતે મુ્ક્તમને ખુલ્લું મૂકેલું નૈસર્ગિક સૌંદર્ય. એમાંયે વળી ફળદ્રુપ જમીન, જંગલી આંબાઓનાં અને અન્ય ફળોનાં વિશાળ ઘટાટોપ વૃક્ષો વગેરે જોઈને જાણે કુદરત માટે માન ઊપજી આવે. કુદરતનાં આવાં બેજોડ સર્જન જોઈને નાસ્તિક વ્યક્તિઓ પણ વચ્ચે વચ્ચે શ્રદ્ધાનાં વહાણમાં સવારી કરી લેતી હોય તો નવાઈ નહિ. અહીંની ચૂનાના પથ્થરોની ગુફાઓનું સર્જન કુદરતી રીતે થયું છે અને ખૂબ જ વિસ્મયકારક છે. આખો ટ્રેક અલગ અલગ જાતનાં વૃક્ષોનાં પરિચય માટે ઉમદા છે. જેઓને પતંગિયાં જોવામાં રસ હોય તેઓ અહીં અઢળક પ્રજાતિનાં વિવિધ પતંગિયાં સરળતાથી જોઈ શકે છે. અહીંથી બોટ મારફતે જ બારતાંગ પરત ફરીને જંગલમાં આવેલ ‘મડ વોલ્કેનો’ જોઈ શકાય છે. આ જ્વાળામુખી ભારતનો એક માત્ર જીવંત જ્વાળામુખી છે. તેમાંથી મંદ મંદ ગતિએ કીચડ સતત નીકળ્યા કરે છે. પરિણામે તે ‘મડ વોલ્કેનો’ તરીકે ઓળખાય છે. અહીં નજીકમાં જ પૅરોટ આઇલેન્ડ છે, જ્યાં રોજે સાંજે હજારોની સંખ્યામાં સુડા પોપટ એક સાથે આવે છે અને રાતવાસો કરે છે અને સવાર પડતાં જ ટાપુ છોડીને ક્યાંક ઊડી જાય છે. છે ને કુદરતની લીલા ન્યારી?

બારતાંગ પહોંચવા માટે સૌથી સરળ વિકલ્પ અહીંની સરકારી બસ છે, જે વહેલી સવારે ત્રણ વાગ્યે, નવ વાગ્યે અને 11 વાગ્યે એમ ત્રણ કાફલામાં ઊપડે છે. તેનું બુકિંગ આંદામાન ટુરિઝમની વેબસાઇટ પર સરળતાથી કરી શકાય છે. યોગ્ય સમયે બસ પકડવી જરૂરી છે. બારતાંગમાં મોબાઈલ નેટવર્કની સુવિધા નથી, પણ રહેવા માટે હોટેલ્સ મળી રહે છે. જો કે અહીં રાતવાસો કરવા કરતાં પૉર્ટ બ્લેર પાછું આવવું વધારે હિતાવહ છે અથવા તો વધારે આગળ રંગત ટાપુ તરફ પણ જઈ શકાય. બારતાંગ એ માત્ર જંગલ જ નહિ, પણ એક સાવ અનોખી ઇકો સિસ્ટમ છે. એટલે એનો અનુભવ પ્રત્યક્ષ કરવો ખૂબ જ ઇચ્છનીય છે. માત્ર બારતાંગ જ નહીં, પણ જારવા રિઝર્વ અને અહીં વસતી આ અનોખી જનજાતિને જોવી એ પણ એક લ્હાવો જ છે. માત્ર લાલ રંગનાં વસ્ત્રો તરફ તેઓને ખૂબ જ આકર્ષણ છે. તેઓ આપણી ભાષા, આપણી સભ્યતા, આપણો ખોરાક કે આપણી જીવનશૈલી વિશે ખાસ કશું જ નથી જાણતા. તૂટેલાં જહાજોમાંથી લોખંડ મેળવીને તેઓ હથિયાર બનાવે છે અને શિકાર પ્રવૃત્તિમાં રત રહેતા હોય છે. તેઓ 1972ના વાઇલ્ડ લાઈફ એક્ટથી બાકાત છે. જો કે આમ તો સમગ્ર કાયદા પ્રણાલી સાથે તેઓને કોઈ જ નિસબત નથી. તેઓ રહસ્યમય રીતે આપણાથી યોગ્ય અંતર જ રાખવા માગે છે, જે ખરેખર આશ્ચર્યજનક કહી શકાય. સરકારે ઘણા પ્રયત્નો કરી જોયા એ જનજાતિ સાથે સંપર્કો કેળવવાના, પણ સઘળા નિષ્ફળ નીવડ્યા. આજે માત્ર વન વિભાગ અને પોલીસના અમુક જવાનો તેઓના મુખિયાને મળી શકે છે.

આંદામાનના ઘણાખરા ટાપુઓ આજે પણ વણખેડાયેલા છે અને ત્યાં વસતા લોકોને દુનિયા સાથે કશી જ નિસ્બત નથી કે તેઓ દુનિયાનાં કોઈ પણ વ્યક્તિને પોતાની દુનિયામાં દખલ કરવા પણ નથી દેતા. અહીં આવેલ નોર્થ સેન્ટિનલ ટાપુ પર તો કોઈ જઈ જ નથી શકતું. જેણે જેણે કોશિશ કરી છે એ સઘળા લોકો મોતને ભેટ્યા છે અથવા તો માંડ માંડ હેમખેમ પરત આવ્યા છે. જો કે બહારી દુનિયા સાથે સંબંધ નહિ બનાવવાનું કારણ પણ એક રહસ્ય જ છે. ભારત સરકારે પણ આ રહસ્ય પરથી પડદો ન ઊંચકાય અને નોર્થ સેન્ટિનલ પર રહેતા લોકોની સુરક્ષાના કારણોસર અહીંના આસપાસની પાંચ કિમી રેડિયસમાં પ્રવેશ પર હંમેશ માટે પ્રતિબંધ મૂક્યો છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)